Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના ૧૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ શિખ્યા ચેસના દાવઃ
જામનગર તા. ૨૦: રમતગમત જીવનનો હિસ્સો બને ત્યારે કોઈને કોઈ પ્રકારે ફાયદો થાય જ છે. શારીરિક અને માનસિક બંને તંદુરસ્તી એ વિવિધ રમતોનું નિશ્ચિત ફળ છે, જેમાં આજે આપણે વાત કરીશું, માનસિક કસરતના પર્યાય એવા ચેસ વિશે.
જામનગર જિલ્લામાં તાજેતરમાં ૧૩૦૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વિવિધ શાળામાં ચેસના નિષ્ણાત એવા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના હાલ અમદાવાદ રહેવાસી બીએસએનએલના નિવૃત્ત કર્મચારી ૭૦ વર્ષીય વિરેન્દ્રસિંહજી નટવરસિંહજી ઝાલા દ્વારા વર્કશોપ યોજી ચેસની મૂળભૂત તાલીમ આપવામાં આવી છે.
'નોબત' દૈનિક સાથેની વિશેષ વાતચીતમાં ચેસમાં લગાવ કેવી રીતે જાગ્યો તેમજ બાળકોને ચેસ શીખવવાની નિઃશુલ્ક મુહિમ અંગે તેઓ જણાવે છે કે, 'વર્ષ ૧૯૮૦માં થાનગઢમાં બીએસએનએલની નોકરી દરમિયાન નાઈટ ડ્યુટી દરમિયાન સહકર્મીઓને જ્યારે ચેસ રમતા જોયા ત્યારથી મને ચેસમાં રસ જાગ્યો. રોજિંદી પ્રેક્ટિસથી રમતમાં ધીરે ધીરે પકડ આવવા લાગી.
વર્ષ ૧૯૮૬-૮૭માં સૌપ્રથમ ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટ સીલોંગ મેઘાલયથી ટેસ્ટ ટુર્નામેન્ટમાં રમવાનું મેં શરૂ કર્યું અને છેલ્લે ઓલ ઇન્ડિયા બીએસએનએલ ૨૦૧૫ હૈદરાબાદ અને નેશનલ નાગપુર પણ રમ્યો હતો. કુલ ૩૦ ઓલ ઇન્ડિયા ડોટ-બીએસએનએલ ટુર્નામેન્ટ રમ્યો. ૬ એફઆઈડીઈ રેટિંગ, ૧ ઇન્ટરનેશનલ રેટિંગ ૮ નેશનલ ટુર્નામેન્ટ રમ્યો. ચાર વખત ઓલ ઇન્ડિયા બીએસએનએલ ટીમ ચેમ્પિયન, એક વખત રનર્સ અપ, બે વાર તૃતીયક્રમે, બે વાર ચોથા ક્રમે રહૃાો. ૨૦૧૬ અને ૨૦૨૪ ખેલ મહાકુંભ ગુજરાત ચેમ્પિયન બન્યો હતો. મેં આ દરમિયાન વર્ષ ૧૯૯૦ ના વર્ષમાં રશિયન ગ્રાન્ડ માસ્ટર ઓલેગ ડી ઝૂબીન અને વર્ષ ૧૯૯૮ માં વર્લ્ડ એમેચ્યોર ચેમ્પિયન વિરાફ અવારી સામે વિજેતા પદ મેળવ્યું હતું અને નેશનલ એવોર્ડ ખેલાડી પ્રફુલ મહેતા સામે ૧૧-૧૦ નો સ્કોર રહૃાો હતો.
વર્ષ ૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને ત્યાં એક સ્ટેટમાં ક્રાઈમ રેટ શૂન્યની નજીક હોવાનું જાણવા હતું જેનું કારણ હતું કે ત્યાં, કેજીથી બાળકોને ચેસ શીખવવામાં આવતું હતું. આથી તેમણે ગુજરાતમાં પરત આવી બાળકોને બાળપણથી ચેસની તાલીમ આપવામાં આવે તેવી યોજના પર કામ કરવાનું શરૂ કર્યું. જે અંતર્ગત તેમણે ગુજરાતમાં ચેસના ચાર કોચ દ્વારા ૧૧૦૦ જેટલા લોકોને ચેસની તાલીમ આપી ગુજરાતના ગામડાઓમાં બાળકોને ચેસ રમતા કરી શકાય તેવો ભેખ ધારણ કર્યો હતો અને આ ચાર કોચમાં ચેસમાં ઇન્ટરનેશનલ ખેલાડી વિરેન્દ્રસિંહ ઝાલા સાથે મયુર પટેલ ધર્મેન્દ્ર પંડ્યા અને રાજેન્દ્ર સ્વામીનારાયણનો સમાવેશ કરવામાં આવ્યો હતો.'
ચતુરંગ ચેસ એકેડેમી અને ચતુરંગ ફાઉન્ડેશન અમદાવાદના ચેરમેન વિરેન્દ્રસિંહજીએ દૃઢ સંકલ્પ કર્યો છે કે, તેઓ ગુજરાતના ૩૪ જિલ્લામાં ચેસ શીખવવાના ૨૦૦ વર્કશોપ યોજશે અને બાદમાં તેઓ અન્ય રાજ્યોમાં પણ ચેસ શીખવવા જશે. હાલમાં જામનગર શહેર જિલ્લામાં જામનગરની રાજપુત કન્યા છાત્રાલય, મેઘપર તાલુકા શાળા, રામદૂત નગર વાડી પ્રાથમિક શાળા, જોગવડ પ્રાથમિક શાળા, જોગવડ પાટિયા પ્રાથમિક શાળા, પડાણા પાટીયા પ્રાથમિક શાળા, લાલપુર તાલુકા શાળા,લાલપુર કન્યા શાળા અને નવાપર શાળામાં ૧૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેમણે ચેસની તાલીમ આપી કુલ ૧૪૪ વર્કશોપ પૂર્ણ કર્યા છે. આ સાથે તેઓ જે પણ શાળામાં ચેસનો વર્કશોપ આયોજિત કરે છે, તે શાળાને પોતાના તરફથી નિઃશુલ્ક ઇન્ટરનેશનલ ચેસ બોર્ડ ભેટ તરીકે આપે છે.
તેઓ જણાવે છે કે, ૧૧ નવેમ્બર ૨૦૧૧ ના દિવસે ગુજરાત ચેસ અને ભારતીય ચેસના સુવર્ણયુગની શરૂઆત થઈ હતી. જેમાં, અજય પટેલ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના પ્રમુખ થયા પછી ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. જુદી જુદી રાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં યંગસ્ટર્સ ભાગ લીધા બાદ ગુકેશ એફઆઈડીઈ વિશ્વ ચેમ્પિયન, ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન, કોનેરૂ હમ્પી એમ વિશ્વવિજેતાઓ ભારતની ભેટ છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના દિલીપસિંહજી જેઠવા, ભગવતસિંહજી જાડેજા, ઘનશ્યામસિંહજી ઝાલા, હરદેવસિંહજી ગોહિલ, યોગેન્દ્રસિંહજી જાડેજા અને જયદીપસિંહજી ઝાલા, દિલીપસિંહજી જાડેજા, લાલપુર તાલુકા બી.આર.સી. કો- ઓર્ડીનેટર શ્રી વંદનાબહેન જાની, સી.આર.સી. કો ઓર્ડીનેટર શ્રી મયુરધ્વજસિંહ જાડેજા, લાલપુર તાલુકા શાળા આચાર્ય શ્રી અશોકભાઈ વાછાણી, લાલપુર કન્યા શાળા સ્પોર્ટ્સ કો ઓરડીનેટર પૂજાબેન વસરા અને સી.આર.સી. કો ઓર્ડીનેટર -તુષારભાઈ મહેતા આ તમામના સહયોગથી જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ચેસના વર્કશોપ સફળ રીતે આયોજિત કરવામાં આવ્યા હતા.
વિરેન્દ્રસિંહજીની અનોખી મુહિમઃ વિદ્યાર્થી સુધરશે, વિશ્વ સુધરશે
બાળકોને અપાતી ચેસની તાલીમ બૌદ્ધિક રમત તો છે જ. પરંતુ, આ સાથે સાથે ચેસ રમતા બાળકમાં જિંદગીનો કોઈ પણ નિર્ણય લેતા પહેલા શાંત મગજ થી થોડો સમય વિચાર કરી નિર્ણય લેવાની 'વિવેક બુદ્ધિ' કેળવાય છે. જે સાઇકોલોજીકલી બહુ ગહન વાત છે.
મોબાઇલની લત કે સ્ક્રીન ટાઈમ બાળકની આંખ અને વિચારવાની શક્તિને નબળી કરે છે,માનસિક થાક પણ આપે છે જ્યારે ચેસની રમત બાળકમાં વિચારવાની શક્તિ નિર્ણય શક્તિ તથા એકાગ્રતાને તેજ કરે છે.
માત્ર આટલું જ નહીં આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો ચેસના કોચને સારૃં આર્થિક મહેનતાણું પણ મળે છે. આવનારો નજીકનો સમય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચેસના ચમકતા દિવસો લાવવાનો જ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે, હણાઇશ તો સ્વર્ગ મળશે જીતીશ તો પૃથ્વી, તું બસ યુદ્ધ કર. એ જ પ્રકારે જીવનનો દાવ રમવાનો છે. જીત, પ્રતિષ્ઠા અને આત્મસંતોષ આપશે તો હાર, ધીરજ અને આત્મમંથન. સાર એ છે કે, જિંદગીના મેદાનમાં સતત ઝઝૂમવાનું છે. ચેસની રમતનો આ ગૂઢ અર્થ છે.
મુલાકાત-આલેખનઃ તોરલ ઝવેરી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial