Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણી મેળો અને શ્રાવણીયો જુગાર... પ્રકૃતિનું દોહન અને કુદરતનો માર...

                                                                                                                                                                                                      

'રક્ષાબંધન'નું પર્વ ઉજવાયું અને જન્માષ્ટમીની તૈયારી થવા લાગી. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો અદાલતની અટારીએ પહોંચ્યા પછી ગઈકાલે થનારૂ ઓપનીંગ સ્થગિત થયું અને આજના અદાલતના ચૂકાદા અંગે બે દિવસથી અટકળો થઈ રહી હતી. હકીકતે આ બધા અવરોધો એટલા માટે આવી રહ્યા છે કે આયજકોએ પહેલેથી જ પૂરતી તકેદારી સાથેનું કોઈ પ્લાનીંગ કર્યું નહીં, અને તમામ સ્ટેક હોલ્ડરો તથા સંબંધકર્તા લોકો જ નહીં, પરંતુ જામ્યુકોમાં વિપક્ષના નેતાઓ, જાગૃત નાગરિકો અને ખાસ કરીને જનતાનો અવાજ બનેલા પ્રેસ-મીડિયા અને સંસ્થાકીય પ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. આ પ્રકારનું ફુલપ્રૂફ આયોજન પહેલેથી જ થયું હોત તો આટલી બધી સ્પષ્ટતાઓ કરવી પડી ન હોત અને નિર્ધારિત કર્યા મુજબ મેળો ખુલ્લો મુકવામાં અવરોધો સર્જાયા ન હોત.

જામનગર સહિત રાજ્યમાં વરસાદ ખેંચાતા જે ચિંતા ઊભી થઈ, તેમાં રાહતરૂપ આગાહીઓ પણ થઈ, પરંતુ દેવભૂમિ ઉત્તરાખંડમાં જે તારાજી સર્જાઈ, તે આપણા બધા માટે બોધરૂપ છે. જો આપણે નદીઓ-ઝરણાઓ કે વોંકળાઓને બુરીને કે કાંઠે અતિક્રમણ કરીને જાયન્ટ બિલ્ડીંગો તથા મજબૂત માળખાઓ ઊભા કરતા રહીશું અને વિકાસના નામે મોટા વિરાટકાય માચડાઓ ખડકતા રહીશું, તો ઉત્તરાખંડના ધરાલીમાં જે થયું છે, તેવી તબાહી ભોગવ્યા આપણે અથવા આપણી પેઢીએ તૈયાર રહેવું પડશે.

પ્રકૃતિનું દોહન કેટલું ભારે પડી શકે છે, તે દુનિયાભરમાં બની રહેલી દુર્ઘટનાઓ તથા કુદરતી આફતો પરથી ફલિત થાય છે. અમેરિકાના લોસ એન્જલન્સમાં કેન્યોન ફાયર નામની આગ ફાટી નીકળતા ચાર-પાંચ એકર જમીનમાં ફેલાયેલા ગાઢ જંગલનો સોથ વળી ગયો હતો. આ આગ કુદરતી રીતે બની છે, પરંતુ તે કુદરતી કારણો આપણી પર્યાવરણ પ્રત્યેની ક્રૂરતા તથા પ્રકૃતિના દોહનના લીધે જ સર્જાય છે. ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જ આપણે એટલે કે માનવીએ પ્રકૃતિ અને પર્યાવરણ સાથે કરેલા ખિલવાડના કારણે જ ઉદ્ભવી રહ્યા છે ને ?

આપણે અવારનવાર પ્રકૃતિ-પર્યાવરણ અને સ્વચ્છતાની વાતો કરતા રહીએ છીએ પરંતુ જ્યારે આપણે પોતાને તેનો અમલ કરવાનો આવે કે આપણા હિતો માટે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે ખિલવાડ કરવાની જરૂર પડે, તો આપણે જરાયે અચકાતા નથી અને તે એક કટૂ સત્ય છે, નરી વાસ્તવિકતા છે, અને તે સુધારવી જ પડે તેમ છે. આ પ્રયાસો વ્યક્તિગત કે કોઈ નાના ગ્રુપ દ્વારા સફળ થવાના નથી, પરંતુ સામૂહિક અને વૈશ્વિક વાસ્તવિક ધોરણે જ કરવા પડે તેમ છે. જો કે, વ્યક્તિગત કે નાના-નાના સમૂહોની જાગૃતિપૂર્વકના પ્રયાસો સતત ચાલતા રહેશે, તો જ વૈશ્વિક જાગૃતિ ફેલાશે, તે પણ હકીકત છે.

ચીનમાં પણ ઘણાં વર્ષો પછી દાયકાઓનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, અને તોફાની વરસાદના કારણે ઉત્તર-પશ્ચિમ ચીનના ગાન્સુ રાજ્યમાં સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યા છે. લોન્ઝાઉ શહેર પાસે થયેલા ભૂસ્ખલને પણ જનજિવનને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું હતું. ચીન જેવા વિકસિત દેશને પણ રાહત-બચાવની કાર્યવાહી કરવામાં મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હોય, તે સ્થિતિ કુદરત સાથે ખિલવાડ કરીને ખડકેલા વિકાસના માચડા તથા પ્રકૃતિનું આડેધડ દોહન કરતા ખોદકામો અને બાંધકામોના કારણે જ સર્જાઈ રહેલી જણાય છે. ત્યાં પણ ચિકનગુનીયા અને ડેન્ગ્યુના હજારો કેસ નોંધાયા છે, જે ત્યાંની પબ્લિક હેલ્થની દૂર્દશા પણ દર્શાવે છે. ચીનમાં પૂખ્ત લોકશાહી નહીં હોવાથી ત્યાંની તબાહીની પૂરેપૂરી વિગતો બહાર આવતી હોતી નથી. પરંતુ સેટેલાઈટ અને ઈન્ટરનેટના યુગમાં હવે બધું છુપાવી પણ શકાતું નથી.

કુદરતી આફતો પણ હવે માનવીએ પ્રકૃતિ સાથે કરેલી છેડછાડના કારણે વધવા લાગી છે અને માર્ગ-આગ કે અન્ય અકસ્માતોમાં પણ દુનિયામાં દરરોજ હજારો લોકોના જીવ જતા હોય છે, છતાં માનવીની આંખ ઉઘડતી જ નથી અને આવું થાય ત્યારે ધરાલીની જેમ પ્રકૃતિ ત્રીજું નેત્ર ખોલે છે.

એક તરફ વિશ્વમાં કુદરતી કહેર છે, અને તબાહી મચી રહી છે, તો બીજી તરફ વિશ્વમાં કેટલીક આશાવાદી અને ઉત્સાહ પ્રેરક ઘટનાક્રમો પણ સર્જાઈ રહ્યા છે, બીજી તરફ ગુજરાતમાં પરંપરાગત ઉત્સવોની શ્રેણી શરૂ થઈ ગઈ છે, અને છેક દેવ-દિવાળી સુધી ઉત્સવો તથા પ્રવાસ-પર્યટનનો માહોલ રહેવાનો છે. જો કે, શ્રાવણીયા જુગાર અને કાયમી ધોરણે ચાલતા ગેરકાયદે કેસિનો અને મોટા મોટા જુગારધામો વચ્ચે બારિક તફાવત છે. શ્રાવણમાં સાતમ-આઠમના પર્વે લોકો માત્ર મનોરંજન માટે ઘર-પરિવાર સાથે જુગાર રમતા હોય, તો તેને પરંપરાગત રિવાજ ગણીને કાયમી તથા મોટા જુગારધામો અને દારૂ-જુગારના અડ્ડાઓ પર ત્રાટકવાનું કાયમી ધોરણે ચાલુ રાખવું જોઈએ, તેવો સામાન્ય જનમત દર વર્ષે સાતમ-આઠમના તહેવારો આવે, ત્યારે વ્યકત થતો હોય છે. જો કે, જુગાર કે દારૂની આદત સારી ચીજ નથી. અને બરબાદીનું માધ્યમ છે, તેના દૃષ્ટાંતો આપણા પ્રાચીન ગ્રંથોમાંથી જ મળી રહે છે. જુગારમાંથી જ આખુ મહાભારત સર્જાયુ હતુ. એવું પણ કહી શકાય કે જુગાર રમતા રમતા રાજપાટ જ નહીં, ઘરની લક્ષ્મીને પણ દાવ લગાવવાનું ભારે પડી શકે છે, તે જ મહાભારતનો સંદેશ છે.

અત્યારે દેશમાં બે પ્રકારના મહાભારત ચાલી રહ્યા છે. એક તરફ તો સશસ્ત્ર યુદ્ધો થઈ રહ્યા છે અને સમી રહ્યા છે, તથા તેને જોડીને ઈન્ટરનેટ યુગનું સાઈબર યુદ્ધ પણ લડાઈ રહ્યું છે, તો બીજી તરફ ટ્રમ્પ ફેઈમ ટેરિફ યુદ્ધે કોહરામ મચાવ્યો છે. હવે આર.આઈ.સી. એટલે કે રશિયા, ઈન્ડિયા અને ચીન મળીને કાંઈ કરે છે કે ટ્રમ્પને ઘરઆંગણે જ ફટકો પડે છે, તે જોવાનું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh