Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં શૌર્યવાન વીર યૌદ્ધા હુતાત્મા ભાણજીબાપુ દલ જાડેજાની ઘોડે સવારી સાથેની પ્રતિમાનું અનાવરણ

લાલપુર તાલુકા રાજપુત સમાજ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: લાલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા ગોવાણા ગામના વતની અને જુના નવાનગર રાજ્યના સૈન્યના સર સેનાપતિ શૌર્યવાન વીર યોધ્ધા અને વીરગતિ પ્રાપ્ત હુતાત્મા પૂજ્ય ભાણજી બાપુ દલ જાડેજા ની ઘોડે સવારી સાથેની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ તથા 'ક્ષત્રિય સમાજ સુવર્ણ ભૂતકાળથી ઉજજવળ ભવિષ્ય તરફ..' વિષય અંતર્ગત ચિંતન શિબિર યોજવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમ અંતર્ગત સવારે ૮ કલાકે લાલપુર સરદાર પટેલ ચોકમાં વિશાળ સંખ્યામાં રાજપૂત ભાઈઓ-બહેનો શોભાયાત્રા માટે એકઠ્ઠા થયેલ, રાજપૂત વિધાસભા અમદાવાદના પ્રમુખ અશ્વીનસિંહ સરવૈયા, લાલપુર તાલુકાના મેમાણા ગામના અને ગાંધીનગરમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા હનુમંતસિંહ જાડેજા તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનોએ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવીને તેઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતાં. આ શોભાયાત્રા દરમિયાન વિવિધ સમાજના આગેવાનોએ વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું પુષ્પવૃષ્ટિ કરીને સ્વાગત કર્યુ હતું.

૧૦:૩૦ કલાકે પૂર્વ સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, ઉત્તરપ્રદેશ સરકારના કૃષિ રાજયમંત્રી અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેશ પ્રતાપસિંઘ, પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, અમદાવાદના ધારાસભ્ય દિનેશસિંહ કુશવા, ગુજરાત રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના મહિલા વીંગના પ્રમુખ શ્રીમતી તૃપ્તીબા રાઓલ, સચ્ચીદાનંદ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શકિતસિંહ ચુડાસમા, જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પી. એસ. જાડેજા તેમજ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજની

વિવિધ સંસ્થાના આગેવાનો, યુવાન કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં ગોરક્ષનાથ આશ્રમ જુનાગઢના ગાદીપતિ પ.પૂ. મહંત પીરયોગી શેરનાથજી બાપુ તથા વૈદિક મિશન ટ્રસ્ટ પ્રાંસલના ૫.પૂ. આચાર્યશ્રી ધર્મબંધુજી મહારાજના કરકમલો દ્વારા પૂ. ભાણજીબાપુ દલજાડેજાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત હજારોની જનમેદનીએ પૂ. ભાણજીબાપુ દલ જાડેજા અમર રહોના ગગનભેદી નારાથી આ ઐતિહાસિક ક્ષણને વધાવેલ અને ડબાસંગ ગામની રાજપૂત સમાજના યુવાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. પૂર્વ સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, ઉત્તરપ્રદેશ સરકારના કૃષિ રાજયમંત્રી અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેશ પ્રતાપસિંઘના વરદ્ હસ્તે પૂ. ભાણજીબાપુ દલ જાડેજાના શૌર્ય અને પરાક્રમની યશગાથાનું વર્ણન કરતી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સર્વે મહેમાનો, વિશાળ સંખ્યામાં રાજપૂત સમાજ તેમજ વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો ભાઈઓ-બહેનોનું શાબ્દીક સ્વાગત પ્રવિણસિંહ જાડેજાએ કરેલ. આ સંમેલનમાં ૫.પૂ. મહંત પીરયોગી  શેરનાથજી બાપુ, પ.પૂ. આચાર્યશ્રી ધર્મબંધુજી મહારાજ, દિનેશ પ્રતાપસિંઘ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદના ધારાસભ્ય દિનેશસિંહ કુશવા, શક્તિસિંહ ચુડાસમા, પી. એસ. જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજા તથા ઝાલાવાડ રાજપૂત સમાજના પ્રમુખ ડો. રૂદ્રદતસિંહ ઝાલા દ્વારા રાજપૂત સમાજના પ્રશ્નો, સંઘર્ષો, પડકારોનો ઉકેલ લાવીને ઉજજવળ ભવિષ્ય નિર્માણ માટે ઉદ્બોધન કર્યું હતું.

આ સંમેલનમાં આગામી દોઢ-બે વર્ષમાં દ્વારકામાં કૃષ્ણવંશીય ક્ષત્રિય સમાજના બેનર હેઠળ સમસ્ત ભારત વર્ષના ક્ષત્રિયોનું મહા સંમેલન યોજવાની પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવેલ જેને ઉપસ્થિત વિશાળ જનમેદનીએ વધાવી લીધી હતી.

આ કાર્યક્રમનું રાજપૂત શક્તિ માસિકના સહતંત્રી અને જામનગર રાજપૂત સેવા સમાજના જોઈન્ટ સેક્રેટરી પ્રવિણસિંહ જાડેજા, એલ.આઈ.સી.ના ડેવલમેન્ટ ઓફિસર ઉત્પલભાઈ દવે અને જાણીતા મોટીવેશનલ સ્પીકર પી. એમ. જાડેજા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh