Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(પ્રકરણ : ૧)
-અત્યારે ભારતના જમ્મૂ શહેરમાં માનવામાં ન આવે એવી એક ગજબનાક ને ભયાનક ઘટના બની રહી હતી !
-'અઉઉઉઉઉઉઊઊઊ...!'
-આજે ૧૯૯૯ની રરમી ઑકટોબરની રાત હતી! રાતના પોણા બાર વાગ્યા હતા!!
-'અઉઉઉઉઉઉઊઊઊ...!'
-આ અવાજમાં ભયાનકતા હતી!! આ અવાજ.., આ અવાજ એક પ્રેતનો હતો! હા.., એક ભયાનક પ્રેતનો અવાજ!!
-'અઉઉઉઉઉઉઊઊઊ...!'
-આ અવાજ એ પાગલખાનાના એક રૂમમાંથી આવી રહ્યો હતો! એ રૂમનો લોખંડી જાળીવાળો દરવાજો બંધ હતો!
-બંધ દરવાજાની બહાર ત્રણ કાશ્મીરી પંડિત ઊભા હતા! ત્રણેય પંડિતોએ સફેદ ઝબ્બો અને ધોતિયું પહેર્યું હતું! ત્રણેના ખભા પર પીળા રંગનો ખેસ હતો! ત્રણેયના કપાળ પર તિલક થયેલું હતું અને ત્રણેયના ગળામાં 'ઑમ'નું પિત્તળનું પૅન્ડન્ટ્ લટકતું હતું!!
-ત્રણેયમાં વચ્ચે ઊભેલા પંચોતેરે વરસના પંડિત શંભુનાથના હાથમાં ત્રિશૂલ હતું!
આ પંડિત શંભુનાથની ડાબી બાજુ ઊભેલા ચાળીસ-બેત્તાળીસ વરસના પંડિત દીપશંકરના હાથમાં રૂદ્રાક્ષના મણકાની માળા હતી!
પંડિત શંભુનાથની જમણી બાજુ ઊભેલા છવ્વીસ-સત્તાવીસ વરસના પંડિત ઑમકારના એક હાથમાં પિત્તળની થાળી હતી, એ થાળીમાં લીંબુ હતાં. એના બીજા હાથમાં કળશ હતું. એ કળશમાં પાણી હતું!
-'અઉઉઉઉઉઉઊઊઊ...!'
બંધ દરવાજાની અંદરથી હજુ પણ પ્રેતનો આ ભયાનક અવાજ આવી રહ્યો હતો!
વચ્ચે ઊભેલા પંડિત શંભુનાથે જમણી બાજુ ઊભેલા પંડિત ઑમકાર સામે જોયું.
ઑમકાર એમની નજરના ભાવ સમજી ગયો અને એણે હાથ લાંબાવીને એ રૂમનો દરવાજો ખોલી નાંખ્યો.
અંદરથી આવી રહેલો પ્રેતનો ભયાનક અવાજ વધુ મોટો થયો.
પંડિત શોભનાથે મંત્રો ભણવાનું શરૂ કર્યું, એટલે એમની ડાબી બાજુમાં ઊભેલા દીપશંકરે પણ પોતાના હાથમાં રહેલી માળાના મણકા ફેરવવવાની સાથે જ મંત્રો ભણવાના શરૂ કર્યા.
શંભુનાથની જમણી બાજુ ઊભેલા ઑમકારે પણ મંત્રો ભણવાના શરૂ કર્યા!
અને આ સાથે જ અંદરથી પ્રેતની રોષભરી ચીસ સંભળાઈ.
પંડિત શંભુનાથ મંત્રો ભણવાનું ચાલુ રાખતાં એ રૂમમાં દાખલ થયા. એમની સાથે જ દીપશંકર અને ઑમકાર પણ એ જ રીતે મંત્રો ભણતા રૂમમાં દાખલ થયા.
ખાસ્સા એવા એ મોટા રૂમમાં બલ્બનું ઝાંખું અજવાળું ફેલાયેલું હતું. રૂમમાં વચ્ચોવચ એક મોટો લોખંડનો પલંગ મુકાયેલો હતો!
પલંગ પર એક પચીસ વરસની યુવતી પડી હતી! એ યુવતીએ શર્ટ જેટલી લંબાઈનો અડધી બાંયનો ઝભ્ભો અને લેંઘા જેવી સુરવાલ પહેરી હતી !
એ યુવતી, એને જોનારના શરીરમાંથી કંપારી પસાર થઈ જાય-અરેરાટી નીકળી જાય એવી રીતના પડી હતી ! યુવતીની ગરદન અને હાથ-પગ અક્કડ થઈ ગયેલા હતા! એના શરીરની બધી નશો જાણે ખૂબ જ ખરાબ રીતના ખેંચાઈ ગઈ હોય એમ એના હાથ-પગ એકદમ અક્કડ થયેલા હતા. એના લાંબા કાળા વાળ વિખરાયેલા હતા. એની મોટી-મોટી આંખો ફાટી ગઈ હોય એટલી હદે ખુલેલી હતી. એની મોટી કીકીઓ અત્યારે સામેની દીવાલ તરફ તકાયેલી હતી. એની કીકીઓ અંદર આવીને એના પગ પાસે-ચારેક પગલાં દૂર ઊભેલા ત્રણેય પંડિતોને જોઈ શકતી નહોતી, પણ તેમ છતાંય જાણે એ ત્રણેય પંડિતોને જોઈ શકતી હોય એવા ભાવ એની કીકીઓમાં સળવળી રહ્યાં હતાં. અને યુવતીને એ ત્રણેય પંડિતોના આગમનથી ગુસ્સો ચઢી રહ્યો હોય એવા ભાવ એના ચહેરા પર વર્તાઈ રહ્યા હતા.
-'અઉઉઉઊઊઊ...!' યુવતીના મોઢામાંથી અવાજ નીકળ્યો!
-એ અવાજ એ યુવતીનો નહોતો!
-એ અવાજ યુવતીના શરીરમાં રહેલા પ્રેતનો હતો!!
-એ અવાજ જાણે કોઈ ભારે-પહેલવાની શરીરવાળા માણસનો હોય એવો ભારેભરખમ હતો !
-'અઉઉઉઉઉઉઊઊઊ...!'
યુવતીના પલંગની ચારે બાજુ, થોડાં-થોડાં અંતરે જમીન પર લીંબુ મૂકી રહેલા પંડિત ઑમકાર પર યુવતીની નજર પડી અને એની કીકીઓ ઝડપભેર આમતેમ થવાની સાથે જ એણે ત્રાડ પાડી.
યુવતીના પલંગ ફરતે લીંબુ મૂકી રહેલા ઑમકારે લીંબુ મૂકવાની ઝડપ વધારવાની સાથે જ મંત્રો ભણવાની ઝડપ પણ વધારી. તે યુવતીના પલંગ ફરતે લીંબુ મૂકતો, જ્યાંથી તેણે લીંબુ મૂકવાનું શરૂ કર્યુું હતું ત્યાં પહોંચ્યો.
અત્યાર સુધીમાં પંડિત દીપશંકરે જમીન પર, ઑમકારે બનાવેેલા લીંબુના કુંડાળાની વચમાં એક સાથિયો બનાવી લીધો હતો.
દીપશંકર મંત્રો ભણતાં પાછા શંભુનાથની ડાબી બાજુ ઊભા રહી ગયા એટલે ઑમકારે બીજા બે લીંબુ મૂકી દીધાં અને લીંબુનું કુંડાળુ પૂરૃં કરી દીધું. તે પાછો શંભુનાથની જમણી બાજુ ઊભો રહી ગયો.
હવે સામે પલંગ પર એ યુવતી પડી હતી! નીચે જમીન પર સાથીયો બનેલો હતો અને પલંગની ચારેબાજુ લીંબુનું કુંડાળું બનેલું હતું. કુંડાળાથી દોઢ-બે ફૂટ દૂર-યુવતીના પગ તરફ એ ત્રણેય પંડિત ઊભા હતા !
હવે ત્રણેય પંડિતોએ મંત્ર ભણવાનો અવાજ વધુ મોટો કરવાની સાથે જ, મંત્ર ભણવાની ઝડપ પણ ઓર વધારી. અને ત્રણેય પંડિતોના આ અવાજ જાણે યુવતીના કાનમાં ધગધગતા સીસાની જેમ રેડાયા હોય એમ એણે એક પીડાભરી ચીસ પાડી અને એના હાથ-પગ વળવા માંડયા! એના બન્ને હાથ કાંડા અને કોણી પાસેથી તેમજ પગ ઘૂંટી પાસેથી વળવા માંડયા!
ત્રણેય પંડિતોએ એ જ રીતના મંત્રો ભણવાનું ચાલુ રાખ્યું.
યુવતીના હાથ અને પગ સામાન્ય રીતના જેટલી હદે વળી શકે એટલી હદે વળી ગયા ને છતાંય વધુ આગળ વળવા માંડયા એટલે જાણે એના હાથ-પગના હાડકાં તૂટી રહ્યાં હોય એવો અવાજ થયો. કટ્ટ્ટ્ટ્ટ...!
યુવતીના મોઢામાંથી હવે એ પ્રેતના અવાજને બદલે એના પોતાનો અવાજ આવતો હોય એવો પાતળો અવાજ નીક્ળ્યો ! એ અવાજમાં ભારોભાર પીડા હતી !
કટ્ટ્ટ્ટ્ટ...!
હવે યુવતીના હાથ-પગ બધાં સાંધાઓ પાસેથી ઓર વધુ વળ્યા અને એ યુવતીના મોઢામાંથી એક લાંબી પીડાભરી ચીસ નીકળી. બીજી જ પળેે એના હાથપગ એકદમથી જ સીધા થઈ ગયા ને એના આખા શરીરે એક જોરદાર આંચકી ખાધી અને..., અને એ આંચકી સાથે જ જાણે એનો જીવ નીકળી ગયો હોય એમ એનું શરીર સ્થિર થઈ ગયું.
ત્રણેય પંડિતોએ પલંગની ગોળ ફરતે મુકાયેલા લીંબુ તરફ જોયું.
એ બધાં લીંબુ સળગી ગયાં હોય એમ કાળાં પડી ગયા હતાં.
પંડિત દીપશંકર અને પંડિત ઑમકારના ચહેરા પર જાણે તેઓ કંઈ સમજી ન શકયા હોય એવા મૂંઝવણના ભાવ આવ્યાં, તો એ બન્નેની વચમાં ઊભેલા શંભુનાથના ચહેરા પર ટૅન્શનની રેખાઓ ઊપસી આવી. અને એ જ પળે જાણે એ યુવતીમાં પાછો જીવ આવ્યો હોય એમ એ પલંગ પરથી ઊંચકાઈ અને એકદમ સીધી થઈ જતાં, પલંગથી બે ફૂટ અધ્ધર હવામાં ઊભી રહી ગઈ, અને ત્રણેય પંડિતો સામે જોતાં હસવા લાગી !
'હા-હા-હા-હા!'
આ વખતે ફરી યુવતીના મોઢામાંથી એે પ્રેતનો જ અવાજ આવવા માંડયો હતો!
'હા-હા-હા-હા!'
હવે યુવતીના શરીરમાં રહેલું પ્રેત જાણે પંડિતોની હાંસી ઊડાવતું હોય એમ હસવા માંડયું.
ઑમકારે હાથમાંની થાળી નીચે મૂકી. એણે બાજુમાં પડેલું કળશ ઊઠાવ્યું ને એમાંનું પાણી હાથમાં લઈને એ યુવતી પર છાંટયું.
યુવતીના શરીરમાં રહેલા પ્રેતને જાણે આ પાણીની ઝાળ-આગ લાગી હોય એમ એણે પીડાભરી ચીસ પાડી અને હસવાનું બંધ કર્યું. જોકે, યુવતી હજુ પણ એ જ રીતના પલંગ પર, પલંગથી બે ફૂટ અધ્ધર હવામાં જ ઊભી હતી. યુવતીના ચહેરા પર હવે ગુસ્સો આવી ગયો હતો. એની આંખોમાં પણ ગુસ્સો તરવરતો હતો અને એની ગુસ્સાભરી આંખો શંભુનાથ તરફ તકાયેલી હતી!
શંભુનાથ પણ હાથમાં ત્રિશૂલ સાથે, એ યુવતીની આંખોમાં આંખો મિલાવીને જોઈ રહ્યા હતા.
'...તમારા ત્રણેયનો આખરી સમય હવે આવી ગયો !' યુવતીના શરીરમાં રહેલું પ્રેત જાણે દાંત કચકચાવતાં બોલ્યું અને આ સાથે જ યુવતીએ બન્ને હાથ પોતાના માથાની ઉપરની તરફ કરવા માંડયા.
યુવતી અને શંભુનાથની નજર હજુ પણ જાણે એકબીજામાં પરોવાયેલી હતી!
હવે શંભુનાથે મંત્રો ભણવાનું બંધ કરી દીધું.
શંભુનાથે મંત્રો ભણવાનું બંધ કર્યું એ વાત શંભુનાથની આજુબાજુ ઊભેલા દીપશંકર અને ઑમકારના ધ્યાનમાં આવી નહિ. એ બન્નેનું બધું જ ધ્યાન અત્યારે સામે, હવામાં ઊભેલી યુવતી તરફ હતું ! બન્ને મંત્રો ભણી રહ્યા હતા.
અત્યારે હવે દીવાલ પરની ઘડિયાળના બન્ને કાંટા બાર પર ભેગા થયા, રાતના બરાબર બાર વાગ્યા અને એ યુવતીએ પોતાના માથાની અધ્ધર કરેલા પોતાના બન્ને હાથની હથેળીઓ એકબીજા સાથે મિલાવી દીધી, અને....
...અને એ સાથે જ એ યુવતીની આંખોમાં પરોવાયેલી શંભુનાથની આંખોની કીકીઓ જાણે એકદમથી જ ગાયબ થઈ ગઈ હોય એમ દેખાવાની બંધ થઈ ગઈ! શંભુનાથની આખી આંખો એકદમ સફેદ થઈ ગઈ! માણસ ભય પામી ઊઠે એવી-કીકીઓ વિનાની બિલકુલ સફેદ આંખો!
હવે યુવતી ખડખડાટ હસવા લાગી, અને...
...અને જાણે શંભુનાથ એ યુવતીના શરીરમાં રહેલા પ્રેતના વશમાં ચાલ્યા ગયા હોય એમ એમણે પોતાના હાથમાંનું ત્રિશૂલ અધ્ધર કર્યું અને પોતાની ડાબી બાજુ ઊભેલા દીપશંકરના પેટમાં ખોંપ્યું. દીપશંકરના મોઢામાંથી ચીસ નીકળી, ત્યાં તો શંભુનાથે ત્રિશૂલને દીપશંકરના પેટમાં ફેરવીને પછી બહાર ખેંચી કાઢયું.
બાજુમાં ઊભેલો ઑમકાર કંઈ સમજે-કરે એ પહેલાં જ શંભુનાથ વીજળીની જેમ ઑમકાર તરફ ફર્યા, અને પોતાની કીકી વિનાની આંખોથી પણ ઑમકારને જોઈ શકતા હોય એમ એમણે ઑમકાર સામે જોતાં એની છાતીમાં ત્રિશૂલ ખોંપી દીધું.
ઑમકારની છાતીમાંથી લોહી છુટયું.
શંભુનાથે ત્રિશૂલ બહાર ખેંચી કાઢયું.
ઑમકારનો જીવ નીકળવાની સાથે જ એ બાજુમાં મૃત પડેલા દીપશંકરની જેમ જ જમીન પર પડયો.
શંભુનાથે કીકીઓ વિનાની સફેદ આંખે યુવતી સામે જોયું અને પછી પોતાના હાથે પોતાની ગરદનમાં ત્રિશૂલ ખોંપી દીધું. એમની ગરદનમાંથી જાણે લોહીનો ફુવારો છુટયો અને એ જમીન પર પડયા ! એમની કૉરી આંખોમાં પાછી કીકીઓ દેખાઈ! એ કીકીઓમાં પીડા ઝળકી અને બીજી જ પળે એમનો જીવ નીકળી ગયો. એમની પીડાભરી કીકીઓ સ્થિર થઈ ગઈ! એમની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ!
'હા-હા-હા-હા!!' યુવતી-યુવતીના શરીરમાં રહેલું પ્રેત જાણે પોતાની જીત પર અટ્ટહાસ્ય કરતું હોય એમ હસવા લાગ્યું, અને યુવતી ધીરે-ધીરે હવામાંથી પાછી પલંગ પર આવવા માંડી. એના પગ પલંગ પર અડ્યા અને એ ધબ્ કરતાં પલંગ પર બેસી પડી.
'હા-હા-હા-હા-હા-હા-હા!' હજુ પણ એનું જીતભર્યું અટ્ટહાસ્ય ચાલુ હતું!
ધમ્!
જાણે પોતાની આ જીતથી યુવતીના શરીરમાં રહેલું પ્રેત તાનમાં આવી ગયું હોય એમ યુવતીએ પોતાના બન્ને હાથ પલંગ પર પછાડયા અને ડાબી તરફ જોયું.
-ડાબી તરફ એક નાનકડી જાળીવાળી બારી હતી.
-એ બારી બહાર એક બત્રીસ વરસનો પુરૂષ ઊભો હતો! એ પુરૂષના ચહેરા પર દુઃખ હતું-દર્દ હતું!
-એ પુરૂષ, એ યુવતીનો પતિ હતો!
-એનું નામ મનોહર હતું!
-યુવતીનું નામ પૂનમ હતું!
-પૂનમ પોતાના પતિ મનોહર તરફ જોઈ રહી અને હસી!
અત્યારે હવે યુવતીના હસવાનો અવાજ પુરૂષમાંથી બાળકી જેવો થઈ ગયો હતો! પૂનમ જાણે પાંચ-છ વરસની બાળકી હોય એમ હસી રહી હતી! ખડખડાટ હસી રહી હતી.
પૂનમ હવે ફરી પાછી પેલા પુરૂષના-પેલા પ્રેતના અવાજમાં હસવા લાગી ! પૂનમના શરીરમાં રહેલું એ પ્રેત હવે ફરી પાછું હસવા લાગ્યું.
'હાહાહાહાહાહાહાહા!'
પૂનમના પતિએ એક બળબળતો નિસાસો નાંખ્યો.
તેની પત્ની પૂનમ પર મલ્ટીપલ પઝેશન થયું હતું ! એટલે કે, એક જ વારમાં, કેટલાંક આત્માઓએ-કેટલાંક પ્રેતોએ પૂનમના શરીર પર એકસાથે કબજો જમાવી લીધો હતો! પૂનમના શરીરમાં વાસ કરી લીધો હતો!!
પૂનમના શરીરમાંથી આ પ્રેતોને હાંકી કાઢવા માટે પંડિત શંભુનાથે પોતાના સાથીઓ પંડિત દીપશંકર અને પંડિત ઑમકાર સાથે આ પ્રયત્ન કર્યો હતો, અને એમાં તેઓ નિષ્ફળ નીવડયા હતા અને પ્રેતના હાથે પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ ઘટનાએ હવે મનોહરની હિંમત ભાંગી નાંખી. 'હવે પૂનમની જિંદગીનો કે, તેેની પોતાની જિંદગીનો નહિ, પણ તેેમની ચાર વરસની દીકરી કલગીની જિંદગીનો પણ સવાલ હતો!' અને મનોહરે નકકી કરી લીધું. 'તે પોતાની દીકરી કલગીને લઈને અહીંથી દૂર, અમેરિકામાં વસી જશે.' અને.., અને તે જાણે છેલ્લી-છેલ્લી વાર પોતાની પત્ની પૂનમને જોતો હોય એમ તેણે પૂનમ સામે જોયું અને બારી પાસેથી હટી ગયો.
પૂનમ..., પૂનમના શરીરમાં રહેલાં પ્રેત હજુ પણ હસી રહ્યા હતાં!
-અત્યારે હવે ઘડીકમાં ચાળીસેક વરસના પુરૂષનું પ્રેત હસતું હતું!
'હા-હા-હા-હા-હા-હા-હા!
-ઘડીકમાં પચીસેક વરસના યુવાનનું પ્રેત હસતું હતું!
'અ..અહાહાહાહાહાહા!
-ઘડીકમાં એક વીસેક વરસની યુવતીનું પ્રેત હસતું હતું!
'ખી-ખી-ખી-ખી-ખી...!'
-ઘડીકમાં પાંચ-છ વરસની છોકરીનું પ્રેત હસતું હતું!
'ઈંયહી-હી-ઈંયહી-હીહીહી..!
-ઘડીકમાં દસેક વરસના છોકરાનું પ્રેત હસતું હતું!
'હુઉઉઉ...હાહાહા!'
-ઘડીકમાં પાંત્રીસ વરસની સ્ત્રીનું પ્રેત હસતું હતું!
'ખિલ-ખિલ-ખિલ-ખિલ!'
-ઘડીકમાં સિત્તેર વરસના ઘરડા પુરૂષનું પ્રેત હસતું હતું.
'હઆ-હઆ-હાહાહાહાહા!'
-ઘડીકમાં સાઈઠ વરસની ઘરડી સ્ત્રીનું પ્રેત હસતું હતું!
'ખૂં-ખૂં-ખૂં-ખૂં-ખૂં...!'
ઘડીકમાં સોળેક વરસના કિશોરનું પ્રેત હસતું હતું!
'હહહહહા..! હહહહહા..!
-તો ઘડીકમાં.., ઘડીકમાં આ બધાંયના પ્રેત જાણે એકસાથે હસી રહ્યા હોય એવું લાગતું હતું!!
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો