Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમ તૂટે એટલે ચરિત્રહીન?

                                                                                                                                                                                                      

'બાત નિકલેગી તો ફીર દૂર તલક જાયેગી

લોગ બેવજહ ઉદાસી કા સબબ પૂછેંગે...

યે ભી પૂછેંગે કે તુમ ઈતની પરેશા ક્યું હો.'

એક યુવતીના બ્રેકઅપ પછી તેની સહેલી તેને સલાહ આપે છે કે તારા પ્રેમ વિશે, પ્રેમી વિશે, બ્રેકઅપ વિશે કંઈ ન બોલતી, ચૂપ રહેજે... નહી તો દુનિયા તારા તરફ આંગળી ચીંધશે અને એ આંગળીઓથી તારા એક એક જખમમાં ફરીથી લોહી આવશે... આ લોકો તને દરેક વખતે એકના એક સવાલ કરશે, તારી ઉદાસી, તારૃં દુઃખ તને ભૂલવા નહી દે.. સખી.. આ દુનિયા બહુ જાલીમ છે, તને નાની નાની વાતોમાં મહેણાં મારશે. કંઈ નહી હોય તો પણ તારી આગળ તારા પ્રેમનું નામ લેશે અને ક્યારેક તું હોઈશ ત્યાં તેની વાત નીકળશે અથવા એ આવશે ત્યારે દરેકની નજર તારા ઉપર જ હશે, પણ તું મક્કમ રહેજે. કોઈ દલીલ ન કરતી... તને લોકો ચરિત્રહીન કહેશે... લફરાબાજ કહેશે... ચાલુ કહેશે... પણ તું હિંમત રાખજે... કારણ કે બાત નિકલેગી તો ફીર દૂર તલક જાયેંગી...

જેમણે જેમણે જગજીતસિંહની આ ગઝલ સાંભળી હશે અને જેના બ્રેકઅપ થયા હશે તે દરેકની આંખમાં આ સાંભળ્યા પછી આંસુ હશે જ...

આ ગઝલ સાંભળીને મને હંમેશાં એક વિચાર આવે છે કે પ્રેમ સંબંધ તૂટ્યા પછી લોકો સ્ત્રી પર જ કેમ આંગળી ઉઠાવે છે?  કેમ તેના ચહેરાની ઉદાસીને જ જોવે છે? કેમ તેના હતાશાભર્યા ચહેરા, મેકઅપ વગરનો દેખાવ અને વિખરાયેલા વ્યક્તિત્વને જ ટાર્ગેટ બનાવે છે? બ્રેકઅપ તો બે વ્યક્તિ વચ્ચે થયું છે ને? પુરૂષને પણ બ્રેકઅપની અસર થઈ જ હશે ને? કેમ પુરૂષની વધેલી દાઢી કે ઈસ્ત્રી વગરના કપડા ઉપર નજર નથી કરતા? સ્ત્રીની રડી રડીને સુઝી ગયેલી આંખો જોવે છે, તો પુરૂષની રડી ન શકેલી આંખ કેમ કોઈ જોતું નથી? બ્રેકઅપ બંનેનું થયું. પ્રેમમાં બંને હતા, બંનેએ એકસરખો જ સંબંધ એકબીજા સાથે વિતાવેલો હતો, તો પછી બ્રેકઅપ પછી કેમ સ્ત્રીને જ સવાલ પૂછવામાં આવે છે? કેમ સ્ત્રીને જ મેણાટોણા, શંકાનો સામનો કરવો પડે છે? કેમ સ્ત્રી જ ચરિત્રહીન? પુરૂષનું શું? પણ... આ સમાજ તો...

હમણાં એક બેન સાથે વાત થઈ, તે બેન તેની જૂની સહેલીની વાત કરતા હતા કે સહેલીના લગ્ન નથી થયા, કારણ કે કોલેજ સમયે તેની સહેલી લફરાબાજ હતી.. તે બેન એટલા હસી હસીને વાત કરતા હતા કે 'તેને તો કોલેજમાં પ્રેમ હતો, છોકરા સાથે રખડતી હતી, કોલેજ બેઉ કરતી હતી. પછી લગ્ન ન જ થાય ને...' એ બેનને એવી જ આદત કે જેના વિશે વાત કરે એ દરેકના પ્રેમસંબંધની વાત કરે જ... અને તે દરેક સ્ત્રી તેના માટે બદચલન... મને એ નથી સમજાતું કે પ્રેમમાં પડેલી સ્ત્રી બદચલન કેમ હોય? અને તે બદચલન હોય તો પ્રેમમાં પડેલા પુરૂષને શું કહેવાય? પુરૂષ પ્રેમમાં હોય તો તે શોખ અથવા 'તે તો એવો જ છે' એમ કહી દે.. અને સ્ત્રી પ્રેમમાં પડે એટલે ચરિત્ર ખરાબ?? આવું કેમ? સ્ત્રીને પ્રેમ કરવાની છૂટ નથી? સ્ત્રીનો પ્રેમ પ્રેમ નથી? તે બદચલન છે? બદચલન સ્ત્રીને પ્રેમ કરનાર પુરૂષ બદચલન નથી? પણ આપણે ત્યાં બધાને વાત લાંબી ખેંચવામાં બહુ મજા આવે છે, કોઈના વિશે, ખાસ કરીને તો સ્ત્રીના ચરિત્ર વિશે વાત કરવાની હોય એટલે ઉછળી ઉછળીને બોલે. પ્રેમમાં પડેલી અથવા બ્રેકઅપ થયેલી સ્ત્રીના ચરિત્રને સર્ટીફાઈટ કરવાની સત્તા લલ્લુ-પંજુ-લફંગાઓ કે રસ્તે ચાલતા દરેક લોકોને જાણે મળી જાય છે. તેમાં પણ જેને તેના પ્રેમ વિશે, પ્રેમી વિશે, થોડી જાણકારી હોય તો તે ઉછળી ઉછળીને બધી વાત જાહેર કરી દે છે, પછી જ્યારે તે સ્ત્રી સામે આવે ત્યારે બધાને બતાવે કે 'જો આ... હું વાત કરતી હતી તે...' બસ જાણે સ્ત્રીના માથા પર બદચલનનું લેબલ લગાડવાનું જ બાકી રાખે છે. મારો સવાલ એ છે કે, પ્રેમ કરવાથી કોઈ બદચલન થઈ જાય? પ્રેમી સાથે અંગત પળો માણી હોય એટલે તે ચરિત્રહીન? તેણે તો પ્રેમીનો વિશ્વાસ કર્યાે હતો ને? બ્રેકઅપ થયું તેમાં તેનો શું વાંક? તેના વિશ્વાસને બદલે તેને બદચલનનું વિરૂદ આપી દેવાનું? એક સંબંધ તૂટે એટલે તે જીવવાનું છોડી દે? એકવાર પ્રેમમાં બ્રેકઅપ પછી બીજીવાર પ્રેમ કરે તો પણ બધા એમ જ કહે કે, ' એકથી કંઈ શીખવા નથી મળ્યું કે બીજીવાર પ્રેમ કરવા નીકળી?' કોઈ પુરૂષ સ્ત્રીને છોડી દે એટલે તે બદચલન? તેણે જીવવાનું સ્ત્રીને પ્રેમ નહી કરવાનો? ચુપ રહેવાનું??

..અને સ્ત્રી બદચલન એટલે શું? તેને શું થાય? શું તેને સૂર્યપ્રકાશ ન મળે? શું હવા તેને ઠંડક નથી આપતી? શું ભગવાન તેની વાત માનતા નથી? શું તે માતા નથી બની શકતી? શું તેની ગતિવિધિ બદલાઈ જાય? બદચલન-ચરિત્રહીન એટલે શું? એ તો આપણા સમાજે આપેલા બિરૂદ છે, તેનાથી કુદરતની કૃપામાં ફેર નથી પડતો.. અને જો સ્ત્રી બદચલન હોય અને તેની સાથે આવું બધું થતું હોય તો બ્રેકઅપ પછી પુરૂષની જિંદગી પણ બદલાઈ જાય? તે નોકરી ન કરી શકે? તેની આવડત ખતમ થઈ જાય? તે સફળ ન બની શકે?

ખરેખર તો તૂટી ગયેલો પ્રેમ સ્ત્રી હોય કે પુરૂષ બંનેને હતાશ બનાવે છે, બંનેને ઉદાસ બનાવે છે,  થોડા સમય માટે બંનેને એવું લાગે છે કે જીવનમાંથી રસ ઊડી ગયો છે, બંનેનું જીવન થોડા વખત માટે બદલાઈ જાય છે, બંનેની આંખો રડે છે, બીજીવાર ભરોસો કરતા ડરે છે, આવું બધું થાય છે, પણ બદચલન તો નથી જ... એક સમયે પ્રેમમાં પડેલી સ્ત્રી કે પુરૂષ એક સંબંધમાં રહીને બીજા વ્યક્તિ સાથે અફેર કરે, ડેટ કરે તો તેને વિશ્વાસઘાત કહેવાય અને તેની માફી ન હોય. પણ પ્રેમમાં જોડાવવું અને પ્રેમમાંથી છૂટા પડવું એ બંનેનો અંગત નિર્ણય છે, પછી એ પ્રેમલગ્ન સુધી લઈ જનારો હોય કે લગ્ન પહેલાં છૂટો પડેલો હોય કે ત૫તા જીવનમાં રાહત આપનારો હોય... પ્રેમ ક્યારેય બદચલન નથી, પ્રેમમાં પડેલા ક્યારેય બદચલન નથી હોતા.. પણ આ સમાજ છે ને... બાત નીકલેગી તો બહોત દૂર તલક જાયેંગી...

પ્રેમ અદ્ભુત અનુભૂતિ છે, પ્રેમમાં ઉંમર નથી જોવાતી.. સ્ત્રી કે પુરૂષ અઢારના હોય, આડત્રીસના હોય કે અઠ્ઠાવનના... પ્રેમ હંમેશાં ખુશી જ આપે છે... આવડી મોટી દુનિયામાં કોઈ એક વ્યક્તિ ગમી જાય પછી તેનું બધું જ ગમવા લાગે. પ્રેમ હંમેશાં તાકાત આપે છે, લાચારી નહી.. પ્રેમની ક્ષણો બંનેની છે. આ પ્રેમ તૂટે ત્યારે સાથે જીવાયેલી પળોને સાચવવાની જવાબદારી બંનેની છે. તેને સમાજમાં ઉછાળવાનો હક્ક નથી અને આ સંબંધ પર બોલવાનો સમાજમાંથી કોઈને હક્ક નથી.. પણ આ સમાજ છે ને.. બાત નિકલેગી.

પ્રેમ કરતી વખતે સમાજને પુછવા નથી જવાનું, ત્યારે સમાજનો ડર નથી લાગતો, તો પ્રેમ તૂટે તો સમાજને કહેવાની શું જરૂર? તેના પર બોલવાનો સમાજને શું હક્ક? પ્રેમ બે વ્યક્તિ વચ્ચે હોય ત્યારે પણ સમાજને ચિંતા અને બ્રેકઅપ થાય ત્યારે પણ સમાજને ચિંતા... બંને સમયે સમાજ તો બોલે જ છે... પણ બદચલનનું બિરૂદ સ્ત્રીને જ મળે છે એ કેમ? લોકોની નજરમાં ઉપહાસ કે તિરસ્કાર કેમ આવી જાય છે? બ્રેકઅપની વાત કરવામાં તો લોકોને જાણે કેટલો આનંદ મળે છે કે જાણો નવી ઉર્જા મળી ગઈ.. બ્રેકઅપની વાત ગમે તેટલા વર્ષ પહેલાની હોય, પણ એવી રીતે કહે કે જાણે હજી કાલની જ વાત... શું સ્ત્રીની કોઈ વાત, કોઈ આઘાત, સમાજ ભૂલવા નહી દે? તેને હંમેશાં ગિલ્ટ ફીલ કરાવશે? તેને હંમેશાં એવું જ સમજાવશે કે આ સંબંધમાં તેની ભૂલ હતી? શું તેને આવા આઘાતમાંથી બહાર નીકળવાનો હક્ક નથી? પણ.. બાત નિકલેગી...

આ બધાનો એક જ ઉપાય છે કે જ્યારે કોઈ આપણા વિશે ખરાબ-નીચી-હલકી વાત કરે તો તે સમયે જ જવાબ આપી દેવો... યાદ રાખો બ્રેકઅપથી ચરિત્રહીન નથી થવાતું...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh