Advertisement
Author: નોબત સમાચાર

બજેટ એટલે તો મોનાલીસાનું સ્માઈલ !!

                                                                                                                                                                                                      

બજેટ એટલે શું ? બજેટ આવે એટલે શું થાય ? બજેટ આવે એટલે આમ આદમીના ચહેરા ઉપર  આછેરુ સ્માઈલ દેખાય.. બિલકુલ મોનાલીસાના ચહેરા પર દેખાય છે એવું જ સ્માઈલ. દેખાય, પણ  સમજાય નહીં.. કારણ કે આ સ્માઈલ આપનારને પોતાને પણ સમજાતું નથી.

આ સ્માઇલને સમજવા માટે તો કલા દૃષ્ટિ હોવી જોઈએ -- આપણા નાણામંત્રી જેવી કલા દૃષ્ટિ. આપણા નાણામંત્રીશ્રી આ સ્માઈલ જોઈને તરત જ બોલી ઉઠશે કે, *જોયું ને ? આમ જનતા બજેટથી  કેટલી ખુશ છે ?*

જો કે વિરોધ પક્ષની કલા દૃષ્ટિ અહીં કાચી પડે છે. અથવા તો એમ કહોને કે નાણામંત્રી થી બિલકુલ  ઉલટી દિશામાં ચાલે છે. આમ આદમીના આ મોનાલીસા સ્માઇલમાં વિપક્ષને તો નકરી હાડમારીના  દર્શન થાય છે.. !

આપણા દેશમાં બજેટ સાથે સંકળાયેલી એક ભવ્ય પરંપરા છે, બજેટ રજૂ કરતા પહેલા *હલવા  સેરેમની* મનાવવાની. એટલે કે બજેટ રજૂ થાય તે પહેલા જ દિલ્હીમાં નોર્થ બ્લોકમાં પરંપરાગત રીતે  આ હલવો બનાવવામાં આવે છે અને પછી તે અધિકારીઓ અને કર્મચારીઓને પીરસવામાં આવે છે કે  જેઓ બજેટ બનાવવાની પ્રક્રિયામાં ભાગ લે છે.

એટલે કે નાણામંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓને તો બજેટ રજૂ થાય તે પહેલા જ હલવો  મળી જાય છે. અને બજેટ રજૂ થાય પછી તો બધો જ હલવો ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જ  ઝાપટી જાય છે..!!  જ્યારે સામાન્ય જનતાના ભાગે તો આવે છે, *બાવાજી કા થુલ્લુ..*, એટલે કે  કોઈપણ જાતની સગવડ વગર *હલવો*

કહે છે કે બજેટ પહેલા થતી આવી એક *હલવા સેરેમની* માં એક કોમન મેન પહોંચી ગયેલો. ત્યાં તેણે  એક અદ્ભુત દૃશ્ય જોયું. એક તરફ બજેટ પહેલા હલવો આરોગતા નાણા મંત્રાલયના અધિકારીઓ  દેખાયા તો બીજી તરફ બજેટ પછી હલવો ઝાપટતા ઉદ્યોગપતિઓ ને રાજકારણીઓ દેખાયા..  તેની તો  બંને આંખો એકદમ ત્રાસી થઈ ગઈ

હવે તકલીફ એ થઈ છે કે તેમની આ ત્રાંસી આંખોનો ઈલાજ કોઈ પાસે નથી. એટલે કે બધા જ  આંખના ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છે..! હવે તો એક જ આશા છે કે આવતા વર્ષના બજેટ  પહેલાના *હલવા સેરેમની*માં કોમન મેનને પણ  સામેલ કરવામાં આવે અને તેને પણ તેના ભાગનો  હલવો પીરસવામાં આવે

બજેટ એ તો આપણા જાહેર જીવનનો એક અનિવાર્ય ભાગ છે. બજેટ છે તો આપણી સરકાર ચાલે છે  આપણા દેશનો વહીવટ ચાલે છે. હું પણ બજેટની ટેક્સ સંબંધીત બધી જ જોગવાઈઓનું પ્રામાણિકતાથી પાલન કરૃં છું. મારે પણ પૂરેપૂરો ટેક્સ ભરવો છે, પરંતુ પહેલા સરકાર મને રૂપિયા ૧૨,૦૦,૦૦૦ કમાવવાનો મોકો તો આપે..! સરકારે જ્યારે...રૂપિયા ૧૨,૦૦,૦૦૦ સુધીની આવક ટેક્સ ફ્રી કરી આપી છે, ત્યારે સરકારની એ પણ ફરજ બને છે કે દરેક નાગરિકને રૂપિયા ૧૨,૦૦,૦૦૦ વધુ કમાવાની સમાન તક પણ આપવી જ જોઈએ...!

અને લાલો પણ મારી જેમ રાહ જુએ છે કે ક્યારે મોદી સાહેબ તેના ખાતામાં રૂપિયા ૧૫,૦૦,૦૦૦ જમા  આપે અને તે પણ સરકારને ટેક્સ ભરવાનું શરૂ કરી શકે..!

વિદાય વેળાએઃ નટુઃ આજે સવારે પેપરવાળાએ ભૂલથી. સંદેશ ને બદલે * ટાઈમ્સ ઓફ  ઇન્ડિયા* નાખી દીધું...

ડો. રાજન :-  હવે...?

નટુઃ હવે રાતના આઠ વાગવાની રાહ જોઉ છું...

ડો. રાજન : કેમ...?

નટુઃ પીધા વગર આપણને ઇંગ્લીશ કયાં ફાવે છે?!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh