Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદીના બીલ પાસ કરાવવા માંગ્યું 'મહેનતાણું': પૈસા મળી ગયાનું કન્ફર્મેશન પણ આપ્યું!
જામનગર તા. ૩: જામનગરમાં કેન્દ્ર સરકારની એક કચેરીમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા એક અધિકારીએ એક કોન્ટ્રાક્ટરના રજૂ થતાં બીલ મંજૂર કરવા માટે લાંચ માંગ્યા પછી લાંચ-રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ગઈકાલે એસીબી સ્ટાફે ગોઠવેલા છટકામાં આ અધિકારી રૂ।.૪ લાખ ૫૨ હજારની લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. આ અધિકારીએ તે રકમ મળી ગયાનંુ ફરિયાદીને મોબાઈલ પર જણાવી કબૂલાત પણ કરી હતી. ગુન્હો નોંધી એસીબી ટીમે આ અધિકારીની ધરપકડ કરી લીધી છે. પ્રાંત અધિકારીના રહેણાંક સહિતના સ્થળોએ ચકાસણી કરવા માટે તજવીજ કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારના બાંધકામ વિભાગ-સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં મદદનીશ ઈજનેર તરીકે નોકરી કરતા વિજય બાબુલાલ મીણા નામના અધિકારીએ એક આસામી પાસે રૂ।.૪ લાખ પર હજારની લાંચ માંગ્યાની એન્ટી કરપ્શન બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી ગઈકાલે રાજકોટ સ્થિત એસીબી કચેરીના ઈન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના માર્ગદર્શન હેઠળ જામનગર તથા રાજકોટ એસીબીના સ્ટાફે પીઆઈ આર.એન. વિરાણીના વડપણ હેઠળ છટકુ ગોઠવ્યું હતું.
જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટની કચેરીમાં ઉપરોક્ત છટકુ ગોઠવાયા પછી એસીબી દ્વારા સમજાવવામાં આવેલી વિગત મુજબ એક વ્યક્તિ રૂ।.૪ લાખ પર હજારની રોકડ લઈને તે કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં આ શાખાના ઈલેકટ્રીક વિભાગના મદદનીશ ઈજનેર વિજય બાબુલાલ મીણા ઉપરોક્ત રકમ સ્વીકારી લીધા પછી જે વ્યક્તિએ પૈસા મોકલાવ્યા હતા તેની સાથે મોબાઈલમાં રકમ મળી ગયાનું જણાવતા હતા ત્યારે જ એસીબી ટીમ પ્રગટ થઈ હતી અને આ અધિકારીને દબોચી લેવાયા હતા.
આ અધિકારીની લાંચ માંગવા, સ્વીકારવાના કેસમાં વિધિવત ધરપકડ કરવામાં આવ્યા પછી જાહેર કરાયેલી વિગતો મુજબ જે વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ નોંધાવી છે તે વ્યક્તિના મિત્રને જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ ગામના પાટીયા પાસે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ડબલ્યુએચઓ દ્વારા સંયુક્ત રીતે નિર્માણ કરવામાં આવી રહેલા દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઈલેકટ્રીકની કામગીરી કરવા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામમાં આવેલા બીએસએફ મરીન તાલીમ કેન્દ્રમાં ઈલેકટ્રીક સામાન ફીટ કરવાનો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયો છે.
તે કોન્ટ્રાક્ટ અંતર્ગત કરાયેલી કામગીરીના રજૂ કરાતા બીલ મંજૂર કરાવવા માટે ઉપરોક્ત કચેરીમાં જતા હતા. તે બીલ મંજૂર કરી આપવા માટે સેન્ટ્રલ પબ્લીક વર્કસ ડિપાર્ટમેન્ટની ઈલેકટ્રીક શાખાના મદદનીશ ઈજનેર વિજય બાબુલાલ મીણાએ લાંચ માંગી હતી. તે રકમ આપવા ન ઈચ્છતા વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યા પછી ફરિયાદ નોંધાવી હતી અને તેના પગલે છટકુ ગોઠવાયું હતું. જેમાં એસીબી સ્ટાફના હાથમાં ઉપરોક્ત અધિકારી લાંચ લીધા પછી ઝડપાઈ ગયા હતા. તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને વિવિધ સ્થળોએ ચકાસણી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial