Advertisement
Author: નોબત સમાચાર

ઈન્દોર અને દિલ્હીમાં આગ દૂર્ઘટનાઓ થતા ૧૬ના કરૂણ મૃત્યુઃ ૧૦ને બચાવાયા

દિલ્હીમાં આગનું કારણ હજુ જાણવા મળ્યું નથીઃ ઈન્દોરમાં ઈ.વી. ચાર્જીંગ દરમિયાન શ્રેણીબદ્ધ સિલિન્ડર બ્લાસ્ટના કારણે ભીષણ આગ લાગી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી/ ઈન્દોર તા. ૧૮: ઈન્દોર અને દિલ્હીમાં બે જુદી-જુદી આગ-દુર્ઘટનાઓમાં ૧૬ના મૃત્યુ થયા છે, અને ૧૦ લોકોને બચાવાયા છે. ઈજાગ્રસ્તો પૈકી કેટલાક દર્દીઓ ગંભીર સ્થિતિમાં જણાવાઈ રહ્યા છે. મકાનો પણ ભસ્મીભૂત થયા છે. મૃતાંક વધી શકે છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે એક બહુમાળી રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા ૭ લોકોના મૃત્યુ થયા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ચાર્જિંગ પોઈન્ટમાં થયેલા વિસ્ફોટને કારણે આગ લાગી હતી, જેણે જોતજોતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું. ઈન્દોરના બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં આજે વહેલી સવારે એક હ્ય્દયદ્રાવક ઘટના બની છે.  ઘટનાની જાણ થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ શિવમ વર્મા અને પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ મકાનની બહાર એક ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ચાર્જ થઈ રહૃાું હતું. ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક વિસ્ફોટ થતા આગ લાગી હતી. આ આગ ઝડપથી મકાનમાં ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે મકાનની અંદર રાખવામાં આવેલા ૧૦ થી વધુ ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને લોકોને બહાર નીકળવાની તક જ મળી નહોતી.

આ મકાન મનોજ પુગાલિયા નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે, જેઓ પોલીમરનો વ્યવસાય કરે છે. તેમણે મકાનમાં જ જ્વલનશીલ કેમિકલ્સ અને પોલીમરનો જથ્થો રાખ્યો હોવાથી આગ મિનિટોમાં આખા બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી.

ઈન્દોર કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે, *આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બે માળ ક્લિયર કરી દેવાયા છે અને ત્રીજા માળે તપાસ ચાલુ છે. * ફાયર ફાઈટરો અને એનડીઆરએફની ટીમો કાટમાળમાં હજુ પણ કોઈ ફસાયેલું છે કે કેમ તેની તપાસ કરી રહી છે. શાંત રહેણાંક વિસ્તાર અત્યારે ચીખ અને આક્રંદથી ગુંજી રહૃાો છે.

બીજી તરફ દિલ્હીના પાલમ વિસ્તારના સાધનગરમાં પણ આજે વહેલી સવારે સાતેક વાગ્યે એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જયારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા મકાનને લપેટમાં લઈ લીધુ હતું, જેમાં એક જ પરિવારના સભ્યો ફસાઈ ગયા હતાં.

દિલ્હી ફાયર સર્વિસને સવારે ૭ વાગ્યે આગની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ૩૦ જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસ અને ઈમરજન્સી સેવાઓની મદદથી ઈમારતમાં ફસાયેલા ૯ જેટલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને બિલ્ડિંગમાંથી આવતા ચીખ-પુકારને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા એટલા પ્રચંડ હતા કે બચાવ માટે અંદર જવું અશક્ય બની ગયું હતું. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, આગ રહેણાંક મકાનમાં લાગી હતી અને તેમાં ફસાયેલા લોકો પૈકી ૭ ના મોત થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું સચોટ કારણ અત્યારે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. બન્ને ઘટનાઓમાં રેસ્કયુ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ને બચાવાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh