Advertisement
Author: નોબત સમાચાર

માર્ગોના મજબૂતિકરણના સમયે હવે વચગાળાના ભ્રષ્ટાચારની તક નહીં...મજબૂત કામો કરજો...

                                                                                                                                                                                                      

અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થયા પછી હવે પિતૃતર્પણ અને શ્રાદ્ધ તથા ઠેર ઠેર ભાગવત સપ્તાહના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. ગણોશોત્સવ અને ઈદે મિલાદ ઉજવાયા પછી હવે લોકો નવરાત્રિની ઉજવણી માટે થનગની રહ્યા છે. નવરાત્રિમાં આધુનિક રાસ-ગરબા માટે અત્યારથી તાલીમવર્ગો શરૂ થઈ રહ્યા છે અને સામૂહિક નૃત્યના સૌથી લાંબા અને લોકપ્રિય નવરાત્રિ ઉત્સવના સંદર્ભે પણ એક મોટું માર્કેટ ઊભું થઈ ગયું છે તથા વ્યાપાર અને રોજગારનું માધ્યમ પણ બન્યું છે.

આ વર્ષે ચોમાસુ પણ તહેવારોને બહુ નડ્યું નહીં, અને તબક્કાવાર વરસાદ વરસતો હોવાથી ધંધા-રોજગારને બહુ વિપરિત અસર થઈ નહીં હોય, પરંતુ જ્યાં જ્યાં અતિવૃષ્ટિ થઈ છે કે નદીઓમાં પૂર આવ્યા છે, ત્યાં જનજીવન અને ધંધા-વ્યાપારને પણ માઠી અસર પહોંચી છે તથા કેટલાક ખેતરો જળબંબાકાર થઈ જતાં પાક ધોવાઈ ગયો છે અથવા વાવેતર બરબાદ થયું છે, ત્યાં સર્વેક્ષણ કરીને રાજ્ય સરકાર રાહત આપશે, ગયા વર્ષે થયેલા સર્વે પછી ગયા વર્ષની સહાય પણ હજુ કેટલાક વિસ્તારોમાં ચુકવાઈ નહીં હોવાની રાવ પણ ઉઠતી રહી છે, તેથી સર્વેક્ષણ ઝડપથી થાય અને તે પછી સહાય, વળતર કે રાહત પણ સમયોચિત ધોરણે ચુકવાઈ જાય, તે અત્યંત જરૂરી છે.

જો કે, હાલારમાં મહત્તમ વિસ્તારોમાં જરૂર મુજબનો સમયસર વરસાદ થતો રહ્યો હોવાથી મોલાત પર કાચુ સોનુ વરસ્યુ હોવાની ખુશી વ્યક્ત કરતા પ્રતિભાવો પણ સંભળાઈ રહ્યા છે, જ્યારે જળાશયો ભરાઈ ગયા અને કેટલાક જાયન્ટ ડેમો તો બબ્બે વખત ઓવરફ્લો થયા હોવાના અહેવાલોએ સાર્વત્રિક ખુશીનો માહોલ ઊભો કરી દીધો છે. જામનગર સહિતના મહાનગરો અને ખંભાળીયા સહિતના નગરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં આગામી વર્ષે પીવાના પાણીની તંગી નહીં પડે, તેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે, અને આ તમામ જળાશયો પૂરક સિંચાઈની સુવિધા પણ આપશે, જેથી ખરીફ પાક ઉપરાંત આગામી રવિસિઝનમાં પણ સારા શિયાળુ પાકની આશા ઊભી થઈ છે. બીજી તરફ કેટલાક સ્થળે પૂરગ્રસ્ત પરિસ્થિતિએ નુકસાન પણ કર્યું હોવાથી સરકાર સમયસર મદદ કરશે, તેવી આશા પણ સેવાઈ રહી છે.

ચોમાસુ એકંદરે સારૂ રહ્યું અને ખેતી-સિંચાઈની દૃષ્ટિએ પણ અત્યારે સંતોષજનક સ્થિતિ દેખાય છે, પરંતુ આ જ વરસાદી માહોલમાં કેટલીક સાઈડ-ઈફેક્ટ પણ લક્ષ્ય ખેંચી રહી છે. વરસાદમાં માર્ગો તૂટી-ફૂટી ગયા હોવાથી રાજ્યના મુખ્યમંત્રીએ માર્ગોની વચગાળાની મરામત કરીને વાહન-વ્યવહાર સરળતાથી ચાલતો રહે તેવી વ્યવસ્થા કરાવી હતી, પરંતુ આધુનિક મશીનોથી ખાડા બુર્યા પછી ફરીથી વરસાદ થતા જ તે થીગડા ખુલી ગયા અને વધુ મોટા ખાડાઓ પડી ગયા હોવાથી લોકોમાં નારાજગી વધી છે. આ રીતે એક જ વરસાદમાં મરામત કરેલા માર્ગોના પોપડાં ફરી ઉખડી જાય, મોટા ખાડા પડી જાય અને પૂલોમાં સળીયા દેખાતા હોય તો તે "વચગાળાના ભ્રષ્ટાચાર"ને ઉજાગર કરે છે અને તેની પણ ઊંડી તપાસ થવી જોઈએ, તેવી જનભાવનાઓને પણ સરકારે ધ્યાને લેવી પડે તેમ છે.

જામનગરમાં તો કોંગ્રેસે ખાડાનગરની કેક કાપી, નગરમાં ફેલાયેલા ગંદવાડના કારણે મંદવાડ વધ્યો હોવાના આક્ષેપો થયા, નગરના માર્ગો પર પડેલા ખાડાઓ બૂરીને જન્મદિવસ ઉજવ્યો, તેના અહેવાલો વ્યાપક રીતે વહેતા કરાયા, તેમ છતાં આજે જે સ્થિતિ છે, તે આપણી સામે જ છે અને આ ખાડાખડબાના કાયમી ઉકેલ માટે હવે શિયાળા સુધી રાહ જ જોવી પડશે તેમ જણાય છે.

હાલારની હાલાકી અને સૌરાષ્ટ્રની સમસ્યાઓ છેક વિધાનસભા સુધી પડઘાયા છે અને તેના સંદર્ભે વિધાનસભા સંકુલ સુધી વિપક્ષોએ અવાજ ઉઠાવ્યો છે, તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા માર્ગોની મરામત, લોકોને રાહત અને પૂરગ્રસ્તોની મદદ માટે લેવાયેલા પગલાની વિગતો પણ અપાઈ રહી છે. આ બંને તરફના પ્રચાર-પ્રસાર વચ્ચે જનતાએ એ નક્કી કરવું પડે તેમ છે કે હકીકતે તંત્રો જનલક્ષી અને સમયોચિત કદમ ઉઠાવી રહ્યા છે કે કેમ ?

કોંગ્રેસે દ્વારકામાં જનસભા કરી અને તેમાં એન્ક્રોચમેન્ટ, લારી-ગલ્લા-પાથરણાવાળાના પ્રશ્નો તથા ભાજપ સંચાલિત નગરપાલિકા પર પ્રહારો કર્યા, તે પછી યાત્રાધામોમાં માળખાકીય સુવિધાઓની દૂર્દશા અને તંત્રોના તિક્કડમની ચર્ચા છેલ્લા ત્રણ-ચાર દિવસથી જોરશોરથી થઈ રહી છે.

જામનગરમાં તો રોડ પર પડેલા અમુક ખાડાઓમાં થીગડાં મરાયા, અને તે માટે ખાડાઓમાં નાખેલી કાંકરી (કપચી) તથા રેતીને કચરાની ગાડીમાં નાંખીને "વજન વધારવા"ના કથિત કારરસાનો વીડિયો વાયરલ થયો હોવાના અહેવાલો પછી જામ્યુકોના સંબંધિત વિભાગમાં હલચલ મચી ગઈ હોવાની વાતો પણ વહેતી થઈ હતી. આ પ્રકારના ભ્રષ્ટાચારની અંદર પણ ભ્રષ્ટાચાર અને ચોરનો ભાઈ ઘંટીચોર જેવા કટાક્ષો પણ પડઘાવા લાગ્યા છે.

ઘણાં પુલો પર પડેલા ખાડાઓ તથા હાઈ-વે તથા અન્ય મોટા માર્ગો પર આવેલા બ્રિજની મરામત માટે કરાયેલા ડાઈવર્ઝનોના માર્ગે પણ મસમોટા ખાડાઓ પડી જતા લોકોને પડતી હાલાકી ઉપરાંત વાહનોને નુકસાન તથા ઈંધણની બરબાદી જેવી પૂરક સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે, પરંતુ તંત્રો-શાસકોનું રૃંવાડું પણ ફરકતું નથી.

જામનગર કે હાલાર જ નહીં, રોડ પર ખાડાઓની મરામત, અને ડાયવર્ઝનની બદહાલીની સમસ્યા રાજ્યવ્યાપી છે અને રાજ્ય સરકાર હવે વચગાળાના ભ્રષ્ટાચારની તકો ઊભી કરતા થીગડા મારવાના બદલે તમામ માર્ગોનું મજબૂત નવીનીકરણ અને મજબૂતિકરણ કરે તે અત્યંત જરૂરી છે.

આશા રાખીએ કે નગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસા પછી જ્યારે પણ તમામ નુકસાન પામેલા માર્ગો-પૂલો-પૂલીયાઓની મરામત સાથે આધુનિકરણ થાય ત્યારે પૂર્ણ કક્ષાનો ભ્રષ્ટાચાર પણ નહીં થાય અને ભારે વરસાદ સામે ટકી રહે તેવા માર્ગોનું નિર્માણ થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh