Advertisement
Author: નોબત સમાચાર

ફરીદાબાદમાં ડોકટરના ઘરમાંથી ત્રણસો કિલો આરડીએકસ, એ.કે.૪૭, કારતૂસ કબજેઃ ધરપકડ

ગાંધીનગર-બનાસકાંઠા જિલ્લામાંથી ડો. સૈયદ સહિત ત્રણ શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા પછી હવે હરિયાણામાંથી ૫ણ અન્ય તબીબો ઝડપાતા સનસનાટીઃ દેશ વ્યાપી કાવતરૂ ?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦:        ગુજરાત પછી હરિયાણાના ફરીદાબાદમાંથી પણ આતંકીઓનું ષડયંત્રઃ ઝડપાયું છે, અને ત્યાંની એક ડોકટરના રૂમમાંથી ૩૬૦કેજી આરડીએકસ, એકે-૪૭, દારૂગોળો, કેમિકલ જપ્ત કરીને બે ડોકટરોની ધરપકડ થઈ છે. આ સંઘર્ષ ગુજરાત સહિત ૪ રાજ્યમાં તપાસ શરૂ થઈ છે. દેશ વ્યાપી કાવતરાની આશંકાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.

ગઈકાલે ગાંધીનગરમાંથી એટીએસએ ૩ આતંકી ઝડપી પાડયા હતા, અને  તેમની પાસેથી ૩ પિસ્તોલ, ૩૦ કારતૂસ અને કેમિકલનો જથ્થો મળ્યો હતો, જ્યારે આજે જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા. એ દરમિયાન આશરે ૩૬૦ કિલો આરડીએકસ, એક એકે-૪૭ ૮૪ કારતુસ અને દારૂગોળો અને કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે, જેથી શક્યતા છે કે આતંકીઓ કોઈ મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહૃાા હોય, જેથી ગુજરાત સહિત ૪ રાજ્યમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ ડોક્ટરનું નામ આદિલ અહેમદ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ૭ નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં તેની ધરપકડ કરી હતી. આદિલની પૂછપરછ ચાલી રહી છે અને તેણે ફરીદાબાદમાં વિસ્ફોટકો લગાવ્યા હોવાની કબૂલાત કરી છે. આદિલ અગાઉ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. તેણે ૨૦૨૪ માં ત્યાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેણે સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી. ડો. આદિલે આપેલી માહિતીના આધારે બીજા ડોક્ટર મુજાહિલ શકીલની ૭ નવેમ્બરના રોજ પુલવામા (કાશ્મીર) થી ધરપકડ કરવામાં આવી.

શકીલે ત્રણ મહિના પહેલાં જ રૂમ ભાડે લીધો હતો. દરોડા દરમિયાન ૧૦થી ૧૨ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ચાર રાજ્યઃ જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાત સાથેનાં જોડાણની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત થતી વિસ્તૃત વિગતો મુજબ રૂમ ભાડે લેતી વખતે ડો. શકીલે મકાનમાલિકને કહૃાું હતું કે તે ફક્ત પોતાનો સામાન ત્યાં રાખવા માગે છે. ત્યાર બાદ ઘણી બેગ ત્યાં મૂકવામાં આવી હતી. મકાનમાલિક કે બીજા કોઈએ પૂછ્યું ન હતું કે બેગમાં શું છે. અહેવાલ મુજબ, રૂમમાં ૧૪-૧૫ બેગ મળી હતી.

ડો. આદિલની ધરપકડ પછી અને તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ  હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ કાર્યવાહીએ દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો છે અને આતંકવાદી નેટવર્કના નવા જોડાણો તરફ ઈશારો કર્યો છે. માહિતીના આધારે કરવામાં આવેલા આ સંયુક્ત ઓપરેશનમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ખાસ ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહી આતંકવાદી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદ (એજીએચ)ની તપાસનો એક ભાગ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ ડોક્ટરો આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા. આમાંથી બે ડોક્ટરો, અનંતનાગનો રહેવાસી આદિલ અહેમદ રાથરની સહારનપુરથી અને પુલવામાનો રહેવાસી મુઝમ્મિલ શકીલની ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.જો કે, ત્રીજો ડોક્ટર હજુ પણ પોલીસની પકડમાંથી ફરાર છે.

પકડાયેલા ડોક્ટર આદિલ અહેમદ રાથરનું નામ અગાઉ પણ એક સનસનાટીભર્યા કેસમાં સામે આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ મેડિકલ કોલેજ ખાતે તેમના અંગત લોકરમાંથી એક એકે-૪૭ રાઇફલ મળી આવી હતી. આદિલ રાથેર કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે કાર્યરત હતા, પરંતુ તેમણે ૨૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

પ્રાથમિક તપાસ મુજબ, આદીલ અને તેના ડોક્ટર સાથીઓ આતંકવાદી સંગઠન એજીએચના નેટવર્કને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહૃાા હતા. એજીએચની રચના ૨૦૧૭માં હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર ઝાકિર મુસા દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠનનો હેતુ કાશ્મીરમાં શરિયા કાયદા હેઠળ ઇસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાનો અને ભારત સામે જેહાદ ચલાવવાનો છે.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરડીએકસ અને હથિયારોનો આટલો મોટો જથ્થો ફરીદાબાદ કેવી રીતે પહોંચ્યો અને આતંકવાદીઓ સાથે ડોક્ટરોની ચોક્કસ ભૂમિકા શું હતી. પ્રાથમિક તપાસમાં આ નેટવર્ક ઘણાં રાજ્યોમાં ફેલાયેલું હોવાનું સૂચવવામાં આવ્યું છે, અને એજન્સીઓ કાશ્મીર ખીણ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે તેના સંબંધો શોધી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા આઈએસઆઈએસના ત્રણ આતંકીને ગુજરાત એટીએસએ ગઈકાલે ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા ત્રણ આરોપી પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનું હતો. ઝડપાયેલા ત્રણેય ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંતથી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. હવે આ બન્ને સ્થળેથી મળેલા હથિયારો, આરડીએકસ તથા તબીબોની સંડોવણીને સાંકળીને દેશવ્યાપી તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને હજુ મોટા ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની સંભાવના જણાવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh