Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સાંજે ૪ થી રાત્રે ૮ વાગ્યા સુધી મોકડ્રિલઃ અડધો કલાક અંધારપટ

રાત્રે ૮ થી ૮-૩૦ વાગ્યા સુધી સ્વૈચ્છિક બ્લેકઆઉટ રાખવા કલેકટરનો અનુરોધઃ સાંજે ચાર વાગ્યે ગુંજશે સાયરન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: નાગરિક સંરક્ષણ હેતુ આજે જામનગર જિલ્લામાં સાંજે ૪ થી ૮ કલાક સુધી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. મોકડ્રિલ તથા બ્લેક આઉટ અંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા વિગતો અપાઈ હતી. આજે રાત્રે ૮ થી ૮.૩૦ સુધી બ્લેકઆઉટ (અંધારપટ) માટે સ્વેચ્છાએ વીજ પુરવઠો બંધ રાખવા જિલ્લા કલેકટરે નાગરિકોને અનુરોધ કર્યો હતો.

સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રિલનું આયોજન સંભાવના જિલ્લા કલેકટર કેતન ઠક્કરે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું. બ્લેક આઉટમાં ઘરના બલ્બ, ટયૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવા અને મોકડ્રિલ દરમિયાન બિનજરૂરી ભીડ એકઠી ન કરી તંત્રને સહયોગ આપવા મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી દ્વારા અપીલ કરાઈ હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તા.૭ મેના નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા મોકડ્રીલના આયોજન અંગે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. બેઠક બાદ અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી મોકડ્રિલ અંગેની વિગતો જાહેર કરાઈ હતી.

કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે આયોજિત બેઠક અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, મોકડ્રીલ દ્વારા આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ મુખ્ય હેતુ છે. તા.૭મીએ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન વાગશે. રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન સમગ્ર જિલ્લામાં બ્લેક આઉટ કરવામાં આવશે. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રીલ યોજાવાની હોવાથી નાગરિકોએ ભયભીત ન થવા, અફવાથી દૂર રહેવા તેમજ તંત્રને ઉચિત સહયોગ આપવા તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.

મોકડ્રીલ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત કરવાનો સામૂહિક પ્રયાસ છે તેમ જણાવી કલેક્ટરે ઉમેર્યું કે, સુરક્ષા તંત્ર અને નાગરિકોની પૂર્વ તૈયારીનો ઓપરેશન અભ્યાસનો હેતુ છે.જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઇ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલાં વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. દરમિયાન ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે.

મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદીએ જણાવ્યું કે, શહેરી વિસ્તારના વિવિધ સ્થળો તેમજ એકમોમાં સાયરન વાગશે. સાંજે ૮.૦૦ થી ૮.૩૦ના બ્લેક આઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ,આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો, શોરૂમ્સની નિયોન સાઈન લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે.તેમને લોકો ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરી હતી.તેમજ મોકડ્રિલ દરમિયાન નાગરિકો બિનજરૂરી ભીડ ન કરે તે માટે પણ અનુરોધ કર્યો હતો.

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ કહૃાું કે, જાહેર સલામતી માટે યોજાનાર મોક ડ્રિલ માટે પોલીસ તંત્ર સજ્જછે. આ દરમિયાન લોકોએ ભયભીત થયા વિના તંત્રને સહયોગ આપવા તેઓએ અપીલ કરી પોલીસ તંત્રની તૈયારીઓ વિશેની વિગતો આપી હતી.વધુમાં તેઓએ કહૃાું કે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવાઈ છે જે લોકોને જાગૃત કરશે.સાથે જ મોકડ્રિલ અંગેની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે ડ્રોન સહિતના સંસાધનો વડે ચકાસણી પણ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારી સહિત આર્મી, એરફોર્સ, નેવી, આરોગ્ય, ફાયર, માર્ગ અને મકાન વિભાગ, પુરવઠા વિભાગ, પાણી પુરવઠા, બી.એસ.એન.એલ, આર.ટી.ઓ, એસ.ટી, સહિતના મહત્ત્વના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

નાગરિક સંરક્ષણ તાલીમ અંતર્ગત યોજાનારી મોકડ્રિલમાં હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવું. નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને દુશ્મન દેશ દ્વારા હુમલાના કિસ્સામાં સ્વ બચાવ અને સલામતીના ધોરણો અપનાવવા માટે તાલીમ પ્રદાન કરવી. હુમલાના કિસ્સામાં કેવી રીતે બચવું? તેના પગલાં વિશે લોકોને માહિતી અને તાલીમ આપવી. યુદ્ધના સમયે મહત્વના સ્થળો/સ્થાપત્યોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કરવો અને તેના માટે તાલીમ આપવી. હુમલાના કિસ્સામાં ઈવેક્યુએશન પ્લાનનો અમલ અને રિહર્સલ કરવા વગેરે પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

નાગરિકોને અનુરોધ કરાયો છે કે, સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, શાંત રહીને સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરશો. ૫ થી ૧૦ મિનિટ માટે સુરક્ષિત સ્થાન પર જતા રહો. ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. અફવાઓ પર ધ્યાન ન આપો. ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh