Advertisement
Author: નોબત સમાચાર

પૂર્ણ યુદ્ધના ભણકારા વચ્ચે તંત્રો સાબદા.... પાર્થને કહો ચઢાવે બાણ.. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ...?

                                                                                                                                                                                                      

ગઈકાલે પણ પાકિસ્તાને યુદ્ધ વિરામ ભંગ કરીને ભારતીય સરહદે 'એલઓસી' પર ફાયરીંગ ચાલુ રાખ્યું અને નિર્દોષ નાગરિકોની વસાહતોને ટાર્ગેટ બનાવી, અને ભારતે તેનો યોગ્ય જવાબ આપ્યો, તે ઉપરાંત બારામુલાથી સરક્રીક-કચ્છ સુધીની સરહદો પરથી પાકિસ્તાને ડ્રોન એટેક કર્યો. તેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો, તો પછી મોડી રાત્રે પણ આ નાપાક હરકતો ચાલી રહી હતી, તે દરમિયાન ભારતની ચિંતાને અવગણીને આઈએમએફ દ્વારા પાકિસ્તાનને કરોડો ડોલરનું ફંડ મંજૂર કરાયા હોવાના અહેવાલો પણ આવ્યા, જેથી ભારતના પાકિસ્તાનને ગ્રે લિસ્ટ આપવા બ્લેક લિસ્ટમાં મૂકવાના પ્રયાસો વિફળ થયા હતાં, અને ભારતે જોરદાર વિરોધ પણ નોંધાવ્યો છે, તો બીજી તરફ વિશ્વ બેંકે સિંધૂ સમજુતિ મુદ્દે કોઈ હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરીને પાકિસ્તાનને જબરદસ્ત ઝટકો આપ્યો હતો, એટલું જ નહી, અમેરિકાએ પણ ભારતને શસ્ત્રો હેઠા મૂકવાનું દબાણ ન કરી શકાય, અને ભારત અને પાકિસ્તાનની વર્તમાન તંગદીલી વચ્ચે અમેરીકા હસ્તક્ષેપ નહીં કરે, તેવું કહીને પાકિસ્તાનને ઝટકો આપ્યો હતો. જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદીલી ઝડપથી ઘટી જાય અને યુદ્ધ જેવી સ્થિતિ વધુ ન વકરે, તેવું ઈચ્છનીય હોવાનું નિવેદન આપ્યા પછી પણ પાકિસ્તાને ડ્રોન એટેક ચાલુ રાખ્યો, તેથી ઓપરેશન સિંદૂર હવે પૂર્ણકક્ષાના યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હોવાનુ પ્રતિત થઈ રહ્યું છે.

આજે વહેલી સવારે સવા ત્રણેક વાગ્યાના સુમારે પાકિસ્તાની સેનાએ નિવેદન આપ્યુ કે ભારતે પાકિસ્તાનના ત્રણ સૈન્ય એરબેઈઝ પર બેલાસ્ટિક મિસાઈલ્સથી હૂમલો કર્યો છે, તે પછી તેના સંદર્ભે ભારતીય સેના અને વિદેશ મંત્રાલય તરફથી સવારે દસેક વાગ્યે જે પ્રેસ મિટિંગ થયું, તે પછીની સ્થિતિ આપણી સામે છે.

પાકિસ્તાને તેનું એરબેઈઝ ગઈકાલે રાત સુધી બંધ કર્યુ નહોતુ અને ફલાઈટો ચાલુ રાખી હતી, જેથી નાગરિક વિમાનોની આડમાં ભારત પર ડ્રોન એટેક થઈ શકે, અને ભૂલેચૂકેથી ભારતીય ડ્રોન કે મિસાઈલ પાકિસ્તાની એરપોર્ટ પરથી ઉડેલા કોઈ નાગરિક વિમાનને લાગી જાય, તો ભારત સામે કાગારોળ કરીને વિશ્વ સમુદાયને ગેરમાર્ગે દોરી શકાય, તેવી રણનીતિ રહી હતી.

આમ પોતાના જ નિર્દોષ નાગરિકો તથા ફલાઈટોમાં પ્રવાસ કરતા સંભવિત પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકીને આવી કાયરતાપૂર્ણ રણનીતિ પાકિસ્તાને અપનાવી, તેની દુનિયાભરમાં ટીકા થઈ રહી હતી.

આજે પરોઢના ચારેક વાગ્યાથી પાકિસ્તાને બપોર સુધી એરસ્પેસ બંધ કરીને તમામ ફલાઈટો રદ્દ કરવાની જે જાહેરાત કરવી પડી, તેની પાછળ પણ તેની ચાલાકીના દુષપરિણામો જ કારણભૂત છે. ભારતના નિર્દોષ નાગરિકો પર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળા ફેંકવા અને ગોળીબાર કરવો, તૂર્કીયેના તકલાદી ડ્રોનની વર્ષા કરીને પોતાની પ્રજાને પણ ગૂમરાહ કરીને પોતાની પીઠ થાબડવી અને પોતાના જ નિર્દોષ નાગરિકો તથા પ્રવાસીઓની આડમાં (તેઓનો જીવ જોખમમાં મૂકીને) ભારતના હૂમલાઓ ખાળવા તથા ડ્રોનવર્ષા જેવી હરકતો કરવી, એવી કાયરતાપૂર્ણ, અમાનવીય અને અનૈતિક હરકતોથી પાકિસ્તાની સેના અને સરકાર વિશ્વ સમક્ષ વામણાં પૂરવાર થયા છે.

ભારતીય સેનાએ જમ્મુ નજીક આતંકવાદીઓના અડ્ડા સાથેનું ડ્રોન છોડવાનું લોન્ચ પેડ ધ્વસ્ત કરીને આજે ઝબરો ઝટકો આપ્યો છે, પરંતુ હજુ સુધી ભારતે યુદ્ધ જાહેર કર્યુ નથી અને માત્ર આતંકવાદીઓ તથા તેના મદદગારોને ટાર્ગેટ કરીને ઓપરેશન સિંદૂરને લાંબાગાળા માટે યથાવત રાખવાનું જાહેર કરીને જવાબદારીપૂર્વક પાકિસ્તાનની હરકતોનો સંયમિત પરંતુ મક્કમ જવાબ આપવાની રણનીતિ અપનાવાઈ રહી છે. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી જે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે, દેશવ્યાપી મોકડ્રીલ યોજીને નાગરિકોને યુદ્ધના સમય માટે પ્રશિક્ષિત કરાઈ રહ્યાં છે, અને આવશ્યક ચીજવસ્તુઓ, રોજિંદી સેવાઓ અને લોજિસ્ટિક સપોર્ટના સાધનોની સમીક્ષા થઈ રહી છે, તે જોતા આ ઓપરેશન હવે પૂર્ણ કક્ષાના યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યાં છે.

ભારતે પણ જામનગર સહિતના દેશના ર૮ એરપોર્ટ ૧પમી મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે, અને રોજેરોજ ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ તથા કેન્દ્રીય મંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો તથા પૂર્વ સૈન્ય ઉચ્ચ અધિકારીઓ સાથેની વડાપ્રધાન સાથે યોજાતી મેરેથોન બેઠકો તથા બીજી હરોળની સપોર્ટીંગ સેનાની મદદ લેવાની અપાયેલી છૂટ વિગેરે જોતા ઓપરેશન સિંદૂર લાંબુ ચાલશે અને જો પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ રહેશે, તો પૂર્ણ કક્ષાનું પરિણામલક્ષી યુદ્ધ કરીને આઝાદીકાળથી ભારતના જમ્મુ-કાશ્મીરમાં ઘૂસેલી પાકિસ્તાની સેનાને તેના મૂળ સ્થાને ખસેડવાનું ભારતનું મૂળ લક્ષ્ય સિદ્ધ કરવાના પ્રયાસો પણ થઈ શકે છે, તેમાં સંદેહને કોઈ સ્થાન નથી.

દેશભરમાં યુદ્ધની સ્થિતિને લઈને જે તૈયારીઓ થઈ રહી છે અને તંત્રોને સાબદા કરાઈ રહ્યાં છે, તે જોતા હવે આર-યા-પાર ની લડાઈ થવા જઈ રહી હોય, તેવી મજબૂત સંભાવનાઓ હવે ટૂંક સમયમાં વાસ્તવિકતામાં બદલાઈ જશે તેમ જણાય છે. હાલારમાં પણ યુદ્ધની સ્થિતિને લઈને તમામ તંત્રો સાબદા છે.. કંટ્રોલરૃમો ખૂલ્યા છે અને સરકારી હોસ્પિટલો, જરૃરી પડે તો આશ્રયસ્થાનો, અંધારપટ અને લોજિસ્ટિક સપોર્ટ તથા આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા સહિતની સમીક્ષાઓ જોતા એવું કહી શકાય કે "હવે પાર્થને કહો ચઢાવે બાણ... હવે તો યુદ્ધ એ જ કલ્યાણ...."

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh