Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વડીલ વાત્સલ્ય ધામમાં ર૬ જાન્યુઆરીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞઃ ર૭ પોથીનું સ્થાપન

તમામ ભૂદેવો દ્વારા ૧૮ હજાર શ્લોકનું પારાયણ, રૂક્ષ્મણી વિવાહમાં માતા-પિતા વિહોણા દીકરી-દીકરાનો લગ્નોત્સવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરમાં અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત તથા વૃદ્ધોના આશ્રય સ્થાન એવા તપોવન ફાઉન્ડેશન દ્વારા તા. ર૬-૧-ર૦ર૬ થી તા. ૧-ર-ર૦ર૬ સુધી માતૃશ્રી શ્રીમતી ઈચ્છાગૌરી છોટાલાલ જાની 'વડીલ વાત્સલ્ય ધામ'ના વિશાળ પરિસરમાં કંકુનગર, વિજરખી, અલિયાબાડાના પાટિયા પાસે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભવ્ય અને મેગા આયોજન અંગે જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં તપોવન ફાઉન્ડશનના સ્થાપક દાતા રાજેનભાઈ જાની, ટ્રસ્ટીઓ પરેશભાઈ જાની તથા શ્રીમતી વસુબેન ત્રિવદી (પૂર્વ રાજ્યમંત્રી) એ જણાવ્યું હતું કે, તપોવન ફાઉન્ડેશનના વડીલ વાત્સલ્ય ધામમાં છેલ્લા ૭ વર્ષમાં સ્વર્ગવાસ પામેલા સંસ્થા નિવાસી ર૭ વડીલોના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય ૫ોથી ઉપરાંત ર૭ પોથીઓનું સ્થાપન કરાશે.

કથાના વ્યાસાસને સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્યામભાઈ ઠાકર બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય દરરોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધીનો રહેશે. કથા શ્રવણ માટે બહારથી પધારેલા તમામ ભાવિકો માટે દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ ભાગવત કથા સાથે ૧૮,૦૦૦ શ્લોકોનું વિદ્વાન શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદી (રાજકોટ) ના આચાર્યપદે શ્રીમદ્ ભાગવત મૂળપારાયણનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કથા મંડપની બાજુમાં જ ૩૦ વિદ્વાન ભૂદેવો દ્વારા સંસ્કૃતમાં શ્લોકોનું પઠન કરવામાં આવશે.

આ કથા દરમિયાન તા. ૩૧-૧-ર૦ર૬ ના રૂક્ષ્મણી વિવાહના પ્રસંગ સમયે માતા-પિતા વગરના એક દીકરી-દીકરાનો લગ્ન પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવશે.

કથાના પ્રારંભે તા. ર૬/૧ ના સવારે ૧૦ વાગ્યે મુખ્ય પોથી સહિત ર૮ પોથીઓની ભવ્ય પોથીયાત્રા નીકળશે.

આ કથા દરમિયાન સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, પ-નવતનપુરી ધામના આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ, ભવનાથ-જૂનાગઢના શેરનાથ બાપુ, મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય, સ્વામિનારાયણ મંદિરના ચતુર્ભૂજદાસ સ્વામી તથા અન્ય સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.

આ ભાગવત કથાના આયોજન પછી આગામી પુરુષોત્તમ માસમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૮ બહેનો માટે દ્વારકા યાત્રાધામની નિઃશુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ આગામી ર૦ર૭ માં ૧૪ મી માર્ચે ૧૦૮ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદ પ્રસંગે બ્રહ્મસમાજના અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદી તથા ધીરૂભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આયોજકોએ વધુને વધુ લોકો આ ધાર્મિકોત્સવમાં ઉપસ્થિત રહી કથાશ્રવણનો ધર્મલાભ લ્યે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh