Advertisement
Author: નોબત સમાચાર

રિદ્ધિ સિદ્ધિના દેવ ગણેશોત્સવમાં ભક્તિ, શક્તિ અને સંપત્તિના દર્શન અને પ્રદર્શન

                                                                                                                                                                                                      

ગૌરીપુત્ર ગણેશની સવારી આવી રહી છે. મહિનાઓથી સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલતી હતી. રંગબેરંગી લાઈટો, ધ્વનિયંત્રો, મંડપ ડેકોરેશન અને પ્રતિમાઓની મદદથી પૌરાણિક, ઐતિહાસિક અને વર્તમાન પ્રસંગોને નજર કરતી સજાવટને પણ આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે દસ દિવસ સુધી ગણપતિ બાપ્પા મોરયા, મંગલમૂર્તિ મોરયા ઉત્સાહભેર પોકારો ગલીએ ગલીએ સંભળાતા રહેશે. વિઘ્નહર્તા ગણેશની પૂજા ઘરે ઘરે તો વર્ષોથી ચાલતી આવી છે અને ગણપતિને યાદ કર્યા વિના આપણે કઈપણ કાર્યોની શરૂઆત પણ નથી કરતા.

પરંતુ સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત ૧૮૯૪ માં એટલે કે આજથી ૧ર૯ વર્ષ (ઈ.સ. ર૦ર૩) પહેલા પૂનામાં વિચુરકળ વાદામાં લોકમાન્ય ટિળકે કરાવી હતી. લોકમાન્ય ટિળક જાણતા હતાં કે દેશની પ્રજાને એકતાંતણે બાંધવા માટે ધર્મથી બીજુ કોઈ ઉત્તમ સાધન નથી. લોકો કદાચ લગ્ન પ્રસંગે નહીં, જાય, પરંતુ ધાર્મિક ઉત્સવની જાહેર ઉજવણીમાં તો સૌ વગર આમંત્રણે, હોંશે હોંશે સામેલ થશે અને તેથી જ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરવા માટે લોકોને ભેગા કરવા ધર્મનો સહારો લીધો.

આ માટે લોકમાન્ય તિળકને એવા દેવ જોઈતા હતાં કે સૌના પરિચિત અને પ્રિય હોય, તમામ વિવાદોથી પર હોય એ દેવના જાહેર પૂજન માટે ગણેશજી પર પસંદગી ઉતારી. આમ રાજકીય ઉદ્દેશથી શરૂ થયેલ આ ઉત્સવ આજે લોકો ધાર્મિક દૃષ્ટિએ ઉજવતા થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈ-પૂનામાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખરા અર્થમાં લોકોનો જ તહેવાર છે. એ દસ દિવસ મુંબઈની રોનક કંઈ ઔર જ હોય છે. ગલીએ ગલીએ ગણેશ મંડળો ઊભા થઈ જાય છે. લોકોને આકર્ષવા માટેની તંદુરસ્ત સ્પર્ધા આયોજકો વચ્ચે શરૂઆતથી ચાલતી આવી છે.

ગણેશોત્સવમાં સ્પર્ધાનું તત્ત્વ ઉમેરવાનો યશ-અપયશ મુંબઈના હવે બંધ પડી ગયેલા દૈનિક 'લોકમાન્ય'ને આપવો ઘટે. ૧૯પપ માં એમણે સાર્વજનિક ગણેશોત્સવ માટે સૌથી સુંદર મૂર્તિ ઘડનાર કલાકાર માટે ઈનામ જાહેર કરેલું. તે વખતે મહર્ષિ વ્યાસના મૂખેથી સાંભળીને મહાભારત લખી રહેલા ગણપતિની પ્રતિમા ઘડનાર ગણેશ પાટકરને પ્રથમ ઈનામ મળેલું.

હવે તો દર વર્ષે આયોજકોની મુખ્ય મુંઝવણ એક જ હોય છે. આ વર્ષે નવું શું બનાવવું? ગણપતિ કરતા એની આસપાસ થતી સજાવટનો મહિમા ખૂબ જ વધી ગયો છે. જેની રોજેરોજ પૂજા થાય તે ગણપતિની નાનકડી મૂર્તિ વિધિસર પધરાવાય છે. તેના સ્વરૂપ સાથે કોઈ ચેડા થતા નથી, પરંતુ તેની બાજુમાં ઊભી કરેલી સજાવટમાં ગણપતિને વિવિધ સ્વરૂપમાં રજૂ કરાય છે.

ઉત્સવ માટેની મૂર્તિ માટીની જ હોવી જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે, પરંતુ ઘણાં મંડળોમાં કાજુના, કલ્ચર્ડ મોતીના અને તાંદુલના ગણપતિ જોવા મળે. થોડા વર્ષો પહેલા તો લોઅર પારેલ (મહારાષ્ટ્ર)માં તો કાચા કેળાની બનેલી ગણપતિની મૂર્તિએ સારૃં એવું આકર્ષણ જમાવ્યું હતું, પરંતુ બે ત્રણ દિવસ પછી કેળા પાકીને ગળવા લાગ્યા ત્યારે આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઉપરાંત હવે નવીનતા લાવવા માટે લોકો ચોકલેટ, બલ્બના કે શાકભાજીના ગણેશ પણ બનાવે છે, ત્યારે તે મૂર્તિનું એક અથવા ત્રણ દિવસ પછી વિસર્જન કરવાનું યોગ્ય ગણાય.

ગણપતિની મૂર્તિ જેટલું જ કે કદાચ તેથી પણ વધુ આકર્ષણ તેની આસપાસ રજૂ કરાયેલો પ્રસંગ જમાવે છે. એ પ્રસંગે પૌરાણિક-ઐતિહાસિક અથવા વર્તમાન પ્રસંગને લગતો હોઈ શકે. મૂર્તિના સ્વરૂપ જેટલી જ વિવિધતા પ્રસંગની પસંદગીમાં જોવા મળે છે. હવે તો ઓડીય્-વિઝ્યુઅલ્સનો પણ ઉપયોગ શરૂ થયો છે.

પી.ઓ.પી.ની મૂર્તિ બંધ થતા ક્યાંય કશું નવીન દેખાતું જ નથી ને માટીની મૂર્તિમાં કશું નવીન ગોઠવાતું નથી. ત્યારે બેનર-ડેકોરેશનથી થીમ કહેવાનો હોય કે કહી શકાય છે. મૂર્તિ મોટી હોવી જરૂરી નથી, પરંતુ પ્રસન્ન મૂખ તો હોવી જઈએ. જોતાની સાથે જ પ્રણામ કરવાનો ભાવ જાગવો જોઈએ.

આમ ૧૯૮૮ થી દર વર્ષે શ્રેષ્ઠ ગણપતિને ઈનામ આપવાનો પ્રારંભ થયા પછી હવે તો આ સ્પર્ધામાં મૂર્તિનો થીમ, મૂર્તિ શેમાંથી બનાવેલી છે, મંડપ, મૂર્તિ આસપાસનું ડેકોરેશન, ઓડિયો કેસેટ્સ, સાથોસાથ ઉત્સવ દરમિયાન તેઓએ કરેલા સામાજિક કાર્યો જેવા કે રક્તદાન કેમ્પ, નેત્રદાન શિબિર, બાલવાડીમાં રમકડા, પુસ્તકાલયમાં પુસ્તકો, નોટબુકનું વિતરણ કરવા ઉપરાંત વૃદ્ધો માટે સ્પેશ્યલ ટુરનું આયોજન કરીને તેમને યાત્રા કરાવવા પણ લઈ જઈ શકાય છે. ફંડફાળાની રકમનો હિસાબ બરાબર રહે છે કે કેમ તે પણ જોવાય છે. સાથોસાથ મંડળની પરમીશન, લાઈટ બીલ, મીટર મૂકેલ છે તે પણ જોવાય છે અને પછી જ મંડળને વિજેતા જાહેર કરવામાં આવે છે.

આ ગણેશ મંડળોને પ્રોત્સાહિત કરવા પાછળનો હેતુ જોઈએ તો ઉત્સવ મંડળો સામાજિક કાર્યો કરે અને સમાજ ઉપયોગી કામ કરનારા મંડળોને પ્રોત્સાહન મળે એ જ ગણપતિ-સ્પર્ધાનો હેતુ છે. સાર્વજનિક ગણેશોત્સવમાં યુવાન પેઢી હોંશથી ભાગ લે અને હિન્દુ સંસ્કૃતિની અસ્મિતાની જળવણી રહે એ જ આ સ્પર્ધાનું હેતુ છે.

ગણેશોત્સવ સ્પર્ધાઓના અન્ય ગુણદોષ જે હોય તે પરંતુ કલાની કદર કરનાર કોઈ છે એ જાણીને શેર લોહી તો ચડે જ છે.

દિલીપ ધ્રુવ, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh