Advertisement
Author: નોબત સમાચાર

ઉનાળો, ઉત્તેજના, સૂર્યપ્રકોપ અને સૂર્યવંશીની ફટકાબાજી... દાદાનું બુલડોઝર તો ફર્યુ...પણ...!!!

                                                                                                                                                                                                      

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી અને સૂર્યપ્રકોપના ગરમાગરમ માહોલ વચ્ચે રાજસ્થાનની રણભૂમિ નજીક રન ભૂમિ બનેલા સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં પણ રોમાંચ અને ઉત્તેજનાની ગરમાહટ છવાઈ ગઈ હતી. ખાસ કરીને ૧૪ વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ દિગ્ગજ બોલરોને ઝુડી નાખ્યા અને માત્ર ૩પ રનમાં સદી ફટકારીને ગુજરાત ટાઈટન્સ પાસેથી મેચ આંચકી લીધી અને રાજસ્થાન રોયલ્સે ભવ્ય વિજય મેળવ્યો, તેમાંથી ટીમ ઈન્ડિયાને એક નવી ઉગતી પ્રતિભા સાંપડી છે, તે પણ એક ઉપલબ્ધિ જ છે ને...?

સૂર્યપ્રકોપ વચ્ચે સૂર્યવંશીની ઉર્જાવાન ઈનિંગના કારણે ગુજરાત ટાઈટન્સે ર૦ ઓવરમાં ખડકેલા ૨૧૦ રનના જંગી જુમલાને તદ્દન સરળ બનાવી દીધો, તેમાં જયસ્વાલની ઈનિંગની પણ નોંધપાત્ર ભૂમિકા રહી હતી. ટૂંકમાં ગઈકાલે સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં ઉત્તેજનાની ગરમી પછી થયેલ રનવર્ષાએ પ્રેક્ષકો અને દર્શકોના દિલ જીતી લીધા હતાં.

ગઈકાલે સૂર્યવંશીના ચોકા-છક્કાની જેમ જ તાપમાનનો પારો પણ "હાઈ" રહ્યો હતો અને ગુજરાતના ઘણાં રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું હતું. રાજકોટમાં તો ૪૬.ર ડિગ્રી તાપમાન સાથે ૪૮ વર્ષની રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. જામનગરમાં પણ ગઈકાલે સરેરાશ ૩પ ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં મહત્તમ ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જામનગરમાં આજે સવારે ર૮ થી ૩૦ ડિગ્રીની આસપાસ રહેલું તાપમાન બપોર સુધીમાં ૩૭ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.

જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં પ્રચંડ ગરમી સાથે લૂ વાતી હોવાથી બપોરના સમયે કરફયૂ જેવું વાતાવરણ ઊભું થાય છે અને સવાર-સાંજ ધમધમતા રહેતા માર્ગો અને ટ્રાફિક જામ થઈ જાય, તેટલું પરિવહન ધરાવતા સર્કલો સૂમસામ થઈ જાય છે. તેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે નાનુ-મોટું યુદ્ધ છેડાશે, અથવા ભારત અચાનક જ પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરશે, તેવી સંભાવનાઓ પાકિસ્તાનના જ નેતાઓ અને મંત્રીઓ દર્શાવી રહ્યાં હોવાથી ભારત-પાક. સરહદે પણ માહોલ ગરમાયો છે તથા સૈન્યો શસ્ત્ર-સરંજામ અને યુદ્ધ - વાહનો સાથે એલઓસીની આજુબાજુ સજ્જ થઈ રહ્યા હોય તેવા અહેવાલો તથા વીડિયો વહેતા થતા સરહદે ગરમી વધી રહી છે, તો બીજી તરફ ગઈ મોટી રાત્રે વાયુસેનાના વિમાનોની ઘરેરાટી સંભળાયા પછી તથા દરિયામાં પણ નૌકાદળના યુદ્ધ જહાજોની ચહલપહલ વધ્યા પછી પ્રિ-વોર (યુદ્ધ પહેલાની સ્થિતિ) મૂવમેન્ટ કાંઈ નવાજુની ટૂંક સમયમાં થશે, તેવા સંકેતો આપે છે.

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પણ રાજ્યની સૌથી મોટી ગણાવાતી દબાણ હટાવ ઝુંબેશે ગરમી જન્માવી છે. આ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને તો હટાવાયા, પરંતુ ત્યાં બનેલા અસામાજિક તત્ત્વોનો અડ્ડો પણ હટાવાઈ રહ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે, વર્ષ-૧૯૭૦ થી ૧૯૮૦ થી સરકારી જમીન પર વિશાળ ગેરકાયદે બાંધકામો ખડકાયા છે, અને ખોટા દસ્તાવેજોના આધારે અહીં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ તથા અસામાજિક તત્ત્વોની વસાહતો ઊભી થઈ હતી, તેને હટાવાઈ રહી હોવાના દાવા વચ્ચે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની તે મુલાકાત ઘણુંઘણું કહી જાય છે.

ગુજરાત સરકારનું આ કદમ અમદાવાદવાસીઓને તો ગમ્યુ જ હશે, પરંતુ આ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરીને બેઠેલા અસામાજિક તત્ત્વોમાં પણ ફફડાટ ફેલાયો હશે. આજે દાદાનું બુલડોઝર ભલે ચૂસ્ત બંદોબસ્ત સાથે ત્રાટક્યું હોય, પરંતુ આટલી વિશાળ જમીન પર ઊભા થઈ ગયેલા સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો સામે આટલા દાયકાઓથી કેમ પગલા ન લેવાયા, અને અઢી-ત્રણ દાયકાથી શાસનમાં હતી, તે ભાજપ સરકારે પણ અત્યાર સુધી કેમ આંખ આડા કાન કર્યા...? તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.

લલ્લુ અથવા લાલા બિહારીએ ચંડોળમાં મોટો ગેરકાયદે બંગલો બાંધ્યો હતો અને બાંગ્લાદેશીઓને ગેરકાયદે પ્રવેશ અપાવીને અહીં ઝુંપડપટ્ટીમાં વસાવીને અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા પણ અહીં થતા હતાં, તેવું કહેવાય છે.

આજ સુધી સાડાપાંચ દાયકામાં ઘણી સરકારો બદલાઈ, પરંતુ આ ગેરકાનૂની સામ્રાજ્ય વિસ્તરી જ રહ્યું હતું, તે જ આપણાં રાજ્યમાં શાસન કરી ગયેલા શાસકોથી લઈને આજ સુધીની સરકારોના સુશાસન (કુશાસન) અને (અ) પારદર્શક "વહીવટ" નો પ્રત્યક્ષ પુરાવો છે,

અમદાવાદના અતિક્રમણ પર આ સૌથી મોટું આક્રમણ છે. ચંડોળા તળાવ વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બની ચૂકેલી ઝુંપડપટ્ટીઓને આજે હટાવાઈ રહી છે, અને ૧૯૭૦-૮૦ ના દાયકા પછી વર્ષ-ર૦૦૦ માં રાહત શિબિર બની અને સને-ર૦૧૧ સુધીમાં આ મામલો અદાલતની અટારીએ પહોંચ્યો હતો, પરંતુ વર્ષ-ર૦૧૧ પછી અહીં અબજોની સરકારી જમીન પર જાયન્ટ એન્ક્રોચમેન્ટ (જંગી દબાણો) થયા હોય તો તે સમયથી લઈને આજ સુધીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તથા રાજ્ય-કેન્દ્ર કક્ષા સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ જવાબદાર ઠેરવવા જ જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh