Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગર૫ાલિકાના ભાજપનાા કુશાસન સામે કોંગ્રેસનું આરોપનામું
જામનગર તા. ૩૦: આગામી ટૂંક સમયમાં જ ગુજરાતમાં જામનગર સહિત અન્ય મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થનાર છે ત્યારે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ર૦ વર્ષના ભાજપના શાસન અને મોટા પાયે ભ્રષ્ટાચાર અંગે વિવિધ મુદ્દાઓ સાથેનું આરોપનામું જાહેર કર્યું છે. આ આરોપનામા અંગે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે.
જેમાં જામનગરના પૂર્વ સંસદસભ્ય વિક્રમભાઈ માડમે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરને સ્પર્શતા અને વોર્ડોમાં અલગ અલગ પ્રશ્નો હોય છે. જામનગર ભાજપના શાસકોએ ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે. પછી તે લાખોટા લેઈકનું કામ હોય, ભૂજિયા કોઠાનું કામ હોય કે ફ્લાય ઓવર બ્રિજના કામ હોય, તમામ નાના-મોટા કામોમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો થયા છે.
જામનગરની જનતા સારી રીતે જાણી ચૂકી છે કે જામનગરનો યોગ્ય વિકાસ થયો નથી, પણ ભાજપના નેતાઓનો વિકાસ થયો છે. છેલ્લા ર૦-ર૦ વર્ષથી ક્રિકેટ સહિતની રમતો માટે મેદાન બનાવવાના માત્ર વાયદા જ થયા છે.
ત્રીજા સ્મશાન માટેની જગ્યા બિલ્ડરોને લાભ અપાવવા બદલવી પડી રહી છે. હજી કોઈ ઠેકાણા નથી. કચરો બાળવાના કોન્ટ્રાક્ટરના કારણે ચાર વોર્ડની પ્રજા રોગચાળાના ભય સાથે જીવી રહી છે. દરેક કામ ૪૦ ટકાના કમિશનના ધોરણે જ થતા હોવાનું પ્રજા જાણે છે.
તેમણે ભાજપના નેતાઓને ચાંદીબજારના ચોકમાં જાહેર જનતાની ઉપસ્થિતિમાં આરોપનામા અંગે ભ્રષ્ટાચાર-કૌભાંડો અંગે ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે, જો કે તેમણે ત્યાં સુધી જણાવ્યું કે ભાજપના કોઈ નેતામાં જાહેરમાં જવાબ આપવાની કે પડકારનો સામનો કરવાની ત્રેવડ નથી.
કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાને જાગૃત કરવા આ આરોપનામા સાથે પ્રચાર કરવામાં આવશે. મનપાની મુદત પૂર્ણ થવાના આગલા દિવસે ૭૦૦ કરોડના કામોની મંજુરી પણ શંકાસ્પદ છે.
આ તકે જામનગરના પ્રભારી અને કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પણ જામનગરનો અન્ય મહાનગરોની સરખામણીમાં વિકાસ થતો નથી. અહીં ર૦ વર્ષથી ભાજપના શાસનમાં થયેલા મહાકાય ભ્રષ્ટાચારના કારણે જ જામનગરની જનતા અનેક સમસ્યાથી ત્રસ્ત થઈ ગઈ છે. પરિણામે કામો થયા નથી, જે કામો થયા છે તે અત્યંત નબળા થયા છે. લોકોને પીવાલાયક શુદ્ધ પાણી મળતું નથી. બોર્ડમાં થયેલા ઠરાવોની અમલવારી થતી નથી.
જે જામનગરે ક્રિકેટ વિશ્વમાં અનેક મહાન ક્રિકેટરોની ભેટ આપી છે તે શહેરમાં મનપા ક્રિકેટ મેદાન બનાવી શકી નથી. કોંગ્રેસનું શાસન આવશે તો રમતગમતના મેદાનનું નિર્માણ કરવાને પ્રાથમિક્તા આપવામાં આવશે. જામનગરની જનતા વીસ-વીસ વર્ષના ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારોથી હવે ગળે આવી ગઈ છે અને કોંગ્રેસ લોકોની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરવાનો સંકલ્પ લઈને મતદારો પાસે જશે, અને મનપામાંથી ભાજપના પાપોની વિદાય નક્કી છે.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ સ્વાગત પ્રવચન કરી ભાજપ શાસન સામેના આરોપનામાની વિગતો ટૂંકમાં આપી જન-જન સુધી ભાજપના પાપોની જાણકારી આપવાનો પ્રચાર કરવાની જાહેરાત કરી હતી.
આ પત્રકાર પરિષદમાં મનપા વિપક્ષના પૂર્વ નેતા ધવલભાઈ નંદા, પ્રદેશ મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, જિ.પં. સભ્ય જે.પી. મારવિયા, પૂર્વ કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, આનંદ ગોહિલ, મહામંત્રી પ્રવિણભાઈ જેઠવા, ભરતભાઈ વાળા, સાજીદભાઈ બ્લોચ, મહિલા મોરચના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial