Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં યુવાનની ફાયરીંગ કરીને હત્યા કરવાના આરોપમાં સંડોવાયેલા આરોપીઓને મળ્યો શંકાનો લાભઃ ફરમાવાયો છૂટકારો

ટોલનાકા તથા પ્લોટ બાબતે ઝઘડા પછી બીજા રાજ્યના શાર્પ શૂટરો બોલાવાયાનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: ધ્રોલમાં વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં ધ્રોલના ત્રિકોણ બાગ નજીક પેટ્રોલપંપ પાસેના એક એટીએમ સેન્ટર તરફ મોટરમાંથી ઉતરીને જઈ રહેલા એક યુવાન પર સ્વીફટ મોટરમાં આવેલા કેટલાક શખ્સોએ ધડાધડ ફાયરીંગ કરી તેઓની સરાજાહેર હત્યા નિપજાવી હતી. ટોલનાકા તથા ધ્રોલમાં આવેલા પ્લોટ બાબતે જુદા જુદા બે વ્યક્તિ સાથે મૃતકને થયેલી માથાકૂટ પછી બીજા રાજ્યમાંથી શાર્પ શૂટરને બોલાવી આ યુવાનની હત્યા કરાવાઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં જામનગરની સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ ધ્રોલ શહેરમાં ત્રિકોણ બાગ પાસે વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં દિવ્યરાજસિંહ નામના યુવાન પોતાની મોટરમાં આવ્યા હતા. પેટ્રોલપંપ નજીક ઉભી રહેલી મોટરમાં જયદીપસિંહ બેસી રહ્યા હતા અને દિવ્યરાજસિંહ મોટરમાંથી ઉતરીને પેટ્રોલપંપ નજીકના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા માટે દરવાજો ખોલીને નીચે ઉતર્યા હતા.

આ યુવાન જ્યારે એટીએમ સેન્ટર તરફ આગળ વધ્યા તે દરમિયાન મોટરમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ તેમના પર ધડાધડ ફાયરીંગ કર્યું હતું. વાતાવરણમાં ધડાકાના અવાજથી ચોંકેલા લોકોમાં દોડધામ મચી હતી. તે દરમિયાન ગોળી વાગવાથી ઢળી પડેલા દિવ્યરાજસિંહને હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. તે દરમિયાન આ યુવાનનું મૃત્યુ નિપજતા ચકચાર જાગી હતી. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ધ્રોલ પોલીસનો કાફલો અને જામનગરથી એલસીબીની ટીમ બનાવના સ્થળે ધસી ગઈ હતી.

પોલીસે ધ્રોલ સાથે જોડાયેલા તમામ માર્ગાે પર નાકાબંધી કરાવી હતી. જેમાં એક સ્વીફ્ટ મોટર ઝડપાઈ ગઈ હતી. તેમાંથી રોહિતસિંહ ઉર્ફે સોનુ અને મુસ્તાક પઠાણ નામના શખ્સો મળી આવ્યા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ દિવ્યરાજસિંહ પર ફાયરીંગ કરી તેઓની હત્યા કર્યાનું કબૂલ્યું હતું અને અનિરૂદ્ધસિંહ સોઢા, અખિલેશસિંગ ઉર્ફે બબલુ વગેરેના નામ આપ્યા હતા.

બનાવના થોડા દિવસ પહેલાં દિવ્યરાજસિંહ સોઢાને ટોલનાકા બાબતે અનિરૂદ્ધસિંહ સોઢા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખવામાં આવ્યો હતો અને ધ્રોલમાં આવેલા એક પ્લોટ બાબતે પણ દિવ્યરાજસિંહને થોડા સમય પહેલાં ઓમદેવસિંહ સાથે ઝઘડો થયાનું ખૂલ્યું હતું. તે પછી અનિરૂદ્ધસિંહ તથા ઓમદેવસિંહે બીજા રાજ્યમાંથી અખિલેશ ઉર્ફે બબલુ, રોહિત ઉર્ફે સોનુ તથા મુસ્તાક પઠાણ નામના શાર્પ શૂટરને બોલાવી મંગાવ્યાનું પણ ખૂલ્યું હતું.

ઉપરોક્ત ગુન્હો ધ્રોલ પોલીસે આઈપીસી ૩૦૨, ૧૨૦ (બી), આર્મ્સ એક્ટની કલમ હેઠળ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી અને અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. સેશન્સ કોર્ટમાં ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ફરિયાદી સહિતના સાક્ષીઓની જુબાની તેમજ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા તેની સામે આરોપી પક્ષે આ પુરાવા માની શકાય તેમ નથી અને આરોપી વિરૂદ્ધ કોઈ પુરાવો આવ્યો નથી તેવી દલીલ કરી હતી.

બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે તમામ આરોપીનો શંકાનો લાભ આપી છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ અશોક એચ. જોષી, પિયુષ શાહ, ભગીરથસિંહ ડોડીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh