Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિંસક તોફાનો અંગે જેન-ઝેડ દ્વારા જવાબદારી ખંખેરી તકવાદીઓ પર દોષારોપણઃ ભારેલો અગ્નિ
કાઠમંડુ તા. ૧૦: નેપાળમાં ફેલાયેલી અંધાધૂંધી અને હિંસા અંગે યુનોએ ચિંતા વ્યક્ત કરી તપાસની જરૂર જણાવી છે. ત્યોર બીજી તરફ દેશ પર સેનાના નિયંત્રણ છતાં હજુ ઉચાટ છે. પ્રદર્શનકારીઓએ કેટલીક માંગણીઓ રજૂ કરીને હિંસા અંગે તકવાદીઓને જવાબદાર ઠેરવ્યા હોવાનું જાણવા મળે છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યુ છે. એક્સ પરની એક પોસ્ટમાં ગુટેરેસે આ ઘટનાઓની તપાસની માંગ કરી અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે સંયમ રાખવા કહ્યું, તેમણે વાતચીત દ્વારા ઉકેલ શોધવા પર ભાર મૂક્યો. ગુટેરેસે અધિકારીઓને માનવ અધિકાર કાયદાઓનું પાલન કરવા અને પ્રદર્શનકારીઓને જીવન અને સંપત્તિનું સન્માન કરીને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવા અપીલ કરી છે.
બીજી તરફ નેપાળમાં નેપાળી સેનાએ પીએમ ઓફિસ એટલે કે, સિંહ દરબાર અને સરકારના મુખ્ય સચિવાલય બિલ્ડિંગ પર કબજો જમાવ્યો છે. આ પહેલા અહીં પ્રદર્શનકારીઓએ ઈમારતોને આગ ચાંપી દીધી હતી. સેનાએ પ્રદર્શનકારીઓને દૂર કરીને ત્યાં નિયંત્રણ સ્થાપિત કર્યુ છે. આ ઉપરાંત પશુપતિનાથ મંદિરના દરવાજા તોડવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે સેનાએ પણ હસ્તક્ષેપ કર્યો હતો. નેપાળ સેનાએ મંગળવારે રાત્રે ૧૦ વાગ્યાથી સુરક્ષા વ્યવસ્થા સંભાળવાની જાહેરાત કરી હતી.
સેનાના જનસંપર્ક નિયામક દ્વારા એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, કેટલાક જૂથોએ આ પ્રદર્શનનો લાભ લઈ રહ્યાં છે, અને સામાન્ય નાગરિકો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યાં છે. સેનાએ ચેતવણી આપી હતી કે જો આવી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, તો હિંસા રોકવા માટે નેપાળ સેના સહિત તમામ સુરક્ષા તંત્રને તૈનાત કરવામાં આવશે. સેનાએ નાગરિકોને સહયોગ માટે અપીલ કરી અને વિનાશક પ્રવૃત્તિઓમાં સામેલ ન થવાની સલાહ આપી છે.
મંગળવારે નેપાળમાં હિંસક વિરાધ પ્રદર્શનો બાદ કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો કબજો સેનાએ લીધો. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર વિરોધ પ્રદર્શનોને કારણે નેપાળના તમામ એરપોર્ટ બુધવારે બપોરે ૧ર વાગ્યા સુધી બંધ રહેશે. વધતી અશાંતિ બાદ મંગવારે બપોરે ર વાગ્યાથી બધી ફલાઈટ સ્થગિત કરવામાં આવી હતી. મંગળવાર બપોરથી ફલાઈટ્સ સ્થગિત થવાને કારણે સેંકડો મુસાફરો નેપાળ અને વિદેશમાં ફસાયેલા છે. એર ઈન્ડિયાએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તેની છ ફલાઈટ્સમાંથી ચાર રદ્દ કરી છે. ઈન્ડિગો અને નેપાળ એરલાઈન્સે પણ તેમની ફલાઈટ્સ રદ્દ કરી છે.
નેપાળમાં વિરોધપ્રદર્શનો વચ્ચે જેન-ઝેડ જૂથોએ આ હિંસા અને તોડફોડથી પોતાને દૂર કર્યા છે, અને કહ્યું છે કે કેટલાક આતંકી જૂથો પોતાના ફાયદા માટે હિંસા કરી રહ્યા છે. આ તકવાદીઓ અને નિષ્ફળ નેતાઓનું કામ છે જે અમારા આંદોલનને બદનામ કરવા માંગે છે. આજે નેપાળમાં રાષ્ટ્રપતિ ચંદ્રમૌલીની હાજરીમાં નેપાળના સેના અને પ્રદર્શનકારી યુવાનો વચ્ચે ઔપચારિક વાતચીત થશે. જો કે, તેનો સમય હજુ નક્કી થયો નથી. પરંતુ ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવન, શિતલ નિવાસ ખાતે યુવા પ્રતિનિધિઓ અને સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલ વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી. આ પછી, આજે સવારથી ઔપચારિક વાતચીતની તૈયરીઓ કરવામાં આવી છે.
આ વાતચીતનો મુખ્ય એજન્ડા નાગરિક સરકારની રચના, સંસદ ભંગ કરવી અને નવી ચૂંટણીઓ યોજવાનો રહેશે. વિરોધ કરી રહેલા યુવાનો માંગ કરી રહ્યા છે કે પક્ષોને સત્તા પરથી દૂર કરવામાં આવે અને લોકોના નેતૃત્વમાં નવી સરકાર રચવામાં આવે. કાઠમંડુ મેટ્રોપોલિટન ચીફ બાલેન શાહે પણ સંસદ ભંગ કરવાની શરતે વાતચીતને ટેકો આપ્યો છે.
નેપાળના ચિતવન જિલ્લામાં ગઈકાલે રાત્રે પ્રદર્શનકારીઓએ જિલ્લા વહીવટી કાર્યાલય અને ચૂંટણી કાર્યાલયમાં આગ લગાવી દીધી. આગ એટલી ભીષણ હતી કે બુધવાર સવાર સુધી તેને બુઝાવી શકાઈ ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લા કોર્ટ અને સરકારી વકીલોની ઓફિસમાં પણ આગ લગાવવામાં આવી હતી. જેમાં ઘણાં દસ્તાવેજોનો નાશ થયો હતો. ભરતપુર અને અન્ય વિસ્તારોમાં મ્યુનિસિપલ અને વોર્ડ ઓફિસો પર પણ હૂમલો કરવામાં આવ્યો હતો. નેપાળી કોંગ્રેસ, યુએમએલ અને માઓવાદી સેન્ટરની ઓફિસો પર પણ આગ લગાવવામાં આવી હતી. સવારથી કાઠમાંડુ સહિતના મુખ્ય શહેરોમાં સેનાએ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સેનાએ લાઉડસ્પીકર દ્વારા લોકોને વિરોધ ન કરવા અને શાંતિ જાળવવા સહયોગ આપવા અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના વડાએ નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર ચિંતા વ્યક્ત કરી, તે ઉપરાંત ભારતના વડાપ્રધાન મોદી સહિતના કેટલાક વૈશ્વિક નેતાઓએ પણ નેપાળની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી ઝડપથી શાંતિ સ્થપાય તેવી આશા વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial