Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંતાનો તથા પત્નીની સતત ચિંતા અનુભવતા યુવાનના પગલાંથી લાંબા ગામ સ્તબ્ધઃ
ખંભાળિયા તા. ૭: કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં ગઈકાલે એક યુવાને પોતાની પાંચ વર્ષની પુત્રી તથા ત્રણ વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી દીધા પછી પોતે પણ ઝેરી દવા પી લઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. સામૂહિક આત્મહત્યાના આ બનાવમાં આ યુવાન કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું અને પોતાના અવસાન પછી બાળકો, પત્નીનું શું થશે તે ચિંતામાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તે ચિંતામાં જ ગઈકાલે જ્યારે તેમના પત્ની કામ પર ગયા તે પછી આ યુવાને ઉપરોક્ત પગલું ભર્યાનું બહાર આવ્યું છે. પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે અને હાલમાં બેભાન જેવા રહેલા તેમના પત્નીનું નિવેદન નોંધવાની તજવીજ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં ગઈકાલે મેરામણભાઈ કરશનભાઈ ચેતરીયા નામના યુવાને પોતાના બે સંતાન સાથે ઝેરી દવા પી મોતની સોડ તાણી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે. મેરામણભાઈએ પોતાના ત્રણ વર્ષના પુત્ર માધવ અને પાંચ વર્ષની પુત્રી ખૂશીને ઝેરી દવા પીવડાવ્યા પછી પોતે પણ દવા ગટગટાવી લીધી હતી અને ત્રણેય વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા.
લાંબામાં વસવાટ કરતા આ પરિવારના મોભી એવા મેરામણભાઈ છેલ્લા પાંચેક વર્ષથી કેન્સરની બીમારીનો ભોગ બન્યા હતા. જેની તેઓને સારવાર આપવામાં આવી રહી હતી. તેમ છતાં કેન્સરના અંતિમ સ્ટેજ તરફ ઘસડાતા જતા મેરામણભાઈ બીમારીના કારણે પણ કૃશ થતાં જતા શરીરના કારણે પરેશાન રહેતા હતા. પોતાને આ બીમારી ભરખી જશે તો પાંચ વર્ષની પુત્રી તથા ત્રણ વર્ષના પુત્ર અને પત્નીનું શું થશે તે ચિંતા અનુભવતા રહેતા મેરામણ ભાઈએ ગઈકાલે કઠોર નિર્ણય કર્યાે હતો.
આ યુવાનના પત્ની ગઈકાલે ખેતીકામ કરવા માટે ગયા તે પછી ઘરે સંતાનો સાથે રહેલા મેરામણભાઈએ પાંચ વર્ષની પુત્રી ખૂશી તથા ત્રણ વર્ષના પુત્ર માધવને કોઈ ઝેરી દવા પીવડાવી દીધી હતી અને તે પછી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
ઉપરોક્ત બાબતની કામ પરથી પરત આવેલા તેમના પત્નીને જાણ થતાં ભારે રડારોળ વચ્ચે સગા-સંબંધી તેમજ પાડોશીઓને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલી કલ્યાણપુર પોલીસે ત્રણેય વ્યક્તિને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાયા હતા.
બનાવથી પીઆઈ ટી.સી. પટેલને વાકેફ કરાતા તેઓ પણ આવી પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી બનાવના તાણાવાણા મેળવવાનું શરૂ કર્યું હતું. જેમાં મેરામણભાઈ કેન્સરની બીમારીથી ગ્રસ્ત હોવાનું અને તેઓએ પોતાના બે સંતાન સાથે ઉપરોક્ત આત્મઘાતી પગલું ભર્યાનું બહાર આવ્યું છે. કામ પરથી પરત આવેલા મેરામણભાઈના પત્નીએ પતિ તથા બે સંતાનોને મોતની સોડ તાણી લીધેલી હાલતમાં જોયા પછી આ મહિલા ભાન ગૂમાવી ચૂક્યા હતા. તેઓને પણ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ બનાવે લાંબા તથા કલ્યાણપુર પંથકમાં અરેરાટી પ્રસરાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial