Advertisement
Author: નોબત સમાચાર

પરદેશની ધરતી ઉપર નવરાત્રિ પ્રસંગે થનગનાટ સાથે રૂ.મઝુમ નર્તન કરતા ગુજરાતીઓ

નવરાત્રિ નિશ્ચિત શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર ઉજવાય તે જરૂ.રી

                                                                                                                                                                                                      

ધર્મ સંસ્કાર, શાંતિ અને આત્મા સાથે સંકળાયેલો વિષય છે. ફિલ્મી ગીતકાર રવીન્દ્ર જૈને રાજકપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મૈલી ફિલ્મ માટે બહુ સરસ પંક્તિઓ લખી હતી....માનો તો મેં ગંગા માં હું, ના માનો તો બહેતા પાની!

ધાર્મિક માન્યતાઓ માટે આનાથી વધુ ચોટદાર શું લખી શકાય? ધર્મ અને અંધશ્રદ્ધા બાબતે બૌદ્ધિકો સમયે-સમયે, પ્રસંગે પ્રસંગે લખતા રહૃાા છે. બૌદ્ધિકોના મંતવ્યો સ્વીકારવા કે ન સ્વીકારવા તે ધર્મ પાળતી વ્યક્તિ ઉપર આધાર રાખે છે. ધર્મ મૂળભૂત રીતે નિષ્ઠા, પ્રામાણિકતા, કરૂ.ણા, લાગણી, તટસ્થતા ઉપર આધારિત છે. ધર્મ લોભ, લાલચ, લૂંટ, ભ્રષ્ટતા, સ્વાર્થનો સદંતર વિરોધી છે. આપણે ધર્મ પાળીએ છીએ પરંતુ તેના ઉપદેશોથી દૂર રહીએ છીએ. 'જીસને પાપ ના કીયા હો, વો પહેલા પથ્થર મારે.. લૈલા મજનૂ ફિલ્મનું આ ગીત પણ અહીં બરોબર ફીટ બેસે છે. જેના મનમાં સ્વાર્થ, લોભ, લાલચ, મોહ ન હોય તે વ્યક્તિ જ ધાર્મિક હોવાનો દાવો કરી શકે. જે કળિયુગમય હોય તેને ધર્મધુરંધર હોવાનો દેખાવ કે દાવો કરવાનો અધિકાર નથી!

વાચકોને સવાલ થશે કે, એન્જિઑગ્રાફીની ગાડી કેમ અચાનક ધર્મ ઉપદેશ ઉપર ચડી ગઈ? કારણ કે, અંગ્રેજી કેલેન્ડરના છેલ્લા ૬ માસ ધાર્મિક દિવસો અને પ્રસંગોથી ભરપૂર હોય છે. તમામ ધર્મોના મોટાભાગના મહત્વના દિવસો જુલાઈથી ડિસેમ્બર સુધીમાં આવે છે. હિન્દુ લોકોના શ્રાવણ, નવરાત્રિ, દિવાળી પણ આ ગાળામાં આવે. ૨૨ તારીખથી ગુજરાતીઓનો ગમતો તહેવાર, ઉત્સવ નવરાત્રિ ઉજવાશે. માતાજીની આરાધના માટે આ સપ્તાહ બહુ મહત્ત્વનું છે. વિદેશોમાં તો નવરાત્રિના કાર્યક્રમો શરૂ. પણ થઈ ગયા છે. ગાયક કલાકારો પોતાના સાજિંદાઓ સાથે સાત સમુંદર પાર ગરબાઓની રમઝટ બોલાવી રહૃાા છે. આદિત્ય ગઢવીને ત્યાંના ગરબા આયોજકોએ ટેસ્લાની ડ્રાઈવર વગરની સઈબર ટ્રક મોડેલની કારમાં મુસાફરી કરાવી. આદિત્યએ પોતે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો. જે કલાકારને નવરાત્રિ પ્રસંગે વિદેશમાં કામ ન મળે તે મોટો કલાકાર કહેવતો નથી! નાના અને નવા કલાકારો મફતના ભાવમાં પણ વિદેશ જાય, સોશિયલ મીડિયા ઉપર ફોટા મૂકી પોતાના ભાવ વધારે. મોટા કલાકારો બહુ નખરાં કરે છે તેવી ફરિયાદ ત્યાંના સ્થાનિક આયોજકો કરતા હોય છે. મોટા કલાકારો પૂરા ત્રણ કલાક પરફોર્મ કરતા નથી તેનો વસવસો અનેક આયોજકો કરે.

વડોદરાના એક નામી કલાકારે અમેરિકામાં ફક્ત એક કલાક જ ગરબાની રમઝટ બોલાવી શો પૂરો કર્યો ત્યારે આયોજકો સાથે મોટો ઝઘડો થયો. નામી કલાકારે કોન્ટ્રેક્ટ પેપર બતાવ્યું, તેમાં એક કલાક જ લખ્યું હતું, આયોજકે ઉત્સાહમાં કે ઉતાવળમાં તે શરત વાંચી નહીં. આમ હવે આપણા ગુજરાતી કલાકારોના કોન્ટ્રેક્ટ પેપર ત્યાં વકીલોની સલાહ બાદ જ આગળ વધે છે. કારણ કે, મોટા કલાકારો જે માંગે તે આપવામાં આવે તો, સોના કરતા ઘડામણ મોંઘું પડે છે.

આપણા ગુજરાતમાં તો હાલ દાંડિયા રાસ અને ગરબાની પ્રેક્ટિસ ચાલી રહી છે ત્યારે વિદેશમાં તો રાસ ગરબાની રમઝટ જામી છે. ગુજરાતી કલાકારો નામ રોશન કરવા માટે ત્યાં સ્ટેજ ગજવી રહૃાા છે. સ્ટેજ ઉપર જોવા મળતા ગુજરાતી ગાઈકા કિંજલ દવે ઓફ સ્ટેજ જુદા પહેરવેશમાં વિદેશી નઝારો માણતા સોશિયલ મીડિયા ઉપર જોવા મળે. તેમની વેસ્ટર્ન ડ્રેસિંગ સેન્સ બહુવિધ અને ઊંચી હોય છે. લાખો ગુજરાતી નારીઓ અને કન્યાઓ તેમના ડ્રેસને ફોલો કરે છે.

ચાલો.. આજે વિદેશની થોડી શબ્દ સફર કરીએ. ત્યાં શું ચાલી રહૃાું છે.

અમેરિકા

ન્યુ જર્સી, કેલિફોર્નિયા અને ટેક્સાસ, ન્યુયોર્ક જેવા ભારતીય વસ્તી ધરાવતા વિસ્તારોમાં નવરાત્રિ વ્યાપકપણે ઉજવવામાં આવી રહી છે. વિવિધ સમુદાયો મોટા પાયે ગરબા અને દાંડિયા કાર્યક્રમોનું આયોજન કર્યું છે, કોમ્યુનિટી હોલ, મંદિરો અથવા ખુલ્લા મેદાનમાં નવરાત્રિ યોજાયા છે. ચાલુ વર્ષ માટે, પરંપરાગત સંગીત સાથે વાઇબ્રન્ટ ડાન્સ નાઇટ્સની પણ વ્યવસ્થા છે, જ્યાં ખેલૈયાઓ ચણિયા ચોલી અને કુર્તા-પાયજામા જેવા રંગબેરંગી પોશાક પહેરે છે. ટેક્સાસ, કેરી, ઉત્તર કેરોલિના અથવા હૃાુસ્ટનના મંદિરોમાં પૂજા, આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સિલિકોન વેલી વિસ્તારમાં ઉપવાસ પરંપરાઓ સાથે સુસંગત, સાત્વિક (શુદ્ધ) શાકાહારી વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલ સાથે બહુ-દિવસીય ઉત્સવોનું આયોજન છે. સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર નવરાત્રિના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવે છે.

બ્રિટન

લંડન, લેસ્ટર અને બર્મિંગહામ જેવા શહેરોમાં, નવરાત્રિ એક મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે. કોમ્યુનિટી હોલ, રમતગમતના મેદાનો ગરબા અને દાંડિયા સ્થળોમાં પરિવર્તિત થયા છે, જેમાં લાઇવ બેન્ડ અથવા ડીજે પરંપરાગત અને આધુનિક ગુજરાતી સંગીત ધબકી રહૃાું છે. બ્રિટિશ હિન્દુ સમુદાય જેવા જૂથો અથવા નીસડેનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જેવા સ્થાનિક મંદિરો દ્વારા આયોજિત સમાન મોટા મેળાવડા જમ્યા છે. ભક્તો ઘટસ્થાપન (કળશમાં દેવીને બોલાવીને) અને દૈનિક પૂજા કરી શકે છે, જેમાં કેટલાક ઉપવાસ અને ફળો અને ખીર જેવા પ્રસાદનો સમાવેશ થાય છે. ખોરાક અને કપડાંના દાન સહિતની સેવા પણ કરવામાં આવે છે.

કેનેડા

ટોરોન્ટો, વાનકુવર અને બ્રેમ્પટનમાં, નવરાત્રિ ઉજવણીઓ મુખ્ય છે, ખાસ કરીને ગુજરાતી અને ઉત્તર ભારતીય સમુદાયોમાં આ સમય મુખ્ય આકર્ષણ બને છે. સ્થાનિક સમુદાય આયોજિત ગરબા રાત્રિઓની માંગ ઘણી ઊંચી છે, બેન્ક્વેટ હોલ અથવા સાંસ્કૃતિક કેન્દ્રોમાં ટિકિટવાળા કાર્યક્રમો યોજાય છે, જેમાં પરંપરાગત રાસ ગરબા અને માતાજીના ભક્તિ ગીતોનો સમાવેશ થાય છે. મંદિરોમાં દુર્ગાના નવ સ્વરૂ.પો માટે ખાસ પૂજાઓ કરવામાં આવે છે, ભક્તો ઉપવાસ રાખે છે. આ કાર્યક્રમોમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને સાબુદાણા ખીચડી જેવી નવરાત્રિ-વિશિષ્ટ વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલનો સમાવેશ કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયા

સિડની અને મેલબોર્નમાં, નવરાત્રિ ભારતીય સાંસ્કૃતિક સંગઠનો દ્વારા ગરબા અને દાંડિયા કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. શ્રી વેંકટેશ્વર મંદિર જેવા સમુદાય કેન્દ્રો અને મંદિરો પૂજા અને સાંસ્કૃતિક રાત્રિઓનું આયોજન કરે છે. દરેક દિવસ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યા હોય છે. નવરાત્રિના પરંપરાગત પોશાક પહેરીને સાથીદારો કે પરિવાર સાથે આઉટડોર અથવા ઇન્ડોર રાસ ગરબા યોજાય છે. નવરાત્રિના દિવસોમાં ઉપવાસ અને આધ્યાત્મિક પ્રવચનો પણ યોજાય છે.

અન્ય પ્રદેશો

સિંગાપોર, મલેશિયા અને યુએઈ જેવા દેશોમાં, જ્યાં ભારતીય ડાયસ્પોરા સમુદાયો ખીલે છે, નવરાત્રિમાં મંદિર પૂજા, સાંસ્કૃતિક શો અને નૃત્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સિંગાપોરમાં, લિટલ ઇન્ડિયાના મંદિરો આરતી અને ભજનનું આયોજન હોય છે, જ્યારે દુબઈમાં, મોટા પાયે ગરબા કાર્યક્રમો સામાન્ય છે, જે ઘણીવાર ખુલ્લા સ્થળો અથવા ઓડિટોરિયમમાં આયોજિત થાય છે. આ ઉજવણીઓ ઘણીવાર સ્થાનિક લોકો આપણ સામેલ થાય છે, જેમાં ડાયસ્પોરાના સ્વાદને અનુરૂ.પ ફૂડ સ્ટોલ અને સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે.

વિદેશોમાં ગુજરાતી ગરબાને ગુગલમાં શોધવા પણ બહુ કપરૃં છે, કારણ કે જ્યાં જ્યાં વશે ગુજરાતી, ત્યાં ત્યાં ઉજવાય નવરાત્રિ! ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન 'મફત પાસ'નું બહુ મોટું દૂષણ છે. આયોજકો નવરાત્રિથી નથી થાકતા તેટલા, મફત પાસ માંગણીથી કંટાળી જાય છે. નવરાત્રિ દરમિયાન પાંચ હજારની જાહેરાત આપનાર વ્યક્તિ ૧૦ હજાર રૂ.પિયાના મફત પાસ માંગે!

વિદેશોમાં મફત પાસ જેવું કઈં નથી. એડવાન્સમાં પૈસા ચૂકવી ટિકિટ ખરીદવાની! ત્યાં મોટા ભાગના ધાર્મિક મેળવડાઓ ફી સાથે કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર વર્તમાન નવરાત્રિ દરમિયાન ૧૦૦થી વધુ નામાંકિત ગાયક, સંગીત અને નૃત્ય કલાકારો અમેરિકામાં હાલ છે.

શાસ્ત્રોક્ત ભક્તિ

ધાર્મિક તહેવારો પંચાંગ, દિવસ અને સમય અનુસાર શાસ્ત્રોક્ત પદ્ધતિએ ઉજવવા ફરજિયાત છે. કૃષ્ણ જન્મ જન્માષ્ટમીના દિવસે રાત્રે ૧૨ વાગ્યે જ ઉજવવો જોઈએ. રામ જન્મ દિવસ, હોલિકા દહન, દશેરા, નવું વર્ષ જેવા તમામ ગુજરાતી, હિન્દુ તહેવારોનો દિવસ, સમય શાસ્ત્રોએ નક્કી કરેલો છે. નવરાત્રિનું પણ તેવું જ છે. માતાજીના આ દિવસો ચોક્કસ પંચાંગ અનુસાર જ ઉજવવા જોઈએ.

હવે નવરાત્રિના નામે આખો મહિનો વિવિધ નામો સાથે રાસ ગરબા ચલે છે. જે શાસ્ત્રોક્ત નથી. વિદેશોમાં પણ વિક એન્ડમાં અનુકૂળ હોય ત્યારે નવરાત્રિ ઉજવવામાં આવે છે. એક બાબત પણ સત્ય છે કે, ભક્તિભાવને કોઈ સમય બંધન નથી. પરંતુ નવરાત્રિ જ્યારે ઉજવાતા હોઈએ ત્યારે પંચાંગમાં દર્શાવેલ સમય પત્રકને અનુસરવું ફરજિયાત છે.

હિન્દુ પરંપરા નવ દિવસ સિવાય નવરાત્રિ પૂજાને માન્યતા આપતી નથી. માતાજીના ગરબા ગાવા માટે કે ગરબે રમવા માટે પણ સ્પષ્ટ નિયમો છે. મહિલાઓ માટે પણ કડક નિયંત્રણો અને નિયમો શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. તેનું પાલન ફરજિયાત છે. માતાજીના નવરાત્રિના દિવસો દરમિયાન હવે ભક્તિના નામે ભેળસેળ પીરસવામાં આવી રહી છે. માતાજીની આરતી ક્યારે કરવી તે પણ નિશ્ચિત છે. દરેક આયોજકોએ માતાજીની ભક્તિ માટેની આચારસહિંતા પાળવી જોઈએ. માતાજીના સ્થાપન સમયે મૂર્તિનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ તે પણ નિશ્ચિત છે. માતાજીના સ્થાપન અને ઉત્થાપન માટે ચોઘડિયું જોવું અને યોગ્ય મૂહરતમાં તે વિધિ કરવી જોઈએ.

મને લાગે છે કે નવરાત્રિના બહાને મોટાભાગના વિધિવિધાન કોરાણે મૂકવામાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શ્રેણીમાં પાત્રો દરેક ખુશીના પ્રસંગે ગરબા ગાય છે. આ યોગ્ય ગણી શકાય. પરંતુ નવરાત્રિના સ્થાપન સાથે તો માતાજીના પ્રોટોકોલ સાથે જ ભક્તિ થઈ શકે.

પરંપરા

વિદેશોમાં પણ સાદગી પૂર્ણ રીતે નવરાત્રિમાં માતાજીની ભક્તિ કરવામાં આવતી હોય છે. કેટલાક પરિવારો ઘરમાં એકત્ર થઈ બેઠા ગરબા ગાય છે. નાગર જ્ઞાતિના બેઠા ગરબા પ્રસિદ્ધ છે. અમેરિકાના ટેક્સાસમાં પણ અનેક ગુજરાતી ઘરોમાં બેઠા ગરબા ગુંજે છે. જામનગરમાં જલાની જારની પુરૂ.ષોની ભક્તિ પણ નોંધનીય છે. આજે પણ નવરાત્રિની ભક્તિ પરંપરાગત રીતે કરવામાં આવતી હોવાના અસંખ્ય દાખલાઓ છે. પુરૂ.ષો ધોતિયું કે અબોટિયું પહેરી ગરબે રમે તે પરંપરા છે.

માતાજીને શૃંગાર બહુ પસંદ છે તેથી કુમારીકાઓ, કન્યાઓ અને મહિલાઓ શણગાર સાથે રમે તે ઉચિત ગણાય. નવરાત્રિના ડ્રેસ હવે ભાડે પણ મળે છે. વિદેશમાં વસતા અનેક નૃત્ય પ્રેમીઓ ગુજરાતમાંથી ચણિયા ચોળી અને હાર, બુટ્ટી સહિતના શણગાર મંગાવે છે. કેટલાક તો ખરીદી કરવા માટે ખાસ આવે છે. ગુજરાત સરકાર પણ વાઇબ્રન્ટ નવરાત્રિ ઉજવવા વિદેશીઓને ખાસ આમંત્રણ આપે છે.

'નોબત'ના વાચકો અને ચાહકોને નવરાત્રિ પ્રસંગે હાર્દિક શુભકામના અને જય માતાજી.

- ૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh