Advertisement
Author: નોબત સમાચાર

સુનિતા વિલિયમ્સ 'નાસા'માંથી થયા નિવૃત્ત

અવ્વલ અંતરીક્ષ યાત્રીની અવકાશને અલવિદા...

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૧: ભારતીય મૂળના જાણીતા મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ હવે નાસામાંથી નિવૃત્ત થયા છે. ૨૭ વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી બાદ, ડિસેમ્બર ૨૦૨૫ના અંતમાં તેમણે સત્તાવાર રીતે વિદાય લીધી છે.

નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને બુધવારે આ અંગેની જાહેરાત કરતા તેમને 'અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક' ગણાવ્યા હતા. નિવૃત્તિ સમયે ભાવુક થતા સુનિતા વિલિયમ્સે જણાવ્યું કે, 'નાસામાં મારી ૨૭ વર્ષની કારકિર્દી અદ્ભૂત રહી છે. સ્પેસ સ્ટેશન પર અમે જે વિજ્ઞાન અને પાયો તૈયાર કર્યો છે, તે ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટે રસ્તો સરળ બનાવશે. હવે નાસા ઇતિહાસ રચશે તે જોવા માટે હું આતુર છું.'

અવ્વલ અંતરીક્ષયાત્રી ૬૦ વર્ષીય સુનિતા વિલિયમ્સના નામે અવકાશમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાયેલી છે, જેમાં  તેણીએ અંતરીક્ષમાં કુલ ૬૦૮ દિવસ વિતાવ્યા છે, જે નાસાના કોઈપણ એસ્ટ્રોનોટ દ્વારા વિતાવેલો બીજો સૌથી લાંબો સમય છે. આ ઉપરાંત, એક જ ઉડાનમાં સૌથી લાંબો સમય અવકાશમાં રહેનારા અમેરિકનોની યાદીમાં તેઓ છઠ્ઠા નંબરે છે. આ રેકોર્ડમાં તેઓ એસ્ટ્રોનોટ બુચ વિલમોરની બરાબરી પર છે આ બંનેએ બોઇંગ સ્ટારલાઈનર અને સ્પેસ-એક્સ ક્રૂ-૯ મિશન દરમિયાન સતત ૨૮૬ દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા હતા.

સુનિતા વિલિયમ્સે ૯ વખત સ્પેસવોક કરી છે, જે કુલ ૬૨ કલાક અને ૬ મિનિટની થાય છે. કોઈપણ મહિલા દ્વારા કરવામાં આવેલો આ સૌથી લાંબો સ્પેસવોક સમય છે. તેઓ અવકાશમાં રહીને મેરેથોન દોડનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

સુનિતા વિલિયમ્સનું છેલ્લું મિશન ખૂબ જ ચર્ચામાં રહૃાું હતું. જૂન ૨૦૨૪માં તેઓ બોઈંગ સ્ટારલાઈનરના પ્રથમ માનવ પરીક્ષણ માટે અવકાશમાં ગયા હતા. જોકે, ટેકનિકલ ખામીને કારણે આ ટૂંકું મિશન ૯ મહિના સુધી ખેંચાયું હતું. આખરે માર્ચ ૨૦૨૫માં તેઓ સ્પેસએક્સના ક્રૂ-૯ મિશન દ્વારા સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા એક જાણીતા ન્યુરોએનાટોમિસ્ટ હતા. તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં થયો હતો, પરંતુ બાદમાં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. ત્યાં તેમણે સ્લોવેનિયન મૂળના બોની પંડ્યા સાથે લગ્ન કર્યા.

સુનિતાનો જન્મ અમેરિકામાં જ થયો હોવાથી તેઓ અમેરિકન નાગરિક છે, પરંતુ તેમનો ભારત અને ખાસ કરીને ગુજરાત સાથેનો નાતો હંમેશાં અતૂટ રહૃાો છે.

સુનિતા વિલિયમ્સે હંમેશાં ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે. પોતાની ભારત મુલાકાતને તેઓ 'વતન પરત ફરવા' જેવી ગણાવતા હતા. તેમણે કહૃાું હતું કે, 'અવકાશમાંથી પૃથ્વીને જોયા પછી માણસો વચ્ચેના ભેદ નાના લાગે છે અને એવું અનુભવાય છે કે આપણે સૌ એક જ છીએ.'

સુનિતા વિલિયમ્સ માનવ અવકાશ ઉડાનના પ્રણેતા હતાઃ નાસા

નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સ માનવ અવકાશ ઉડાનના પ્રણેતા હતા અને તેમણે અવકાશ મથક પર તેમના નેતૃત્વ દ્વારા ભવિષ્યના મિશનનો પાયો નાખ્યો હતો. તેમના યોગદાનથી ચંદ્ર પર આર્ટેમિસ મિશન અને મંગળ પર ભવિષ્યના મિશન માટે માર્ગ મોકળો થયો હતો.

સુનિતા વિલિયમ્સે પહેલી વાર ડિસેમ્બર ૨૦૦૬માં સ્પેસ શટલ ડિસ્કવરીમાં ઉડાન ભરી હતી. ૨૦૧૨ માં, તેણીએ કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી અવકાશમાં મુસાફરી કરી હતી અને અવકાશ મથકના કમાન્ડર તરીકે સેવા આપી હતી. તેણીએ તાજેતરમાં જૂન ૨૦૨૪ માં બોઇંગ સ્ટારલાઇનર મિશનમાં અવકાશમાં ઉડાન ભરી હતી અને માર્ચ ૨૦૨૫ માં પૃથ્વી પર પરત ફરી હતી.

નાસાના જોહન્સન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર વેનેસા વાયચે જણાવ્યું હતું કે સુનિતાની કારકિર્દી નેતૃત્વ, સમર્પણ અને હિમતને મૂર્ત સ્વરૂૂપ આપે છે, જે આવનારી પેઢીઓના અવકાશયાત્રીઓને પ્રેરણા આપતી રહેશે.

નિવૃત્તિ પછી, સુનિતા વિલિયમ્સે કહૃાું કે અવકાશ તેમનું પ્રિય ઘર રહૃાું છે અને નાસામાં તેમનો સમય તેમના જીવનનો સૌથી મોટો સન્માન રહૃાો છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમનું કાર્ય ચંદ્ર અને મંગળ પરના મિશન માટે માર્ગ મોકળો કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh