Advertisement
Author: નોબત સમાચાર

કો'ક તો વચલો રસ્તો કાઢો... જાહેરનામાઓમાં જ

                                                                                                                                                                                                      

ભક્તિ મેળાઓ અને શ્રાવણીયા તહેવારોની મોસમ છે અને તેમાં હવે સાંસ્કૃતિક અને મનોરંજક મેળાઓનો સંગમ થવા જઈ રહ્યો છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્રારંભિક વિરોધ છતાં મહાનગરપાલિકાએ ૧૫ દિવસના મેળાનું આયોજન કર્યું છે, એટલું જ નહીં, હંગામી બસ ડેપોના કારણે અહીં અવ્યવસ્થા કે ટ્રાફિક જામ સર્જાય નહીં, તેની ચિંતા વહીવટીતંત્ર કે મનપાના શાસકો પ્રશાસકોને હોય કે નહીં, પરંતુ કેટલાક હિતચિંતકોને થતી હોવાથી હવે તેના સંદર્ભે "વચલો રસ્તો" કાઢવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ કારણે જ કદાચ જૂની આર.ટી.ઓ. કચેરીને જોડતા બે નવા સી.સી. રોડ એ જ જૂના માર્ગે બનાવાયા હશે, જ્યાં સાતરસ્તાને જોડતો રસ્તો હતો અને પછીથી ફેરફારો થઈ ગયા હતા. આ "વચલા રસ્તા"ને લઈને પણ ચર્ચા થઈ રહી છે. નગરજનોમાંથી એવા પ્રતિભાવો મળે છે કે આગોતરી હરાજી કરીને રૂ.  બે કરોડ ભેગા કરી લીધા પછી તંત્રો મેળાના લાભાર્થીઓ અને ત્યાંથી પસાર થતા વટેમાર્ગુઓ (વાહનો સહિત)નો સમન્વય કરીને યોગ્ય વ્યવસ્થાઓ કરે અને લોકેનો ભગવાનના ભરોસે છોડી દેશે તો તેની જવાબદારી આયોજકોની જ રહેશે, કારણ કે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાનું આયોજન મહાનગરપાલિકા કરે છે.

પ્રદર્શન ગ્રાઉન્ડની બહારની વ્યવસ્થાઓનો ટોપલો જિલ્લા તંત્ર પર ઢોળી દઈને મહાનગરપાલિકાનું તંત્ર છટકી શકે નહીં, તેવી જ રીતે મહાનગરપાલિકા આયોજિત આ શ્રાવણી મેળાની પ્રદર્શન ગ્રાઉન્ડની આંતરિક વ્યવસ્થાઓની જવાબદારી પણ મનપાના તંત્રની જ રહે છે. જો કે, પ્રદર્શન ગ્રાઉન્ડ અંદર પણ કાયદો-વ્યવસ્થા, વીજ પુરવઠો, આવાગમન, પ્રાથમિક સારવાર અને ફાયર સેફટીની જવાબદારી પણ મનપા અને જિલ્લા તંત્રની સહિયારી રહે છે અને તેથી કોઈપણ ક્ષતિ માટે બંનેને જવાબદાર ગણવા પડે ને ?

એવું નથી કે માત્ર જામનગર મહાનગરપાલિકા કે જિલ્લાનું તંત્ર જ "વચલો રસ્તો" કાઢે છે. હવે તો રાજકીય પક્ષો ઉપરાંત સરકારો પણ "વચલો રસ્તો" કાઢવામાં માહીર બની ગઈ છે. "વચલો રસ્તો" એ એવી કલા છે, જે ઘણી વખત મોટી મોટી સમસ્યાઓ અને મુંઝવણોનો ઉકેલ પણ કરી દેતી હોય છે.

આપણા દેશમાં હજુ પણ સંયુક્ત પરિવારોની પ્રથા જળવાઈ રહી છે. જો કે, આધુનિકરણ અને અદ્યતન ટેકનોલોજીના યુગમાં પરિવારો વિભક્ત થઈ રહ્યા છે અને પ્રવર્તમાન સમયમાં આ પ્રકારની સ્થિતિ સ્વીકારવી પડે તેમ પણ છે, પરંતુ એ કારણે "વચલો રસ્તો" કાઢવાની કલા ઓસરી રહી હોય તેમ જણાય છે. સંયુક્ત પરિવારમાં વડીલો પણા અન્ય પરિવારજનો પોતાના પરિવારના કોઈ પણ સભ્યની મુંઝવણ, ગુંચવણ કે મુસીબત-દ્વિધાને ઉકેલવામાં ત્વરીત મદદરૂપ થતા હતા, પરંતુ વિભક્ત પરિવારોને કારણે યુવા પેઢી અને અનુભવી પેઢી વચ્ચેનું અંતર વધી ગયું છે, જેની સર્વગ્રાહી માઠી અસરો થતી હોય છે, કારણ કે "વચલો રસ્તો" કાઢવાની અનુભવી પેઢીની તરકીબો નવી પેઢીને યોગ્ય સમયે ઉપલબ્ધ હોતી નથી.

અત્યારે તો ધીરજ અને નિષ્ઠાની વાત જ થઈ રહી નથી અને વિવેક તથા સૌજન્યશીલતાનું સ્થાન દેખાડો કરવા, આર્ટિફિશ્યલ પ્રભાવ ઊભો કરવા અને તત્કાળ પરિણામ લાવવાની હોડ લાગી છે, અને તેમાં વચન કે વાયદાનું મૂલ્ય, શબ્દોની કિંમત તથા સંબંધોની સાતત્યતા જળવાતી નથી. હવે વચલો રસ્તો નહીં, પણ ટૂંકો રસ્તો (શોર્ટકટ) વધુ સ્વીકૃત થવા લાગ્યો છે, અને તેથી જ "લોકોનું જે થવું હોય તે થાય, અમે તો અમારૃં ધાર્યું જ કરીશું" તેવી "બહુમતી" આધારિત માનસિકતા પનપી રહી છે. આવું થાય, ત્યારે મનસ્વી ફેસલા લેતા તાનાશાહોની યાદ આવી જાય !

અત્યારે દુનિયામાં વિવિધ સ્વરૂપોના યુદ્ધો ચાલી રહ્યા છે. જમીન, દરિયો અને હવાઈ કે જળમાર્ગે થતા યુદ્ધો ઉપરાંત હવે કોલ્ડ વોર, ટેરિફ વોર, ઈન્ટર્મેશન તથા પબ્લિસિટીનું યુદ્ધ, સાયબર વોર જેવા નવા યુદ્ધો અલગ જ રીતે લડાઈ રહ્યા છે, અને કમનસીબી એ વાતની છે કે વચલો રસ્તો કાઢનારૃં કોઈ નથી. વયોવૃદ્ધ વૈશ્વિક નેતાગીરી પોતાના અનુભવોનો દુરૂપયોગ કરી રહી છે. આજે સંવેદનશીલતા, સૌજન્યતા, માનવતા કે પ્રાથમિકતા જેવું કાંઈ રહ્યું નથી, અને સ્વાર્થ, ટ્રેડ, પ્રોફિટ અને હાયર ઈકોનોમીના શોર્ટકટ્સની દોટ લગાવાઈ રહી છે, એટલું જ નહીં, દુનિયાના દેશો પોતાને શક્તિમાન બતાવવા હવે જૂઠાણાં અને ફરેબનો સહારો પણ લઈ રહ્યા છે. હવે તો ટ્રમ્પ મગજ ફરેલા ધૂની કે તરંગી માનવી જેવા પર્યાય બનવા લાગ્યા છે.

"આઈ લવ પાકિસ્તાન" કહેનાર ટ્રમ્પને પાકિસ્તાને ઈરાન સાથે નવા કરારો કરીને ઝટકો આપ્યો હોય, ટ્રમ્પે ભારતને હજુ વધુ ટેરિફની ધમકી આપી હોય, કે ભારતે અમેરિકાને આયનો દેખાડયો હોય, બિહાર ચૂંટણીપંચ સામે ઉઠાવાતા પ્રશ્નો હોય કે ગુજરાતમાં નેતાગીરી ગોટે ચડી ગઈ હોય, કે પછી મેળાના મુદ્દે મનપા સામે ઉઠેલા સવાલો હોય, આ તમામ મુદ્દે "વચલો રસ્તો" એટલે કે વ્યવહારૂ માર્ગ કાઢવો જ પડે ને ?

હવે શ્રાવણીયા તહેવારો, પ્રવાસીઓની ભીડ, મેળાઓ, દર્શનો અને ટ્રાફિક તથા કાયદો-વ્યવસ્થાના સંદર્ભે વહીવટીતંત્રો અનેક પ્રકારના જાહેરનામા બહાર પાડશે. સામાન્ય જનતા તો ઠીક ઘણાં મોટા માથાઓ પણ આ જાહેરનામાના ચૂસ્ત અમલને લઈને માથુ ખંજવાળતા હોય છે. જરૂર પડે તો સંસદમાં ઠરાવ પસાર કરીને, કાયદો સુધારીને કે બંધારણ સુધારીને પણ પંચાયતથી કેન્દ્ર સરકાર સુધીના તંત્રો, એક્ઝિક્યુટીવ, મેજિસ્ટ્રેટો દ્વારા પ્રસિદ્ધ થતા જાહેરનામાઓમાં જ તે જાહેરનામાના અમલની જવાબદારી કોની રહેશે અને ક્ષતિ થાય તો વ્યક્તિગત અને સામૂહિક બંને રીતે કોન જવાબદાર રહેશે, તેનો ઉલ્લેખ તમામ જાહેરનામામાં જ થાય, તે ઉપરાંત તમામ પ્રકારની મંજૂરીઓ કે હૂકમોમાં પણ થાય, તેનો ઉલ્લેખ કરવો જોઈએ, જેથી પગ તળે રેલો આવે ત્યારે જવાબદારીની ફેંકાફેંકી ન થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh