Advertisement
Author: નોબત સમાચાર

ભારત પાસેથી હાલતુરત દસ ટકા જ ટેરિફ વસૂલાશેઃ વ્હાઈટ હાઉસ

અમેરિકાની સુપ્રિમકોર્ટે ગેરકાયદે ઠરાવ્યા પછી ટ્રમ્પે અન્ય જોગવાઈ હેઠળ ગ્લોબલ ટેક્સની જાહેરાત કરી, તેમાં ભારતને અપવાદ ગણાવ્યું હતું...

                                                                                                                                                                                                      

નવી દિલ્હી/વોશિંગ્ટન તા. ર૧: અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા પછી રાતોરાત ભારતને મોટી રાહત થઈ છે. ભારતે અમેરિકાને હવે ૧૮ ટકા નહીં બસ ૧૦ ટકાનો ટેરિફ ચૂકવવો પડશે.

અમેરિકી સપ્રિમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને 'ગેરકાયદેસર' જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણય પછી ભારતને મોટી રાહત મળી છે. અગાઉના ટેરિફ રદ્ થયા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અન્ય નિયમ હેઠળ તમામ દેશો પર ૧૦ ટકા ટેરિફની જાહેરાત કરી છે.

આ જાહેરાત પછી એવા સવાલો ઊઠી રહ્યા હતાં કે, શું ભારત જેવા દેશો, જેઓ અમેરિકા સાથે 'ટ્રેડ ડીલ' પર સહમતિ સાધી ચૂક્યા છે. તેમના ઉત્પાદનોને આ નવા ટેરિફમાં સ્થાન મળશે કે નહીં? પરંતુ થોડી જ વારમાં અમેરિકી વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું કે, જે દેશો સાથે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે અથવા સહમતિ બની છે તેમના પર પણ હવે સમાન રીતે ૧૦ ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. આ ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૧૮ ટકા ટેરિફ લગાવવાની વાત કરી હતી.

વ્હાઈટ હાઉસના અધિકારીઓએ એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને સ્પષ્ટતા કરી છે કે, ભારત પર ટેરિફનો દર ૧૮ ટકાથી ઘટીને ૧૦ ટકા થઈ ગયો છે. આ ટ્રમ્પના નવા ૧૦ ટકા વૈશ્વિક ટેરિફની વ્યાખ્યા કરે છે. સંવાદદાતા એમોન જાવેર્વે ભારત સહિતના તમામ ટ્રેડ ડીલ ધરાવતા દેશો પરના ૧૦ ટકા ટેરિફ અંગે વિગતવાર માહિતી આપી છે.

આ પહેલા યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વિટ્ઝરલેન્ડ પર ૧પ ટકા,

બ્રિટન પર ૧૦ ટકા, ભારત પર ૧૮ ટકા, અને વિયેતનામ પર ર૦ ટકા સહિત જુદા જુદા દેશો પર અલગ અલગ ટેરિફ હતો.

આ તમામ દેશો સાથે અમેરિકાની ટ્રેડ ડીલ થઈ ગઈ છે અથવા પ્રક્રિયામાં છે, પરંતુ અમેરિકી સુપ્રિમ કોર્ટના ચૂકાદા પછી ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશોમાં તમામ દેશો માટે ૧૦ ટકા ટેરિફની વાત કરવામાં આવી છે. આ આદેશનો સૌથી મોટો ફાયદો વિયેતનામને મળશે, કારણ કે તેને ર૦ ટકા ટેરિફ ચૂકવવો પડતો હતો, જે હવે ઘટીને ૧૦ ટકા થઈ જશે. તેવી જ રીતે ભારત માટે પણ ટેરિફ ૧૮ ટકાથી ઘટીને ૧૦ ટકા પર આવી ગયો છે.

જો કે, શરુઆતમાં સુપ્રિમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત સાથે ટ્રેડ ડીલ છે અને તેના ઉત્પાદનો પર ૧૮ ટકા ટેરિફ ચાલુ રહેશે, પરંતુ બાદમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ૧૦ ટકા ટેરિફનો નવો આદેશ તમામ દેશો પર લાગુ થશે, જેમાં ટ્રેડ ડીલ ધરાવતા દેશોનો પણ સમાવેશ થાય છે.

ટેરિફ લગાવવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યા પછી અમેરિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયથી સમગ્ર વિશ્વના વ્યાપાર જગતમાં હલચલ મચી ગઈ છે અને ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી આખી રાત પ્રતિક્રિયાઓ આવતી રહી હતી.

ભારત હવે ફક્ત ૧૦ ટકા યુએસ ટેરિફને પાત્ર રહેશે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો વૈશ્વિક ટેરિફ  ઓર્ડર જાહેર કર્યો છે. આ આદેશ પછી ભારતને અસ્થાયી રૂપે ૧૦ ટકા ડ્યુટી ચૂકવવાની જરૂર પડશે. આ નવો ઓર્ડર સુપ્રિમ કોર્ટ દ્વારા અગાઉ લગાવવામાં આવેલા ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ પર આધારિત ટેરિફને બદલે છે. વ્હાઈટ હાઉસના એક અધિકરીએ જણાવ્યું હતું કે, આ ૧૦ ટકા ડ્યુટી તાજેતરમાં જ ફગાવવામાં આવેલા અઈઈઈપીએ ટેરિફને બદલશે.

ઉલ્લેખનિય છે કે, આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે બન્ને દેશો વચ્ચ પરસ્પર વેપાર પર વચગાળાના માળખા કરાર પર પહોંચ્યા પછી ભારત પરના પરસ્પર ટેરિફને રપ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યા હતાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું નવા ગ્લોબલ ટેરિફનો અર્થ એ છે કે ભારતનો ટેરિફ દર હવે વર્તમાન ૧૮ ટકાને બદલે ૧૦ ટકા રહેશે. ત્યારે વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું, 'કામચલાઉ રીતે હા જ્યાં સુધી અન્ય ટેરિફ સત્તાધિકારીને વધુ યોગ્ય ટેરિફ દર લાદવા માટે બોલાવવામાં ન આવે ત્યાં સુધી'.

ટ્રમ્પ વહીવટી તંત્રે સંકેત આપ્યો છે કે, આગામી અઠવાડિયામાં વધારાના ટેરિફ ઓથોરિટીઝ લાગુ કરવામાં આવી શકે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે સંકેત આપ્યો કે કલમ ર૩ર અને ૩૦૧ સહિત અન્ય કાયદાઓ હજુ પણ ઉપલબ્ધ છે અને આગળની કાર્યવાહીને સમર્થન આપી શકે છે, જ્યારે પૂછવામાં આવ્યુંકે શું ટેરિફ દરો વધી શકે છે, ત્યારે ટ્રમ્પે કહ્યું, સંભવિત રીતે વધારે. તેમણે ઉમેર્યું, તે આપણે શું બનાવવા માગીએ તેના પર નિર્ભર છે.

પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું:

પીએમ મોદી એક મહાન માણસ છે, પણ ભારતે ૧૮ ટકા ટેરિફ ચૂકવવા પડશે

વોશિંગ્ટન તા. ર૧: યુએસ સુપ્રિમ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા મોટાપાયે કટોકટી ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. ટેરિફ પાછળના પગલે તત્કાળ યોજેલી પ્રેસ કોન્ફરન્સમા ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે, કોર્ટના તાજેતરના નિર્ણય છતાં ભારત-અમેરિકા વેપાર કરારમાં કોઈ ફેરફાર થશે નહીં. ટ્રમ્પના મતે ભારત પહેલાની જેમ જ ટેરિફ ચૂકવવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી એક મહાન માણસ છે, પરંતુ તેઓ અમેરિકા સામે ખૂબ જ ચાલાક હતાં. ભારત આપણને લૂંટી રહ્યું હતું. હવે આપણી પાસે એક વાજબી સોદો છે. ભારત અમેરિકા વેપાર સોદા અંગે કંઈ બદલાશે નહીં. ભારતે ટેરિફ ચૂકવવા પડશે, અને આપણે તે ચૂકવવાની જરૂર રહેશે નહીં. વેપાર સોદામાં કોઈ ફેરફાર થશે નહીં.

જો કે, પાછળથી વ્હાઈટહાઉસને ટાંકીને આવેલા અહેવાલો મુજબ હાલતુરત ભારત પાસેથી પણ વિશ્વના અન્ય દેશોની જેમ જ ૧૦ ટકા ટેરિફ વસૂલાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh