Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હત્યા કેસમાં સાક્ષી બનેલા યુવાનને તલવારથી હુમલો કરી ઈજા પહોંચાડાઈઃ
જામનગર તા. ૨૮: જામનગરના બર્ધનચોક વિસ્તારમાં આઠેક વર્ષ પહેલાં થયેલી એક હત્યામાં સાક્ષી તરીકે જુબાની આપનાર યુવાનને ગઈકાલે સાંજે ઘાંચીવાડ પાસે એક શખ્સે રોકી તલવારથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જ્યારે જોડીયાના રણજીતપરમાં ગેરકાયદે કરાતા રેતી ખનનને રોકવા માટે ગયેલા ગ્રામજનોએ રેતી ભરેલું એક ડમ્પર આંતરી લેતા ત્યાં ધસી આવેલા ત્રણ શખ્સે હુમલો કરી ધમકી આપવા ઉપરાંત ડમ્પર છોડાવી લઈ ચાલતી પકડી હતી. જ્યારે પાંચ વર્ષ પહેલાં હાથઉછીની લીધેલી રકમ પરત આપી દીધી હોવા છતાં શાકની લારી ચલાવતા એક યુવાનને રણજીત નગરના શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં ઘાંચીવાડ નજીક રંગુનવાલા સોસાયટીમાં વસવાટ કરતા ઈમરાન કાસમભાઈ માડકીયા નામના ઘાંચી યુવાન ગઈકાલે સાંજે ઘાંચીવાડ નજીક એક હોટલ પાસે હતા ત્યારે જાંબુડી મસ્જિદ નજીક રહેતો હમઝા યુસુફ માડકીયા નામનો શખ્સ ધસી આવ્યો હતો.
આઠેક વર્ષ પહેલાં બર્ધનચોક નજીક બનેલા હત્યાના એક બનાવમાં ઈમરાન કાસમભાઈએ સાક્ષી તરીકે જુબાની આપી હતી. તે બાબતનો ખાર રાખી હમઝાએ ઝઘડો કર્યા પછી તલવાર વીંઝી હતી. જેમાં હાથ, પગ તથા માથામાં ઈમરાનને ઈજા થઈ હતી. સિટી એ ડિવિઝનમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે.
જોડીયા તાલુકાના રણજીતપરમાં જૂની આજી નદી પાસે સ્મશાન નજીક કેટલાક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા હોવાની વિગતો મળતા રણજીતપરના ગ્રામજનો સોમવારે તે ખનન અટકાવવા માટે બહાર આવ્યા હતા. રણજીતપરમાં રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ રણછોડભાઈ રાઠોડ સહિતના ગ્રામજનો તે સ્થળે પહોંચ્યા ત્યારે કેટલાક વાહનોમાં ગેરકાયદે ખનન કરેલી રેતી ભરાઈ રહી હતી. રેતી ભરેલા આ ટ્રકને રોકતા ત્યાં ધસી આવેલા જોડીયા તાલુકાના બાલંભા ગામના નિલેશ માલવીયા, ધ્રોલના રેનીશ પટેલ તથા એક અજાણ્યા શખ્સે ગાળાગાળી કરી રમેશભાઈને માથામાં ધોકો ફટકાર્યાે હતો. સાથે રહેલા જયંતિલાલ રાઠોડ, ભૂમિત ગાંગાણીને મુંઢ માર મારવામાં આવ્યો હતો. રેનીશ પટેલે ગ્રામજનો દ્વારા રોકી લેવામાં આવેલા જીજે-૧૩-ડબલ્યુ ૨૧૧૧ નંબરના ટ્રકને ત્યાંથી છોડાવી લીધો હતો. આ બાબતની જોડીયા પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા અને શાકની લારી ચલાવતા હિતેશભાઈ જગદીશભાઈ દુલાણી નામના સિંધી આસામીએ પાંચેક વર્ષ પહેલાં રણજીતનગરવાળા જ પૃથ્વીરાજસિંહ ચૌહાણ પાસેથી હાથઉછીની રકમ લીધી હતી. તે રકમ પાછી આપી દીધી હોવા છતાં પૃથ્વીરાજસિંહ તેની ઉઘરાણી કરતો હતો. આ શખ્સે ગઈકાલે બપોરે હીતેશભાઈને રોકી લઈ જેકેટ પકડ્યા પછી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત ગાળો ભાંડી પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા સિટી સી ડિવિઝનમાં હિતેશ ભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial