Advertisement
Author: નોબત સમાચાર

આઝાદી પહેલા અને પછી આપણા દેશોના બજેટો કેવા હતાં? કેટલા બદલાયા?

દેશની આઝાદી પછી પ્રજાસત્તાક બનતા સુધી વચગાળાના બજેટો રજૂ થયા હતાં

                                                                                                                                                                                                      

આ વર્ષે કેન્દ્રનું વર્ષ ર૦ર૬-ર૭ નું બજેટ રવિવારે આવતીકાલે રજૂ થવાનું છે. સામાન્ય રીતે બજેટ રજૂ થવાના નિયત કરેલા દિવસો વર્કીંગ ડે હોય છે, પરંતુ આ વખતે પહેલી ફેબ્રુઆરીના દિવસે રવિવાર હોવાથી દેશનું બજેટ રવિવારે રજૂ થવાનું છે, અને તેના પર આખા દેશની નજર મંડાયેલી હશે.

જીએસટી કાઉન્સિલની રચના થયા પછી મોટાભાગના પરોક્ષ અને કેટલાક પ્રત્યક્ષ કરવેરા જીએસટીના કાર્યક્ષેત્રમાં આવી ગયા હોવાથી હવે કેન્દ્રિય બજેટ પર પહેલા જેટલું કુતૂહલ રહેતું નથી, અને ગત્ વર્ષે ઈન્કમટેક્સની મુક્તિમર્યાદા ૧ર લાખ કર્યા પછી આ વર્ષે તેમાં બહુ મોટા ફેરફારોની સંભાવના નથી. તેમ છતાં રેલવે બજેટ તથા ટ્રમ્પ ટેરિફને કાઉન્ટર કરવા કેન્દ્રિય નાણામંત્રી કેવા કદમ ઊઠાવે છે, તેના પર સૌ કોઈની નજર તો રહેવાની જ છે ને?

વર્ષ ર૦૧૪ પહેલા બજેટની જે રીતે રાહ જોવામાં આવતી હતી, તેવી ઈન્તેજારી હવે રહેતી નહીં હોવા છતાં દેશને વિશ્વની ત્રીજી ઈકોનોમિ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રણનીતિ તથા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલ સીતારમણના પ્રયાસો પર થઈ રહેલી ચર્ચાઓ જોતા આ તમામ નવા વૈશ્વિક તથા આંતરિક પ્રવાહોની ઘેરી અસરો આવતીકાલના કેન્દ્રિય બજેટ પર પડશે, તે નક્કી જણાય છે.

ભારતના બજેટનો ઈતિહાસ

ભારત સરકારનું બજેટ સદીઓ જુનો ઈતિહાસ ધરાવે છે. ભારત આઝાદ થયું અને ભારતીય સંસદ રચાઈ, તે પહેલા ભારતનું બજેટ બ્રિટિશ હકુમત દ્વારા ગ્રેટ બ્રિટનની પરિષદોમાં રજૂ થતું હતું. ભારતનું પહેલુ બજેટ વઈસરોયની પરિષદમાં સૌ પ્રથમ અંગ્રેજ અફસર જેમ્સ વિલસને રજૂ કર્યું હતું. તે પછી દર વર્ષે વાઈસરોયની પરિષદમાં બજેટ મંજુરી માટે જતું હતું. ભારતને આઝાદી આપવાની વિચારણા હાથ ધરાયા પછી આઝાદી આપવાનું નક્કી થયું હતું અને સ્વાતંત્ર્યની જાહેરાત પહેલા ઓક્ટોબર-૧૯૪૬ થી ૧૪ મી ઓગસટ સુધી વચગાળાની રચાયેલી સરકારનું બજેટ લિયાકત અલી ખાને રજૂ કર્યું હતું, જ્યારે આઝાદ ભારતનું પહેલુ બજેટ ર૬ નવેમ્બર-૧૯૪૭ ના દિવસે આર.કે. સન્મુખમ્ ચેટ્ટીએ તૈયાર કર્યું હોવાનો ઈતિહાસ છે. ભારત પ્રજાસત્તાક થયા પછી નવી સંસદની રચના સુધી આઝાદ ભારતના વચગાળાના વાર્ષિક બજેટો રજૂ થયા હતાં.

આઝાદ ભારતનું પહેલુ બજેટ

આપણા દેશને ૧પ ઓગસ્ટ-૧૯૪૭ ના દિવસે આઝાદી મળી, તે પછી રજૂ થયેલું પ્રથમ બજેટ ૩૧ માર્ચ-૧૯૪૮ સુધીના સમયગાળા માટે હતું, તેથી એવું કહી શકાય કે એ વચગાળાનું બજેટ ૧પ મી ઓગસ્ટ-૧૯૪૭ થી ૩૧ માર્ચ-૧૯૪૮ સુધીનું સાડાસાત મહિના માટે રજૂ થયું હતું. એ બજેટમાં મહેસુલનું લક્ષ્ય ૧૭૧ કરોડથી વધુ હતું, જ્યારે ખર્ચ રૂ।. ૧૯૭.ર૯ કરોડનો અંદાજાયો હતો.

પહેલા બજેટમાં મહત્તમ

ફાળવણી રક્ષા ક્ષેત્રે

ભારત આઝાદ થયું, તે પછી સૌથી મોટો પડકાર રાષ્ટ્રીય સરહદો તથા આંતરિક-બાહ્ય સુરક્ષાનો હતો અને ભારતની બન્ને તરફ પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન હોવા ઉપરાંત કેટલાક રજવાડાઓને ભારતીય સંઘમાં સમાવવાની કવાયત પણ ચાલી રહી હતી, તેથી દેશના પ્રથમ બજેટનો ૪૬ ટકા હિસ્સો સંરક્ષણ ક્ષેત્રે ફાળવાયો હતો, અને રૂ।. ૯ર.૭૪ કરોડની જોગવાઈ સંરક્ષણ ક્ષેત્ર માટે જ કરાઈ હતી, કારણ કે તે સમયે દેશની પ્રાથમિક્તા એ જ હતી.

કેન્દ્રનું બીજુ બજેટ

કેન્દ્રનું બીજુ બજેટ દેશ પ્રજાસત્તાક થવા જઈ રહ્યો હતો, ત્યારે વર્ષ ૧૯૪૯-પ૦ માટે જોન મથાઈએ રજૂ કર્યું હતું. આ બજેટમાં આયોજનપંચનો રોડમેપ રજૂ થયો હતો. તે પછી સી.ડી. દેશમુખે કુલ ૭ વખત કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું.

ચૂંટાયેલી સરકારના પ્રથમ બજેટો

વર્ષ ૧૯પ૧-પર ની દેશની સામાન્ય ચૂંટણીઓ પછી લોકો દ્વારા ચૂંટાયેલી સરકારનું પ્રથમ બજેટ સી.ડી. દેશમુખે રજૂ કર્યું હતું, અને તે પછી સતત ૭ વર્ષ સુધી તેમણે જ કેન્દ્રિય બજેટ રજૂ કર્યા હતાં.

નહેરૂનું પ્રથમ બજેટ

વર્ષ ૧૯પ૮ માં તે સમયના નાણામંત્રી ટી.સી. કૃષ્ણમચારીના રાજીનામા પછી તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને નાણામંત્રીની ફરજો બજાવીને કેન્દ્રિય બજેટ રજૂ કરવાની ફરજ પડી ત્યારે તેમણે ગિફ્ટ ટેક્સની જોગવાઈ કરી હતી. ઈન્દિરા ગાંધીએ પણ તેઓ વડાપ્રધાન હતાં ત્યારે પ્રથમ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું.

સૌથી વધુ બજેટ કોણે રજૂ કર્યા?

નાણામંત્રી તરીકે મોરારજી દેસાઈએ સૌથી વધુ બજેટ ૧૦ વખત રજૂ કર્યા હતાં. તેઓએ વર્ષ ૧૯૭૭ પછી વડાપ્રધાન બન્યા ત્યારે પણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યા હતાં. બીજા ક્રમે પી. ચિદમ્બરમે ૯ વખત અને પ્રણવ મુખર્જીએ ૮ વખત બજેટ રજૂ કર્યા હતાં, જ્યારે નિર્મલા સીતારમણ ૯ મી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

બજેટ રજૂ કરવાની બદલાતી પદ્ધતિઓ

દેશ આઝાદ થયો તે પછી બજેટ રજૂ કરવાની પદ્ધતિઓ બદલાતી રહી છે, જ્યારે 'હલવા' સહિતની કેટલીક પરંપરાઓ જળવાઈ રહી છે. વર્ષ ૧૯પપ-પ૬ માં તે સમયના નાણામંત્રી સી.ડી. દેશમુખે પહેલી વખત હિન્દીમાં બજેટના દસ્તાવેજો રજૂ કર્યા હતાં. વર્ષ ૧૯૯૧ માં તે સમયના કેન્દ્રિય નાણામંત્રી મનમોહનસિંહે (જેને પછીથી દેશના વડાપ્રધાન પણ બન્યા હતાં) નરસિંહરાવની સરકારમાં આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિક્તાની દિશામાં સાહસિક કદમ ઊઠાવીને ભારતીય બજેટને ગ્લોબલ માર્કેટ સાથે જોડી દીધું હતું, અને આ ઐતિહાસિક કદમને તે પછીની તમામ સરકારો આગળ વધારતી રહી છે અને એ જ નીતિ આજે દેશના ટોપ-ફાઈવ ગ્લોબલ ઈકોનોમિક સુધી લઈ આવી છે, જેમાં પ્રવર્તમાન કેન્દ્રિય સરકારનો પણ સિંહફાળો છે.

તે પછી વર્ષ ૧૯૯૯ માં વાજપેયી સરકારના સમયગાળામાં તે સમયના નાણામંત્રી યશવંત સિંહાએ પરંપરા તોડીને બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરવાના બદલે સવારે ૧૧ વાગ્યે રજૂ કરવાની શરૂઆત કરી હતી.

વર્ષ ર૦૧૭ માં મોદી સરકારના સમયગાળામાં તે સમયના નાણામંત્રી અરૂણ જેટલીએ આઝાદી પૂર્વેથી દાયકાઓથી રજૂ થતા અલગ રેલવે બજેટની પરંપરા તોડીને રેલવે બજેટને કેન્દ્રિય નાણામંત્રીના બજેટનો ભાગ બનાવી દીધું હતું.

વર્ષ ર૦૧૭ થી જ બજેટ ફેબ્રુઆરીના અંતે રજૂ કરવાના બદલે પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવાની પરંપરા શરૂ થઈ. પહેલા વર્ષના અંતે બજેટ રજૂ કરવાના કારણે ગ્રાન્ટ ફાળવણીમાં વિલંબ થતો હોવાથી એપ્રિલમાં તમામ કામોને અસર થતી હતી, જે સમસ્યાનું ક્રમશઃ ફેરફારો કરીને પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરીને નિવારણ કરાયું હતું.

આ દરમિયાન બજેટ એક બેગમાં લાવવામાં આવતું હતું, અને નાણામંત્રી રાષ્ટ્રપતિની મંજુરી લેવા જતા હતાં. તેમાં ફેરફાર કરીને હવે બજેટ પરંપરાગત બ્રિફકેસના બદલે લાલ રંગના ફોલ્ડરમાં લાવવામાં આવે છે. આ ફેરફાર વર્ષ ર૦૧૯ થી થયો હતો અને આ ફોલ્ડરને 'વહી-ખાતા' જેવું સ્વદેશી નામ અપાયું હતું. વર્ષ ર૦ર૧ માં કેન્દ્રિય બજેટને ડિજિટલ સ્વરૂપમાં પણ રજૂ કરાયું હતું, અને પરંપરાગત દસ્તાવેજોના બદલે ટેબલેટમાં બજેટ રજૂ કરવાનું શરૂ થયું હતું.

આમ, વહી-ખાખાની ભારતીય પ્રાચીન પરંપરા અને ટેબ્લેટમાં ડિજિટલ સ્વરૂપ આપીને બજેટની પ્રસ્તુતિમાં પણ અર્વાચીનતા અને પ્રાચીનતાનો અનોખો સંગમ કરાયો હતો.

વર્ષ ર૦ર૬-ર૭ ના બજેટમાં અપેક્ષાઓ

ભારતને વર્ષ ર૦૪૭ માં વિકસિત ભારત તથા વિશ્વની નંબર વન ઈકોનોમિ બનાવવાના ધ્યેય સાથે આગળ વધી રહેલી પ્રવર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલે રજૂ થનારા બજેટમાં કેવી જોગવાઈઓ હશે અને ટેબ્લેટના સ્વરૂપમાં તથા સંસદમાં બજેટ પ્રવચન દરમિયાન કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણની ખાતા-વહીમાંથી શું નીકળે છે, તે અંગે અનુમાનો થઈ રહ્યા છે, અને અપેક્ષાઓ પણ વ્યક્ત થઈ રહ્યા છે.

વિશ્લેષકો-અભ્યાસુઓ તથા તજજ્ઞોની ચર્ચા તથા પ્રેસ-મીડિયા-સોશિયલ મીડિયામાં કેટલીક અપેક્ષાઓ વ્યક્ત થઈ રહી છે. એવું મનાય છે કે આ બજેટમાં મોટા ફેરફારો કરવાના બદલે સરકાર પ્રવર્તમાન જોગવાઈઓમાં જ જરૂરી સુધારા-વધારા કરીને મ્ધ્યમવર્ગીય અને નોકરિયાત કરદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરશે.

આ બજેટમાં ટેક્સકાયદાઓને વધુ સરળ બનાવવા તથા સમસ્યાઓના નિવારણ તથા વિવાદોના ઉકેલની જાહેરાત થઈ શકે છે. કેટલીક કેન્દ્રિય યોજનાઓને વધુ સરળ બનાવીને વધુ સહાયની જોગવાઈઓ થઈ શકે છે. હીરા ઉદ્યોગને ટેક્સ રાહત ઉપરાંત રફ-હીરા પર જોબવર્કની મંજુરીની અપેક્ષા રખાઈ રહી છે. આ બજેટમાં ટ્રમ્પ ટેરિફ પછીના પડકારોને પહોંચી વળવા પર ભાર મૂકાશે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન, લોજેસ્ટિક, ડિજિટલ, રિયલ એસ્ટેટ તથા કૃષિ-પશુપાલનના ક્ષેત્રે વ્યાપક જોગવાઈઓ થશે, તેવી ધારણા છે. દેશને ગ્લોબલ ઈકોનોમિકલ પાવરહાઉસ બનાવવા જરૂરી સુધારાઓનો અવકાશ છે, તથા રાજ્યોને વ્યાજમુક્ત ધિરાણો, ધોરીમાર્ગોનું આધુનિકરણ તથા અર્બન ડેવલપમેન્ટને લક્ષ્યમાં લઈને નાણામંત્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વર્તમાન બજેટ ડબલ કરીને ત્રણ લાખ કરોડ સુધી લઈ જશે, તેવી પણ અટકળો છે. તે ઉપરાંત રેલવે, હવાઈ સેવાઓ તથા બિનપરંપરાગત ઊર્જાના વિકાસના ક્ષેત્રે પણ સ્થાપક રાહતો સાથેની જોગવાઈઓ થઈ શકે છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh