Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોળી-ધુળેટી નજીક જ છે... યુવાન- વયસ્ક કે વરિષ્ઠ એવા અનેકના જીવનમાં રંગો ના ઉત્સવની મીઠી કે વસમી યાદો હશે જ... અને આ પ્રસંગે અનેક યાદો વાગોળતા પણ હશે... , પવિત્રા આજે પોતાની યાદો વાગોળતી તો હતી જ અને સાથે એ એમના દિયર આકાશને ભત્રીજા આરવને ખોળામાં બેસાડી રંગોનું પુસ્તક બતાવતા બેઠા છે...એ જોઈ વિચારતી હતી કે મારા દેર (દિયર) કેમ હોળી નથી રમતા ? એમને શું તકલીફ હશે? એ તો એમના લાડલા ભત્રીજાને ધુળેટીના રંગો પુસ્તકમાં બતાવતા હતા..પવિત્રાના એક વર્ષના આરવને શું સમજણ પડે? તો પણ... આજે એ હોંશથી બતાવતા હતા..., પવિત્રા વિચારતી હતી કે મારા પતિ અનંતના અચાનક જવાથી મારા જીવનમાં તો રંગો ઉડી જ ગયા છે પણ આકાશ કેમ રંગોથી દૂર રહે છે... એમાં એમની શું આઘાતજનક યાદો સમાયેલી હશે? પવિત્રા ને થોડી ખબર હતી કે એના સાજનની એ વહાલી હતી એમ આકાશની પણ કોઈ વહાલી હતી આજે એણે નક્કી કર્યું કે આજે આકાશભાઈને હું પૂછી જ લઉં અને જાણું કે કોણ હતી અને હજી શક્ય હોય તો આ ધુળેટી પહેલા એને શોધી આકાશભાઈના જીવનમાં રંગો રેલાવું...
પવિત્રા હળવે રહી આકાશની બાજુમાં જઈને બેઠી.. પહેલા તો આકાશને કાંઈ ખ્યાલ ન આવ્યો પણ અચાનક એમ લાગ્યું કે કોઈ બાજુમાં શ્વાસ લઇ રહ્યું છે... જોયું તો ભાભી... એ ચમકી ગયો અને થોડો ખસી ગયો...બોલ્યો....*ભાભી તમે... અચાનક ?* પવિત્રા કહે કે એમાં આટલા બધા વ્યાકુળ કેમ થઇ ગયા? આકાશ કહે *ના .. ના... બસ એમ જ... હું મગ્ન હતો આરવને આ પુસ્તક બતાવવામાં... મને આજુબાજુનો કાંઈ ખ્યાલ જ નહિ... અને અચાનક* પવિત્રાએ હળવું સ્મિત આપ્યું અને કહ્યું... અરે આમ એકદમ છોભીલા પડી ગયા હો એમ કેમ વર્તો છો? કાંઈ આડુંઅવળું બતાવતા હો અને પકડાઈ જાવ એવું તો છે નહીં... હા, એવું બને કે એ ચિત્રો બતાવતા કદાચ કોઈની યાદોમાં ખોવાઈ ગયા હો, તમારા અંતર મનમાં કોઈ હોય...* આકાશ કહે ના ના એવું કાંઈ નહીં... પવિત્રા કહે કે આકાશ તમે મને આજે કહી જ દ્યો કે એ કઈ કન્યા છે જેની યાદોમાં તમે સતત ખોવાયેલા રહો છો... હું સામે આવું તો આઘા ભાગી જાવ છો...કાંઈક છુપાવતા હો એવું લાગ્યા કરે છે.. સાચું કહો... એણે ક્યારે અને કેમ દગો આપ્યો... હજી કોઈ અવકાશ હોય તો હું એને મનાવી લાવું... આકાશ કહે ના ભાભી... એણે કોઈ દગો નથી આપ્યો...
આટલું બોલી ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો.... કાંઈ ન બોલ્યો... પછી અચાનક બોલ્યો કે ના ભાભી મારી વાત પછી પણ તમે કહો તમારી અને અમારા અનંતભાઈની મુલાકાત કેવી રીતે થઇ... પવિત્ર પણ વિચારોમાં ખોવાઈ ગઈ અને ઊંડો શ્વાસ લઇ બોલી... આવીજ હોળી હતી અને અમે સખીઓ કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગઈ હતી... એ સમયે જ તમારા ભાઈ ગ્રેજ્યુએટ થઇ.. અમારી કોલેજમાં માસ્ટર ડિગ્રી માટે આવ્યા હતા.. હું તો જોતા જ મોહિત થઇ ગયેલી... તમારા જેવી જ પર્સનાલિટી અને સુંદર સ્મિત... પણ અમારા સિનિયર કહેવાય ને? મેં મારી સખીઓને કહ્યું કે જોયા ઓલા હેન્ડસમ ને? કોઈ એની સામે દાનત નહિ બગાડતા ,એ મને ગમે છે.... બસ પછી તો મેં સંપર્ક કરવા પ્રયત્ન ચાલુ કરી દીધા... પણ તમારા ભાઈ બહુ જ શરમાળ છ મહિના તો માત્ર સ્મિત આપી ખસી જાય... મને એટલો ગુસ્સો આવતો હતો કે કેવો છે સાવ... બીજો કોઈ હોય તો મારા જેવી સુંદરીની વાતમાં તરત આવી જાય.. જોતા જ મોહી જાય પણ આ તો સાવ... ,એ પછી અમારી કોલેજમાં એન્યુઅલ ડે આવ્યો અને અમારી વચ્ચે વાતચીત થઇ... બસ એ પછી તો હું છોડું.. જોકે એને પણ પછી મને મળવું ગમતું હતું અને ધીરે ધીરે અમે નજીક આવી ગયા... હા નજીક મન હૃદયથી એકમેકના થઇ ગયા પણ તમારા ભાઈ એ મને સહેજ પણ સ્પર્શ કરવા પ્રયત્ન નહોતો કર્યો, હું અજાણતા નજીક જાઉં તો એ ખસી જાય... એમણે મારો હાથ પણ ક્યારેય હાથમાં લીધો નહોતો... હેન્ડશેક પણ નહિ... બસ એમ કરતા અમારૃં છેલ્લું વર્ષ પૂરૃં થયું , અમે ગ્રેજ્યુએટ થઇ ગયા.. અને અનંત સાહેબ તો આગળના અભ્યાસમાં લાગેલા હતા, અમારી મુલાકાત નિયમિત હતી... અમારા સંબંધ, મુલાકાતને એક વર્ષ થયું છતાં એ માણસ ને કોઈ દિવસ મળવાની ઉત્કંઠા જાગે કે બે દિવસ ના માળીયે તો અધીરા થઇ જાય એવું નહિ... બસ માળીયે ત્યારે વાત... આઈ લવ યુ, મિસ યુ એવું કાંઈ નહીં... મને કહી દેવાનું મન થાય પણ અટકી જાઉં, એમ વિચારીને કે કદાચ એને નહીં ગમે અને ભાગી જાશે તો? પણ એક હોળીમાં જ્યારે મળવા રમવા ભેગા થયા ત્યારે પ્રેમના રંગોમાં પૂર્ણ રંગાયેલા અમે પહેલી વાર એકમેકને ભેટ્યા એમાં પણ પહેલ એમણે કરી... મારા ગાલે ગુલાલ લગાવ્યો અને હું ઘેલી એને વળગી પડી , એણે કોઈ અવરોધ ન કર્યો અને કસ્સી આલિંગન આપ્યું , હું તો હતપ્રભ થઇ ગઈ.. મને થયું કે આ એ જ માણસ છે? અને પછી અમે એકમેકને જોતા જ રહયા, માત્ર આંખોથી કહી દીધુ કે હું તને અનહદ પ્રેમ કરૃં છું અને આજીવન સાથ ઈચ્છું છું... બસ વચને બંધાઈ ગયા... વડીલોને વાત કરી... વડીલોએ કોઈ જ આનાકાની ન કરી... હા એક વડીલે બન્નેના જન્માક્ષર જોયા અને મેળવ્યા પછી ,પપ્પાજીને કહ્યું કે આ ના થાય તો સારૃં... અમુક ગ્રહ ભારે છે... અજુગતું થઇ શકે છે...., તમારા ભાઈ અને પિતા આમ માનતા નહોતા એ તો કહે કે એવું કાંઈ ન હોય... આપણે લગ્ન કરશું...અને કર્યા ... ત્રણ વર્ષ બધું બહુ જ સરસ ચાલ્યું... તમે તો બે વર્ષ બહાર ભણવા જતા રહયા હતા... અને તમે આવ્યા ત્યારે અમારા દીકરા આરવનો જન્મ થયો..., એ જન્મતા જ તમારો થયો... એ એના પપ્પા પાસે ઓછું જાય તમારી પાસે જ હોય... એના પપ્પા ઓફિસથી આવે ત્યારે હરખથી દોડે નહિ પણ તમને જોઈ ને દોડે... કાલી ભાષામાં ચાચુ બોલતો.... , બસ અમારૃં એ સહ જીવન ત્રણ વર્ષનું અને અચાનક સંજોગાવસાત તમારા ભાઈ નું જીવન ટૂંકાઈ ગયું... એમના અવસાન પછી પપ્પાજીએ કહ્યું કે તારે તારા પિયર જવાની જરૂર નથી તું અહીં જ રહીશ... અમારી દીકરી છો..., મારા પપ્પાને પણ કહી દીધું હતું કે પવિત્રા અહીં જ રહેશે... ભવિષ્યમાં અમે એને પરણાવશું.. બસ જીવન ચાલે છે... મારા આરવને અનંતની ખોટ નથી લાગતી... હું ધીરે ધીરે ટેવાતી જાઉં છું...
પપ્પાજીએ ભલે કહ્યું કે અમે એને પરણાવશું પણ મારે આ ઘર છોડી જવું નથી... હું આ દીકરાના સહારે જીવન કાઢી નાખીશ... એ બધું જવા દ્યો પણ મને તમારી તો વાત કરો... તમે પ્રેમમાં ચોટ ખાધી છે... કોણ છે એ? હજી એનું કાંઈ થયું ન હોય... તો હું દેરાણી બનાવી દઉં... આકાશ શરમાઈ ગયો.... , પવિત્રા કહે ,એમ શરમાવ નહિ... મને વાત કરો...
આકાશ કહે કે ભાભી... શું કહું.. મારી કરૂણતા એ છે કે હું એને અનહદ પ્રેમ કરતો હતો અને હજી કરૃં છું... એને પહેલી વાર જોઈ ત્યારથી એના સિવાય કોઈના વિચાર કર્યા જ નથી.....એ પ્રેમ સંપૂર્ણ એક તરફી હતો... એને તો ખબર જ નહીં કે હું એને પ્રેમ કરૃં છું.... હું એને ક્યારેય કહી શક્યો નહીં કે હું તને પ્રેમ કરૃં છું... મેં પ્રયત્ન બહુ જ કર્યા... મારા મિત્ર અનિલ ને જ ખબર હતી બીજા કોઈને નહીં... અનિલ તો એના પ્રિય પાત્રને કહી શક્યો કે આઈ લવ યુ... હું ના કહી શક્યો... એ મને કહ્યા કરતો કે સાલા નકામો છે.. તને એ ગમ છે તો કહી દે ને? અને ઘણી હિંમત કરી એક હોળીએ મેં નક્કી કર્યું કે આજે એને કહી જ દઉં... અનિલે જ કહ્યું કે આ અવસર છે...પ્રેમ રંગ છાંટી જ દે... મેં હિંમત કરી અને ગયો પણ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એના પર બીજા કોઈએ રંગ છાંટી દીધો હતો અને બંને આલિંગનબદ્ધ હતા... હું ભારે હૈયે અટકી ગયો...આ સમયે આકાશની આંખો ભીંજાઇ ગયેલી... અને ભારે હૈયે બોલ્યો કે ભાભી હું ભારે હૈયે પાછો ફર્યો... પવિત્રા કહે કે એ પછી એના લગ્ન થયા કે નહીં? આકાશે માત્ર ડોકું હલાવી હા પાડી... પવિત્રા કહે કે મારે એને જોવી તો પડે જ... ક્યાં છે? કોણ છે? ...આકાશ કહે ના ભાભી ... જવા દ્યો...
નથી જાણવું કોણ છે? એ જ વખતે આકાશનો મિત્ર અનિલ આવ્યો અને બોલ્યો ભાભી હું કહી દઉં? કોણ છે? ક્યાં છે? આકાશ ઊભો થઇ ગયો અને બોલ્યો *જરાય નહિ... ઝાપટ મારીશ બોલ્યો તો... અનિલ કહે ઝાપટ ખાઈ લઈશ... પણ તને દુઃખી નહિ જોઈ શકું... મિત્ર છું... પવિત્ર કહે વાહ આને કહેવાય મિત્રતા...
બોલો બોલો.... અનિલે એક નજર આકાશ સામે કરી અને હળવા સ્મિત સાથે કહ્યું *ભાભી એ કન્યા એટલે તમે જ.... પવિત્રા તો અવાક થઈ ગઈ... જોઈ જ રહી.... આકાશ આરવને લઇ બહાર નીકળી ગયો...
પછી ઘણું બધું શુભ થયું મન ઊંચા થયા વગર... એ ચર્ચા નથી કરવી પણ હોળી પછી પવિત્રા આકાશના લગ્નનું નક્કી થઈ ગયું...સૌને રંગોત્સવની શુભેચ્છાઓ...
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial