Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘણી વખત અપેક્ષા પણ ન હોય, અને કોઈએ વિચાર્યું પણ ન હોય, તેવું બની જાય, કોઈ અણધાર્યો લાભ થઈ જાય કે ધાર્યું ન હોય તેવું નુકસાન થઈ જાય, ઘણી વખત આપણું ધાર્યું ન થઈ શક્યું હોય તે પછીથી આપોઆપ થઈ જાય કે પછી અપેક્ષિત હોય અને બહુ આશાવાદી હોઈએ ત્યારે જ નિરાશા સાંપડે ત્યારે એવો સવાલ ઉઠે કે "યે કયા હો રહા હૈ ? ઐસા તો સોચા ભી ન થા"...!
જ્યારે આર.એસ.એસ.ની વિચારધારાથી પ્રેરિત કહેવાતા હોય તેવા મહાનુભાવ અને બંધારણીય પદ પર બેઠેલા દેશની અગ્રીમ હરોળના પ્રતિષ્ઠિત નેતા એવું કહે કે લોકશાહી એવી ક્યારેય નથી હોતી, જેમાં એક જ પાર્ટી હંમેશાં સત્તા પર રહે. વિકાસમાં સતત નિરંતરતા હોવી જોઈએ. શાસકો અને વિપક્ષો સચનાત્ત્મક રાજનીતિ કરે. આ પ્રકારનું નિવેદન આવે, ત્યારે સવાલ ઉઠે કે, "યે ક્યા હો રહા હૈ ?"
મહારાષ્ટ્રમાં જયારે ભાજપના નેતા અને મુખ્યમંત્રી જાહેરમાં હળવાશથી ઉદ્ધવ ઠાકરેને "આ બાજુ" એટલે કે એન.ડી.એ.માં આવવાનું આમંત્રણ આપે, તેની પહેલા ઉદ્ધવ-રાજ ઠાકરે નજીક આવી જાય, અને તે પછી આદિત્ય ઠાકરે સાથે દેવેન્દ્ર ફડણવીસની ગૂપ્ત લાંબી મુલાકાતની વાતો ઉડે, ત્યારે કહી શકાય કે, "ઐસા તો સોચા ભી નહીં થા..."
વિધાનસભા ગૃહમાં જ રાજ્યના કોઈ મંત્રી વીડિયો ગેઈમ રમતા હોવાના દૃશ્યો વાયરલ થાય, ત્યારે નાગરિકો વિચારે કે, "ઐસા થો સોચા ભી નહીં થા"
ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો વણસેલા હોવાથી એક તરફ ગઈકાલે યોજાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સની મેચ રદ થાય, અને બીજી તરફ મોદી સરકારના જ કોઈ મંત્રી લાલઘૂમ થઈને બળાપો કાઢે કે રમત-ગમતમાં રાજકારણની ભેળસેળ ન કરવી જોઈએ. જ્યારે ત્રીજા દેશ (ઈન્ગલેન્ડ) માં આ રમત રમાવાની હોય, ત્યારે વિપક્ષે પણ તેમાં રાજનીતિ ન રમવી જોઈએ. આવું થાય ત્યારે સવાલ ઉઠે કે "યે કયા હો રહા હૈ ?"
કોંગ્રેસમાંથી જે-તે સમયે ધુમધડાકા સાથે ભાજપમાં ગયેલા દિગ્ગજ નેતા વિસાવદરમાં વિધાનસભાની પેટાયૂંટણીમાં તદૃન નિષ્ક્રિય રહે અને ત્યાં આમઆદમી પાર્ટીના ઉમેદવાર જીતી ગયા પછી અચાનક જ સક્રીય થઈને ગામડે-ગામડે ફરવા લાગે, ત્યારે એવો સવાલ ઉઠે કે, "યે કયા હો રહા હૈ ?"
સંસદનું સત્ર શરૂ થવાનું હોય અને તેમાં ઓપરેશન સિંદૂર, બિહારમાં ચૂંટણીપંચની મતદારયાદી સુધારણાની ચર્ચાસ્પદ કાર્યવાહી અને ટ્રમ્પના નવા દાવા મુજબ કોના પાંચ વિમાનો ભારત-પાક. વચ્ચે યુદ્ધ દરમ્યાન તોડી પડાયા, તેની ચર્ચા કરવાનો તથા દરેક મુદ્દે વડાપ્રધાનનો જવાબ માંગવામાં આવનાર હોય, તેવા સમયે જ વડાપ્રધાનના સૂચિત વિદેશ પ્રવાસને લઈને "હમ તો ચલે પરદેશ..." જેવા કટાક્ષો થવા લાગે ત્યારે એવું કહી શકાય કે, "ઐસા તો સોચા ભી નહીં થા..."
રાજ્યની કોઈ ફાયરબ્રિગેડના વાહનમાં નશાની હાલતમાં ડ્રાઈવર બે-ત્રણ લોકોને હડફેટે લઈ લ્યે, અને તેમાં બેઠેલા નવી જ નકરી મળી હોય તેવા ચીફ ઓફિસર પણ કોઈ બિલ્ડરને ત્યાં પાર્ટી માણીને નશાની હાલતમાં પકડાય ત્યારે પણ એવો સવાલ ઉઠે કે "યે ક્યા હો રહા હૈ ?"
એક તરફ ટ્રમ્પ અને નાટો દ્વારા ટેરિફ વધારવાની ધમકી આપીને રશિયા પર યુક્રેન સાથે સમાધાન માટે વાતચિત કરવાનું દબાણ વધારાઈ રહ્યું હોય, અને ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડડીલ અદ્ધર લટકી રહી હોય, ત્યારે જ રશિયાના રાષ્ટ્રપતિના ભારતના પ્રવાસની વાતો થવા લાગે ત્યારે એવો સવાલ ઉઠે કે "યે ક્યા હો રહા હૈ ?"
એક તરફ જ્યારે જામનગરમાં ઠેર-ઠેર ગંદકી, ઉકરડા અને તૂટેલા-ફૂટેલા માર્ગોની ફરિયાદો છેલ્લા પાંચેક વર્ષથી સતત વધી રહી હોય, ત્યારે જામનગરને કોઈપણ એન્ગલથી સફાઈની દૃષ્ટિએ અગ્રીમતા મળે કે રાજકોટ-જામનગરને સાંકળતા ટોલ-વેનો કોઈ એવોર્ડ મળે ત્યારે પણ એવો વિચાર આવી જ જાય ને કે, "ઐસા તો સોચા ભી નહીં થા !"
રાજ્ય સરકારે માર્ગ-મરામત માટે ૧૬૭ કરોડ રૂપિયા જેવી જંગી રકમ ફાળવી હોય, તેમ છતાં લોકો રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે એન.સી.બી.ના આંકડા ટાંકીને ખાડાઓને કારણે મૃત્યુ થવાની સંખ્યામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે હોવાની ચર્ચા થઈ રહી હોય, અને મળતિયા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા હોય, ત્યારે સવાલ ઉઠે કે "યે સબ ક્યા હો રહા હૈ ?"
જામ્યુકો વેરા વસુલાત માટે ઝુંબેશો ચલાવીને અને બાકીદારોની મિલકતો જપ્ત કરીને પોતાની સત્તા વાપરી રહી હોય, પરંતુ હજુ પણ શહેરના ઘણાં વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પૂરેપૂરી મળી રહી નથી અને મોટી મોટી જાહેરાતો છતાં પણ સામાન્ય પ્રારંભિક વરસાદમાં જ ચારણી જેવા થઈ ગયેલા જામનગરના આંતરિક માર્ગોની મરામત હજુ સુધી થઈ શકી નથી, અને તેના જવાબદારો સામે કાર્યવાહી કરવાના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા ન હોય, ત્યારે સવાલ ઉઠે કે, "યે ક્યા હો રહા હૈ ? યે કયું હો રહા હૈ ?"
દસેક વર્ષ પહેલા ગુજરાતના વિકાસ મોડલની પ્રશંસા કરનારા મુંબઈના હાંસિયામાં ધકેલાઈ ગયેલા કટ્ટર કદાવર મરાઠી નેતા અચાનક જ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓના વિરોધી થઈ ગયા હોય અને તેના પર સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ જેવા મૂળ ગુજરાતના રાષ્ટ્રીય મહાપુરૂષોનું ગુજરાતી હોવાને કારણે અપમાન કરવાના આરોપો લાગી રહ્યા હોય, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે, "ઐસા તો સોચા ભી નહીં થા..."
કોંગી નેતા અને એલ.ઓ.પી. રાહુલ ગાંધીએ જ્યારે સી.પી.આઈ.(એમ) ની તુલના આર.એસ.એસ. સાથે કરીને બંનેની વિચારધારા સમાન હોવાની વાત કરતા સી.પી.આઈ. નેતા ડી. રાજાએ આ નિવેદન ભ્રમ ફેલાવતું હોવાનું મંતવ્ય કરતા એવી લાગણી વ્યક્ત કરી હતી કે, "ઐસા તો સોચા ભી નહીં થા !"
અને છેલ્લે, જામનગરના નગરજનોમાંથી મળેલા વિરોધના પ્રતિભાવો, પ્રેસ-મીડિયાના વિશ્લેષણો, સોશ્યલ મીડિયાના માધ્યમથી મળેલા મંતવ્યો, જનમત અને જનભાવનાઓને ધરાર અવગણીને શ્રાવણી મેળાના આયોજન માટે "રહસ્યમય" જીદ સાથે લેવાયેલા નિર્ણયો પછી નગરજનો વિચારી રહ્યા હશે કે "ઐસા તો સોચા ભી નહીં થા...યે સબ ક્યા હો રહા ?"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial