Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગિરિરાજ ગોવર્ધનરાયજીમાં પ્રગટેલા સ્વરૂપને મોગલયુગમાં ત્યાંથી લાવીને જ્યાં સ્થાપિત કરાયું તે...
અરવલ્લીની ગિરિમાળાઓ ગુજરાત-રાજસ્થાન સરહદથી છેક દિલ્હી સુધી પથરાયેલી છે અને તેમાંથી ખનન કરીને ખનિજ કાઢવાનો મુદ્દો તાજેતરમાં સુપ્રિમ કોર્ટ સુધી પડઘાયો હતો અને તેના કારણે અરવલ્લીની પહાડીઓ વધુ પ્રચલિત બની હતી, પરંતુ આ ગિરિમાળાઓ અનેક શ્રદ્ધેય, પૌરાણિક અને આધ્યાત્મિક-ઐતિહાસિક સ્થળો તથા પાવનધામોને સમાવી રહી છે, જેમાં રાજસ્થાનના ઉદયપુર પાસે આવેલું શ્રીનાથદ્વારા વૈશ્વિક રિલિજિયસ પ્લેસિઝમાં સ્થાન ધરાવે છે અને જાણીતા ઉદ્યોગપતિઓ, સેલેબ્રિટીઝ તથા વિશ્વભરના પ્રવાસીઓ ઉદયપુરની સાથે જ શ્રીનાથદ્વારાની મુલાકાત પણ અવશ્ય લેતા હોય છે. મોગલોના આક્રમણ સમયે મેવાડના રાજવીએ 'મન હોય તો માળવે જવાય'નો પરિચય આપીને ગિરિરાજ-જતીપુરાથી શ્રીનાથજીની પધરામણી અરવલ્લીની ગિરિમાળાઓમાં કરી હતી, જેનો ઈતિહાસ ઘણો જ ગૌરવપ્રદ છે. આ સ્થળને જ શ્રીનાથદ્વારા કહેવાય છે, અને તે હવે પુષ્ટિ સંપ્રદાયનું મુખ્ય મથક બન્યું ગણાય છે.
આવતીકાલે એટલે કે આઠમી ફેબ્રુઆરીના શ્રીનાથદ્વારામાં શ્રીનાથજી પાટોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે પુષ્ટિ સંપ્રદાયના આ આસ્થા સ્થળ અંગે થોડું વિહંગાવલોકન ઉપ્લબ્ધ માહિતી અને સામાન્ય જ્ઞાન મુજબ પ્રસ્તુત છે, અને આ સ્થળના વિવિધાસભર મહાત્મય અને મહત્ત્વ રજૂ કરવાનો અહીં પ્રયાસ છે.
આ પાટોત્સવ મહાવદ સાતમ અને રવિવાર, તા. ૮ ફેબ્રુઆરીના (આવતીકાલે) શ્રીનાથજી સહિત વૈષ્ણવ સંપ્રદાયના તમામ શ્રદ્ધા સ્થળોમાં ઉજવાશે. આ ઉજવણી શ્રીનાથજી મંદિરમાં સિંહાસન પર શ્રીનાથજી બિરાજમાન થયા, તેની સ્મૃતિમાં થાય છે. આવો, આપણે શ્રીનાથજી અને શ્રીનાથદ્વારાના ઐતિહાસિક ઘટનાક્રમો પર ટૂંકો દૃષ્ટિપાત કરીએ...
ગિરિરાજમાં પ્રાગટ્યઃ
૧૭ મી સદીમાં સ્થળાંતર
મોગલોનો ક્રૂર શાસક ઔરંગજેબ જ્યારે હિન્દુ મંદિરોને નુક્સાન પહોંચાડી રહ્યો હતો, તે સમયે ૧૭ મી સદીમાં ગોસ્વામી દામોદરદાસજી તથા તેના સેવકો શ્રીનાથજીના સ્વરૂપને રથમાં બિરાજમાન કરીને વ્રજમાંથી નીકળી ગયા અને મેવાડના મહારાણા રાજસિંહે અભયવચન આપતા સિંહાડ પાસે શ્રીનાથજીના સ્વરૂપને સ્થાપિત કર્યું, તે જ આજનું શ્રીનાથદ્વારા હોવાનો ઉલ્લેખ ઈતિહાસના પાને કંડારાયેલો છે. એવું કહેવાય છે કે, આ સ્થળે રથનું પૈડુ જમીનમાં ખૂંચી ગયું હતું અને આગળ વધી શકાયું નહીં, અને મેવાડના રાજાએ મોગલ શાસનના યુગમાં પણ હિંમત બતાવી, તે પછી આ સ્થળ શ્રીનાથદ્વારા તરીકે પ્રચલિત થયું હોવાનો પ્રચલિત ઈતિહાસ છે. શ્રીનાથજીના સ્વરૂપનું પ્રાગટ્ય ગિરિરાજથી પાસે થયું અને તેનું સ્વરૂપ શ્રીનાથદ્વારામાં સ્થપાયું, તેને પણ શ્રીનાથજીની ઈચ્છા તથા આશીર્વાદ જ માનવામાં આવે છે, જો કે આ ઘટનાક્રમ અગે જુદી જુદી કથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે.
શ્રીનાથજી મંદિરનું મહત્ત્વ અને વિકાસ
શ્રીનાથજીના મંદિરએ શ્રીનાથજીની સૌથી મોટી હવેલી છે, જ્યાં શ્રીનાથજીનું દિવ્ય સ્વરૂપ બીરાજે છે. પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યજીના પુત્ર વિક્રમનાથજીએ શ્રીનાથજીની સેવા શરૂ કરી અને તે પછી તેને સંસ્થાગત સ્વરૂપ અપાયું. વલ્લભકુળ દ્વારા આ હવેલી તથા તેના અંતર્ગત ગુજરાત સહિત ઘણાં સ્થળે શ્રીનાથજીની હવેલીઓ સ્થાપિત થઈ છે, તથા વખતોવખત વિકાસ થતો રહે છે. આ સ્વયંભૂ પ્રગટ થયેલા સ્વરૂપના સૌ પ્રથમ દર્શન શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ કર્યા અને તે પછી તેઓ દ્વારા સ્થાપિત પુષ્ટિ સંપ્રદાય આજે દેશ-દુનિયાના વૈષ્ણવોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બન્યો છે.
જામનગરમાં પણ ઉજવણી
જામનગરમાં પણ પુષ્ટિસંપ્રદાયની હવેલીઓ તથા બેઠકજીઓમાં શ્રીનાથજીનો પ્રાગટ્યોત્સવ પરંપરાગત ભક્તિ, શ્રદ્ધા અને અલૌકિક આનંદ સાથે ઉજવાશે અને તેની તૈયારીઓ પણ ઘણાં દિવસો પહેલાથી થઈ રહી છે. આ જ રીતે પુષ્ટિ સંપ્રદાયના ઉત્સવો શ્રીનાથજીની હવેલીના પથદર્શન મુજબ ઉજવાતી રહે છે.
શ્રીનાથજી મંદિરનો ઈતિહાસ-મહાત્મય
શ્રીનાથદ્વારામાં સ્થાપિત વર્તમાન મંદિર અથવા હવેલીનું નિર્માણ ઈસ્વીસન ૧૬૭ર માં થયું હતું અને તેમાં ૭ વર્ષિય બાલસ્વરૂપ શ્રીકૃષ્ણને પધરાવાયા હતાં. એવું કહેવાય છે કે ગોવર્ધન પર્વતમાં પ્રગટ થયા પછી શ્રીનાથજી આ સ્વયંભૂ સ્વરૂપ સદીઓ સુધી પૂજાતું રહ્યું હતું.
એવી માન્યતા પણ છે કે જે દિવસે વલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય થયું હતું, તે જ દિવસે ગિરિરાજ ગોવર્ધન પર્વત પર શ્રીનાથજીનું સ્વરૂપ પ્રાકટ્ય થયું હતું. એવી પણ લોકવાયકા છે કે કવિ સુરદાસનો જન્મ પણ એ જ દિવસે થયો હતો.
એવી પ્રચલિત માન્યતા છે કે સંવત ૧૪૬૭ માં શ્રીનાથજીની વામભૂજાના દર્શન થયા હતાં અને સંવત ૧પ૩પ માં ગોવર્ધન પર્વત પર શ્રીનાથજીનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ્યું હતું.
ધર્મગ્રંથો, પ્રાચીન સાહિત્ય, વીકિપીડિયા, એન્સાઈક્લો પીડિયા તથા જુદા જુદા સમયકાળમાં જુદા જુદા લેખકો, ધર્મગુરુઓ અને વૈષ્ણવો તથા ઈતિહાસવિદેએ કરેલા ઉલ્લેખો મુજબ કાશીની પાઠશાળાના ગુરુ યતિરાજ માધવેન્દ્રયતિ વ્રજમાં આવ્યા પછી ગિરિરાજની તળેટીમાં રહીંને શ્રીનાથજીના સ્વરૂપની સેવા કરતા હતાં, જે સ્થળ પછીથી જતીપુરા તરીકે ઓળખાયું. એ પછી સંભવતઃ સંવત ૧પ૩૮ (ઈ.સ. ૧૪૮૧) મા શ્રીનાથજીનો પહેલો પાટોત્સવ મહાવદ-નવમીના દિવસે કાચા ગૃહમંદિરમાં ઉજવાયો હતો, અને તેને અનુસરીને જ સદીઓથી શ્રીનાથજીનો પાટોત્સવ ઉજવાતો રહ્યો છે. તે સ્થળે પણ એક વિશાળ ગૃહમંદિર તે સમયગાળામાં બન્યું હતું.
માધવેન્દ્રયતિજીના નિધન પછી શ્રી વલ્લભના બીજા ગુરુ માધવાનંદજી શ્રીનાથજીની સેવા કરતા હતાં. આ તરફ વલ્લભાચાર્યજીની મહાપ્રભુજી પરિક્રમા કરતાં કરતાં મારવાડ નજીક પહોંચ્યા, ત્યારે તેઓને પોતાના બીજા ગુરુ ગોવર્ધન પર્વત પર જ્યાં શ્રીનાથજી બીરાજે છે, ત્યાં છે. તેની જાણ થતાં તેઓ ગિરિરાજ તરફ જતા હતાં ત્યારે સંવત ૧પ૬૩ (ઈ.સ. ૧પ૦૬) ના ભાદરવા સુદ ૧૧ ના દિવસે રાત્રિ મૂકામ કર્યો ત્યારે મધ્યરાત્રિએ આત્મદર્શનમાં તેઓને પુષ્ટિમાર્ગ વિક્સાવવાની સફુરણા થઈ હતી, અને શ્રીનાથજીના સ્વરૂપના ગિરિરાજજીમાં અલૌકિક દર્શન પણ તે પછી વલ્લભાચાર્યજીને થયા હતાં. શ્રીકૃષ્ણનો શ્રીનાથજીના સ્વરૂપને ગોવર્ધનનાજીનું ટુંકુ નામકરણ 'શ્રીનાથજી' તરીકે પણ શ્રીવલ્લભાચાર્યજીએ પ્રચલિત કર્યું હોવાની કથા છે. આ અંગે ભિન્ન ભિન્ન કથાઓ પ્રચલિત છે.
ઔરંગઝેબનું આક્રમણ-સ્વરૂપની યાત્રા
મથુરા પંથક તરફ ઔરંગઝેબે સંવત ૧૭ર૭ માં કૂચ કરી અને ૧૬૭૦ ના મે મહિનામાં મથુરાના કેશવરાયજીના મંદિરનો ધ્વંસ થયો. તે પછી પુષ્ટિમાર્ગીય મંદિરોને મોગલ સામ્રાજ્યની પરવાનગી હોવા છતાં સલામતી નહીં હોવાથી શ્રીનાથજીના સ્વરૂપને પહેલા આગરાની હવેલીમાં, તે પછી ચંબલના કિનારે દંડોતધાર અને ત્યાંથી કોટા, પુસ્કરજી, કિશનગઢ નવું ઉજાડ (પિતાંબરજીની ગલી), ત્યાંથી ડુંગરપુર-વાંસવાડા, કદમખંડી થઈને ઓક્ટોમ્બર ૧૯૭૧ માં મેવાડ તરફ આ સ્વરૂપને પધરાવાયું. રાણારાયસિંહજીની ઈચ્છા આ સ્વરૂપને ઉત્સાહપૂર્ણ પધરાવવાની હતી, પરંતુ અગાઉ ઉલ્લેખ થયો છે તે મુજબ જ્યાં રથનું પૈંડુ ખૂંચી ગયું હતું ત્યારે સિંહાડ ગામ પાસે શ્રીનાથજીના સ્વરૂપને પધરાવાયું અને ત્યાં તે પછી શ્રીનાથજીનું મંદિર બનાવાયું, જે શ્રીનાથદ્વારા તરીકે ઓળખાયું.
અખંડ-આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર
આ સઘળો ઈતિહાસ, કથાઓ, ભિન્ન ભિન્ન માન્યતાઓના માધ્યમથી શ્રીનાથદ્વારા અખંડ-આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે અને શ્રીનાથજીનું આ સ્વરૂપ પુષ્ટિસંપ્રદાયના કરોડો વૈષ્ણવોના હૃદયમાં બીરાજે છે. આ સંપ્રદાય ગૌસેવા, માનવ સેવા, જીવસેવા અને ખાસ કરીને બાલકૃષ્ણની (લાલાની) સેવા તથા પ્રેમલક્ષણા ભક્તિના માધ્યમથી પ્રભુસેવાનું પથદર્શન કરે છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત આ બાલકૃષ્ણ પ્રેમ અને શુદ્ધ પવિત્ર પ્રભુભક્તિ સૂચવતા પુષ્ટિમાર્ગના વૈષ્ણવો દ્વારા શ્રીનાથજીના પાટોત્સવના પ્રસંગે શ્રીનાથજીદ્વારા તથા તમામ હવેલીઓમાં આનંદોત્સવ ઉજવાશે. આ પાવન પ્રસંગે વિશ્વભરના સૌ વૈષ્ણવોને જય શ્રીકૃષ્ણ...
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી...
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી...
મારૃં મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીના વન
મારા પ્રાણજીવન...
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી
મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો દિસે ગિરધારી રે ધણી
મારૂ તન-મન ગયું છે, જેને વારી રે વારી.
હે મારા શ્યામ મુરારી...
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી...
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીના કીધાં છે દર્શન
મારૂ મોહી લીધું મન...
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી...
હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરૂ
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરૂ
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું...
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી...
મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો રંગ રે સાધ્યો
મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માગ્યો
હીરલો હાથ લાગ્યો
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી...
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે,
વારે વારે માનવ દેહ ફરી ન મળે,
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે,
મને મોહન મળે.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી.
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શ્રીજી બાવા શરણોમાં દયા રે કરી
મને તેડા યમ કેરા કદી ન આવે
મારો નાથ તેડાવે...
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી...
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial