Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનો વિરોધઃ છઃ સભ્યોની ટીમની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સાથે બેઠક

ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સંદીપ ભટ્ટની બદલીનો વિવાદઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ર૮: ગુજરાત હાઈકોર્ટની રજિસ્ટ્રીના દરેક ખૂણામાં, દરેક ટેબલ, હાઈકોર્ટના કોરિડોર તેમજ અગત્યના સ્થાનો પર સીસીટીવી લગાવવા અંગેનો હુકમ કરનાર અને હાઇકોર્ટ રજિસ્ટ્રીની સિસ્ટમ સામે વકીલોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની પ્રસ્તાવિત બદલીના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન કોર્ટ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ એલાન બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની આ મામલે રચાયેલી વિશેષ કમિટીને તેમની રજૂઆત બાબતે સુપ્રીમ કોર્ટ બોલાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના આમંત્રણને પગલે કમિટીના છ સભ્યો દિલ્હી જવા રવાના પણ થઈ ગયા છે. આ મામલે ચીફ જસ્ટિસ સાથે મહત્ત્વની બેઠક આજે યોજાઈ રહી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જયારે સકારાત્મક વલણ દાખવી કમિટીના પ્રતિનિધિમંડળને રૂબરૂ સાંભળવા બોલાવ્યા છે, ત્યારે હવે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા કોર્ટ કામકાજથી અળગા રહેવાના એલાનને પાછું ખેંચવા બાબતે પણ તાકીદની અસાધારણ સભા બોલાવવામાં આવી હતી. આ તમામ વકીલ સભ્યોને હાઇકોર્ટની ન્યાયિક કામગીરીમાં પોતાની વ્યવસાયિક કામકાજ કરવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ, આ અપીલ પછી પણ વકીલો દ્વારા આજે પણ કોર્ટની કામગીરી બંધી રાખવામાં આવી છે.

વકીલોને અચોક્કસ મુદ્દતની હડતળની ચીમકી

સુપ્રીમ કોર્ટે વિવિધ હાઇકોર્ટના જે ૧૪ જજીસની સૂચિત બદલી પ્રસ્તાવિત કરી છે, તેમાં હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ માનવેન્દ્રનાથ રોયનો પણ સમાવેશ થાય છે. જો કે, હાઇકોર્ટની આંતરિક સિસ્ટમ સામે જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીને લઈ ગુજરાતના ન્યાયતંત્રમાં બહુ ઘેરા અને આકરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની એકસ્ટ્રા જનરલ મિટિંગમાં મોટાભાગના વકીલ સભ્યોએ જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો જોરદાર વિરોધ કર્યો હતો અને અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવા ઉગ્ર માંગણી કરી હતી. જેને લઈ આખરે એસોસિએશન દ્વારા કોર્ટ કામકાજથી અળગા રહેવાનું એલાન અપાયું હતું. જેને પગલે બપોર પછી હાઇકોર્ટમાં રૂટીન કોર્ટ કામગીરી ખોરવાઈ ગઈ છે.

આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી તરફથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈના પર્સનલ સેક્રેટરીને ફોન કરી તેમની રૂબરૂ મુલાકાત માટે સમય માંગવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં ચીફ જસ્ટિસ તરફથી હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની વિશેષ કમિટી કે જેમાં છ સભ્યોનો સમાવેશ કરાયો છે, તે પ્રતિનિધિમંડળને  રૂબરૂ મળવા માટે દિલ્હી આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને પગલે એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી, સિનિયર એડવોકેટ અસીમ પંડયા, ભાર્ગવ ભટ્ટ, એડવોકેટ બી. એમ. મંગુકીયા સહિતના છ સભ્યો દિલ્હી જવા રવાના થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh