Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની તારીખ અને સંલગ્ન વિગતો જાહેર કરી, પરંતુ કમોસમી વરસાદ સામે વળતરની કોઈ જાહેરાત ગઈકાલે થઈ નહીં, તેથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. અને તે સંદર્ભે જ કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં અઠવાડિયા સુધી ખેડૂત આક્રોશયાત્રાની જાહેરાત કરી છે. આજથી સ્કૂલો અને આવતીકાલથી કોલેજો ફરીથી ધમધમશે, અને દિવાળી વેકેશન માણીને સ્ટુડન્ટ્સ પુનઃ અભ્યાસમાં જોડાશે. આજે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને સવારથી કેટલાક વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોતાં બિહારમાં આશ્ચર્યજનક જનાદેશ મળશે, તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે, આ તમામ ઘટનાક્રમો વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચે ચોથી ટી-૨૦ મેચ પર ક્રિકેટ રસીયાઓની નજર મંડાયેલી છે. જો કે, આજથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ એક નવું "અભિયાન" શરૂ થયું તેની ચર્ચા વધુ થઈ રહી છે.
આજથી વેકેશન પછીનો શાળાઓનો માહોલ સ્વાભાવિક રીતે જ એકાદ-બે દિવસ માટે હળવાશભર્યો રહે તથા પરસ્પર શુભેચ્છાઓ પાઠવીને નવા સત્રના પ્રારંભનો ઉલ્લાસ જોવા મળે. તે પછી સ્ટુડન્ટ્સ અભ્યાસ, ટ્યુશન અને હોમવર્કના રોજીંદા શિડ્યુલમાં ગોઠવાઈ જશે અને શિક્ષણકાર્ય ધમધમવા લાગશે. જામનગર સહિત આજથી રાજયમાં પુનઃ ધમધમતી થયેલી સ્કૂલોમાં કિલ્લોલ સાંભળવા મળ્યો અને વેકેશનમાં સુના પડેલા શિક્ષણ સંકુલો ફરીથી ગુંજી ઉઠયા છે, ત્યારે એક સર્વેના રિપોર્ટે રાજ્યમાં થોડી ચિંતા પણ જગાવી છે, અને લોકલ-નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાના વિવિધ સમાચારોની આંધી વચ્ચે પણ આ રિપોર્ટની ચર્ચા પણ થવા લાગી છે. આ અહેવાલ (રિપોર્ટ) સરકારી બેઈઝ પર આધારિત હોવાથી તેને ઉપજાવી કાઢેલો કે રાજકીય હેતુઓ સાથેનું જૂઠ્ઠાણું ગણાવીને ફગાવી શકાય તેમ પણ નથી, અને આ રિપોર્ટને મુદ્દો બનાવીને વિપક્ષો સરકારને ઘેરી શકે છે, તો રાજ્યના શિક્ષણક્ષેત્રના તટસ્થ વિશ્લેષકોના મંતવ્ય મુજબ આ રિપોર્ટને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે જો ગુણવત્તા સુધારણાના કદમ ઉઠાવવાનું શરૂ કર્યું હોય તો તેમાં વિપક્ષોએ સહયોગી બનવું જોઈએ. જે હોય તે ખરૃં, પરંતુ ગઈકાલથી ચર્ચામાં અને પ્રેસ-મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી રહેલો "પરખ" સર્વેના અહેવાલે આપણાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની પોલ તો ખોલી જ નાંખી છે !
પ્રેસ મીડિયાના અહેવાલો તથા વિશ્લેષકો-જાણકારોના તારણો મુજબ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય સર્વેક્ષણ-૨૦૨૪નો રિપોર્ટ ગુજરાત રાજ્ય માટે આંચકા સમાન અને ચિંતાજનક છે. જો કે, આ સંદર્ભે જ રાજ્યકક્ષાએથી વિશેષ અભિયાન ચલાવીને આ કચાશ દૂર કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત "પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ" એટલે કે પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું વિશ્લેષણ કરવાના હેતુથી કરેલા સર્વેને શોર્ટફોર્મસ્ માં "પરખ" કહેવામાં આવે છે, જેમાં રાષ્ટ્રવ્યાપી સર્વે કરીને વિદ્યાર્થીઓના શિક્ષણનું મૂલ્યાંકન કરાયું હતું અને તેના તારણો જાહેર કરાયા હતા. આ સર્વેક્ષણના આધારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન અને કૌશલ્ય તથા ગુણવત્તા અંગે વ્યાપક અને તટસ્થ ડેટા ઉપલબ્ધ કરાવીને તેમાં રહેલી કચાશ દૂર કરવાની નવી યોજનાઓ અમલી બનાવવા તથા પ્રદેશવાર જરૂરી ગુણવત્તા સુધારણા કરવાનો ઉદૃેશ્ય જણાવાયો છે, અને તેના સંદર્ભે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા તથા તેમાં સુધારણાની ચર્ચા થઈ રહી છે.
"પરખ" ને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ વર્ષ ૨૦૨૪ના સર્વેના તારણો દર્શાવે છે કે ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ સરળતાથી વાંચી પણ નથી શકતા, તેથી લેખન અને ગણન (દાખલા ગણવા વગેરેમાં) પણ પારંગત થઈ શકતા નથી. રાજ્યના સરકારી શિક્ષણમાં આમુલ સુધારણા તથા તગડી ફી લઈને ટ્યુશન કરાવતા ક્લાસીસ તથા ખાનગી સ્કૂલોના સંચાલકોને સાંકળીને રાજ્યમાં વ્યાપક જાગૃતિ ફેલાવવાના સૂચનો પણ આ સંદર્ભે થઈ રહ્યા છે. રાજયમાં શૈક્ષણિક વિકાસનો ઢોલ પીટતા રહેતા શાસકપક્ષના નેતાઓએ આ રિપોર્ટનો ઉંડો અભ્યાસ કરવો જોઈએ.
જો કે, આ રિપોર્ટના સંદર્ભે રાજ્ય સરકારે અનુસંધાન લીધું અને રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થી ભાઈ-બહેનોના વાચન, લેખન અને ગહન માટે ધોરણ ૩ થી ૮ (ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ) એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકારની ઝુંબેશ ચલાવવી પડે, તે જ રાજ્યની બોદી શિક્ષણ પદ્ધતિ તથા પોકળ દાવાઓની પોલંપોલ ઉજાગર કરે છે. ખેર, જે હોય તે ખરૃં, દેર આયે દૂરસ્ત આયે...પણ...હવે ગુણવત્તા સુધારણાની આ વિશેષ ઝુંબેશમાં ક્યાંય પણ કચાશ ન રહેવી જોઈએ...
એવું કહેવાય છે કે આજથી એક અઠવાડિયા સુધી રાજ્યના ધો. ૩ થી ૮ના લગભગ ૪૦ લાખ જેટલા બાળકોને માત્ર વાચન-લેખન અને ગણન કરાવીને વિશેષ મૂલ્યાંકન હાથ ધરાશે. આ માટે શિક્ષણ વિભાગે જિલ્લા તંત્રોને ગાઈડલાઈન મોકલી છે, અને સી.આર.સી.-બી.આર.સી.ને મોનીટરીંગ કરવાની તાકીદ કરી છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ અભિયાન હેઠળ જી.સી.ઈ.આર.ટીના અધિકારીઓ સ્કૂલોની રેન્ડમ ચકાસણી પણ કરવાના છે, ત્યારે આ નવું અભિયાન અદ્યતન કરાયેલો નવો ગુણોત્સવ હકીકતે સફળ થાય અને વિદ્યાર્થી ભાઈ-બહેનોની શૈક્ષણિક તથા ગાણિતિક ગુણવત્તા હકીકતે સુધરે તેવું ઈચ્છીએ.
અત્યારે એક અઠવાડિયાનું અભિયાન ચલાવ્યા પછી તેનું સતત અનુસરણ કરીને ત્રણેક મહિના પછી એટલે કે ફેબ્રુઆરી-૨૦૨૬માં ફરીથી ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન થશે. અને તે સમયે બાળકો અપેક્ષિત વાચન, લેખન અને ગણિત ગણવામાં કમજોર ગણાશે, તો તેની જવાબદારી નક્કી કરીને "જવાબદારો" સામે કદમ ઉઠાવાશે. તેવું પણ જાહેર થયું છે. તેથી આ જવાબદારોમાં માત્ર શિક્ષકો જ નહીં, પરંતુ આચાર્ય, તાલુકા-જિલ્લા કક્ષાના જવાબદાર અધિકારી-કર્મચારીઓ તથા બી.આર.સી.-સી.આર.સી. પણ સામેલ હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial