Advertisement
Author: નોબત સમાચાર

પ્રવર્તમાન પ્રવાહોના પરિપ્રેક્ષ્યમાં, અચલપદ માટે અપરમાતાના આભારી ધ્રુવની કથા...

                                                                                                                                                                                                      

આપણાં પ્રાચીન શાસ્ત્રો-ગ્રન્થોમાં ઘણી એવી કથાઓ છે, જે સાંપ્રત સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે અને રાજનૈતિક અને રણનૈતિક આંટીઘુંટીઓને સમજવા અને ઉકેલવામાં મદદરૂપ થાય તેમ છે, એટલું જ નહીં કેટલી કથાઓ ગૂઢાર્થમાં છે, જેનો મર્મ સમજવો પડે. જો એ ગૂઢાર્થનું મૂળ હાર્દ સમજાઈ જાય,તો સાંપ્રત સમયની કેટલીક ગૂઢ અને ગુંચવાયેલી સમસ્યાઓને ઉકેલવાની ચાવી પણ તેમાંથી જ મળી શકે છે. કેટલાક રહસ્યો તથા તેના ઘટસ્ફોટની કથાઓ ઘણું શિખવનારી હોય છે, તો કેટલીક કથાઓ પ્રવર્તમાન વૈશ્વિક પ્રવાહોના સંદર્ભમાં એકદમ બંધબેસતી આવે છે.

એક એવી જ કથામાં ધ્રુવ તપસ્ચર્યા કરીને અચલપદ પામ્યો, તે પછી જ્યારે જંગલમાંથી પાછો આવ્યો, ત્યારે તે સૌપ્રથમ પોતાની સગી માતા કે પિતાને પ્રણામ કરતા પહેલા પોતાની એ જ અપરમાતા (સાવકી માતા)ને પગે લાગ્યો, જેમણે પોતાના પુત્રના મોહમાં તથા રાજાપરનું વર્ચસ્વ તથા રાજવારસાની લાલચમાં ધ્રુવને રાજા અને ધ્રુવના પિતાના ખોળામાં બેસતો અટકાવીને ધ્રુવને જંગલમાં મોકલી દીધો હતો. ધ્રુવે કહ્યું હતું કે જો તેમની અપરમાં એ તેમને જંગલમાં ન મોકલ્યો હોત, તો આજે તે અચલપદ ન પામ્યો હોત, અને તપશ્ચર્યા કરવાનો માર્ગ મળ્યો જ ન હોત. આ રીતે ધ્રુવે સકારાત્મક અભિગમ અને હકારાત્મક વિચારધારા (પોઝિટિવ થિન્કીંગ)નો પ્રેરણાદાયી પરિચય પણ આપ્યો હતો.

આજે પણ જે વૈશ્વિક પ્રવાહો ચાલી રહ્યા છે અને પરસ્પર દુશ્મનાવટ ધરાવતા દેશો અથવા સરહદી કે અન્ય વિવાદો અથવા મતભેદો ધરાવતા દેશો નજીક આવી રહ્યા છે અને ચીન, રશિયા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકા જેવા બ્રિકસ સંગઠનો દ્વારા અમેરિકન ડોલરનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે, વ્યાપાર, ઉદ્યોગ અને સંરક્ષણ ક્ષેત્રમાં સમીકરણો બદલી રહ્યા છે, અને ટ્રમ્પ ટેરિફને કાઉન્ટર કરવા નવા નવા કરારો થઈ રહ્યા છે, તેનો યશ પણ બાકીના વિશ્વએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ આપવો જોઈએ, કારણ કે ધ્રુવની અપરમાતાની જેમ જો ટ્રમ્પે ટેરિફ તથા અન્ય મનસ્વી નિર્ણયો લીધા ન હોત તો આ તમામ દેશો વચ્ચે નજદીકી વધી ન હોત અને તંગદિલી ઘટી ન હોત. આ બધું ટ્રમ્પની તુમાખીને જ આભારી ગણાય ને ?

આવું જ કાંઈક આપણા દેશની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ બની રહ્યું છે. એક તરફ તો ચૂંટણીપંચની એસઆઈઆરની પ્રક્રિયા સામે વિપક્ષો આગબબૂલા છે અને જામનગરમાં કોંગ્રેસે હાલારના ૬૮ હજાર નામો મતદારયાદીમાંથી હટાવવાના આક્ષેપ સાથે ધગધગતી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેવી જ રીતે દેશભરમાં કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા સામે સવાલ ઉઠાવી રહ્યા છે, એટલું જ નહીં, આ બધું ભાજપના ઈશારે જ થઈ રહ્યું હોવાના સણસણતા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.

તે ઉપરાંત યુજીસીના નવા નિયમો પર સુપ્રિમકોર્ટે સ્ટે આપ્યા પછી આ મુદ્દે કેન્દ્ર સરકાર બેકફૂટ પર ભલે જણાતી હોય, પરંતુ હકીકતમાં તો આ પ્રક્રિયાની બુનિયાદ જ ખોખલી હતી અને યુજીસીના નવા નિયમો બનાવાયા જ એવી રીતે હતા કે પ્રથમ દૃષ્ટિએ જ તે શંકાસ્પદ જણાય અને તે કોઈને કોઈ પ્લેટફોર્મ પર પહોંચીને પટકાઈ જાય, અને તેનો વાસ્તવિક અમલ થતો જ અટકી જાય, (આ મુદ્દે હમામમેં સબ નંગે હૈ...ની કહેવત મુજબ બધા પક્ષોની મૂકસંમતિની આશંકાઓ પણ ઉઠી રહી છે)

એસઆઈઆર અને યુજીસીના મુદ્દાઓ ઉપરાંત શંકરાચાર્યજીના ગંગાસ્નાન સહિતના એવા મુદ્દા ઉઠયા કે જેથી તાજેતરની ચૂંટણીઓ પછી વેરવિખેર જણાતા વિપક્ષો ફરીથી એકજૂથ થવા લાગ્યા છે અને લોકસભાની  ચૂંટણી પહેલા જેવી રીતે "ઈન્ડિયા" ગઠબંધન રચાયુ હતું, તેવી જ રીતે ફરીથી વિરોધપક્ષો એકજૂથ થઈને મોદી સરકાર સામે મોરચો માંડે...આ એકજૂથતા માટે ધ્રુવની જેમ કઈ અપરમાતાને યશ આપવો જોઈએ, તે કહેવાની જરૂર ખરી ?

ગુજરાતમાં પણ એક અલગ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહેલી જોવા મળે છે, અને રાજ્ય સરકારમાં ગૂપચૂપ અને આયોજનપૂર્વક સત્તાનું હસ્તાંતર થઈ રહ્યું હોય, તેવી જ હીલચાલ થઈ રહેલી જોવા મળે છે, અને પ્રદેશ કક્ષાના અંતરંગ વર્તુળોમાં થતી ગૂસપૂસ આ સ્થિતિને વર્ષ ૨૦૧૫માં આનંદીબેન પટેલની સરકારના સમયગાળાના માહોલ સાથે સાંકળી રહી છે. રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ હતા, તે સમયે જેવી રીતે "સુપર સી.એમ."ની ચર્ચા થતી હતી, તેવી જ રીતે રાજ્યમાં ફરીથી સુપર સી.એમ. ની ચર્ચાઓ થવા લાગી છે. અને રાજ્ય સરકારના વહીવટમાં કોનું કેટલું ચાલે છે અને કોનું કેટલું ઉપજે છે, તેની વ્યંગાત્મક વાતો પણ વહેતી થઈ રહી છે. આ સ્થિતિ ઊભી થઈ, તે માટે પણ ધ્રુવની જેમ કઈ અપરમાતાને યશ આપવો જોઈએ, તે વિચારવું તો જોઈએ જ ને ?

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ।. ૧૮૬૦ કરોડનું બજેટ મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડીંગ કમિટીને સુપ્રત કર્યું છે અને હવે કમિટી તેમાં સુધારા-વધારા કરીને જનરલ બોર્ડમાં મૂકશે. પહેલેથી થતું આવ્યું છે, તેમ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપાતી સેવાઓ પરના કરવેરામાં નવેક કરોડ રૂપિયાનો કુલ વધારો સૂચવાયો છે, તેમાં સ્ટેન્ડીંગ કમિટી કાપ મૂકશે અને કેટલાક સૂચિત વધારા રદ કરશે. આ વખતે પ્રોપર્ટી ટેકસમાં કમિશનરે વધારો સૂચવ્યો નથી, પરંતુ ગટર, પાણી, કચરા કલેકશન વગેરે સેવાઓ પર વધારો સૂચવ્યો છે, અને તેમાં સ્ટેન્ડીંગ કમિટી કાપ મૂકશે, તે પણ નક્કી જ છે., જો આ વખતે આ બજેટમાં રાહત મળે અને ફૂલગુલાબી અંતિમ બજેટ રજૂ થાય, તો સમજવું કે ધ્રુવની અપરમાતાની જેમ નગરજનોને "ચૂંટણીમાતા"ના આશીર્વાદ મળ્યા છે !!

આવતીકાલે કેન્દ્રનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે, ત્યારે બજેટમાં ક્યા કયા સેકટરો, વર્ગો અને પ્રદેશોને કેવી અને રાહતો મળી શકે છે, તેની અટકળો થઈ રહી છે, પરંતુ તે પહેલાં જ શેરબજારની જેમ સોના-ચાંદીની માર્કેટમાં પણ જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. જો કે, તેની પાછળ વૈશ્વિક પરિબળોને વધુ જવાબદાર ગણાવાઈ રહ્યા છે, ભારત માટે ડોલર સામે રૂપિયો વધુને વધુ ઘસાઈ રહ્યો છે અને પછડાઈ રહ્યો છે, તે ચિંતાનો વિષય છે.

સોના-ચાંદી પર બજેટમાં આયાત ડ્યુટી ઘટવાની સંભાવનાઓ સહિતના પરિબળોના કારણે ગઈકાલે માર્કેટમાં કડાકો બોલ્યો, અને આજે અન્ય અપેક્ષાઓની સામે સંભાવનાઓ અને સંકેતોની અસરો પણ જોવા મળશે. દેશભરમાંથી વિવિધ અપેક્ષાઓ સામે આવી રહી છે. મોરબીના સિરામીક સેકટર ઉપરાંત જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ પણ સ્પેશિયલ રાહત પેકેજની ઘોષણા કેન્દ્રીય નાણા બજેટમાં થાય, તેવી અપેક્ષા રાખી રહ્યું છે. તે ઉપરાંત કેપિટલ ગેઈનની વસુલાત તથા ટીડીએસને લઈને પણ આશાવાદી છે.

આશા રાખીએ કે નિર્મલાબેન દેશની સામાન્ય જનતાને "પણ" લક્ષ્યમાં રાખીને આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ કરે..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh