Advertisement
Author: નોબત સમાચાર

ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીના કડક માપદંડોથી અનેક વર્તમાન કોર્પોરેટરોના પત્તા કપાવાની શક્યાત..!

જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર મહાનગર પાલિકામાં છેલ્લા ૨૫-૨૫ વર્ષથી ભાજપનું શાસન છે, સામાપક્ષે કોંગ્રેસ પક્ષની નબળી સ્થિતિ, સક્ષમ અને પ્રામાણિક નાગરિકોની અપક્ષ તરીકે નહીં લડવાની મનોવૃત્તિના કારણે જામનગર મહાનગર પાલિકાનો વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે, અને તેથી મનપાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ મળે એટલે લોટરી લાગી જાય તેવી ઈચ્છા સાથે અસંખ્ય લોકોએ પક્ષમાં દાવેદારી કરી છે.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડના સિમાંકનના કારણે ૧૬ માંથી ૮-૯ વોર્ડમાં ભાજપની ચારેય ઉમેદવારોની આખી પેનલ વિજેતા બને તેવા પરિણામો પણ આવ્યા છે. આથી આવા વોર્ડમાં સ્વાભાવિક પણે જ ટિકિટ માટે દાવેદારો દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ભાજપ દ્વારા કહેવાતા સેન્સ પ્રક્રિયા તો પૂર્ણ થઈ જ ગઈ છે, નિરીક્ષકોએ તેના અહેવાલ પણ મોવડી મંડળમાં સોંપી દીધો છે. પક્ષના મોવડી મંડળની ગાંધીનગરમાં ઉમેદવારોની પસંદગી માટે મેરેથોન બેઠકો ચાલી રહી છે, તેમ છતાં જામનગરમાં હજુ પણ કેટલાક ગતબોર્ડના કોર્પોરેટરો અને અન્ય મોટા માથા ગણાતા કાર્યકરો દ્વારા છેવટે વોર્ડ બદલાવીને પણ ટિકિટ મળે તે માટે ભારે દોડધામ કરી રહ્યા છે.

આવા પ્રબળ ઈચ્છાધારી દાવેદારો પોતાની જ્ઞાતિ/સમાજના આગેવાનો, જ્ઞાતિજનોના ટોળા લઈને રજૂઆતો કરી રહ્યા છે, તો કેટલાક પક્ષના ચૂંટાયેલા વરિષ્ઠ નેતાઓ અમથી કૂદાકૂદી કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે રોજે રોજ નવા નવા માપદંડોની જાહેરાત કરવામાં આવી રહી છે. ૬૦ વર્ષથી ઉપરની વયના દાવેદાર કે ત્રણ ચૂંટણી લડ્યા હોય તેવી વ્યક્તિને પક્ષમાંથી ટિકિટ નહીં મળે તેવી જાહેરાત થઈ છે. કોંગ્રેસ, આમઆદમી પાર્ટી કે અન્ય પક્ષમાંથી આવેલા પેરાશુટ દાવેદારોને કોઈપણ સંજોગોમાં ટિકિટ નહીં મળે તેમજ છેલ્લી ટર્મમાં જે કોર્પોરેટરો કોઈને કોઈ પદ પર રહ્યા હોય તેવા પદાધિકારીઓને પણ ટિકિટથી વંચિત રાખવાની વિચારણા થશે.

આ બધા માપદંડો ભલે જાહેર થયા, બાકી ભાજપની અણધાર્યા અને ચોંકાવનારા નિર્ણયો લેવાની જાતિ-રીતિથી સૌ કોઈ પરિચિત છે જ, અને તેથી જ માત્ર જામનગરનો જ એક દાખલો ચર્ચામાં છે, જેમાં દાવેદારી રજૂ કરવાના ટાણે જ કોંગ્રેસમાંથી આવેલા અને ચોક્કસ ભલામણ સાથે ભાજપનો ખેસ ધારણ કરનારને ચોક્કસ ટિકિટ મળશે જ તેવી વાતો વહેતી થઈ છે. પરિણામે ભાજપનું મોવડી મંડળ દરેક પાસો, દરેક ભલામણો અને દરેક દાવેદારની પૃષ્ઠ ભૂમિકાને ધ્યાનમાં રાખીને પક્ષના જાહેર કરાયેલા માપદંડોમાં બાંધછોડ કરે તેવી શક્યતા પણ છે.

જામનગર મહાનગર પાલિકામાં ભાજપના ૨૫-૨૫ વર્ષના શાસનકાળમાં જામનગર શહેરનો અન્ય મહાનગરોની સરખામણીમાં યોગ્ય કે અપેક્ષિત વિકાસ થયો નથી તે હકીકત છે અને તેમાંય છેલ્લા થોડા વર્ષોથી ભાજપના પદાધિકારીઓ સામે થઈ રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે ભાજપના મોવડી મંડળ માટે ઉમેદવારોની પસંદગીમાં ખાસ કાળજી લેવાઈ રહી હોવાનું જાણવા મળે છે. ભાજપના પ્રદેશ કાર્યાલયમાં ભાજપના કેટલાક નેતાઓના કારનામાઓ અંગે પક્ષના સંનિષ્ઠ કાર્યકરો, ભાજપની વિચાર સરણીને વરેલા કાર્યકરો-નેતાઓ દ્વારા પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થાય અને ચૂંટણીમાં અસરકર્તા થાય તેવા ચોક્કસ દાવેદારો વિરૂદ્ધ ઘણાં સમયથી લેખિતમાં, અખબારોના કટિંગો દ્વારા અને મૌખિક રીતે રજૂઆતો છેલ્લા થોડા મહિનાઓથી થઈ હોવાનું પણ જાણવા મળે છે.

આ તમામ બાબતોને ધ્યાને લઈને ભાજપમાં હવે કોને ટિકિટ મળશે અને કોનું પત્તુ કપાશે તે અંગે ભારે સસ્પેન્સ સર્જાયું છે.

જોઈએ...હવે તો માત્ર એક-બે દિવસ સુધી જ પ્રતિક્ષા કરવાની છે...કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે...ગમે ત્યારે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થશે ત્યારે ચોક્કસપણે કહીં ખુશી...કહીં ગમ જેવી સ્થિતિ જરૂર થશે...બાકી કોઈનામાં વ્યક્તિગત રીતે ચૂંટણી જીતી શકાય તેવી તાકાત નહીં હોવાથી ભાજપમાં બળવો થવાની કે પક્ષના મોવડી મંડળનો વિરોધ કરવાની 'નોબત' આવશે નહીં ...તે પણ નક્કી જ છે. !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh