Advertisement
Author: નોબત સમાચાર

બાઈકનું ટાયર ફાટતા અકસ્માતમાં યુવકનું મોતઃ હરીપર પાસે બાઈકની સાથે મોટર ટકરાતા પ્રૌઢે જિંદગી ગૂમાવી

અસ્થિ વિસર્જન માટે જતાં પરિવારની મોટર પાછળ બસ ટકરાઈઃ ડમ્પરના ઠાઠામાં બાઈક ઘૂસ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટીયા પાસે બે સપ્તાહ પૂર્વે એક બાઈકમાં આગળના વ્હીલનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. સિક્કા પાટીયા પાસે રોડ ક્રોસ કરતી બોલેરોને ખાનગી બસે ટક્કર મારી નુકસાન સર્જયું છે. ભેંસદળથી પીયાવા ચોકડી વચ્ચે પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર રાખી દેવાયેલા ડમ્પર પાછળ બાઈકચાલક ટકરાઈ પડતા ફ્રેક્ચર સહિતની ઈજા પામ્યા છે. ગઈકાલે સાંજે લાલપુરના હરીપર પાસે બાઈકને મોટરે ઠોકર મારતા સેવકધુણીયાના વૃદ્ધનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે અને અસ્થિ વિસર્જન કરવા જામનગરથી દ્વારકા જતા એક પરિવારની મોટર પાછળ ખંભાળિયાના મોવાણ પાસે એસટી બસ ટકરાઈ પડતા એક પ્રૌઢને ફ્રેક્ચર થઈ ગયું છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં દિગ્વિજય ગ્રામ નજીક કારા ભુંગા વિસ્તારમાં વસવાટ કરતા પરેશ નટવરભાઈ ડાભી તથા તેમના મિત્ર સન્ની રાજનરેશ પંડિત (ઉ.વ.ર૩) નામના યુવાનો ગઈ તા.ર૪ની સવારે પરેશના જીજે-૧૦-ઈજી ૧૩૫૨ નંબરના બાઈકમાં સિક્કા પાટીયાથી જામનગર આવવા માટે રવાના થયા હતા.

આ વેળાએ સન્ની મોટરસાયકલ ચલાવી રહ્યો હતો. તેઓ જ્યારે શાપર ગામના પાટીયાથી બેડ ટોલનાકા તરફ આગળ વધતા હતા ત્યારે મોટરસાયકલના આગળના વ્હીલમાં ભડાકો થયો હતો અને તેના કારણે મોટરસાયકલ કાબૂ બહાર જઈ નજીકમાં આવેલા પીલ્લર સાથે ટકરાઈ પડ્યું હતું. રોડ પર પટકાયેલા સન્ની તથા પરેશને ગંભીર ઈજા થઈ હતી. બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી સન્નીનું મૃત્યુ નિપજ્યું છે. પરેશ નટવરભાઈ ડાભીએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામના ભીમજીભાઈ પાલાભાઈ પરમાર નામના ડ્રાઈવર ગઈ તા.રપની સવારે પોતાની બોલેરો લઈને સિક્કા પાટીયા પાસેથી જતા હતા ત્યારે જીજે-૧૦-ટીવી ૯૭૪૩ નંબરના બસના ચાલકે બોલેરોના ડ્રાઈવરની સામેથી સાઈડમાં બસ ટકરાવી દીધી હતી. તેથી બોલેરોમાં નુકસાન થયું હતું. ભીમજીભાઈએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

લાલપુર તાલુકાના સેવકધુણીયા ગામમાં રહેતા દિલુભા ભાવસંગ જાડેજા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે લાલપુર તાલુકાના હરીપર ગામ પાસે પેટ્રોલપંપ સામેથી જીજે-૧૦-એબી ૯૯૫૭ નંબરના બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે જીજે-૩-કેસી ૮૮૯૬ નંબરની મોટરે તેઓને ઠોકર મારી પછાડી દીધા હતા. મ્હોં તથા પગમાં ગંભીર ઈજા પામેલા દિલુભાને સારવારમાં ખસેડાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના ભત્રીજા રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ મોટરચાલક સામે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામના ભવાનભાઈ કાશીયાણી નામના પ્રૌઢ ગઈ તા.૧૮ની સાંજે પીયાવા ચોકડી પાસેથી જીજે-૧૦-ડીએસ ર૪પપ નંબરના મોટરસાયકલમાં જતા હતા ત્યારે રોડ પર એમએચ-૪૮-ડીસી ૨૬૨૯ નંબરનું ડમ્પર પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર પાર્ક કરાયું હતું તેની પાછળ ટકરાઈ પડ્યા હતા. ઠાઠામાં અથડાયેલા ભવાનભાઈને આંખમાં ઈજા તથા હાથ-પગમાં ફ્રેક્ચર અને કમરમાં ઈજા થઈ છે. તેમના પુત્ર જીતેન્દ્રભાઈએ ડમ્પર ચાલક સામે ફરિયાદ કરી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા મૂળ મોરબીના રહેવાસી પ્રવીણભાઈ રમેશભાઈ તલાવડીયા તથા વેલજીભાઈ પ્રભુભાઈ સહિતના પરિવારજનો શુક્રવારની વહેલી સવારે પ્રવીણભાઈના મોટાબાપુના તાજેતરમાં થયેલા નિધન પછી તેમના અસ્થિનું વિસર્જન કરવા માટે જીજે-૩-એચઆર ૨૫૬૮ નંબરની ઈકો માં દ્વારકા જવા નીકળ્યા હતા.

તેઓની મોટર જ્યારે ખંભાળિયાથી દસેક કિ.મી. દૂર મોવાણ ગામના પાટીયા પાસે પહોંચી ત્યારે જીજે-૧૮-ઝેડ ૮૮૯૮ નંબરની એસટીની બસે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં વેલજીભાઈને પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પ્રવીણભાઈએ એસટી બસના ચાલક સામે ફરિયાદ થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh