Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણી, રસ્તા, સ્વચ્છતા, મચ્છરનો ઉપદ્રવ અને નાગરિકની કાનૂની યાત્રા
શહેરમાં જીવતા નાગરિક માટે શુદ્ધ પાણી, ખાડાવિહોણા રસ્તા, સમયસર કચરો ઉઠાવવાની વ્યવસ્થા અને સ્વચ્છ પરિસર કોઈ દાન નહીં, પરંતુ અધિકાર છે. આ અધિકાર માત્ર કાગળ પર નહીં, જીવનની હકીકતમાં અનુભૂતિ પામવો જોઈએ. જ્યારે પાણી અચાનક કપાઈ જાય, ગટર ઊભરાય, રસ્તા ફાટી જાય, કચરાના ઢગલા ઊભા રહે કે ઝાડઝાંખર અને ડોબામાંથી મચ્છરો પેદા થઈ રોગચાળો ફેલાવાનો ભય ઊભો થાય, ત્યારે કાયદો નાગરિકને નિષ્ક્રિય રહેવા કહેતો નથી. કાયદો કહે છે, બોલો, લખો, નોંધાવો, અને જરૂરી પડે તો અદાલત સુધી વાટ વધારો.
બંધારણીય આધાર
અને નગરપાલિકાની ફરજ
ભારતના બંધારણની કલમ એકવીસ જીવનના અધિકારને માત્ર શ્વાસ લેવામાં સીમિત નથી કરતી. તે અધિકારને શુદ્ધ પાણી, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પરિસ્થિતિ સુધી વિસ્તારે છે. નગરપાલિકાનું અસ્તિત્વ નાગરિકને આ મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા માટે છે. નાણાનો અભાવ, કાગદી પ્રક્રિયાની દલીલો કે કોન્ટ્રાક્ટરની ભૂલ જેવા બહાના નાગરિકના અધિકાર સામે ટકી શકતા નથી. અદાલતો વારંવાર કહી ચૂકી છે કે નગરપાલિકાની પ્રાથમિક ફરજ નાગરિકના આરોગ્ય અને સલામતિનું રક્ષણ કરવું છે.
સમયમર્યાદિત જાહેર સેવાઓનો અધિકાર
ગુજરાતે નાગરિકો માટે સમયમર્યાદિત જાહેર સેવાઓ અંગે વિશેષ કાનૂની વ્યવસ્થા ઊભી કરી છે. ભાવ સાર એવો કે ચોક્કસ જાહેર સેવાઓ નિર્ધારિત અવધિમાં ઉપલબ્ધ કરાવવાની સત્તાવાર ફરજ નિર્ધારિત થાય છે. સેવા વિલંબિત થાય અથવા ન મળે તો નાગરિકને લેખિતમાં રજૂઆત કરવાની, પ્રથમ અપીલ અને પછી દ્વિતીય અપીલ સુધી જવાની સુગઠિત પદ્ધતિ આપવામાં આવી છે. આ વ્યવસ્થાનો આત્મા જવાબદારી અને પારદર્શકતા છે. એટલે, પાણીનો કનેક્શન હોય, માર્ગની દુરસ્તી હોય કે કચરાની નિયમિત ઉપાડ સેવા હોય, દરેક બાબતમાં નિર્ધારિત અવધિ અને જવાબદાર અધિકારી નક્કી હોય છે.
આ અર્થમાં, જ્યારે અરજી છતા પત્રવ્યવહાર નિષ્ફળ જાય, ત્યારે નાગરિક આ સમયમર્યાદિત સેવાઓની કાનૂની સ્કીમ હેઠળ અપીલ કરી શકે છે, અને યોગ્ય હોય તો જવાબદાર અધિકારી સામે શિસ્તાત્મક કાર્યવાહી અથવા દંડાત્મક પરિણામો ઉભા કરાવી શકે છે. આ સમગ્ર માળખું નાગરિકને કહે છે કે તમારૃં કામ અટકે તો તંત્રને જવાબ આપવા માટે મજબૂર કરો.
અરજીથી નિવારણ સુધીની નાગરિક માર્ગદર્શિકા
(૧) પ્રથમ પગથિયો છે સચોટ, સંક્ષિપ્ત પરંતુ દૃઢ લેખિત અરજી. સંબંધિત ઝોન કચેરી કે મુખ્ય કચેરીને સંબોધીને સમસ્યાનો સાક્ષી આધાર સાથે ઉલ્લેખ કરો. પાવતી લેવી અનિવાર્ય રાખો.
(૨) જવાબ ન મળે અથવા કામ ન થાય તો સ્મરણપત્ર આપો. સામૂહિક અસર માટે સોસાયટી કે વિસ્તારમાંથી સંયુક્ત હસ્તાક્ષરિત રજૂઆત કરો.
(૩) ત્યારબાદ અપીલ પ્રણાલીનો આશરો લો. સમય મર્યાદિત સેવાઓની સ્કીમ મુજબ પ્રથમ અપીલ અધિકારી અને પછી દ્વિતીય અપીલ અધિકારી સુધી મુદ્દો ઉઠાવો.
(૪) સેવા ખામીથી નુકસાન થયું હોય તો ગ્રાહક સુરક્ષા કાયદાની દિશામાં દાવો કરવાની શક્યતા છે. તેમાં વળતર, માનસિક પીડા અને ખર્ચ માટે પણ રજૂઆત થઈ શકે છે.
(૫) જ્યાં સમસ્યા વિસ્તારવ્યાપી હોય, સ્વાસ્થ્ય અને સલામતિ પર ગાઢ અસર કરતી હોય, ત્યાં ઉચ્ચ ન્યાયાલયમાં રીટ અરજીનો માર્ગ ખૂલ્લો છે. રીટ અંતર્ગત અદાલત તંત્રને ફરજ બજાવવા આદેશ આપી શકે છે, સમયબંધ આયોજન કરાવી શકે છે અને સતત દેખરેખ હેઠળ અમલ કરાવી શકે છે.
ઝાડઝાંખર, ડોબા અને મચ્છરજન્ય રોગચાળો
શહેરમાં ખાલી પડેલા પ્લોટો પર ઉગી નીકળેલું ઝાડઝાંખર, રસ્તાની બાજુ ભેગું થતું ગંદુ પાણી, અને વરસાદી અવધિ પછી ઉભા રહેતા ડોબા મચ્છરોના પ્રજનનની જગ્યા બને છે. આ માત્ર તકલીફ નહીં, પરંતુ જાહેર આરોગ્ય પર ઘાતક અસર કરનાર પરિસ્થિતિ છે.
આવા સમયે નાગરિકે તાત્કાલિક લેખિત રજૂઆત નગરપાલિકા કમિશનરને કરવી. રજૂઆતમાં ખાસ માંગણીઓ કાળજીપૂર્વક લખવી
(૧) દવાનો છંટકાવ કરવામાં આવે, (૨) ઝાડઝાંખર કાપી સાફ કરવામાં આવે (૩) ડોબા પુરવા કે નિકાલની કાયમી વ્યવસ્થા બનાવવામાં આવે, (૪) અસરગ્રસ્ત વિસ્તારોમાં નિર્ધારિત અવધિએ નિયમત દવાની કામગીરી રાખવામાં આવે
જો સત્તાવાર કાર્યવાહી માંડી પડે તો ઉપર દર્શાવેલી અપીલ પ્રણાલીનો સહારો લો, અને જરૂરી હોય તો જાહેર હિતમાં રીટ દ્વારા ઉચ્ચ ન્યાયાલય સમક્ષ રજૂઆત કરો કે રોગચાળો અટકાવવા તાત્કાલિક પગલાં લેવામાં આવે. અદાલતોએ અનેક પ્રસંગે કહૃાું છે કે નાગરિકને ગંદકી અને બેફામ મચ્છર ઉપદ્રવ વચ્ચે જીવવા માટે મજબૂર કરવું અધિકારનું ઉલ્લંઘન છે.
માર્ગ, પાણી, કચરો અને ગટર અંગે વિશિષ્ટ સૂચનો
(૦) રસ્તામાં ખાડા કે ખુલ્લા ઢાંકણો દેખાય તો સ્થાન, તારીખ અને સાક્ષી રૂપે તસવીર સાથે અરજી કરો. અકસ્માત જોખમ પ્રગટ કરો. લાંબી અવગણના થાય તો નુકસાન માટે નગર પાલિકાની કાનૂની જવાબદારી ઊભી થઈ શકે છે.
(૦) પાણી કપાય કે ગટર ઊભરાય તો સમય, વિસ્તાર અને અસરિત પરિવારોની યાદી સાથે રજૂઆત કરો. આરોગ્ય જોખમ સ્પષ્ટ કરીને તરત કામગીરીની માંગ કરો.
(૦) કચરો ઉઠાવવાની ગાડી નિયમિત ન આવે તો માર્ગ અને સમયનો ઉલ્લેખ કરો, ચિત્ર સાથે નોંધાવો અને વિકલ્પ રૂપે સામૂહિક રજૂઆત કરો. ગંધ, જીવાતો અને બાળકો તથા વૃદ્ધો પર પડતી અસર વર્ણવો.
રીટ ક્યારેઃ કેવી રીતે
રીટ અદાલતનો અસામાન્ય પરંતુ અસરકારક હુકમ છે, જે ત્યારે માંગવામાં આવે જ્યારે સામાન્ય તંત્રિય પાયાની દવા અસમતોષકારક સાબિત થાય, સમસ્યા વિસ્તારવ્યાપી હોય અને નાગરિકોના મૂળભૂત અધિકારોનો સ્પષ્ટ ભંગ થતો હોય. ઉદાહરણ તરીકે
(૧) મોટો વિસ્તાર લાંબા ગાળે ગંદકીથી ઘેરાયેલો રહે, (૨) મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છતાં દવાનો છંટકાવ ન થાય, (૩) ખાડા અને ખરાબ રસ્તા કારણે વારંવાર અકસ્માતો થાય, (૪) પાણી જેવા જીવનાવશ્યક સાધનોનો પુરવઠો સતત ખલેલ પામતો રહે
આવા સંજોગોમાં નાગરિકો અથવા જાહેર હિતના સંગઠનો ઉચ્ચ ન્યાયાલયમાં રીટ અરજી કરી શકે છે. અદાલત તંત્રને ફરજ નિભાવવાની સ્પષ્ટ દિશા આપે છે, સમયબંધ પગલાં નક્કી કરે છે અને જરૂર પડે તો આગ્રહપૂર્વક અનુસરણ પણ કરાવે છે.
અંતિમ સંદેશ
નાગરિક હોવું માત્ર કર ચૂકવવું નથી, જવાબદાર તંત્ર પાસે જવાબ માંગવાની હિંમત પણ છે. લખિત અરજી, અપીલ, ગ્રાહક દાવો અને અંતે વ્રિટ સુધીનો માર્ગ કાયદાએ તમે માટે ખુલ્લો રાખ્યો છે. મચ્છરનો ઉપદ્રવ હોય કે કચરાનો ઢગલો, ખાડા ભરેલા રસ્તા હોય કે પાણીનો કટ, એકલાં નહીં પરંતુ મિલીને, દૃઢ અને દસ્તાવેજી રીતે બોલો. કાયદો તમારા પક્ષે છે, શરતે કે તમે પોતાના અધિકાર માટે સતત, શાંતિપૂર્વક અને પુરાવા સાથે અડીખમ રહો.
ધ્વનિ લાખાણી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial