Advertisement
Author: નોબત સમાચાર

પૂજન-વાત્સલ્ય અને પ્રેમનો ત્રિવેણી સંગમ... આપણી વિવિધતામાં એક્તાનું અદ્ભુત દૃષ્ટાંત

શનિ-રવિના વિકેન્ડમાં આવશે અદ્ભુત ત્રિવેણી સંગમઃ

                                                                                                                                                                                                      

આપણે જન્મદિવસ, લગ્ન દિવસ તથા દિવંગતોની પુણ્યતિથિઓની ઉજવણી કરીએ છીએ, તેવી જ રીતે સંસ્થા, ગામ, શહેર કે દેશનો સ્થાપના દિવસ પણ ઉજવતા હોઈએ છીએ. આપણે ત્યાં શહીદોની યાદમાં શહીદ દિવસ પણ ઉજવાય છે અને કેટલાક દુર્ભાગ્યપૂર્ણ અને ગમખ્વાર દિવસોની વરસીના દિવસે પણ તે કરૂણાંતિકાઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ અપાતી હોય છે, અને અસરગ્રસ્તો કે પીડિતો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત થતી હોય છે. આપણે ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો, સપ્તાહો, પખવાડિયા કે વિશેષ માસની ઉજવણી થતી હોય છે, અને પરંપરાગત તહેવારો તથા વિશેષ પ્રસંગોને પણ સાંકળવામાં આવતા હોવાથી આપણે ત્યાં વિવિધાસભર પ્રવૃત્તિઓનો સંગમ કાયમ માટે રચાતો રહેતો હોય છે.

આ વર્ષ ૧૪ મી ફેબ્રુઆરી અને ૧પ મી ફેબ્રુઆરીના દિવસોમાં પણ આ જ પ્રકારના વિવિધાસભર વિશેષ દિવસોનો સંગમ રચાઈ રહ્યો છે, જેમાં કહીં ખુશી... કહીં ગમ...ની ભાવનાઓનું સંયોજન થઈ રહ્યું છે.

મહાશિવરાત્રિ

આ વર્ષે મહાશિવરાત્રિ ૧પ ફેબ્રુઆરીના દિવસે યોજાવાની છે, ત્યારે તેના મહાત્મય અને તેના સંદર્ભે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો-ઉજવણીઓ પર દૃષ્ટિપાત કરીએ...

માત્મયઃ મહા વાદ-ચૌદશના દિવસે મહાશિવરાત્રિ ઉજવાય છે, જે આ વર્ષે ૧પ મી ફેબ્રુઆરી-ર૦ર૬ ના દિવસે આવે છે. આ ઉજવણી ભગવાન શંકર અથવા શિવજી સાથે સંકળાયેલી છે, અને તે અંગે ભિન્ન ભિન્ન માન્યતાઓ, કથાઓ અને વિવરણો પ્રચલીત છે. ટૂંકમાં આ દિવસ શિવભક્તો માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય છે.

એવી માન્યતા છે કે, આ પવિત્ર રાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિલન થયું હતું, અને તેને ગૃહસ્થજીવન તથા સૃષ્ટિના સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. વૈરાગ્ય અને સંસારના સમતુલનનું પણ પ્રતીક મનાય છે.

શાસ્ત્રોનો સંદર્ભ આપીને એવું કહેવામાં આવે છે કે મહાશિવરાત્રિની સાથે ભગવાન શિવજી કરોડો સૂર્યની રોશની સાથે પ્રગટ થયા હતાં અને તેઓ શિવલીંગના સ્વરૂપમાં હતાં.

કેટલાક શાસ્ત્રાર્થીઓના મંતવ્ય મુજબ પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોક ગુઢાર્થમાં લખાયેલા છે. જેનું અર્થઘટન યોગ્ય રીતે થવું જોઈએ. મહાશિવરાત્રિએ શિવજીના પ્રાગટ્ય સાથે અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાન અને ચેતના જાગૃત થઈ હતી.

એક માન્યતા એવી પણ છે કે ભગવાન શંકરે જ્યારે પાપમાં ડૂબેલા દુનિયાના નવસર્જન માટે સૃષ્ટિના સંહાર માટે તાંડવનૃત્ય કર્યું હતું, તે જ મહાશિવરાત્રિની રાત હતી, જેને 'રૂદ્રતાંડવ રાત્રિ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વખતે મહાશિવરાત્રિ તા. ૧પ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી સુધી રહેવાની હોવાથી મોટાભાગના લોકો રવિવારે ૧પ ફેબ્રુઆરીના દિવસે ઉપવાસ કે વ્રત રાખશે, જ્યારે કેટલાક લોકો સોમવારે વ્રત રાખી શકે છે.

આવતીકાલે દેશભરના શિવાલયોમાં મહાશિવરાત્રિની ઉજવણી થશે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર, વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર, જૂનાગઢનું ભવનાથ મંદિર, દ્વાદશ જ્યોતિર્લિંગ, હરિદ્વારના નિલકંઠ મંદિર, કોટા નજીક ગેપરનાથ મહાદેવ, તામિલનાડુમાં અન્નામલાઈ મંદિર, પ. બંગાળમાં તારકેશ્વર, ઉપરાંત રામેશ્વરમ્ અને ગીરનારની તળેટીમાં મહાશિવાત્રિ મેળો, સોમનાથ અને નાગેશ્વરમાં વિશેષ ઉજવણીઓ થશે અને ત્યાં ભક્તિમેળો ઉજવાશે. આ માટે તંત્રોએ વિશેષ વ્યવસ્થાઓ કરી છે, અને ટ્રેનો-બસો-નજીકના એરપોર્ટ સુધીની ફ્લાઈટોમાં એડવાન્સ બુકીંગ થયા છે.

માતા-પિતા પૂજન દિવસ

આવતીકાલે માતા-પિતા પૂજન દિવસની ઉજવણી પણ ઘણાં લોકો કરવાના છે. આ પ્રકારની પવિત્ર ઉજવણીઓ ભલે ગમે ત્યારે થઈ હોય, કોઈપણ ઉદ્દેશ્યથી થઈ હોય કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાએ કરી હોય, પરંતુ હકીકતે આપણાં દેશની સંસ્કૃતિ તો જન્મથી મૃત્યુ સુધી પ્રત્યેક દિવસે માતા-પિતાને દરરોજ વંદન કરવાનું જ શીખવે છે ઘણાં મોટા મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકો પણ હંમેશાં માતા-પિતાને વંદન કરીને પોતાના દિવસની કે શુભકાર્યોની શરૂઆત કરતા હોવાના પણ ઘણાં દૃષ્ટાંતો છે. વર્તમાન ઝડપી યુગમાં દરરોજ વંદન કરવાનું કે સાથે રહેવાનું સંભવ ન હોય, તો પણ ઘણાં લોકો માતા-પિતાને મુખ્ય પ્રસંગો કે મહત્ત્વના દિવસોએ આશીર્વાદ લેવાતો જ હોય છે ને?

દિવંગત માતા અથવા પિતા અથવા બન્નેની તિથિ તો મનાવાતી જ હોય છે, પરંતુ જ્યાં સુધી માતા-પિતા જિવંત હોય, ત્યાં સુધી તેઓનું માન-સન્માન જાળવવું, તેઓની સેવા કરવી અને તેઓને માનભરી જિંદગી વ્યતિત કરવાનો ખ્યાલ રાખવો, એ જ માતા-પિતાનું એક સાચું પૂજન ગણાય. આ સંદેશનો વ્યાપક પ્રચાર કરવા અને પ્રાશ્ચાત્ય સંસ્કૃતિના વિશેષ દિવસોની સાથે આપણી સંસ્કૃતિના મહત્ત્વપૂર્ણ અને પવિત્ર દિવસોની ઉજવણીમાં સામેલ થવું, અને આપણી સંસ્કૃતિની પરંપરાઓ-આદર્શને અનુસરવું, એ આપણી પ્રાથમિક ફરજ પણ છે અને એ પ્રકારનો અભિપ્રાય જ આપણને સંતુલિત અને આદર્શ જીવનશૈલીને પ્રેરણાદાયી બની શકે છે.

વેલેન્ટાઈન્સ ડે

૧૪ મી ફેબ્રુઆરીના દિવસે યુવાવર્ગમાં જે ઉજવણી થાય છે, તે પણ એક સંત દ્વારા જ શરૂ થઈ છે. વસંત પંચમી અને માતા-પિતા પૂજન દિવસો ઉજવવાની પરંપરા પણ આપણે ત્યાં છે, અને એટલે જ આપણા દેશમાં વિવિધતામાં એક્તા તથા બહુસમાવેશી સંસ્કૃતિની અલગ જ પહેચાન દુનિયામાં પ્રસ્થાપિત થઈ છે.

હકીકતે ૭ મી ફેબ્રુઆરીથી ૧૪ મી ફેબ્રુઆરી સુધી ઉજવાતા વેલેન્ટાઈન વિકને રોમન સંત વેલેન્ટાઈન સાથે સાંકળવામાં આવે છે. સામાન્ય રીતે આ ઉજવણી પ્રેમી પંખીડાઓ માટે જ થાય છે, તેવી માન્યતા છે, પરંતુ હકીકતે આ દિવસે તમામ પ્રિયજનો પ્રત્યે સ્નેહ-પ્રેમ વ્યક્ત કરી શકાય છે, જેમાં આપણાં પરિવારજનો, માતા-પિતા તથા વડીલોનો પણ સમાવેશ થઈ જાય છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh