Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં ગઈકાલે જ રામનવમીની ઉજવણીનો ઉમંગભર્યો માહોલ છે, તેવી જ રીતે યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા સહિત હાલારમાં પણ હરખભેર રામનવમીની ઉજવણી થઈ રહી છે, ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ વખતે કેટલાક સ્થળે ગઈકાલે તો કેટલાક સ્થળે આજે રામ નવમીની ઉજવણી થઈ રહી છે, અને આસ્થા અને ભક્તિનો જાણે મહાસાગર ઉછળી રહ્યો છે. ચોતરફ ભગવાન શ્રીરામનો જયજયકાર થઈ રહ્યો છે, તો રઘુવંશીઓ દ્વારા જામનગરમાં રામ નવમીની ઉજવણી પછી પારણાના સમૂહ ભોજનનું પણ આયોજન થયું છે. જામનગરમાં નીકળેલી વિશાળ શોભાયાત્રામાં પણ ઉમંગભેર નગરજનો જોડાયા હતા. યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા અને જામનગરના અખંડ રામધૂન મંદિરોમાં પણ વિશેષ રામધૂન સાથે ભક્તિભાવપૂર્વક રામ નવમીની ઉજવણી થઈ રહી છે.
બીજી તરફ અયોધ્યામાં રામ નવમીની ઉજવણી નિમિત્તે વિશેષ દર્શન તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ ગયા, તેવી જ રીતે દેશભરમાં શ્રીરામ જન્મોત્સવ તથા તેને સંલગ્ન ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે આખો દેશ જાણે કે રામમય બની ગયો છે.
જો કે, પ.બંગાળમાં આ વખતે શ્રીરામ જન્મોત્સવની સાથે સાથે રાજનીતિ પણ ધમધમવા લાગી છે, અને વિધાનસભાની આગામી ચૂંટણીઓની આચાર સંહિતા વચ્ચે જોરદાર ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.
આ તરફ ગુજરાતમાં પણ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તથા આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો ધમધમાટ પણ વેગ પકડવા લાગ્યો છે.
આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવંત માને ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે, અને અમરેલી પછી જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફેેંક્યું છે, અને લાલપુરના માર્કેટીંગ યાર્ડ પાસે યોજાયેલી જનસભામાં ભાજપ અને રાજ્ય-કેન્દ્ર સરકારો પર આકરા પ્રહારો કર્યા પછી હાલારમાં રાજકીય માહોલ ગરમાયો છે.
જો કે, આમઆદમી પાર્ટીના નિશાન પર કોંગ્રેસ પણ હતી અને વક્તાઓએ બંને રાષ્ટ્રીય પક્ષો પર ગંભીર આક્ષેપોની ઝડી પણ વરસાવી હતી, જેના તિવ્ર પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.
જો કે, કેજરીવાલે જયારે એવું કહ્યું કે ત્રણ દાયકા પહેલા ગુજરાત નંબર વન રાજ્ય હતું, ત્યારે એવું લાગ્યું કે તેઓે ભાજપના શાસન પહેલાના શાસકોને વખાણી રહ્યા છે અને એે કારણે પરોક્ષ રીતે કોંગ્રેસના ભૂતકાળના શાસકોનો ભાજપના શાસકોની સાથે સરખામણી કરી રહ્યા હોય, તેવો આભાસ પણ ઘણાં લોકોને થયો હશે.
કેજરીવાલે કહ્યું કે ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પક્ષે ગુજરાતને બરબાદ કરી નાખ્યુ છે. આજથી ત્રીસેક વર્ષ પહેલા ગુજરાતમાં લોકો સુખી અને સમૃદ્ધ હતા.
તેમણે આજે ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં અંતિમ હરોળમાં ધકેલાઈ ગયું હોવાનું જણાવીને એવો આક્ષેપ લગાવ્યો કે આજે ભારતીય જનતા પાર્ટી માત્ર કરોડપતિ-અબજોપતિઓ તથા અમીરોની પાર્ટી બની ગઈ છે.
કેજરીવાલે આજથી ત્રીસ વર્ષ પહેલાના શાસનના વખાણ કર્યા પછી એવી ચર્ચા પણ થઈ રહી છે કે કેજરીવાલ કોંગ્રેસના ભૂતકાળના શાસનને આડકતરી રીતે વખાણ કરી રહ્યા હતા કે પછી કેશુબાપાના શાસનની પ્રશંસા કરી હતી, કે પછી જનતાદળ ગુજરાતના જમાનાને યાદ કરી રહ્યા હતા ?
કેજરીવાલે તેમના આગવા અંદાજમાં ભાજપ પર પ્રહારો કર્યા અને પંજાબમાં આમઆદમી પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા જનલક્ષી શાસનની પ્રશંસા કરીને પંજાબમાં બધા ખુશહાલ છે, તેવા દાવા પણ કર્યા. જ્યારે કેજરીવાલે ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી, તથા પેપર લીકની યાદ અપાવીને કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે મળીને ગુજરાતની પ્રજાને લૂંટી રહ્યા છે, ત્યારે થોડો સમય માટે છવાયેલો સન્નાટો ઘણું બધુ કહી જાય, તેવો હોવાની ચર્ચા પ્રત્યક્ષદર્શીઓમાં થતી હતી.
ટૂંકમાં ગુજરાતની જનતાએ આ વખતે ત્રિપાંખીયા જંગ દરમ્યાન ભાજપ, કોંગ્રસ કે આમઆદમી પાર્ટી પૈકી કોને સત્તા સોંપવી તે નક્કી કરવું પડે તેમ છે, તો પ.બંગાળમાં મમતા બેનર્જીને પુનઃ સત્તા સોંપવા અંગે ત્યાંની જનતાએ નિર્ણય લેવાનો છે. ગુજરાતની શાણી જનતા સારી રીતે સમાજ કે રાજનીતિમાં ભાવનાત્મક લાગણીઓની ભેળસેળનું પરિણામ કેવું આવી શકે છે, તેથી ત્રણેય રાજકીય પક્ષોને પૂરેપૂરી રીતે જાણી-પીછાણી અને ઉમેદવારોને ઓળખીને જ જનાદેશ આપશે, તેવી આશા રાખીએ અને રામનવમીના પર્વે જય શ્રી રામના જયઘોષ સાથે રાજ્યના મંગલમય ભવિષ્યની કામના કરીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial