Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વસંત પંચમીના સપરમા દહાડે બનેલા હત્યાના બનાવથી સમગ્ર વિસ્તાર સ્તબ્ધઃ
જામનગર તા. ૨૩: જામનગરના પંચેશ્વર ટાવર નજીક હંસબાઈની મસ્જિદ પાસે આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે આજે સવારે એક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. સંભવિતઃ રીતે પ્રેમ પ્રકરણના કારણે આ યુવાનનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. બેથી વધુ યુવાનો આ હત્યામાં સંડોવાયેલા હોવાનું સ્થળ પરથી જાણવા મળી રહ્યું છે. પોલીસે બનાવના સ્થળે ધસી જઈ ફરિયાદ નોંધવાની તજવીજ ઉપરાંત આ એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. વસંતપંચમીના દિવસે જ બનેલા આ બનાવે મૃતકના પરિવારજનો ઉપરાંત આડોશી પાડોશીઓને પણ સ્તબ્ધ બનાવી દીધા છે.
આ બનાવની વધુ વિગત મુજબ જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારથી આગળ આવેલી હંસબાઈની મસ્જિદ વિસ્તાર પાસેની નાકાવાળી ગલીમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટમાં પાંચમા માળે ફ્લેટ નં.૫૦૨માં રહેતા નિલયભાઈ અશોકભાઈ કુંડલીયા (ઉ.વ.ર૮) નામના યુવાન આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ તેમના ફ્લેટમાંથી બચાવો.. બચાવો..ની બૂમો સાંભળવા મળતા તે એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા અન્ય વ્યક્તિઓ તેમજ બાજુની શેરીમાંથી અન્ય લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા.
આ વેળાએ જ ત્યાંથી હાથમાં લોહીવાળુ છરી જેવું હથિયાર ધારણ કરેલો એક શખ્સ અને તેની પાછળ એક અન્ય શખ્સ નીકળતા જોવા મળ્યા હતા. એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે એકઠા થયેલા લોકોને ઘસી જવાની સૂચના આપી આ બંને શખ્સ પોબારા ભણી ગયા હતા. કંઈ અજુગતુ બન્યાની આશંકાથી જ્યારે અન્ય નાગરિકો ફ્લેટ નં.૫૦૨ પાસે પહોંચ્યા ત્યારે અંદરથી નિલયભાઈના પત્ની રોક્કળ કરતા જોવા મળ્યા હતા અને તેમના ફ્લેટમાં ચોતરફ લોહી પ્રસરેલુ નજરે પડ્યું હતું.
આ બનાવની કોઈએ પોલીસને જાણ કરતા સિટી એ ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે ધસી આવ્યો હતો. પોલીસે ફ્લેટમાં જઈને જોતા નિલયભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા અને મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યા પછી પીએમ માટે ખસેડવાની તજવીજ કરવા ઉપરાંત આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યાે હતો અને હત્યાના આ બનાવની વિગતો મેળવવાનું શરૂ કર્યંુ હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક યુવતી સાથે આ યુવાને કરેલા પ્રેમલગ્નના કારણે તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવી રહ્યું છે. આ યુવતીના ભાઈ તેમજ અન્ય એક અથવા બે શખ્સો આજે સવારે નિલયભાઈના ફ્લેટમાં ધસી આવ્યા પછી આ બનાવ બન્યો હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું છે.
મૃતક યુવાન ઉદ્યોગનગરમાં નોકરી કરતા હતા અને છેલ્લા ચારેક વર્ષથી આદિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. સવારે આ બનાવ બન્યો ત્યારે તેમના પાડોશી પરિવાર સાથે બહાર ગયા હતા તેઓને કોઈએ આ બનાવની જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે આરોપીઓના સગડ દબાવવા ઉપરાંત આ એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા માટે તજવીજ શરૂ કરી છે. જેમાં આરોપીઓના સગડ મળી આવવાની પુરી શક્યતાઓ જોવાઈ રહી છે. સ્થળ પર સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા પણ દોડી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial