Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શિક્ષિકાની આત્મહત્યાના કેસમાં ત્રણ આરોપીને સાત વર્ષની કેદ-દંડ

પોણા ત્રણ વર્ષ પહેલાં શિક્ષિકાએ ખાધો હતો ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના પંચવટી વિસ્તારમાં વસવાટ કરતા એક શિક્ષિકાએ પોણા ત્રણ વર્ષ પહેલાં પોતાના જ ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેઓની લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ બેડીના ત્રણ શખ્સના ત્રાસથી આત્મહત્યા કરતા હોવાનો ઉલ્લેખ કર્યાે હતો. પોલીસે શિક્ષિકાના ભાઈની ફરિયાદ પરથી ત્રણ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતા અદાલતે ત્રણેય આરોપીને સાત-સાત વર્ષની સજા ફટકારી છે.

જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી પંચવટી સોસાયટીમાં વસવાટ કરતા અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા નુરજહાંબેન ઈબ્રાહીમભાઈ હુંદડા (ઉ.વ.ર૮) નામના યુવતીએ ગઈ તા.૧૭-૫-૨૦૨૩ના દિને પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી હતી. ત્યાં દોડી ગયેલી પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો ત્યારે ત્યાંથી ઈંગ્લીશમાં લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

આ મરણનોંધમાં નુરજહાંબેને પોતાને અફરોઝ તૈયબ ચમડીયા, રઝાક નુરમામદ સાયચા અને અખ્તર ઉમર ચમડીયા નામના શખ્સો ત્રાસ આપતા હોવાથી પોતે મરી જવા માટે મજબૂર બન્યાની અને તેના કારણે આત્મહત્યા વ્હોરતા હોવાની વિગત લખેલી હતી. પોલીસે તે નોંધ ધ્યાને લીધી હતી અને મૃતક યુવતીના ભાઈ ઈશાકભાઈ હુંદડાની ફરિયાદ પરથી ઉપરોક્ત ત્રણેય શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો.

આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે રજૂ કરેલા પુરાવા, સ્યુસાઈડ નોટ તેમજ પોલીસતંત્ર દ્વારા રજૂ થયેલા પુરાવાઓ ગ્રાહ્ય રાખી આરોપી રઝાક નુરમામદ સાયચા, અખ્તર અનવર ચમડીયા, અફરોઝ તૈયબ ચમડીયાને તક્સીરવાન ઠરાવ્યા પછી ગઈકાલે ત્રણેય આરોપીને સાત-સાત વર્ષની કેદ અને રૂ।.પ-પ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી દીપક આર. ત્રિવેદી રોકાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત કેસ જામનગર શહેરમાં અત્યંત ચકચારી બન્યો હતો. આ કેસમાં ફરિયાદી ઈશાકભાઈ હુંદડાએ પોતાનો કેસ લડવા માટે સદ્ગત વકીલ હારૂન પલેજાને રોક્યા હતા અને વર્ષ ૨૦૨૪ના માર્ચ મહિનામાં હારૂનભાઈ પલેજાની બેડી વિસ્તારમાં કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ વકીલ ઉપરોક્ત કેસ લડતા હતા તે સામાપક્ષને ગમ્યું ન હતું અને તેના કારણે હત્યા કરાયાનું જે તે વખતે જાહેર થયું હતું.

શિક્ષિકાનો કેસ હાથમાં લેનાર એડવોકેટની  પોણા બે વર્ષ પહેલાં થઈ હતી નિર્મમ હત્યા

ઉપરોક્ત ચકચારી કેસમાં સદગત શિક્ષિકાના ભાઈએ પોતાના કેસ માટે બેડીમાં રહેતા એડવોકેટ હારૂનભાઈ પલેજાને રોક્યા હતા. તેઓની કાર્યદક્ષતાથી પરિચિત એવા આરોપીઓને આ કેસમાં સજા થવાની ભીતિ લાવી રહી હતી તેથી કેસના પ્રાથમિક તબક્કામાં જ્યારે એડવોકેટ હારૂન પલેજા તેમજ ફરિયાદી કોર્ટમાં તારીખે આવ્યા હતા ત્યારે આરોપી પક્ષના કેટલાક લોકોએ તેઓને ત્યાં જ ધમકી આપી હતી. તેમ છતાં ફરિયાદી કે તેઓના વકીલ ડગ્યા ન હતા. ત્યારપછી હારૂનભાઈ પલેજાનો કાંટો કાઢી નાખવા અમૂક શખ્સોએ કારસો રચી વર્ષ ૨૦૨૪ના માર્ચ મહિનામાં ચાલતા રમઝાન પર્વ દરમિયાન રોઝું છોડીને એક સાંજે જ્યારે એડવોકેટ હારૂન પલેજા પોતાના બાઈક પર પરત ફરતા હતા ત્યારે રસ્તામાં રોકી લઈ તેઓની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારપછી પોણા બે વર્ષે શિક્ષિકાના આત્મહત્યા પ્રકરણમાં ત્રણ આરોપીને સજા મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh