Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવવા ઉપરાંત ફરજમાં રૂકાવટ સહિતના ગુન્હાની નોંધ કરાઈઃ
ખંભાળિયા તા. ૨: ખંભાળિયામાં મંગળવારે એક શખ્સે વાહન અડી જવાની બાબતે હિન્દીભાષી શખ્સે સોનાના ચેઈનની લૂંટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી આ ફરિયાદ ખોટી રીતે કરવામાં આવી છે તેવી રજૂઆત કરવા માટે ગઈકાલે 'આપ'ના રાજ્ય પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખ સહિતના ૩૦થી ૩૫ વ્યક્તિઓ ખંભાળિયા પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં પોલીસની ફરજમાં રૂકાવટ કરવા ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ધક્કામૂક્કી, અરાજકતા ફેલાવવાના આરોપસર રાજ્ય પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિતના વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાયો છે. તેમાંથી ૧૮ની ધરપકડ કરાયા પછી મોડીરાત્રે જામીનમુક્તિ કરવામાં આવી હતી. આ બનાવે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે.
ખંભાળિયાના સાજીદ ઈશાક સુમરા નામના યુવાને વાહન અડકી જવાના મુદ્દે હિન્દી ભાષામાં બોલતા દીપક નામના શખ્સે બોલાચાલી કર્યા પછી સાજીદ પર હુમલો કર્યાની અને ગળુ દબાવી દઈ સોનાનો ચેઈન ઝૂંટવી લેવા ઉપરાંત વચ્ચે પડેલા શૌકત નામના યુવાનને પણ માર માર્યાની મંગળવારે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદના અનુસંધાને ગઈકાલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ તથા મૂળ ખંભાળિયાના વતની ઈસુદાન ગઢવી તેમજ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રામજીભાઈ પરમાર સહિતના ૩૦થી ૩૫ જેટલા કાર્યકરો પોલીસ મથકે આવ્યા હતા અને પીઆઈ ક્યાં છે, પીએસઆઈ ક્યાં છે તેમ પૂછી ફરિયાદ કરવા આવનાર વ્યક્તિને આરોપી બનાવી દો છો તેમ પૂછી દારૂ-જુગારના અડ્ડા ક્યા ચાલે છે તેનું લીસ્ટ અમારી પાસે છે, દરોડા પાડીશું તેમ કહીને લાઈવ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા ચકચાર જાગી છે.
ઉપરોક્ત વ્યક્તિઓ પોલીસ મથકે આવ્યા હોવાની વિગતો મળતા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વિસ્મય માનસાતા, એલસીબી પીઆઈ બી.જે. સરવૈયા, ખંભાળિયાના પીઆઈ નિકુંજ જોષી સહિતના અધિકારીઓ આવી પહોંચ્યા હતા. તેઓની સાથે ઈસુદાન ગઢવીએ બોલાચાલી કરી હતી. જેના પગલે એક તબક્કે પોલીસ મથકના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.
પોલીસ મથકમાં મચેલી બબાલ વચ્ચે ખંભાળિયાના પીએસઆઈ યુ.કે. જાદવે ખુદ ફરિયાદી બની ઈસુદાન ગઢવી તથા અન્ય ૧૮ વ્યક્તિ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ વ્યક્તિઓએ ગેરકાયદે મંડળી રચી પોલીસ મથકે ગયા પછી લૂંટના ફરિયાદીએ ખોટી ફરિયાદ દાખલ કર્યાનું જણાવી દબાણ ઉભુ કરી પોલીસની કામગીરીમાં બાધક બની વાહિયાત આક્ષેપો કરવા ઉપરાંત સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી મોબાઈલમાં સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને લાઈવ કરવા ઉપરાંત પોલીસ મથકમાં ધક્કામૂક્કી કરી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવી નાખી પીએસઆઈને ધક્કો મારી ખેરાજભાઈ કેશવભાઈ રૂડાચે ફરજમાં રૂકાવટ કર્યાનું અને પોલીસ સ્ટેશનમાં હુલ્લડ કર્યાનું જણાવાયું છે. આ વ્યક્તિઓ સામે બીએનએસની કલમ ૧૮૯ (૧), ૧૮૯ (ર), ૧૯૧ (ર), ૨૨૧, ૫૭, ૩૫૩ (ર), ૨૪૮ (ર), ૬૨ હેઠળ ગુન્હાની નોંધ કરવામાં આવી છે.
ત્યારપછી ખંભાળિયાના પીઆઈ જોષીએ આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈસુદાન ખેરાજભાઈ ગઢવી, જિલ્લા પ્રમુખ રામજીભાઈ જેઠાભાઈ પરમાર, ખેરાજભાઈ કેશવભાઈ રૂડાચ, ભારાભાઈ અરજણભાઈ કારીયા, રાજેશ નટવરલાલ ઈલાણી, શામજી કરશન ચાવડા, કિશોર કરશનભાઈ ચાવડા, આવળદાન માણસુર જામ, રમેશ ભીખાભાઈ હરીયાણી, ડાયાલાલ ધરમશી ચોપડા, કાનાભાઈ રામભાઈ જામ, કાંતિલાલ રૂડાભાઈ ચોપડા, વીરાભાઈ કારાભાઈ કંડોરીયા, નાથાભાઈ રાયાભાઈ કારીયા, રામભાઈ ખેતશીભાઈ ચાંગાણી, ગિરીશ મુળજીભાઈ પરમાર, ઘેલુભાઈ ભીખાભાઈ આંબલીયા, કેતન ધાનાભાઈ નંદાણીયા નામના ૧૮ વ્યક્તિની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી.
ઉપરોક્ત વ્યક્તિઓને મોડીરાત્રે જામીનમુક્ત કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના એક વખતના મુખ્યમંત્રીના પદના દાવેદાર એવા રાજ્ય પ્રમુખની કલાકો સુધી અટકાયત થઈ હોવા છતાં રાજ્યના આપના કોઈ મહત્ત્વના નેતા કે ધારાસભ્ય ખંભાળિયા ડોકાયા ન હતા. આ વ્યક્તિઓને સામાન્ય આરોપીઓની જેમ જમીન પર બેસાડીને રખાયા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગઈકાલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. ત્યારે જ ખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકા પંચાયત તેમજ દ્વારકા જિલ્લા પંચાયત, ખંભાળિયા અને જામરાવલની ચૂંટણીઓ પણ જાહેર થઈ છે. તે વેળાએ જ આપના રાજ્ય તેમજ જિલ્લા પ્રમુખ સહિતની સામૂહિક ધરપકડના બનાવથી આગામી ચૂંટણીના મતદાનમાં પણ તેના ઘેરા પડઘા પડે તેવી શક્યતા જોવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial