Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે સાંજે રાજ્યના ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી અને રાજકીય પક્ષોના પ્રચારના ભૂંગળા શરૂ થઈ ગયા. હજુ તો ચૂંટણીની તારીખો જાહેર થઈ પણ નહોતી,ત્યાં ભાજપે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા તથા ફોર્મ વિતરણ શરૂ કરી દીધા હતા, તો આમઆદમી પાર્ટીએ તો ઘણાં બધા ઉમેદવારોના નામોની જાહેરાત પણ શરૂ કરી દીધી છે, અને હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રિપાંખીયો કે બહુપાંખીયો જંગ પણ શરૂ થઈ જશે.
ચૂટણીપંચે ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે, જે ૪.૧૯ કરોડ જેટલા મતદારો જનાદેશ આપશે અને એકંદરે મહાપાલિકાઓના ૭૦૦થી વધુ વોર્ડ અને જિલ્લા-તાલુકા પંચાયતોની ૬૩૦૦થી વધુ બેઠકો માટે મતદાન કરશે. આ ચૂંટણીઓ ત્રિપલ એન્જિનનો દાવો કરતા ભારતીય જનતા પક્ષ માટે અગ્નિ પરીક્ષા સમાન હશે, તો વિપક્ષો માટે પણ ચેલેન્જ હશે. જો ઉમેદવારોની પસંદગી, ચૂંટણી પ્રચાર કે વિવિધ સમીકરણોમાં થાપ ખાધી, તો ધાર્યા પરિણામો તો ઠીક, પરંતુ અસ્તિત્વનો સવાલ પણ કેટલાક શહેરો-જિલ્લાઓમાં ઊભો થઈ શકે છે.
રાજકીય પક્ષો હવે ઉમેદવારોની પસંદગી કરીને ટિકિટો ફાળવશે, તે પછી ઉમેદવારીપત્રો ભરાય, ચકાસણી અને પાછા ખેંચવાની મુદ્દત વિતે ત્યાં લગભગ બે અઠવાડિયા તો વીતી જશે. જો કે, રાજકીય પક્ષો તો અત્યારથી જ જોરદાર પ્રચાર શરૂ કરી દેશે, પરંતુ ૧૬મી માર્ચ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થયા પછી મતદાન પહેલા પ્રચાર-પડઘમ શાંત થવાની મુદ્દત સુધી માત્ર આઠ-દસ દિવસનો જ ગાળો એવો રહેશે, જેમાં ઉમેદવારો પૂરી તાકાતથી પ્રચાર કરી શકશે. આમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ વાગ્યા પછી હવે રાજ્યમાં ઈલેકશન ફીવર પ્રસરી જશે એ નક્કી છે.
ચૂંટણીઓ આવતા જ આયારામ ગયારામનો સીલસીલો પણ શરૂ થઈ જશે અને કદાચ તેનો પ્રારંભ પણ થઈ ગયો છે. બીજી તરફ મતદારોને લલચાવવા પણ પૂરતા પ્રયાસો થવાના છે, તો બીજી તરફ ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગયા પછી હવે તંત્રો મોટાભાગે ચૂંટણી પ્રક્રિયામાં જોતરાઈ જશે, જેથી લોકોના રોજીંદા સરકારી કામકાજો પણ ત્રણેક અઠવાડિયા સુધી અટવાઈ જશે, અથવા ધીમી ગતિએ તંત્રો દ્વારા અન્ય કામગીરી થશે. કોઈપણ પ્રકારની જનરલ ઈલેકશનની પ્રક્રિયા ચાલુ થાય, તે પછી આદર્શ આચાર સંહિતાનો અમલ, ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ, ટ્રેનિંગ, લોજિસ્ટિક અને સ્ટ્રકચરલ વ્યવસ્થાઓ તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી સહિતના કામે તંત્રો લાગી જતા હોવાથી સ્વાભાવિક રીતે જ તેની અસર લોકોના રોજીંદા સરકારી કામો પર પણ થતી હોય છે.
જામનગર મહાનગરપાલિકા ઉપરાંત હાલરની બંને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ થઈ રહી છે, તેથી સમગ્ર હાલારમાં ગઈકાલથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે, અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ સામાન્ય જનતા પર હજુ ચૂંટણીયો રંગ ચડ્યો હોય તેમ જણાતુ નથી, કારણ કે સામાન્ય જનતા રાંધણગેસની તંગી તથા મોંઘવારીની લટકતી તલવારના કારણે ગૂંચવાયેલી અને મુંઝાયેલી દેખાય છે.
ગુજરાતથી ગ્લોબલ કક્ષા સુધી આજે વહેલી સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની જનતાને રાષ્ટ્રજોગા સંબોધન પર સૌની નજર મંડાયેલી હતી અને આશા તો એવી હતી કે ટ્રમ્પ કદાચ હોર્મુઝનો મુદ્દો પડતો મૂકીને કાં તો યુદ્ધ વિરામની જાહેરાત કરશે, અથવા તો તે પ્રકારની અપીલ કરશે, પરંતુ તેનાથી વિપરીત ટ્રમ્પે તો અમેરિકા યુદ્ધ જીતી ગયું છે અને ઈરાન તદ્દન બરબાદ થઈ ગયું છે, તેવો દાવો કરીને યુદ્ધ હજુ બે-ત્રણ અઠવાડિયા ચાલશે અને ઈરાન પર ભીષણ હૂમલો કરાશે, તેવી વાતો દોહરાવી, તેથી એવું કહી શકાય કે ટ્રમ્પે કોથળામાંથી બિલાડુ કાઢયુ અને આખી દુનિયાની યુદ્ધ થંભી જશે, તેવી આશા ઠગારી નિવડી છે. ટ્રમ્પે આજે જે કાંઈ કહ્યું તેનો સારાંશ એવો નીકળે કે દુનિયામાં ઈંધણ અને ઊર્જાની તંગી ઉપરાંત હવે ઈન્ટરનેટ અને સંચાર વ્યવસ્થાઓ ખોરવાઈ જવાનો ખતરો પણ ઊભો થયો છે, અને યુદ્ધ વધુ આક્રમક બનવાનું છે.
બીજી તરફ યુદ્ધ યથાવત રહેશે તેવી ટ્રમ્પની જાહેરાત પછી ક્રૂડના ભાવમાં વધારો અને શેરબજારમાં ઉથલપાથલના કારણે આખી દુનિયા હચમચી ઉઠી છે. ઈરાને એમેઝોનના સ્થળની આજુબાજુ હૂમલા કર્યા પછી હવે ગ્લોબલ ડેટા સેન્ટર્સ તથા ગૂગલ સહિતની ઓનલાઈન સેવાના મથકો પર પણ હૂમલા થાય, અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટના તળિયે બિછાવેલા કેબલ્સને નુકસાન થાય, તો શું થાય ? તેવા પ્રશ્નો વચ્ચે ગ્લોબલ માર્કેટ પછી ભારતીય માર્કેટ પર થનારી ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની અસરો અંગે પણ અટકળો થવા લાગી છે. હજુ ટ્રમ્પના આજના ભાષણે દુનિયાને અસમંજસ અને અનિશ્ચિતતાઓ તરફ ધકેલી જ હતી, ત્યાં ઈન્ડોનેશિયામાં ૭.૪ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામિની ચેતવણી પણ અપાઈ રહી છે, તે જોતા આખી દુનિયાની માઠી દશા બેઠી હોય તેવું જણાય છે.
જો હવે યુએઈ અને અન્ય ખાડીના દેશો જંગમાં ઝંપલાવે અને યુદ્ધ હજુ લાંબુ ચાલે, તેથી ઉર્જા અને ઈંધણના સંકટ સાથે મોંઘવારી વધે, તો તેની વિપરીત અસરો ભારત પર પણ થાય, અને તેના કારણે પ્રવર્તમાન ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન ગુજરાત અને પ.બંગાળ સહિત જ્યાં જ્યાં ચૂંટણીઓના માહોલ છે, ત્યાં ત્યાં એન્ટી ઈન્કમ્બન્સીનો પ્રચારાત્મક લાભ વિપક્ષોને થાય અને શાસક પક્ષ સામે પડકારો વધે તેવા સંકેતો મળી રહ્યા છે, જોઈએ, હવે શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial