Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાંતિ સન્માન માટે વધુ કડક અને વાસ્તવિક માપદંડો નક્કી કરવાની જરૂર
વર્તમાન સમયમાં ચાલતા ગાઝા અને યુક્રેન યુદ્ધમાં ૬૪ હજાર કરતા વધુ લોકો માર્યા ગયા છે. લાખો અપંગ થયા છે. આ ખુવારીમાં મોટાભાગના મહિલા અને બાળકો છે. ગાઝામાં ભૂખમરો ચરમસીમા ઉપર છે તેવું યુનાઈટેડ નેશન્સ કહે છે. કાશ્મીર અને કોંગો જેવા પ્રદેશોમાં શાંતિની કેવી હાલત છે તે કટકે કટકે બહાર આવે છે. આપણાં કાશ્મીરના પહેલગામની બેસરણ વેલીમાં ૨૮ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરી દેવામાં આવ્યા! માનવતા વિરૂદ્ધની આવી ક્રૂર ઘટનાઓનો હિસાબ નથી. ભવિષમાં પણ ઘાતકી લોકોના દિલમાં રામ વશે તેવું લાગતું નથી. અમેરિકાના વર્તમાન તરંગી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર જાહેરમાં કહે છે કે, મે દુનિયામાં ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધો અટકાવ્યા છે. પાકિસ્તાનના લશ્કરી વડાએ તો ટ્રમ્પ માટે નોબેલ પીસ પ્રાઇઝની ભલામણ પણ કરી દીધી. આપણા વધપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડાં વર્ષો પહેલાં શાંતિ માટેના આ સહુથી પ્રભાવશાળી પુરસ્કાર માટેની દોડમાં સામેલ હતા.
સવાલ
સૌથી મોટો સવાલ એ છે કે, ત્રણ વર્ષના સમયગાળામાં જો ૧૬ હજારથી વધુ લોકો આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં મૃત્યુ પામે, લાખો અપંગ બને, લાખો બેઘર બને તો 'શાંતિ પ્રયાસોનું શું?' મારા મતે ૨૦૨૫નો નોબેલ શાંતિ પુરસ્કાર કોઈને પણ આપવો ન જોઈએ. દુનિયામાં જેટલા પણ યુદ્ધો ચાલે છે, તેમાં સીધો કે અડકતરો અમેરિકાનો જ હાથ છે. ઈરાક, ઈરાન, અફઘનિસ્તાન, જેવા અનેક દેશોમાં માનવતાના નામે અમેરિકાએ નરસંહાર કર્યો છે. બળવાખોરો કરતાં નિર્દોષ લોકો વધુ મર્યા છે, અથવા પીડિત બન્યા છે.
ગાઝાના યુદ્ધમાં અનેક પત્રકારો પણ ભોગ બન્યા. તાજેતરમાં અલ જઝીરા સમાચાર ચેનલના પત્રકારને ઈઝરાઈલી સેનાએ ઠાર કર્યા. ત્યાર બાદ સેનાએ ખુલાસો કર્યો તેમાં પત્રકારને 'ડેલીબરેટલી' શબ્દ વાપર્યો. તેનો અર્થ એવો કે પત્રકારને જાણી જોઈને, હેતુ પૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે! દુનિયામાં અમેરિકા અને રશિયા બન્ને દેશ જો સાચા દિલથી ઈચ્છે તો સ્વર્ગ જેવી શાંતિ બની જાય. જો કે, દુનિયાના યુદ્ધો માટે નાટો નામનું આંતરરાષ્ટ્રીય સંગઠન પણ જવાબદાર છે. આમ તો તે પોતાની જાતને શાંતિ દૂત માને છે અને તેની સેનાનું નામ પણ 'પીસ કીપીંગ ફોર્સ' છે. જે મોટા ભાગે અશાંતિ સર્જે છે. નાટો સંગઠન દ્વારા અમેરિકા અને બ્રિટન સહિતના ૧૭ દેશો દુનિયામાં પોતાનું પ્રભુત્વ સ્થાપવા માંગે છે. અને તેનું મુખ્ય ધ્યેય રશિયા અને ચીનના પ્રભુત્વને ખતમ કરવાનું છે. અમેરિકાએ વિએટનામ સાથે ૩૬ વર્ષ યુદ્ધ કર્યું. હાથમાં વિનાશ અને તારાજી જ આવ્યા. હાલમાં વિએટનામ અમેરિકાએ યુદ્ધ બાદ ત્યજી દીધેલાં શસ્ત્રો પ્રવાસીઓને બતાવી કમાણી કરે છે.
દુનિયામાં એક પણ સંઘર્ષ માનવતાના ઉત્કર્ષ માટે નથી. બધી લડાઇઓ માથાભારે લોકો પોતાના સ્વાર્થ અને ધંધા માટે લડી રહૃાા છે. આવા સમયે નોબેલ શાંતિ પુરસ્કારની યથાર્થતા કેટલી?
નોબેલ શાંતિ પુરસ્કાર
૧૯૦૧ થી ૨૦૨૪ના વર્ષ સુધીમાં આ સન્માન ૧૧૧ વ્યક્તિગત અને ૩૧ સંગઠનોને આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર વિજેતાઓ શું દુનિયામાં કાયમી કે કામચલાઉ શાંતિ સ્થાપી શક્યા છે ખરા? તેમના પ્રયાસો અને વિચારો શાંતિ માટે ઉત્તમ હશે, પરંતુ તે ટકાઉ રહૃાા નથી તે પણ વાસ્તવિકતા છે. આ સન્માન સ્થાપવાનો ઉદેશ ઉત્તમ હતો. પરંતુ હવે લાગી રહૃાું છે કે, શાંતિ પુરસ્કારોના ધારાધોરણો બદલવાની કે કડક કરવાની બહુ જરૂર છે. શાંતિ દુત તરીકે પ્રખ્યાત કબૂતર હવે લુચ્ચા, સ્વાર્થી, લેભાગુ અને ગુંડાઓના હાથમાં તરફડી રહૃાું છે.
શાંતિની વાતો માત્ર નબળા લોકો કરે છે, બહુબલી લોકો કાંઠલો પકડી પડાવી લે છે.
૨૦૨૪માં આ શાંતિ પુરસ્કાર જાપાનના નિહઓન હિદેનકોને આપવામાં આવ્યો હતો. તેમણે ન્યુક્લિયર શસ્ત્રો મુક્ત દુનિયા માટે કામ કર્યું હતું. શું તેના કાર્યથી સોઈ જેટલું પણ અણુ કે પરમાણુ શસ્ત્ર નાબૂદ થયું છે ખરૃં? પાકિસ્તાને ભારતને ન્યુક્લિયર હુમલાની ધમકી આપી હોવાનું ટ્રમ્પ કહે છે. તો નિહઓનના પ્રયાસોનું શું થયું?
કલયુગ એટલો પ્રભાવી છે કે, વર્તમાન સમયમાં દુનિયામાં રાવણ રાજ છે. મારે તેની તલવાર છે. હાલમાં શાસ્ત્રોના કહેવા અનુસાર ૨૮ મો કળયુગ ચાલી રહૃાો છે. ૫૬ મો કળયુગ પૂરો થશે ત્યાર બાદના સતયુગ પછી ધરતી ઉપર સ્વર્ગ ઉતરશે. હિન્દુ શસ્ત્રો મુજબ હાલમાં શાંતિ અશક્ય છે. ઠેર ઠેર રાવણ અને દુર્યોધનો કાળો કેર વર્તાવી રહૃાા છે.
નોબેલ શાંતિ પુરસ્કારને હવે થોડો સમય વિરામ આપવાની જરૂર છે.
કારણ કે, યુદ્ધખોર નેતાઓ કોઈ કોઈના કહૃાામાં નથી! હવેની લડાઇઓ માનવતા માટે નથી પરંતુ વ્યક્તિગત સ્વાર્થ માટે છે. શાંતિના પરેવાં ફફડી રહૃાાં છે.
અધમતા
દુનિયામાં માનવતા નેવે મૂકીને અધમતા આચરવામાં આવી રહી છે. ગાઝામાં ભૂખમરાથી બચવા માટે ખોરાક અને પાણીની લુંટ ચલાવતા લોકોમાં અંધાધૂંધી ફેલાતાં ૨૬૦૦ લોકો કચડાઈ મર્યા. બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારની કહાની પણ રૂવાંડા ઊભા કરી દે તેવા છે. અહી એશિયાની સૌથી મોટી નિરાશ્રિત છાવણી છે. અહી બાંગ્લાદેશની સૌથી મોટી ગટરના પાણીની નદી વહે છે. અનેક પરિવારો પેટ ભરવા આ ગટર નદી ઉપર નિર્ભર છે. પેલેસ્ટાઇન પણ નર્ક સમાન છે. અહી ભૂખમરો ચરમસીમા ઉપર છે. આ ત્રણેય દાખલા માટે મહાસત્તાઓનો આંતરવિગ્રહ જવાબદાર છે. એક પણ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અહી શાંતિ સર્જી શકે તેમ નથી.
મલાલા
અફઘનિસ્તાનની મલાલા યુસુફ જાઈ સૌથી નાની ઉમરે આ પુરસ્કાર મેળવનાર હતી. પાકિસ્તાનમાં જન્મેલી મલાલા સમગ્ર વિશ્વ માટે રોલ મોડેલ છે. કન્યા શિક્ષણના વિરોધી તાલિબાનોએ તેણીને ટાર્ગેટ કરી હતી. સંઘર્ષમય જીવન જીવ્યા બાદ તે બીજા અફઘાન કન્યાઓના શિક્ષણ માટે બહુ કઈ મોટું પરિવર્તન કરી શકી નથી. કારણ કે, તેની લડાઈ ખૂંખાર, સ્વાર્થી, લાલચી અને નરાધમ ત્રાસવાદીઓ સામે છે. જ્યાં રશિયા અને અમેરિકા પણ થાકી જતા હોય ત્યાં આ બાળકીનું શું ગજું છે!
ભારત
નોબેલ શાંતિ પુરસ્કારમાં ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે. જેમાં વિજેતાઓમાં મધર ટેરેસા (૧૯૭૯), દલાઈ લામા (૧૯૮૯) અને કૈલાશ સત્યાર્થી (૨૦૧૪)નો સમાવેશ થાય છે. મધર ટેરેસાને તેમના માનવતાવાદી કાર્ય માટે માન્યતા આપવામાં આવી હતી, અને કૈલાશ સત્યાર્થીને બાળ મજૂરી અને તસ્કરીને સમાપ્ત કરવાના તેમના પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, નોબેલ ફાઉન્ડેશને મહાત્મા ગાંધીની અહિંસક પરંપરાને અનુસરવા બદલ નોંધ લીધી હતી.
નોબેલ પુરસ્કાર
નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે, વ્યક્તિઓ અને સંગઠનોએ રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો, સ્થાયી સૈન્ય નાબૂદ કરવા અથવા ઘટાડવા, અને શાંતિ પ્રયાસોને પ્રોત્સાહન આપવા, અથવા શસ્ત્ર નિયંત્રણ, શાંતિ વાટાઘાટો, માનવ અધિકારો અથવા વધુ શાંતિપૂર્ણ વિશ્વમાં નોંધપાત્ર યોગદાન માટે સૌથી વધુ કાર્ય કર્યું હોવું જોઈએ. ઉમેદવારોને લાયક વ્યક્તિઓ દ્વારા નામાંકિત કરવા જોઈએ, જીવંત વ્યક્તિઓ હોવા જોઈએ, અથવા સક્રિય સંસ્થાઓ હોવા જોઈએ, અને વિજેતા માટેનો નિર્ણય નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા લેવામાં આવે છે. વિજેતાના ભૂતકાળ અને વર્તમાનકાળને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવે છે. પુરસ્કાર વિજેતા ભવિષ્યમાં કેટલા અસરકારક કે સક્રિય રહેશે તે બાબત અધ્યાહાર રહે છે.
નોબેલ પુરસ્કાર એ વાર્ષિક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે જે આલ્ફ્રેડ નોબેલની ઇચ્છા દ્વારા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દવા, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિમાં માનવજાત માટે નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે પુરસ્કૃત કરવામાં આવે છે. ૧૯૦૧ થી એનાયત કરાયેલ, દરેક વિજેતાને મેડલ, ડિપ્લોમા અને રોકડ પુરસ્કાર મળે છે. આ પુરસ્કારોનું સંચાલન સ્વીડનના સ્ટોકહોમમાં નોબેલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે અને સખત પસંદગી પ્રક્રિયા પછી સ્વતંત્ર પુરસ્કાર-પ્રદાન કરતી સંસ્થાઓ દ્વારા તેમની પસંદગી કરવામાં આવે છે. ૧૯૦૧ થી ૨૦૨૪ ની વચ્ચે ૧,૦૧૨ લોકો અને સંસ્થાઓને આ પુરસ્કારો આપવામાં આવ્યા છે.
૨૦૨૫ માટે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના શુક્રવારના સવારે ૧૧ વાગ્યે ઓસ્લોમાં નોર્વેજીયન નોબેલ સંસ્થામાં કરવામાં આવશે. આ નોબેલ પુરસ્કારની જાહેરાતના અઠવાડિયાના સમયપત્રકનો એક ભાગ છે.
સારાંશ
નોબેલ શાંતિ પુરસ્કાર એ વૈશ્વિક સન્માન છે. તે કોઈ દેશ, ખંડ કે રાજ્ય પૂરતું સીમિત નથી. આ સન્માન પ્રાપ્ત કરનાર વ્યક્તિ, સંસ્થા કે સંગઠને બહુ મોટી કે વ્યૂહાત્મક સિદ્ધિ હાંસલ કરી હોવી જોઈએ. ગત વર્ષે ન્યુક્લિયર શસ્ત્રો વિરૂદ્ધ કાર્ય કરનાર જાપાનના વ્યક્તિને સન્માન આપવામાં આવ્યું. મારો અહી સીધો સવાલ છે કે, આ વ્યક્તિના પ્રયાસોનું પરિણામ શું આવ્યું? ન્યુક્લિયર નામની કે કામની એક નાની સોઈનો પણ કોઈ દેશે નાશ કર્યો નથી. શિક્ષણ ક્ષેત્ર બહુ અટપટું અને ખર્ચાળ બની રહૃાું છે ત્યારે નોબેલ સમિતિ શા માટે તેની ગણતરી કરતું નથી.
નોબેલ સમિતિ ઉપર એવા પણ આક્ષેપો થઈ રહૃાા છે કે, તે વાતાનુકૂલિત ખંડમાં બેસી માત્ર બાયો ડેટા વાંચી કમ પૂરૃં કરે છે. વાસ્તવમાં ફિલ્ડમાં શું પરિસ્થિતિ છે તેનું જમીની આકલન કરતી નથી.
નોબેલ શાંતિ સમિતિએ જીવિત હોય તેટલા આ સન્માન પ્રાપ્ત મહાનુભવોને ગાઝા, પેલેસ્ટાઇન, યુક્રેન, કોક્ષ બઝાર, આફ્રિકા, પાકિસ્તાન મોકલવા જોઈએ. અમેરિકા અને રશિયામાં યુદ્ધ વિરોધી ચર્ચા સભાઓ આયોજિત કરવી જોઈએ. યુદ્ધખોર નેતાઓ સામે દેખાવો કરવા કરવા જોઈએ.
આજની એન્જિઑગ્રાફી લખવાનો હેતુ એક જ છે કે જ્યારે અતિ હિંસક યુદ્ધમાં હજારો નિર્દોષ લોકો પીડાતા હોય ત્યારે 'નોબેલ શાંતિ પુરસ્કાર' જાહેર કરવાનો અર્થ રહેતો નથી.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial