Advertisement
Author: નોબત સમાચાર

પ્રજાના નાણાનો વ્યય અને વિકાસ કામોમાં વિલંબ માટે જવાબદાર કોણ?

અણઆવડત કે શંકાસ્પદરીતે જાણી જોઈને ભૂલ કરવાની પ્રણાલી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગરમાં ફ્લાય ઓવરના કામમાં અંબર ચોકડીથી અંબર ટોકીઝ તરફના સ્લોપનો પ્રશ્ન મહાનગરપાલિકાએ ચૂંટાયેલા નગરસેવકો તેમજ જામનગરની જનતાને અજાણ રાખીને અદ્ધરતાલ રાખી દીધો છે. રેલવેની જમીન મેળવવા પ્રયાસો ચાલુ છે, મળશે તો આ સ્લોપ શક્ય બનશે તેવા ખુલાસા ગળે ઉતરે તેવા નથી. પ્લાન-એસ્ટીમેટ-ડિઝાઈનમાં સ્લોપ દર્શાવાયા પછી ફેરફાર કોણે અને ક્યારે કરી દીધો તેનો જવાબ કોઈ આપતું નથી.

આવું જ ઉદાહરણ ખંભાળિયામાં જામનગર તરફના પ્રવેશ માર્ગ ઉપર રેલવે ક્રોસીંગ પર નિર્માણ થનારા ઓવરબ્રીજનું જાણવા મળ્યું છે.

રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવા અંગે થોકબંધ રજૂઆતો પછી આ કામ ગુજરાત સરકારના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા મંજુર થયું. મહિનાઓ પહેલા કન્સલ્ટન્ટ દ્વારા તેના પ્લાન-ડિઝાઈન-એસ્ટીમેટ બન્યા... અરે... ટેન્ડર બહાર પડી ગયા અને કોન્ટ્રાક્ટ પણ દેવાય ગયો... પણ... કામ શરૂ ન થયું...

જે તે સમયે રાજકીય નેતાઓએ રેલવે તંત્ર તથા અન્ય સંલગ્ન વિસ્તારના અધિકારીઓને ઓવરબ્રીજનું કામ તાકીદે શરૂ કરવા અને વહેલીતકે પૂર્ણ કરવા આદેશો આપ્યા હતાં.

પણ... ખરી કઠણાઈ તો ત્યારે થઈ કે જ્યારે ગુજરાત અર્બન ડેવલપમેન્ટે રજૂ કરેલા ડિઝાઈન-પ્લાનમાં રેલવેની જમીનનો ઉપયોગ થતો હોવાની રેલવે તંત્રને ખબર પડી... બસ... રેલવે તંત્રએ આ પ્લાનમાં ફેરફાર કરવા જણાવ્યું હશે તેથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટે ફરીથી પ્લાન-ડિઝાઈન એસ્ટીમેટ બનાવવા પડ્યા... નવેસરથી રૂ. ૩૭ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનશે તેવી જાહેરાત થઈ. કોન્ટ્રાક્ટર પણ દેવાઈ ગયો, અને થોડા દિવસો પહેલા જ રાજ્યના મંત્રીના હસ્તે આ વિકાસ કામનું ખાત મુહૂર્ત થયું... કામ શરૂ થયું હોવાનું પણ જણાવાય છે.

આ સંજોગોમાં અહીં પણ સવાલો ઊભા થયા છે. પ્રથમ વખત પ્લાન-ડિઝાઈન બન્યા અને રેલવે તંત્ર સમક્ષ રજૂ થયા ત્યારે કેમ રેલવે તંત્રના જમીન વધુ ઉપયોગમાં લેવાનું ધ્યાનમાં ન આવ્યું... ટેન્ડર બહાર પડી જાય, કોન્ટ્રાક્ટ દેવાય જાય ત્યાં સુધી કોઈ કાંઈ શા માટે બોલ્યું જ નહીં! ગુજરાત અર્બન ડેવલપમેન્ટના કન્સલ્ટન્ટે પણ શા માટે આ બાબતની ચોક્કસાઈ રાખી નહીં!

આ સમગ્ર બાબતના કારણે ખૂબ જ ઉપયોગી સુવિધા સાથેનું વિકાસકામ મહિનાઓ સુધી અટકેલું રહ્યું, જેથી કદાચ તેના ખર્ચમાં પણ વધારો થયો જ હશે, અને મહિનાઓનો વિલંબ માત્ર અણઆવડત કે જાણી જોઈને કરવામાં આવેલી ભૂલના કારણે સહન કરવો પડ્યો છે.

ખરેખર તો આવી ભૂલો માટે જવાબદાર સામે પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં પ્રજાની સુખાકારી માટેના લાખો-કરોડોના વિકાસકામો જે પ્રજાના પૈસે થાય છે તેમાં નાણાનો વધુ વ્યય કે સમયનો બગાડ ન થાય!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh