Advertisement
Author: નોબત સમાચાર

કેદીઓના મૂળભૂત અધિકારો અને જેલ વ્યવસ્થા૫ન... ટોક ઓફ ધ સ્ટેટ...

                                                                                                                                                                                                      

"પોતાને શાધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે તમારી જાતને અન્યોની સેવામાં ખપાવી દ્યો" એ પ્રકારના મહાત્મા ગાંધીના બોધક વાક્ય સાથે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસે  ગુજરાત રાજ્યના જેલના આઈ.જી ને રાજ્યની જેલોમાં આશ્રમો જેવું પવિત્ર, સંવેદનશીલ અને મિત્રતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવા હાકલ કરી, તે મુદ્દો માત્ર કાનૂની નહીં, પરંતુ સામાજિક અને માનવતાલક્ષી ક્ષેત્રોમાં પણ પડઘાયો છે. હાઈકોર્ટે રાજ્યના તમામ જેલ સત્તાવાળાઓને મોડેલ જેલ મેન્યૂનું પાલન કરવા, તમામ કેદીઓ સાથે માનવતાપૂર્વક સંવેદનશીલતાથી વર્તવા અને ગુનેગારો તથા કેદીઓનું કાઉન્સીલીંગ કરવાની હાકલ કરવાની સાથે સાથે સરકાર અને તેના તાબાના જેલ પ્રબંધકોને આ લોકોના પૂનર્વસન માટેના જરૂરી પગલા લેવા પણ સૂચવ્યું હતું.

હકીકતે ત્રણ જુદા જુદા કેસોમાં થયેલી તમામ સજા પૂરી કરી લીધા પછી પણ એક કેદીને વધુ બે મહિના જેલમાં વિતાવવા પડ્યા, તે મુદ્દે હાઈકોર્ટ સંબંધિત જેલોના તમામ જેલ અધિકારીઓ તથા ત્યાંના કર્મચારીઓ સાથે આઈ.પી.એસ. અધિકારીને પણ વર્ચ્યુલી હાજર રાખીને  હાઈકોર્ટે સમગ્ર જેલ સિસ્ટમને સાંકળીને જેે કાંઈ કહ્યું છે, તે રાજ્યવ્યાપી છે અને શાસન-પ્રશાસન સાથે પરોક્ષ રીતે સરકારને પણ ઝંઝોળે છે. અદાલતે ઓપન ડોર સુનાવણી દરમ્યાન ખચાખચ ભરેલી અદાલતમાં જાહેરમાં જેલ સત્તાવાળાઓની જે ઝાટકણી કાઢી અને આડે હાથ લીધા, તે અદાલતની રાજ્ય સિસ્ટમ પ્રત્યેની નારાજગી દર્શાવે છે., અદાલતે જે કેદીને બે મહિના વધુ જેલમાં રહેવું પડ્યું તેને પચાસ હજાર રૂપિયાના વળતર અપાવીને સંબંધિત જેલની અંદર રહેલા તમામ કેદીઓના સેટ-ઓફ ગાળાની ગણતરી કરવાનો હૂકમ કર્યો હતો.

અદાલતે સજા પૂરી થઈ ગઈ હોય કે જામીન મંજુર કરાયા હોય તેવા કેદીઓ એક મિનિટ માટે પણ જેલમાં ખોટી રીતે-ગેરકાયદે રહેવા ન જોઈએ, તે જોવાની જવાબદારી સ્થાનિક ઉપરાંત ઉચ્ચ સત્તાધીશોની પણ હોવાનું જણાવી જેલ સુપ્રિન્ટેન્ડેન્ટને તો કેદીઓના સેટ-ઓફના સમયગાળાની નવેસરથી ચોક્કસ ગણતરી કરવાનો તથા જેલ રેકોર્ડ અદ્યતન રાખવાનો હૂકમ કર્યો હતો. સંબંધિત જેલ સત્તાવાળાઓએ ગણતરીમાં ભુલ થતા કેદીને બે મહિના વધુ જેલમાં રહેવું પડ્યું તે અંગે કરેલી દલીલોને ફગાવી દેવાની સાથે સાથે ભારે નારાજગી  વ્યક્ત કરતા કહ્યું કે મનસ્વીતા અને ઉદ્ધતાઈના કારણે કેદીને વધુ સમય સુધી જેલમાં રહેવું પડે તો તે તેમના મૂળભૂત અધિકારોનું હનન છે. બંધારણની કલમ-૫૧ ને ટાંકીને અદાલતે કહ્યું કે જેલમાં હોવા છતાં કેદીઓ તેમના નાગરિકો તરીકેના મૂળભૂત અધિકારો ગુમાવતા નથી.

જેલ કેદીઓને ગુનેગારમાંથી જવાબદાર સજ્જન નાગરિક બનાવવાનું માધ્યમ હોવું જોઈએ, તેના બદલે જેલોમાંથી અવાર-નવાર મળી આવતા મોબાઈલફોન, બીડી-સીગારેટ, તમાકુ તથા અન્ય ગેરકાનૂની કે પ્રતિબંધિત હોય તેવી ચીજ-વસ્તુઓ એવું પ્રતિપાદિત કરે છે કે આ પ્રકારની લાપરવાહ અને ભ્રષ્ટ સિસ્ટમો ધરાવતી જેલો ખુદ જ ગુનાખોરી વિકસાવવાનું માધ્યમ બની રહી છે. રીઢા ગુનેગારો જેલમાં બેઠા-બેઠા પણ તેની ગેન્ગો ચલાવતા હોય, કાવતરા કરી શક્તા હોય કે પછી જેલમાં જ એશોઆરામની તમામ સુવિધાઓ મેળવી શકતા હોય, તો તેનું જવાબદાર કોણ ? આ પ્રકારનો સવાલ રાજ્ય અને કેન્દ્રના ગૃહમંત્રાલયો તથા આ મુદ્દે બહુ અવાજ નહીં ઉઠાવતા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા કાનૂનીક્ષેત્રને પણ એટલો જ સ્પર્શે છે, તે ભૂલવું ન જોઈએ.

જેલ-સુધારણા અને પ્રક્રિયાત્મક ફેરફારોની રાજ્યવ્યાપી જરૂર જણાવાઈ રહી છે, ત્યારે ઘણી જેલો એકંદરે માનવીય અભિગમ ધરાવીને શ્રેષ્ઠ કામગીરી પણ કરતી હોય છે. તેથી રાજ્યની જેલોએ તેને અનુસરવું જોઈએ.

તાજેતરમાં વકીલોને જેલમાં કેદીની મુલાકાત અંગેના મુદ્દે જામનગરના બાર-એસોસિએશને કરેલી રજૂઆતોના સંદર્ભે પણ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ અને અન્ય ન્યાયવિંદોની ઉપસ્થિતિમાં યોજાયેલી માસિક મિટિંગમાં ઉભય પક્ષે વિસ્તૃત ચર્ચા-પરામર્શ થયો હતો. જેમાં બાર એસોસિએશનના હોદ્દેદારો, સિનિયર એડવોકેટો, બાર કાઉન્સીલીંગ ઓફ ગુજરાતના સભ્ય, પોલીસ અધિકારીઓ, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ વચ્ચે તદ્વિષયક રજૂઆતોના સંદર્ભે જેલરે સહયોગની ખાતરી આપી હતી.ી તે સમયે પણ જેલ વ્યવસ્થાપન અને ઉભય પક્ષે સ્વયં શિસ્તની જરૂર જણાવાઈ હતી. કાનૂનના રક્ષકો અને વ્યવસ્થાઓ જાળવતા સરકારી વિભાગોનો તાલમેલ જરૂરી છે, અને સજા પામેલા કેદીઓની માનસિકતામાં જરૂરી બદલાવ લાવીને તેઓને જવાબદાર નાગરિક બનાવવાની જવાબદારી જેલ-વ્યવસ્થાપનની છે, તે વાસ્તવિકતા સ્વીકારીને જેલ-સુધારણાની દિશામાં વાતો કરતા રહેવાને બદલે નકકર કદમ પણ ઉઠાવવા પડે તેમ છે, અને શ્રેષ્ઠ જેલ-વ્યવસ્થાપન સાથે જેલમાં પવિત્ર આશ્રમો જેવું વાતાવરણ ઊભું કરવાની હાઈકોર્ટની ટકોરની કેટલી, કેવી અને કયારે અસરો થાય છે, તે જોવું રહ્યું.

તમામ કેદીઓ સાથે હંમેશાં અપમાનજનક વલણ રાખવું કે તેઓના બિનજરૂરી રીટે ટકા કરવા જેવી સ્વમાનને અસર કરતી પ્રવૃત્તિઓ, જેલની અંદર પણ થતી દાદાગીરી, પરસ્પર પ્રતાડના કે દુર્વ્યવહાર જેવી તમામ હરકતો માનવતા વિરોધી ગણાય અને કેદીઓને કોઈપણ ભેદભાવ વગર જેલમાં રહીને સુધારવાની તકો મળે, તે દિશામાં પ્રયત્નો ત્યારે પજ સફળ થાય, જ્યારે રાજકીય ઈચ્છાશક્તિની સાથે જેલવિભાગ, જેલતંત્ર તથા જેલર અને તેના સ્ટાફનો સુભગ અને શુદ્ધ સમન્વય હોય... ગૃહમંત્રીએ વિચારવા જેવું ખરૃં...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh