Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ઈટ્રામાં આજથી નેશનલ કોન્ફરન્સ "રસમીમાંસા" અને ફૂડ એકસ્પોનો પ્રારંભ

સાંસદ પૂનમબેન માડમ, પદ્મશ્રી રાજેશ કોટેચા, સંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ, ઈટ્રાના ડાયરેકટર પ્રો. તનુજા રહેશે ઉપસ્થિતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના ઈટ્રામાં રસમીમાંસા-૨૦૨૬નો ઈટ્રા જામનગરમાં ઈટ્રા ડાયરેકટર પ્રો. તનુજા નેસરીની અધ્યક્ષતામાં પ્રારંભ થયો છે. આ કાર્યક્રમો દરમિયાન સાંસદ પૂનમબેન માડમ, પદ્મશ્રી રાજેશ કોટેચા વગેરે ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે.

ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા, જામનગર, આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા, જામનગરમાં ૬ અને ૭ માર્ચ ૨૦૨૬ના બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ *રસમીમાંસા ૨૦૨૬* નું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ તા. ૭ અને ૮ માર્ચના ધન્વન્તરી ગ્રાઉન્ડમાં બે દિવસીય આયુરસવાદોત્સવ ૨૦૨૬થી એક આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો યોજવામાં આવ્યો છે. વર્ષ ૧૯૫૬ થી અત્યાર સુધી રસશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઍલ્યુમનાઈ મીટ પણ યોજાશે અને ઈટ્રા વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, સંગીત અને અભિનય આધારીત તરંગમ ૩.૦ કાર્યક્રમ રજૂ થશે.

તા. ૬ માર્ચના સવારે ૧૦ વાગ્યે પી. એમ. મહેતા ઓડિટોરિયમમાં રસમીમાંસા ૨૦૨૬ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં શરૂ થઈ છે. આ કાર્યક્રમો દરમિયાન જામનગર દેવભૂમિ દ્વારા જિલ્લાના સાંસદ પૂનમબહેન માડમ મુખ્ય અતિથિ તરીકે તેમજ અતિથિ વિશેષ તરીકે આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી રાજેશ કોટેચા રહેશે તેમજ તા. ૭ માર્ચના સવારે ૧૦ વાગ્યે ધન્વન્તરી મેદાન ખાતે ઈટ્રા સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી ૫ નવતનપુરી ધામના શ્રી કૃષણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનંત વિભૂષિત શ્રી કૃષ્ણમણીજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે થશે તેમજ જામનગરના માનનીય કલેકટરશ્રી કેતન ઠક્કર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

આ તમામ કાર્યક્રમો ભારત સરકારના આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવના માર્ગદર્શન હેઠળ અને ઈટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીના વડપણ હેઠળ યોજવામાં આવી રહ્યા છે.

આઈ. ટી. આર. એ. ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે જામનગરમાં એક નોખા અનોખા બે પ્રસંગોનું આયોજન કરવામાં આવી રહૃાું છે જેમાં એક રસમીમાંશ હેઠળ રાષ્ટ્રીય કક્ષાની પરિષદ યોજાશે જેનો ઉદેશ્ય સંશોધન પ્રગતિ, સલામતી મૂલ્યાંકન, નિયમનકારી દૃષ્ટિકોણ, હર્બોમિનરલ, મેટાલોમિનરલ આયુર્વેદિક ફોર્મ્યુલેશનના ફાર્માકોવિજિલન્સ પાલનને પ્રતિનિધિઓ અને વૈજ્ઞાનિક સમુદાય સુધી પહોંચાડવાનો છે. આ પરિષદમાં આઈઆઈટી અને નિપેર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ, વિશ્વવિદ્યાલયના કુલપતિઓ, સંશોધન પરિષદ, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાઓના નિષ્ણાતો, પ્રખ્યાત વિદ્વાનો, સંશોધકો, શિક્ષણવિદો, ઔદ્યોગિક વ્યક્તિઓ, સમકાલીન નિષ્ણાતો અને દેશભરના ક્લિનિશિયનો ૩૦૦ થી વધુ ભાગીદારી સાથે એકત્ર થયા છે. આ પ્રસંગે સંશોધકો દ્વારા રજૂ થયેલા સંશોધન પત્રો અને પોસ્ટરો પ્રકાશિત કરાયા છે. જેથી તજજ્ઞોની ચર્ચાઓ થકી વૈજ્ઞાનિક સમુદાયને સંદેશાઓ અને તારણો વ્યાપકપણે પહોંચાડી શકાય.

રસૌષધિની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા પર કેન્દ્રીયકૃત આ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે અને પદ્ધતિથી ચાલતા વિવિધ સેસનમાં તજજ્ઞો અને ભાવી પેઢીનો સંગમ થયો છે. અને જેથી આયુર્વેદ ક્ષેત્રે રસૌષધિની કામગીરી, પ્રક્રિયા, ગુણવત્તા સહિત અનેક બાબતો પર નૂતન પરિણામો પ્રાપ્ત થશે.

બીજો અગત્યનો કાર્યક્રમ જામનગરમાં કાર્યરત આર. ટી. આર. એ. ફાર્મસી શિ.ક્ષણ વિભાગને ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહૃાાં છે ત્યારે તા. ૭ અને ૮ માર્ચના ધન્વન્તરી મેદાનમાં એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુર્વેદના સિદ્ધાંતોને આધારે વિવિધ પ્રકારના ખાનપાનના વ્યંજનોનો લાભ મેળવી શકાશે સાથો સાથ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આયુર્વેદ આધાર પર ઉત્પાદિત હર્બલ અને કોસ્મેટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહઃ વેચાણ પણ ઉપલબ્ધ હશે.

૩૦ હજાર ફૂટ જગ્યામાં વિશાળ એ. સી. ડોમ અને ૩૨ પેગોડા (તંબુ)માં યોજાનાર આ આયુર્વેદ એક્સપોમાં ૫૨ જેટલા સ્ટોલ હશે, ૧૫૦ પ્રકારની વિવિધ વાનગીઓ લોકોને સ્વાદ સ્વાસ્થ્યની દિવાનગી જગાવશે. લાઈવ ફૂડ આઈટમ, પેકેજ ફૂડ આઈટમ, સૂપ, સ્ટાર્ટર, આરોગ્યપ્રદ પીણાઓ, આયુર્વેદ રેસીપી, કોસ્મેટીક અને હેલ્થ પ્રોડક્ટ્સનો પણ એક અલગ વિભાગ હશે જેમાં ઈટ્રાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કર્યું છે તેઓની ચીજવાસ્તુઓનું વેચાણ પણ ઉપલબ્ધ છે.

આ એક્સ્પો ભારત સરકારના વિવિધ પ્રકલ્પ વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, વિકાસ ભી વિરાસત ભી, હર ઘર સ્વદેશી, સ્કીલ ઇન્ડિયાને અનુમોદન અને પીઠબળ સમાન સાબિત થશે. આ એક્સપોની મુલાકાત લેનાર સૌ કોઈને આયુર્વેદ આહાર વિહાર, ખાનપાન, સ્વસ્થ જીવનશૈલી, પ્રકૃતિ પરીક્ષણ, શ્રમ પરીક્ષણ કરી આપવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન ડબલ્યુએચઓ જીટીએમસીની એક પ્રદર્શન ગેલેરીમાં વૈશ્વિક કક્ષાએ પરંપરાગત ચિકિતસાઓની માહિતી અને રોચક બાબતો વિષે મુલાકાતીઓને ડબલ્યુએચઓ જીટીએમસીના સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવી રહ્યા છે. રસશાસ્ત્રની રાષ્ટ્રીય પરિષદના સંયોજક તરીકે પ્રો. બી. જે. પાટગીરી તેમજ એક્સપોના સંયોજક તરીકે પ્રો. જોબન મોઢા જવાબદારી નિભાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh