Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘણાં જિલ્લાઓમાં વરસાદનું રેડએલર્ટઃ તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા કરી અપીલઃ પુલ તૂટ્યોઃ અનેક ટ્રેનો રદ્દઃ પરિવહન ઠપ્પ
નવી દિલ્હી તા. ર૭: વૈષ્ણોદેવી યાત્રાના રૂટ પર જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે ૩૧ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે, જ્યારે ઘણાં લોકો ગૂમ થયા હોય, મૃતાંક સતત વધી રહ્યો છે. રેલવે વ્યવહાર તથા પરિવહન ઠપ્પ છે. યાત્રા સ્થગિત કરાઈ છે. હજુ પણ વરસાદનું રેડએલર્ટ હોય, લોકોને સતર્ક કરાયા છે.
ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના લીધે અત્યાર સુધીમાં માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભૂસ્ખલનને કારણે ૩૧ શ્રદ્ધાળુઓના મોત થયા. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંગળવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઈન્દ્રપ્રસ્થ ભોજનાલય નજીક સર્જાઈ હતી. જે લગભગ ૧ર કિ.મી. લાંબા પગપાળા માર્ગની વચ્ચે આવેલો હિસ્સો છે.
રિયાસીના એસએસપી પરમવીર સિંહે પુષ્ટિ કરતા કહ્યું કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને ઘણા શ્રદ્ધાળઓ તેમાં ફસાઈ ગયા હતાં. આ દુર્ઘટના બાદ તરત જ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
સેનાએ માહિતી આપી હતી કે, તેના સૈનિકોને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અમે સતત જીવ બચાવવા, જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડવા અને નાગરિકોને સલામત સ્થળોએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ."
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં અનંતનાગ, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રામબન, ઉધમપુર, રિયાસી, રાજૌરી, જમ્મુ, સાંબાનો સમાવેશ થાય છે. વહીવટી તંત્રે લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી માતા વૈષ્ણોદેવી દર્શન માટે જઈ રહ્યાં હતાં. ભૂસ્ખલન પછી બીજો આદેશ થાય ત્યાં સુધી વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરાઈ હોવાનું જાણવા મળે છે.
ગઈકાલે મોડી રાત સુધી ૭ લોકોના મોતના અહેવાલ હતા, પરંતુ સવારથી આ સંખ્યા વધતી રહી છે. મોટા પથ્થરો, ઝાડ અને કાટમાળ નીચે દટાયેલા હોવાથી વધુ નુકસાન થયું હતું.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, મોટા પથ્થરો અચાનક પડવા લાગ્યા અને બધું જ એક ક્ષણમાં નાશ પામ્યું લાગ્યું હતું. વહીવટીતંત્રનું કહેવું છે કે, ર૩ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણાં ગુમ છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે. હાલમાં, આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
જમ્મુ શહેરમાં ર૪ કલાકથી ઓછા સમયમાં ૯.૮ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘર અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઉત્તર રેલવેએ જમ્મુ-કટરાથી દોડતી અને આજે અહીં રોકાતી રર ટ્રેનો પણ રદ્દ કરી છે. આ ઉપરાંત ર૭ ટ્રેનોને ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી છે. જો કે, કટરા-શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા ચાલુ છે.
એક યાત્રિકે આ અંગે આપવિતી વર્ણવતા કહ્યું હતું કે, "હું અને મારો આખો પરિવાર સાથે જઈ રહ્યાં હતાં. મારા બાળકો અને પત્ની આગળ ગયા પછી એક પથ્થર ખૂબ જ જોરથી પડ્યો. અમે કંઈ સમજી શક્યા નહીં. હવે અમારા બાળકોનો કોઈ પત્તો નથી. અમે ડરી ગયા છીએ. અમારૃં બધું એક ક્ષણમાં નાશ પામ્યું."
બીજા એક વ્યક્તિએ કહ્યું, "હું પાછળ હતો. મારી સાથે આવેલા ૬ લોકો મારાથી આગળ હતાં. અન્ય ૧૦૦ થી વધુ લોકો આગળ હતાં. હું હજુ પણ ધ્રૂજી રહ્યો છું. મારી સાથે આવેલા લોકો વિશે હજુ કોઈ સમાચાર નથી."
એક મહિલાએ કહ્યું, "અમે માતા રાણીના મંદિરે જઈ રહ્યાં હતાં. અમને કંઈ સમજાયું નહીં. હું અને મારા પતિ બચી ગયા પણ મારા ત્રણ બાળકો દટાઈ ગયાં. આ બધું જ ખૂબ જ ઝડપથી થયું"
પંજાબના મોહાલીના રહેવાસી કિરણે કહ્યું, 'હું દર્શન કર્યા પછી ટેકરી પરથી નીચે આવી રહી હતી ત્યારે અચાનક લોકોએ બૂમો પાડવાનું શરૂ કર્યુ, મેં પથ્થરો પડતા જોયા, હું કોઈક રીતે સલામત સ્થળે દોડી ગઈ, પણ ઘાયલ થઈ ગઈ' કિરણ સાથે આવેલી બીજી એક મહિલાએ કહ્યું, 'અમે એક જૂથમાં પાંચ લોકો હતા, જેમાંથી ૩ ઘાયલ છે.'
રદ્દ કરાયેલી રર ટ્રેનોમાંથી ૭ કટરા (વૈષ્ણોદેવી ધામનો બેઝ કેમ્પ) અને એક જમ્મુથી હતી. બાકીની ટ્રેનો કટરા, જમ્મુ અને ઉધમપુર પહોંચવાની હતી. આ દરમિયાન ર૭ ટ્રેનોને ફિરોઝપુર, માંડા, ચક શખવાલા અને પઠાણકોટમાં ટૂંકા ગાળા માટે રોકવામાં આવી છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પઠાણકોટ-કાંગરા રેલવે ટ્રેક પણ પ્રભાવિત થયો છે. અહીં ચક્કી નદીમાં પૂર આવ્યું છે. આના કારણે પઠાણકોટ-કંદોરી (હિમાચલ પ્રદેશ) વચ્ચેની રેલ સેવા પણ બંધ થઈ ગઈ છે. જો કે, કટરાથી શ્રીનગર સુધીનો રેલ માર્ગ કાર્યરત છે.
જમ્મુમાં તાપી નદી પરના પુલ પાસે રસ્તો ધોવાઈ ગયો હતો. આ અકસ્માતમાં ઘણા વાહનો પડી ગયા હતાં. પોલીસ બચાવ માટે પહોંચી હતી. મંગળવારે વાદળ ફાટવાના કારણે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ઘણી જગ્યાએ અચાનક પૂર આવ્યું હતું. તેમાં ૧૦ થી ૧પ ઘરો ધોવાઈ ગયા હતાં.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જમ્મુ-શ્રીનગર અને બટોટ-કિશ્તવાડ સહિત ઘણા રસ્તાઓ અને ઘણા રાષ્ટ્રીય ધોરી માર્ગો બંધ છે. બુધવારે બધી શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રહેશે. જમ્મુ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. નેટવર્કના અભાવે ફોન કોલ્સ થઈ રહ્યાં નથી.
વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં પણ તબાહી
મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ વચ્ચે બુધવારે સવારે પાલધર જિલ્લાના વિરાર પૂર્વમાં એક ચાર માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી જેમાં ત્રણ લોકોના મોત થયા અનતે ૯ લોકો ઘાયલ થયા. લગભગ ૮ થી ૧૦ લોકો હજુ પણ ફસાયેલા છે. બચાવ કામગીરી ચાલુ છે. રમાબાઈ એપાર્ટમેન્ટ નામની આ બિલ્ડીંગમાં લગભગ ૧ર પરિવારો રહેતા હતાં.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુના નદીના વધતા જળસ્તરને કારણે ડઝનબંધ ઘરો અને હોટલો પહેલા માળ સુધી પાણીમાં ડૂબી ગયા છે. હિમાચલ પ્રદેશમાં, મંગળવારે કુલ્લુ-મનાલી અને મંડીમાં રેસ્ટોરાં અને ર૦ થી વધુ ઘરો અને દુકાનો બિયાસ નદીમાં ડૂબી ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial