Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરવેરામાં રૂ।. ૯ કરોડથી વધુ રકમનો વધારો સૂચવાયોઃ નવા વિકાસકામો-નવી સુવિધાઓનો પ્રસ્તાવઃ
જામનગર તા. ૩૧: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે મળી હતી, જેમાં વર્ષ ર૦ર૬-ર૭ નું રૂ।. ૧૮૬૦ કરોડના ખર્ચવાળુ અંદાજપત્ર ચેરમેન સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પાણી વેરામાં રૂ।. ૧૦૦ નો વધારો ઉપરાંત સોલીડ વેસ્ટ ચાર્જ, સ્ટ્રીટ લાઈટચાર્જ, ભૂગર્ભ ગટર જોડાણ ચાર્જ, ભોેં ભાડા વગેરેમાં વધારો સૂચવાયો છે. આ કર-દર વધારાથી મહાનગરપાલિકાને રૂ।. ૯ કરોડ ૧૦ લાખની આવક વધુ થશે. આ ઉપરાંત અનેક નવા કામો સૂચવાયા છે.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે સાંજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં રૂ।. ૧૮૬૦ કરોડના ખર્ચવાળુ આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર કમિશનર ડી.એન. મોદી દ્વારા ચેરમેન નિલેષ કગથરાને સુપ્રત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સમિતિના સભ્યો, અન્ય વિભાગીય અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
ઉઘડતી પુરાંત રૂ।. ૪૦૩.૧૯ કરોડ, મહેસુલી આવકમાં સ્વભંડોળની આવક રૂ।. ૩૯૮.૧પ કરોડ અને ગ્રાન્ટની આવક રૂ।. ૧૪૪.૦પ કરોડ, કેપિટલ સ્વભંડોળની આવક રૂ।. ૧૧૬.ર૦ કરોડ, કેપિટલ ગ્રાન્ટ આવક રૂ।. ૧૦૦૮.૪૦ કરોડ, અનામત આવક રૂ।. ૭૦.પ૦ કરોડ, અને એડવાન્સ આવક રૂ।. ૭.૧૦ કરોડ મળી કુલ આવક રૂ।. ૧૭૪૪.૪૦ કરોડ અને ઉઘડતી સીલક સહિત કુલ રૂ।. ર૧૪૭.પ૯ કરોડ સામે ચર્ચાની વિગત જોઈએ, તો મહેસુલી ખર્ચમાં સ્વભંડોળ ખર્ચ રૂ।. ૪૭૪.૦૯ કરોડ, ગ્રાન્ટ ખર્ચ ૮૯.૦૧ કરોડ, કેપિટલ સ્વભંડોળ ખર્ચ રૂ।. ૭૭.૯૦ કરોડ, કેપિટલ ગ્રાન્ટ ખર્ચ રૂ।. ૧૧પ૮.૪૦ કરોડ, અનામત ખર્ચ રૂ।. પપ.ર૦ કરોડ, તેમજ એડવાન્સ ખર્ચ રૂ।. પ.૪૦ કરોડમાંથી કુલ ખર્ચ રૂ।. ૧૮૬૦ કરોડ અને બંધ પુરાંત રૂ।. ર૮૭.પ૯ કરોડ દર્શાવાયા છે. પાણી પુરવઠાના અંદાજીત રૂ।. ૮૭ કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે, જે પૈકી અત્યાર સુધીમાં રૂ।. ૬ર કરોડનો ખર્ચ થયો છે. જેમાં મુખ્યત્વે નવા બનેલા વિસ્તારોમાં ૩૦ કિ.મી. ડી.આઈ. પાઈપલાઈન સહિતના કામો નાઘેડીમાં ૩૦ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ, ઈએસઆર સમ્પ વિગેરેનો સમાવેશ થાય છે.
ગંદા ઘરવપરાશના પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે રૂ।. ૧૧૦ કરોડના કામો પૈકી રૂ।. ૧૦૦ કરોડના કામો પૂર્ણ થયેલ છે. શહેરના માર્ગો રોશનીથી સુશોભિત કરવા માટે રૂ।. ર.૭૦ કરોડ પૈકી રૂ।. ૧ કરોડના કામો પૂર્ણ થયા છે. રિન્યુએબલ એનર્જી પ્રોજેકટ અંતર્ગત સોલાર પેનલ ફિટીંગ અને સોલાર એનર્જી જનરેશનના રૂ।. ૬ કરોડના કામો પૈકી રૂ।. ૩.૮૬ કરોડના કામો પૂર્ણ થયા છે. શહેરમાં બે સિવિક સેન્ટર, ત્રણ ફાયર સ્ટેશન, નવા ટીપી રોડમાં રીકાર્પેટીંગ, સીસી રોડ, પેવર બ્લોકના અનેક કામો પૂર્ણ થયા છે. લાખોટા કોઠા, ખંભાળિયાનાકા દરવાજા, ભૂજિયા કોઠાને એકબીજા સાથે જોડવાનું અને ફ્લાય ઓવર બ્રિજના ૬ કામો પૈકી હાપા યાર્ડ પાસેના બ્રિજનું કામ પૂર્ણ થયું છે, જ્યારે લાલપુર બાયપાસ જંક્શન ઉપર સિક્સ લેન એલીવેરેડ ફ્લાય ઓવર બ્રિજ, ઠેબા જંકશન ઉપર સિક્સ લેન એલીવેટેડ ફ્લાય ઓવર બ્રિજ, સમર્પણ જંકશન પર ફોરલેન ફ્લાય ઓવર બ્રિજ, સૈનિક ભવન પાસે રેલવે ઓવરબ્રિજ અને રંગમતી ઓવર બ્રિજનું કામ પ્રગતિમાં છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. પીએમ ઈ-બસ ડેપોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ચેલા માર્ગે નવા સ્મશાન બનાવવાનું આયોજન છે. પાંચ ગૌરવ પથના આયોજનમાંથી શરૂસેક્શનનું કામ પૂર્ણ થયું છે, જ્યારે બાકી રહેલ સાત રસ્તાથી સુમેરક્લબ રોડ, સુમેર ક્લબથી પવનચક્કી, પવનચક્કીથી લાલપુર બાયપાસ અને કેવી સમર્પણથી પાયલોટ બંગલાના રૂ।. ૧૦૦ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે.
શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાનું કામ પ્રગતિમાં છે. વાલ્કેશ્વરીનગરીમાં દાદા-દાદી પાર્ક બનાવવાનું આયોજન છે. ઉપરાંત ટી.પી., ડી.પી. રોડના આયોજનો પણ દર્શાવાયા છે. વર્ષ ર૦રપ-ર૬ ના રૂ।. ૧૦૦૪.ર૩ કરોડના વિકાસ કામો પૈકી વર્ષાન્તે રૂ।. ૭૬૯.૩૦ કરોડના કામો પૂર્ણ થવાની ધારણા છે.
હાલ શહેરમાં ઘણાં વર્ષોથી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. હાલ શહેરના છ ઝોનમાં દૈનિક ધોરણે પાણી વિતરણ કરવામાં આવે છે. વર્ષ ર૦ર૬ માં તમામ ઝોનમાં દૈનિક ધોરણે પાણી વિતરણ કરવાનું આયોજન છે.
ઉપરાંત ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, સિટી લોજિસ્ટિક પ્લાન, લાયબ્રેરી, આવાસ યોજના, રાત્રિ બજાર, મુખ્ય શાક માર્કેટ, ટી.પી-ડી.પી. રોડના આયોજન છે. રૂ।. ૧૦ કરોડના ખર્ચે ચિલ્ડ્રન ટ્રાફિક અવેરનેસ પાર્ક બનાવવાનું આયોજન છે.
શહેરની આગવી ઓળખ સમાન દરબારગઢ, એક દાંડિયો મહેલ, બર્ધનચોક, માંડવી ટાવર જેવા ઐતિહાસિક સ્મારકોનું રેસ્ટોરેશન-કન્ઝરર્વેશનના રૂ।. ર૦ કરોડના ખર્ચવાળા કામનું આયોજન છે. ઉપરાંત બ્યુટીફિકેશન, હેલ્થ સેન્ટર વિગેરેના કામનું પણ આયોજન છે. ઉપરાંત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બોક્સ કેનાલ, શહેરી વન, પાથ-વે, ગ્રીન રૂફ સિસ્ટમ, ઘનિષ્ઠ વૃક્ષારોપણ, વોટર હાર્વેસ્ટીંગ, ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સહિતના કામોનું આયોજન કરાયું છે.
શહેરની હદમાં વધારો થતા અને વસ્તી વધારો થતા આર્થિક ભારણ ઉપસ્થિત થયું છે. આથી કર-દરમાં વધારો કરવાની જરૂરિયાત છે. હાલ પાણી વેરાના વાર્ષિક રૂ।. ૧૪૦૦ ના બદલે રૂ।. ૧પ૦૦ એટલે કે રૂ।. ૧૦૦ નો વધારો સૂચવાયો છે. તેમજ ભોભાડામાં ૧૦ ટકા, કારખાના લાયસન્સ ફીમાં ૧૦ ટકા, જાહેરાત દરમાં ૧૦ ટકાનો વધારો સૂચવાયો છે, જ્યારે સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં રૂ।. પાંચનો વધારો (રહેણાંક) અને બિનરહેણાંકમાં રૂ।. ૧પ નો વધારો પ્રતિમાસનો સૂચવાયો છે. ગ્રીનટી ચાર્જમાં બમણો વધારો, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જમાં રહેણાંકમાં ૧ર૦૦ ના બદલે રૂ।. ૧પ૦૦ અને બિનરહેણાંકમાં રપ૦૦ ના બદલે ૩૦૦૦ વાર્ષિક સૂચવાયા છે. રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતસાગર પાર્ક, સિટી મ્યુઝિયમમાં એન્ટ્રી ફીમાં પાંચ રૂપિયાનો વધારો, તળાવની પાળે ઈવનિંગ જોગીંક પાસમાં રૂ।. ૧૦૦ નો વધારો, સ્ટ્રીટ લાઈટ ચાર્જ, રહેણાંકના વાર્ષિક રૂ।. ૧૦૦ ના બદલે ર૦૦, બિનરહેણાંકમાં ર૦૦ ના બદલે ૩૦૦ અને ઈન્ડ.માં ૪૦૦ વાર્ષિક વસૂલવા સૂચવાયું છે. આમ કર-દર વધારાથી રૂ।. ૯ કરોડ ૧૦ લાખની આવકમાં વધારો થશે. આ સાથે વર્ષ ર૦રપ-ર૬ નું રિવાઈઝ્ડ અંદાજપત્ર પણ રજૂ કરાયું હતું, જેમાં આવકમાં રૂ।. રપપ.૬૮ કરોડનો ઘટાડો દર્શાવાયો છે.
મહેસુલી આવક અને ખર્ચની વિગત જોઈએ તો ટેક્સની આવક રૂ।. ૧ર૧.૦૧ કરોડ, ટેક્સ વગરની આવક રૂ।. ર૧૬.ર૬ કરોડ, એજ્યુકેશન શેષ, લેબર વેલફેર આવક રૂ।. ૩ર.૧૦ કરોડ, ઓક્ટ્રોય ગ્રાન્ટ આવક રૂ।. ૪૦ કરોડ, અન્ય ગ્રાન્ટ આવક રૂ।. ૧૦૪.૦૪ કરોડ, અન્ય આવક રૂ।. ર૮.૭૯ કરોડ મળી કુલ રૂ।. પ૪૨.ર૦ કરોડ સામે ખર્ચમાં એસ્ટા. ખર્ચ (સ્ટાફ) ૧૧૪.૧૬ કરોડ, એસ્ટા. ખર્ચ (સફાઈ) રૂ।. ૧પ૩.પર કરોડ, એસ્ટા. જેએમટીએસ રૂ।. ૬.ર૪ કરોડ, મરામત નિભાવ ખર્ચ રૂ।. ૮૩.૦૦ કરોડ, લોન વ્યાજ રૂ।. ૦.રપ કરોડ, મહેસુલી ગ્રાન્ટ ખર્ચ રૂ।. ૮૯ કરોડ, એજ્યુ. શેષ એજ્યુ. લેબર વેલફર સરકારમાં જમા ર૯.પ૦ કરોડ, નક્કી થયેલ પ્રોગ્રામ ખર્ચ રૂ।. ૯.૩૧ કરોડ, જાહેર શિક્ષણ ખર્ચ રૂ।. રપ.૧પ કરોડ, પરચુરણ ખર્ચ રૂ।. ર૪.૩૧ કરોડ અને કેપિટલ ખાતે ટ્રાન્સફર રૂ।. ૧૮.પ૩ કરોડ મળી કુલ ખર્ચ રૂ।. પ૬૩.૧૦ કરોડ દર્શાવાયો છે.
તા. ૩૦-૧૧-ર૦રપ ની સ્થિતિએ કુલ જવાબદારી રૂ।. ૧,૦ર,૭૦૧.૬૯ લાખ, તા. ર૬-૧-ર૦ર૬ ની સ્થિતિએ મહાનગરપાલિકાનું લેણું રૂ।. ૮૪,૮૮૮.૬૪ લાખ, તા. ર૬-૧-ર૦ર૬ ની સ્થિતિએ હાઉસ ટેક્સની રૂ।. પપ૦ કરોડ ૯૦ લાખ ૬૪ હજાર ર૪પ ની વસૂલાત બાકી છે. તેવી જ રીતે તા. ર૬-૧-ર૦ર૬ ની સ્થિતિએ વોટર વર્કસની રૂ।. ૧૪ર કરોડ ૪૯ લાખ, ૭૮ હજાર ૬૩૭ ની વસૂલાત બાકી છે.
વર્ષ ર૦ર૬-ર૭ માં માથાદીઠ આવક રૂ।. ૮૮૯૩ અને વર્ષ ર૦રપ માં માથાદીઠ દેવું રૂ।. ૧૩,૮૪૬ દર્શાવાયું છે.
આમ ગઈકાલે મ્યુનિ. કમિશનર દ્વારા વર્ષ ર૦ર૬-ર૭ નું અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરાયું હતું. હવે આગામી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં તેમાં સુધારા-વધારા કરી બજેટને સામાન્ય સભા રફ મોકલી અપાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial