Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ ગુન્હામાં ધરપકડના બદલે પહેલા લેવાયું અટકાયતી પગલું:
જામનગર તા. ૨: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાના મકાનમાં ઘુસી જઈ બે શખ્સે તોડફોડ કરી મકાન ખાલી કરી નાખવાની ધમકી આપી હતી. તેની ફરિયાદ આ મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને આ શખ્સે એક વકીલ સાથે અન્યના ફોનમાંથી વાત કરાવી હોવાનું લખાવ્યું હતું. પોલીસે એક કહેવાતું રેકોર્ડિંગ કબ્જે કર્યું હતું તે પછી આ વકીલની મોડી રાત્રે તેમના ઘરેથી અટકાયત કરી લોકઅપમાં બેસાડી દેવાતા મામલો ઉગ્ર બન્યો છે. તટસ્થ તપાસ વગર પોલીસે વકીલની ધરપકડ કર્યાનો આરોપ મુકી વકીલમંડળ કાળજાળ બન્યું છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક મહિલાના મકાનમાં ઘુસી જઈ થોડા દિવસો પહેલા કુખ્યાત દિવ્યરાજ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોન તથા બલભદ્રસિંહ પાથુભા જાડેજા ઉર્ફે ડુંગા નામના શખ્સોએ તોડફોડ મચાવી પતાવી દેવાની ધમકી આપી મકાન ખાલી કરી નાખવા ધમકાવ્યા હતા તેવી ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
આ કેસમાં ફરિયાદી મહિલાએ જણાવ્યા મુજબ દિવલા ડોનએ કોઈના મોબાઈલમાંથી એન.એન. નામના વકીલ સાથે વાત કરાવી હતી તેથી પોલીસે જામનગરના વકીલ નિર્મળસિંહ એન. જાડેજાની રાત્રીના સમયે તેમના ઘરેથી અટકાયત કર્યા પછી લોકઅપમાં મુક્યા હતા. આ મુદ્દે વકીલો તથા પોલીતંત્ર આમને-સામને આવી ગયા હોય તેવું ચિત્ર સર્જાયું છે.
આ વકીલનું નામ જે તે વખતે જાહેર થયા પછી જામનગર વકીલમંડળના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ અન્ય હોદ્દેદારો તત્કાલીન એસ.પી.ને મળવા માટે ગયા હતા અને આ ફરિયાદની તટસ્થ તપાસ યોજવા અને જો તેમાં વકીલની સંડોવણી ખૂલે તો તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું, તે પછી સિટી બી ડિવિઝન પોલીસે રાત્રે બે વાગ્યે વકીલ નિર્મળસિંહ જાડેજાની તેમના ઘરેથી અટકાયત કરી હતી તેથી આ મુદ્દો ગરમાયો છે.
ગઈકાલે ઉપરોક્ત પ્રશ્નો અંગે ન્યાયાલયના વકીલખંડમાં જામનગર વકીલમંડળની મળેલી બેઠકમાં વકીલોએ એક સૂરે પોલીસના પગલાને વખોડી કાઢયું હતું. જેમાં જણાવવામાં આવ્યા મુજબ એક વકીલને આરોપી બનાવાયા તેની સામે વકીલોને કોઈ વિરોધ નથી પરંતુ તટસ્થ તપાસ વગર એક વકીલ સાથે હાર્ડકોર ગુન્હેગાર જેવું વર્તન કરાયું, તેને વખોડી કાઢવામાં આવ્યું હતું.
તે ઉપરાંત વકીલ નિર્મળસિંહની રાત્રે બે વાગ્યે અટકાયત કરવામાં આવ્યા પછી તેઓને લોકઅપમાં બેસાડ દેવાયા હતા અને ત્રણ વાગ્યે તેઓને ૧૫૧ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયુ હતું તેથી પણ વકીલ મિત્રોમાં રોષ પ્રસર્યો છે. વકીલોના જણાવવામાં આવ્યા મુજબ જે તે ગુન્હામાં આરોપીની ધરપકડ કરવામાં આવે તે પછી તેની સામે ૧૫૧ હેઠળ અટકાયતી પગલું ભરવામાં આવે છે. આ કિસ્સામાં પોલીસે જે તે ગુન્હામાં આરોપી વકીલની ધરપકડ કરવાને બદલે અટકાયતી પગલું ભર્યું છે.
ગઈકાલે જામનગર વકીલ મંડળની મળેલી બેઠકમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સિનિયર એડવોકેટ અને ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદાર મનોજભાઈ અનડકટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુદ્દે હાઈકોર્ટમાં લડત આપવાની વિચારણા થઈ રહી છે. તે દરમ્યાન કોર્ટ કાર્યવાહી અન્વયે કોર્ટમાં આવેલા પી.આઈ. પી.પી.ઝા ને ઘેરવાનો પ્રયત્ન થયો હતો. જેના પગલે સિટી બી ડિવિઝન તથા એલસીબીના સ્ટાફે ધસી જઈ સમજાવટ કરી હતી અને મામલો થાળે પાડયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial