Advertisement
Author: નોબત સમાચાર

ભાષામાં ધંધો ઘૂસે ત્યાં ડખ્ખો થાય

                                                                                                                                                                                                      

મેં ઘણીવાર સાંભળ્યું છે કે બારે બુદ્ધિ, સોળે શાન, વીસે વાન અને આવે તો આવે બાકી ન આવે.

જો કે મને એક આશ્ચર્ય તો હંમેશાં માટે રહેશે કે અમારો ચુનિયો એકવાર આફ્રીકાથી આવેલા લોકો સાથે ફરવા ગયેલો અને લગભગ એક મહિના પછી જોયો ત્યારે કોણ જાણે કેમ તેના વાળ પણ વાંકડીયા થવા લાગ્યા હતા. કલર પણ ઘાટો કાળો થવા લાગ્યો હતો! એટલે શાન તો આવે એ સમજ્યા પણ અમારા ચુનિયાને અપવાદ ગણવો પડે કેમ કે એને વાન પણ આવવા લાગ્યો!

આ વાત વધારે સમજવા માટે તમારે અલગ અલગ બિઝનેસમાં જોડાયેલા વ્યક્તિને એક જ સવાલ પૂછવાનો એટલે તમને એમના વ્યવસાયની ભાષા જ સાંભળવા મળે.

મુંબઈમાં વરસાદ વિશે અમારા મગન દરજીને વરસાદ કેવો એવું પૂછતા જ જવાબ આપ્યો 'અરે વાત પૂછોમાં.. ટેભા તોડી નાખે એવો મંડાણો છે.'

આ પછીનો ફોન સુરેશ શેરદલાલને લગાડ્યો તો એણે કહૃાું 'ઉપલી સર્કીટ લાગી હો.' પછીનો ફોન જૈન બિલ્ડર્સના કમલભાઈને કર્યો તો એમણે કહૃાું 'વસઈની તેજી જેવો વરસાદ છે, આજે તો આખા મહીનાનું બુકીંગ કર્યું હોય એમ લાગે છે.

એક કવિ મિત્રને પૂછ્યું તો કહે 'આજનો વરસાદ તો રદીફ કાફિયાનો મેળ તોડી નાખે એવો છે. આમા છંદ બંધારણ તો ગોત્યું હાથમાં આવે એમ નથી.'

ટપુ ટપોરીએ કહૃાું 'અરે ભાઈ વાંસા ફાડી નાખે એવો વરસાદ છે. સીધો થર્ડ ડીગ્રીએ જ ચાલુ પડ્યો છે.'

બાલચંદભાઈ સોનીએ જવાબ આપ્યો કે 'અરે રોડ ઉજારી નાખ્યાં.'

સૌથી વધારે તો અમારા મિત્ર જયરામ બિલ્ડર્સવાળા સંજયભાઈને ત્યાં પહેલો પ્રસંગ હતો. છોકરો યુવાન એટલે એનું ગોઠવવાનું હતું. એમની આ યાત્રાનો હું સાક્ષી રહૃાો છું. એમની દરેક ભાષા રીયલ એસ્ટેટના ધંધા મુજબ જ હોય. મને ફોન કરીને કહૃાું કે 'તમે આવતા હો તો મારા છોકરાની સુથી દેવા જવાની છે પણ મને એમ છે કે પહેલા પ્લોટ તમે તમારી નજરે જોઈ લો, ફાઇલ ચેક કરી લો અને જો પ્લાન બેસે એવું લાગે તો પછી સુથી આપીએ.' અમે ગયા પણ ખરા. કુટુંબ, કન્યા, સગાવહાલાઓને મળ્યા અને ખૂણામાં જઈને મસલત કરી અને એમનો અભિપ્રાય હતો કે 'મોકાનું છે. કાટખૂણાનું છે, ૩૦ના મોઢાવાળુ વેસ્ટ ઓપન છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે એટલે ગોળધાણા ખાવામાં વાંધો નથી. સુથી આપી કાચી ચીઠ્ઠી બનાવી લઈએ.' થોડા સમય પછી ચૂંદડી ઓઢાડી શ્રીફળવિધી પતાવી મને ફરી ફોન કર્યો કે 'અત્યારે કબજા વગરનો કરાર કર્યો પણ વિધિ થઈ ગઈ હોય તો ફેન્સીંગ બાંધી શકાય એટલે કે આવરો જાવરો રહે. હવે પછીની મિટિંગમાં વેવાઇ સાથે બેસીને કબજાની વાત કરે લેશું. આપણી ગણતરી ડિસેમ્બરમાં કબજો સોંપે એવી છે એટલે પાક્કો દસ્તાવેજ કરી લઈએ. આમ મોર્ડન એરાનું બાંધકામ છે એટલે બહુ રીતરિવાજમાં માનતા નહીં હોય છતાં આજુબાજુમાં તપાસ કરી લેશું કે લોકોલીટી કેવી છે.' થોડા દિવસો પછી એમણે જણાવ્યું કે 'સાટાખત ભરાઈ ગયું અને આપણે વાત થયા મુજબ ડિસેમ્બરમાં કબજો સોંપી દેશે. આપણા કબજામાં આવ્યા પછી જરૂરી ફેરફાર કરી લેશું.' થોડા સમયમાં જ કોઈ મિત્ર દ્વારા સમાચાર મળ્યા કે સગાઈ તોડી નાખી એટલે સ્વાભાવિક રીતે મેં ફોન કરી ખબર અંતર પૂછ્યા.સંજયભાઈએ જવાબ આપ્યો 'ભાઈ, આપણે ઉત્તરોત્તર ચેક કરવામાં ભૂલ ખાય ગયા. કન્યાના ઘણાં લફરા બહાર આવ્યા ત્યારે ખબર પડી કે આમાં તો ચાર પાંચ બાનાખત ઓલરેડી છે એટલે સરવાળે સોદો ફોક કર્યો. વેવાઇ આપણને ભરેલ કબજે માલ પરોવવાની તૈયારીમાં હતા પણ આ તો માર્કેટમાં આપણી શાખ સારી એટલે જગ્યાનું વર્ણન કરતા જ ૭/૧૨ના ઉતારા સહિત બધી જ માહિતી આવી ગઈ. આ તો ઠીક છે કે આપણે વર્ષોથી ધંધામાં છીએ બાકી આજકાલ આવા જ લોકો છે. દલાલને પણ બરાબર ખખડાવ્યો કે હવે આવી પ્રોપર્ટી દેખાડી છે તો કાયમ માટે ધંધો બંધ કરાવી દઇશ.' આ આખી વાતમાં જો છોકરીને બાદ કરી નાખો તો એમ જ લાગે કે કોઈ પ્રોપર્ટીનો સોદો છે! પણ આને કોણ સમજાવે કે એમનો છોકરો એવી પ્રોપર્ટી છે કે તેજીની માર્કેટમાં મંદીના ભાવે વેચવા મૂકો તો પણ ખરીદનાર ન જ મળે!!!

અમારા પ્રિય મિત્ર ગોપાલ કંદોઈ પહેલીવાર પ્રેમમાં પડ્યો ત્યારે એનો લખેલો લેટર મને હજુ પણ યાદ છે.

પ્રિય રસમલાઈ,

જેમ ડાયાબિટીસના દર્દી જલેબી જોઈને લલચાય એ રીતે જ તને જોઈને હું લલચાવ છું. ભલે મારૂ શરીર પેંડા જેવું છે પણ તને પામવા હું કાજુકત્રીની હદ સુધીનું ઘટાડવા તૈયાર છું. તારો સ્વભાવ મને મીક્સ મીઠાઈ જેવો લાગ્યો છે. તારા શબ્દોમાં મને રસગુલ્લાની મીઠાશ અનુભવાય છે. તારા હોંઠ એટલે સંગમ કત્રી પર મૂકેલી ચેરી. તારા અંગૂર રબડી જેવા જીવનમાં હું સુકા મેવાની જેમ ભળી જઈશ અને આપણા લગ્નની મીઠાઈરૂપે બધાને ખુશી આપીશું. મારા પપ્પા મને લીસા લાડવાની જેમ જાહેરમાં વેંચી નાખવા માંગે છે અને ખાટા પડી ગયેલા શીખંડ જેવી છોકરીઓ બતાવે છે. મને આશા છે કે તું આપણા સંબંધોની મીઠાઇ પર હરખ કરીને વરખ ચોપડી હાં જ કહીશ. મને ખબર છે માખીઓ તો આવશે જ પણ આપણે ગમે તેવા વિઘ્નોને માખી ઉડાડીએ એમ ઉડાડી દઇશું.

આમ પણ શિયાળો ચાલે છે એટલે આપણે બંને મળીને પ્રેમના અડદિયા બનાવી લઈએ. બસ હાં પાડ એટલે કીલો કીલોના બોક્સ તૈયાર જ રાખ્યા છે એ લઈને તારા પરિવારને મીઠાઇથી ધરાવી દઉં.

લિ. તારો ગોપાલ

જો કે છોકરી ટીચરની દીકરી હતી એટલે ગોપાલના મીઠા મધૂરા પ્રેમ પત્ર પર બ્લેકબોર્ડ પર ડસ્ટર ફરે એમ ભૂંસી નાખ્યું અને લખ્યું 'અમારા ઘરમાં બધા ફરસાણના શોખીન છે, મીઠાઈના નહીં' લખીને વાત પૂરી કરી નાખી! આજની તારીખે ગોપાલ કુંવારો જ છે કેમ કે એ દુઃખમાં લગભગ ૧૧૦ કીલોનો થઈ ગયો છે અને પૂછીએ તો કહે 'દરજી કોઈ દિવસ જાડા ના હોય અને કંદોઈ કોઈ દિવસ પાતળો ન હોય અને લેખક કોઈ દિવસ બે પાંદડે ના હોય.' આગલા બે વાક્યો માટે વિકલ્પો હતા પણ જેવી લેખકની વાત આવી એટલે આપણે પણ સ્વીકારી લીધું.

વિચારવાયુઃ જેની સગાઈ ન થતી હોય તેના મોઢા પર ચાંદીનો વરખ લગાડો તો તેનો પણ સોદો થઈ જાય તેવી માર્કેટ છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh