Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણે આપણાં નગર કે જિલ્લામાં માર્ગો પર ખાડાઓ કે તૂટેલા જોખમી પુલોની ફરિયાદો કરતા રહીએ છીએ અને તદ્વિષયક ચર્ચાઓ પણ થતી રહે છે, પરંતુ આ સમસ્યાઓથી રાજ્યનું પાટનગર કે દેશની રાજધાનીના આજુબાજુના વિસ્તારો પણ બાકાત નથી અને અમદાવાદમાં પડતા ભુવાઓ (ઊંડા ખાડાઓ) તો દેશભરમાં કૂખ્યાત છે.
શનિવારે દેશની રાજધાની દિલ્હીથી ચાલીસેક કિલોમીટર દૂર આવેલા ગ્રેટર નોઈડામાં એક આશાસ્પદ સોફટવેર એન્જિનિયરનું એક નિર્માણાધિન ઈમારતના બેસમેન્ટમાં ઊંડા ખાડામાં તેમની કાર પડી જતા મૃત્યુ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં સ્થાનિક તંત્રોની લાપરવાહી અને બચાવની કામગીરી હાથ ધરવાના આક્ષેપો થયા પછી આ મુદ્દો ગરમાયો હતો અને તેના પડઘા ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી દેશની રાજધાની દિલ્હી સુધી પડયા હતા. ગ્રેટર નોઈડા દેશની રાજધાની દિલ્હીથી નજીક છે, પરંતુ તુ ઉત્તરપ્રદેશનું શહેર છે અને યુ.પી.-દિલ્હી બોર્ડર નજીક આવેલું છે. આ કારણે આ દુર્ઘટનાની ગુંજ બંને રાજધાનીઓમાં સંભળાયા પછી તેની ચર્ચા ત્રણ દિવસથી પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં પણ થઈ રહી છે, અને જવબાદાર તંત્રો પર માછલાં ધોવાઈ રહ્યા છે. આ પ્રકારની દેશભરમાં બનેલી તાજેતરની અન્ય ઘટનાઓ તથા બિલ્ડરો-કોન્ટ્રાકટરો-તંત્રો અને શાસકો-પ્રશાસકોની ભ્રષ્ટ મીલીભગતની આશંકા તથા ઉગ્ર જનાક્રોશને પડઘાવતી આ ચર્ચાઓ આજે દેશવ્યાપી ચિંતાનું કારણ પણ બની હતી.
હકીકતે ગ્રેટર નોઈડાના સેકટર-૧૫૦ પાસે એક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું, તેની નજીક પાણીથી ભરેલો ઊંડો ખાડો હતો. ગુરૂગ્રામથી પરત ફરી રહેલા એક સોફટવેર એન્જિનિયર ગાઢ ધુમ્મસ વચ્ચે આ ખાડામાં કાર સાથે ખાબક્યા હતા અને તે પછી બચાવ કામગીરી શરૂ થઈ હતી., આ કવાયત છતાં એ આશાસ્પદ સોફટવેર એન્જિનિયરનો જીવ બચાવી શકાયો નહીં, અને પાંચેક કલાક પછી તેને બહાર કઢાયો ત્યારે તેનું નિધન થઈ ચૂક્યું હતું. સ્થાનિકોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ સર્વિસ રોડ પર રિફલેકટર નહોતા અને ખાડાને કોર્ડન કરીને ઢાંકવામાં આવ્યો નહોતો કે ચેતવણીના રિફલેકટર્સ સાથેના બોર્ડ મુકાયા નહોતા. પોલીસે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સામે એફઆઈઆર ફાડી હતી. તે પછી જનાક્રોશ સાથે વિરોધ-પ્રદર્શન પણ થયુું હતું.
એવું કહેવાય છે કે નોઈડાના તંત્રે લાપરવાહીના દોષિત ઠરાવીને એક જુનિયર એન્જિનિયરને નોકરીમાંથી બરખાસ્ત કર્યો હતો અને હવે તપાસ ચાલી રહી છે, તથા એસ.આઈ.ટી.ની રચના થઈ છે, તો તંત્રો જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે.
આ તરફ હાલાર અને સૌરાષ્ટ્ર સહિતના ઘણાં સ્થળે પણ કોઈને કોઈ કારણે માર્ગ અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો અવાર-નવાર આવતા હોય છે, તેથી ગ્રેટર નોઈડાની આ ઘટનાનું દૃષ્ટાંત એ દર્શાવે છે કે દેશની રાજધાનીની નજીક જ જો આ પ્રકારની લાપરવાહીથી લોકોના જીવ જતા હોય તો દેશના દૂર-સુદૂરના અને સરહદી, દુર્ગમ કે પહાડી વિસ્તારોની કેવી દશા થતી હશે ?
આપણાં જામનગરની જ વાત કરીએ તો કોરોનાકાળ પહેલાના સમયથી નગરમાં કોઈને કોઈ વિકાસના કામે નાનું મોટું ખોદકામ થતું જ રહે છે. અને ખોદકામ જે વિકાસના કામે નાનું મોટું ખોદકામ થતું જ રહે છે અને તે ખોદકામ જે વિકાસના કામ કે સુવિધાઓની સુધારણા કે વિસ્તૃતિકરણ માટે થયું હોય, તે વિકાસકામ સંપન્ન થઈ જાય, તે પછી એ ખોદકામ સમથળ કરીને તેના પુનઃ પાકી સડક બનાવવામાં ઘણો લાંબો સમય વ્યતીત થતો હોય છે., આ કારણે ઉબડ-ખાબડ રીતે બૂરાયેલા ખાડાઓમાં નાખેલી અણીયાળી કાંકરીઓ કે મગરની પીઠ જેવી સપાટીના કારણે વાહનચાલકો સહિત તમામ લોકો પરેશાન થતા રહે છે. અને ઘણી વખત નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે.
કેટલાક સ્થળે જુદા-જુદા કામે બે-ત્રણ વખત સડકો ખોદાયા અને બુરાયા પછી તેના પરથી પસાર થવું પડકારરૂપ બની જતું હોય છે, અને તેમાં પણ ચોમાસા પછી પણ માવઠાનો વરસાદ પડતા થયેલા તે સમયના કાદવ-કીચડ પછી હવે તો તે સુકાઈ જતા ખેડાયેલા ખેતર જેવા માર્ગો થઈ જાય છે, જેના પરથી ચાલવું કે વાહન ચલાવવું પણ ઘણું જ મુશ્કેલ હોય છે, આ તમામ સમસ્યાઓ જાણતા સંબંધિત તંત્રોએ કામો ચાલતા હોય ત્યારે પણ લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, અને કામ પૂરૃં થયા પછી સારી સડકોનું પુનઃ નિર્માણ થાય, તેની તકેદારી રાખવી જ જોઈએ, પછી ભલે તે શેરી-ગલીના માર્ગો હોય, શહેરના આંતરિક માર્ગો હોય, રીંગ રોડ હોય કે પછી ધોરીમાર્ગો હોય...
રાજ્યમાં અત્યારે પાલિકા-મહાપાલિકાઓ, પંચાયતો, રાજ્ય સરકાર અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોય, ત્રિપલ એન્જિનની સરકાર હોવાનું ગૌરવ લેવામાં આવી રહ્યું છે, ત્યારે આ અવસરનો પ્રજાલક્ષી ઉપયોગ કરીને લોકોપયોગી કામો ગુણવત્તાસભર અને સમયોચિત રીતે સંપન્ન થાય, લોકોને નડતરરૂપ બને નહીં, તેવી રીતે કામો થાય અને લોટ, પાણીને લાકડાના બદલે મજબૂત માળખાકિય સુવિધાઓ ઊભી થાય, તેવો અભિગમ રાખવો જોઈએ, તેના બદલે ભ્રષ્ટ નેતાઓ, કોન્ટ્રાકટરો અને સંબંધિત અધિકારીઓના નકલી ત્રિપલ એન્જિનો ધમધમવા લાગ્યા હોય અને નબળા વિકાસકામો કરીને ખાનીગી તિજોરીઓ ભરવાના કારસા રચાયા હોય ત્યારે લોકોને મૂળ ત્રિપલ એન્જિનો પર આ ડુપ્લીકેટ ત્રિપલ એન્જિનો ભારે તો પડી રહ્યા નથી ને ? તેવો સવાલ ઉઠે એ સ્વાભાવિક છે.
ત્રિપલ એન્જિનોની સરકાર ધરાવતા ભારતીય જનતા પક્ષને આજે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે, અને હવે નીતિન નબિન લાંબી ઈનિંગ રમવાના છે, ત્યારે તેમની પણ ટોપ પ્રાયોરિટી સંગઠનના આંતરિક ખટરાગના ખાડાઓ બુરવા તથા નકલી ત્રિપલ એન્જિનને અંકુશમાં રાખીને સરકારોને "માપ"માં રાખવાની જ હશે, અને એ પ્રાયોરિટી જ તેમના માટે પડકારરૂપ બની શકે છે.
વિકાસના કામો થતા હોય, ત્યારે લોકોને પણ થોડી અગવડ પડે અને રોજીંદા જીવનને અસર થાય, તે સ્વાભાવિક છે, અને તેમાં સહયોગ આપવો તે એક નાગરિક તરીકે આપણી બધાની પણ મૂળભૂત ફરજ છે, પરંતુ જ્યારે કામો શરૂ થવામાં વિલંબ થાય, ચાલી રહેલા કામો મંથન (ધીમી) ગતિથી ચાલે અને એ કામો દરમ્યાન લોકોને વધારે પડતી હાડમારી ભોગવવી પડતી હોય અને ફિલ્ડ પર કામ કરતા પેટા કોન્ટ્રાકટરો અને તેના કર્મચારીઓનો જનતા સાથેનો વ્યવહાર યોગ્ય ન હોય, તો તેને નકલી ત્રિપલ એન્જિનની જ બલિહારી માનવી પડે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial