Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમનાથ મંદિરના પુનઃ નિર્માણમાં જામનગરના મહારાજા જામ દિગ્વિજયસિંહજીનું અનુપમ યોગદાન હતું: કલેક્ટર કેતન ઠક્કર
જામનગર તા. ર૬: કાલાવડમાં જિલ્લા કક્ષાના ૭૭ મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ વિવિધ વિભાગના ૯ ટેબ્લો પ્રદર્શિત કરાયા હતાં. વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ જામનગર જિલ્લાના ૨૭ વ્યકિતઓ/ સંસ્થાઓનું સન્માન કરાયું હતું.
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસતાક પર્વની ઉજવણી કાલાવડ તાલુકાના નવા એપીએમસી મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ જિલ્લા કલેક્ટરે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની સાથે ૯ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે,પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડતમાં અનેક લોકોના બલિદાનો પછી આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઇ છે. આવા સ્વાતંત્ર્યવીરોને આજે આપણે નમન કરીએ. તેમનો ઈતિહાસ અને આદર્શો આવનારી પેઢી માટે સદાય પ્રેરણારૂપ રહેશે.
ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. છોટીકાશી તરીકે પ્રચલિત જામનગર જિલ્લનો બાંધણી ઉધોગ, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમજ પેટ્રો કેમિકલ્સ જેવી મહાકાય રીફાઇનરી, વિન્ડ ફાર્મ અને રાષ્ટ્રીય પક્ષી અભ્યારણ તેમજ ભુજીયો કોઠો રાજ્યના ગૌરવ સમાન છે. જામ રણમલજીએ પ્રજાને રોજીરોટી આપવા તથા જળસંચયના હેતુથી જામ રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવ્યા હતા. તેમાંથી એક છે ભુજીયો કોઠો. જેને હાલ નવરંગ રૂપ આપવામાં આવતા શહેરના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જામનગરની ઓળખમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા આઇકોનિક ઓવરબ્રિજનો ઉમેરો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી વિચારધારાત્મક અને સાંસ્કૃતિક પહેલો થકી આપણામાં રાષ્ટ્રગૌરવ, સાંસ્કૃતિક મૂલ્યો અને આત્મગૌરવની ભાવના મજબૂત બની છે. સમગ્ર દેશ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહૃાો છે, ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાનને યાદ કરવું એ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. ભારતની અખંડ ચેતનાના પ્રતીક સમાન સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહૃાો છે. સોમનાથ મંદિર પરિસરમાં ભવ્યતાથી ઊભેલું દિગ્વિજય દ્વાર એ માત્ર પ્રવેશદ્વાર નથી, પરંતુ મહારાજાની અખંડ રાષ્ટ્રભાવનાનું શિલ્પિત સ્મરણ છે. દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'વિકસિત ભારત - ૨૦૪૭' ના સંકલ્પને સાકાર કરવા તેજ ગતિએ આગળ વધી રહૃાો છે. ઓપરેશન સિંદુર ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમનું ઉદાહરણ છે. જેની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદનનો સૌ પ્રથમ સંદેશ જામનગરના રાજવીશ્રી શત્રુશલ્યસિંહજીએ પાઠવ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં વિશ્વનું સૌથી મોટું સંકલિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવા અને ભારતનું સૌથી મોટું એઆઈ-રેડી ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. જિયો દ્વારા એક ખાસ 'ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ' લોન્ચ કરાશે, જેનો પ્રારંભ ગુજરાતથી થશે, જેથી સામાન્ય નાગરિક પોતાની ભાષામાં એઆઈ સેવાનો ઉપયોગ કરી શકે.
વાઈબ્રન્ટ રીજીયોનલ કોન્ફરન્સ દ્વારા જિલ્લામાં ઉદ્યોગોને નવી દિશા મળી છે. જામનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ૯ કંપનીઓ દ્વારા રૂપિયા ૫ હજાર ૭૧૬ કરોડની રકમના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાને છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લાને ૮૩૩ કરોડ વધુના વિકાસ કાર્યોની ભેંટ આપી છે. રૂ.૫૨૫ કરોડ ૧૦ લાખ ના ખર્ચે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું નિર્માણ થવાથી કુલ ૨હજાર ૭૧ બેડ સહીતની તમામ અધ્યતન સુવિધાઓ ઉપ્બલ્બ્ધ બનશે. જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન વિશ્વનું પહેલું અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર બની રહૃાું છે, જે પરંપરાગત મેડિસિન માટે કાર્ય કરશે.
પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર લેવલ સોલારાઈઝેશન યોજના હેઠળ જિલ્લાની વિવિધ જગ્યા પર કુલ ૧૭ પ્લાન્ટ્સ કમિશન થયેલ છે જેની કુલ ક્ષમતા ૫૦ મેગાવોટ અને આ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ ૨૦૦ કરોડ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જિલ્લાને રૂ.૬૨૨ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેંટ આપી છે. જે મુખ્ય કામોમાં ફલાયઓવરનું કામ, એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં રૂ ૬૬ કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલનું કામ, રૂ.૨૬૮ કરોડના ખર્ચે ગાર્બેજ કલેક્શનના ૨૧૬ વાહનોને લીલીઝંડી આપવામાં આવી હતી.
ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતોની સાથે છે તેનું ઉદાહરણ છે, કુદરતી આફતો વખતે રક્ષણ આપવા ખેડૂતોને ચુકવવામાં આવતી આર્થિક સહાય. ગત વર્ષે કમોસમી વરસાદના પરિણામે જામનગર જિલ્લાના ૧ લાખ ૪૦ હજાર ૫૭૨ ખેડૂતોને ૪૮૧ કરોડથી વધુ રકમની રાહત સહાય ચૂકવવામાં આવી છે. ધરતીપુત્રોને આર્થિક ટેકો પ્રાપ્ત થાય તે માટે ગુજરાત ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી કરી રહી છે. રાજ્ય સરકારે ચાલુ વર્ષે ૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી ખરીફ સિઝનમાં રૂ. ૧૨હજાર કરોડથી વધુની ખરીદી કરી. આ ખરીદીમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકનો સમાવેશ થાય છે.
જામનગર શહેરમાં ૪૧ કરોડ ૭૭ લાખના ખર્ચે ખંભાળિયા રોડ પર અત્યાધુનિક સુવિધાઓ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બની રહૃાું છે જે રમતવીરો માટે ખુબ જ ઉપયોગી થશે. ખેલમહાકુંભ-૨૦૨૫માં અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયેલ છે. જેમાં જામનગર જિલ્લામાં કુલ ૧ લાખ ૪૭ હજાર ૮૦૫ અને શહેરમાં કુલ ૭૮ હજાર ૮૫૭ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. સૌરાષ્ટ્રનો એક માત્ર ગરમ પાણીની સુવિધા વાળો સ્વીમીંગ પુલ જામનગરમાં છે. જેનો દરરોજ ૩૦૦ થી વધુ લોકો પે એન્ડ પ્લે' અંતર્ગત લાભ લઇ રહૃાા છે. ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ કાલાવડના ૧૩ ખેલાડીઓ ઉપરાંત ધ્રોલના ૧૨ ખેલાડીઓએ રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ હોય કે ૨૦૩૬નું ઓલિમ્પિક, ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનવા પૂરી તાકાતથી આગળ વધી રહૃાું છે.
જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ૩૧ ગૌશાળાઓને રૂ.૧ કરોડ ૮૪ લાખની સહાય આપવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા એક વર્ષમાં ૧૩૦ પશુ આરોગ્ય મેળા યોજી, ૧૪ હજાર ૪૬૦ પશુઓને સારવાર અને ૨૯ હજાર ૧૬૧ પશુઓને કૃમિનાશક દવા આપવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ૧૬ હજાર ૩૪૧ વીજ જોડાણોમાં સોલાર પ્લાન્ટ લગાવાયા છે. ખેતીવાડી માટે ૨ હજાર ૭૫૮ વીજ જોડાણો આપવામાં આવ્યા. જલ જીવન મિશન હેઠળ જિલ્લામાં ૧ લાખ ૪૨ હજાર ૮૪ ઘરોમાં નળ જોડાણો પૂર્ણ કરાયા, અને વિવિધ ઓગમેન્ટેશન યોજનાઓથી ૪૨૭ ગામોને શુદ્ધ પાણી પહોંચાડાયું છે.
છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં એનએફએસએ હેઠળ ૮ લાખ ૨૧ હજાર ૩૨૭ લાભાર્થીઓને અનાજ વિતરિત કરાયું છે. સાથે જ ૯ પંડિત દીન દયાળ ગ્રાહક ભંડાર શરૂ કરવામા આવેલ છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૨૪૪ એકમોને કામચલાઉ સહાય મંજૂરી પત્ર તેમજ ૭૦૧ એકમોને ૨ હજાર ૬૦૭ લાખથી વધુની સહાય ચૂકવીને તેમને આર્થિક રીતે સદ્ધર કરવામાં આવ્યા છે. મત્સ્યોદ્યોગમાં ૫ હજાર ૪૦૭ મેટ્રિક ટન દરિયાઈ અને ૧ હજાર ૭૯૨ મેટ્રિક ટન આંતરિક મત્સ્ય ઉત્પાદન થયું છે. ચેરના વનોમાં ગુજરાત બીજા ક્રમે છે. ત્યારે આપણા જિલ્લામાં ૯૭૪ હેક્ટરમાં ચેરનું વાવેતર કરાયું છે.
જામનગર પોલીસ વિભાગમાં પોલીસ અધિક્ષકની નવી કચેરીનું રૂ.૨૦ કરોડ ૩૬ લાખના ખર્ચે બાંધકામ ચાલુ છે, જે સુરક્ષા અને કાયદા અમલને વધુ મજબૂત કરશે. જામનગર જિલ્લામાં હાલ રૂ.૪૯૪ કરોડના ખર્ચે રસ્તા-પુલોના કામો અને રૂ.૧૦૮ કરોડથી વધુના ખર્ચે મકાનોના ૬ કામો પ્રગતિ હેઠળ છે. તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ૫ સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારના વિવિધ વિભાગના ટેબ્લો જેમાં વન વિભાગ, પીજીવીસીએલ, ઈટ્રા, કૃષિ, આત્મા, બાગાયત અને પશુપાલન વિભાગ, આઇસીડીએસ સેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વનવિભાગ,આરોગ્ય વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર,૧૦૮ના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લાના વિકાસ માટે કલેકટરના હસ્તે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ૨૭ જેટલા વ્યક્તિઓ/સંસ્થાઓનું, આરોગ્ય કેન્દ્રોની, હોસ્પિટલની સુંદર સેવાઓ તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે આવેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગનો ટેબ્લો, દ્વિતીય ક્રમે પીજીવીસીએલ અને તૃતીય ક્રમે આવેલ ખેતીવાડી વિભાગના ટેબ્લો વિજેતા થવા બદલ સમ્માન કરાયુ હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પર્વમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડ, અગ્રણીઓ આર.સી.ફળદુ, રમેશભાઈ મુંગરા, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્યો, આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ પ્લાટુનના પ્લાટુન કમાન્ડર, હોમગાર્ડ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial